પપ્પાના દેવલોક થયાને હજુ
પૂરું અઠવાડિયું પણ નથી થયું.. થોડા દિવસો પહેલા પપ્પાને વળાવવા ઉમટેલા સ્નેહી
સ્વજનોનું મહેરામણ જાણે યંત્રવત એમની મીઝી લાઈફમાં ખોવાઈ ગયું છે. અટકી છે તો
માત્ર ત્રણ જિંદગીઓ-તમારી મમ્મી, મોટી બહેન અને તમારી. સંધ્યાકાળે રોજ તમે ભજન અને
પાઠ કરો છો, પપ્પાની આત્માંની શાંતિ માટે તેમજ તમારા વ્યગ્ર મનને પણ શાંત કરવા.
આજે પાઠ કરતા કરતા અનાયાસે તમારી નજર તમારી મમ્મીના ચહેરા પર અટકે છે, અને કૈક
ખાલી, કૈક જુદું, કૈક બહુ અકળામણ લાગે છે. યાદોની કલરફૂલ અને ખુશીઓ ભરી
ફ્રેમ્સમાંથી તમે શોધીને કાઢો છો મમ્મીનો ચહેરો, સરખાવો છો એને અત્યારની આ મમ્મીની
બદલાયેલી સુરત સાથે અને... એક અઠવાડિયામાં મમ્મીના અસ્તિત્વમાંથી ગાયબ થઇ ગયેલું
એનું ઘણું બધું તમને સમઝાઈ જાય છે. પપ્પાના જવાની સાથે મમ્મીએ એની લાઈફમાંથી બધા
રંગોને પણ જાકારો આપી દીધો છે. કાયમ ગોળ લાલ ચટ્ટક ચંદ્લાથી શોભતું મમ્મીનું કપાળ
હવે કોરું રહે છે,એની આંખો જેવું, પપ્પાના જવા પછી ગળાઈ ગયેલી તમારી લાગણી જેવું.
મમ્મીના હોવાપણાની સાબિતી આપવા કાયમ રણકતી રહેતી લાલ-લીલી બંગડીઓનો અવાજ પણ હવે
મૂંગો થઇ ગયો છે. પપ્પાના જવા સાથે એક
સાથે મમ્મીની જિંદગીમાંથી જાને ઘણું બધું ચાલ્યું ગયું છે, રહી ગયો છે માત્ર
વિષાદ. કેમ? તમે જાતને પૂછ્યું, મોટી બહેન, બાજુવાળા વર્ષો જુના વિધવા દાદીને
પૂછ્યું, સામે રહેતા મમ્મીના હમઉમ્ર અને ખાસ મિત્ર એવા પડોસી આંટીને પણ પૂછ્યું –
અને બધેથી એક જ જવાબ પડ્યો , એ તો રીવાજ છે બેટા, એમાં આપણું નાં ચાલે! સમાજમાં
રહેવું હોય તો એના રીતી રીવાજો, પરંપરાઓનો આદર કરવો પડે, એમને મને-કમને પાળવા પડે.
અને તમે વિચારી રહ્યા –
સમાજ એટલે? અને કોણ બનાવે છે આ રીતી-રીવાજો અને નિયમો? કોણ બદલી શકે આ સદીઓથી ચાલી
આવતી પરંપરાઓને? શું આ પરંપરાઓ કે રીવાજોનું રક્ષણ અને જાળવણી એ જ સંસ્કૃતિ અને
સમાજનું રક્ષણ છે?
શું નારી આ રીતી રીવાજોથી
પીડિત છે?
કે નારી આ રીતી રીવાજોને
સાચવે છે, નવી પીઢીમાં સુપેરે સીંચે છે અને એનું રક્ષણ કરે છે?
કે પછી નારી જ વખતે-વખતે
સમાજ અને રૂઢિઓમાં બદલાવ લાવે છે...
પ્રશ્નો જટિલ છે, જવાબ કોણ
આપશે?
આવો, હું તમને સમઝાવું આ
પ્રશ્નોના જવાબ સરળ નારી-આયામ થકી..
***
આવો મળીએ એક શિક્ષિકાને-
સકીના યાકુબી.
સકીના અફઘાનિસ્તાનમાં
શિક્ષિકા છે અને એક મજબુત વુમન રાઈટ્સ એડવોકેટ છે.
અફઘાનિસ્તાન એવી ભૂમિ છે
જ્યાં સ્ત્રીઓનું ભણતર તાલીબાનોના કાળા નિયમો મુજબ નિષેધ છે. એવી બિહામણી જગ્યા
જ્યાં આંખોમાં સપનાઓ આંજીને હોશથી સ્કુલે જતી નિર્દોષ દીકરીઓ પર એસીડ ફેંકી, એમના
ભણવાના સપના અને એમનું અસ્તિત્વ કચડી નાખવાના હિચકારા પ્રયાસો સામાન્ય છે. સકીના સુપરે સમઝે છે
કે- જો પોતાના લોકો અને સમાજને આગળ ધપાવવો હશે- વિશ્વ સાથે કદમ મિલાવવા સક્ષમ
બનાવવો હશે, જરી-પુરાણા અને અમાનવીય રીવાજો બદલવા હશે –તો એકમાત્ર સચોટ રસ્તો છે –
એજ્યુકેશન! અને એટલેજ સકીના શરુ કરે છે
“અફઘાન ઇન્સ્ટીટયુટ ઓફ લર્નિંગ”, જે અફઘાનિસ્તાન સહીત પાકિસ્તાનમાં પણ સ્ત્રી
શિક્ષણની શરૂઆત કરે છે- એક નવી ખુમારી અને ઉર્જા સાથે! અફઘાનિસ્તાન અને પાકિસ્તાન
જેવા રૂઢીચુસ્ત દેશોમાં કઈ રીતે એક નારી લાવી શકે છે આવો બદલાવ?
કોણ છે સકીના યાકુબી? -
માથે પરંપરાગત હેડ-સ્કાફ અને સંપૂર્ણ ઇસ્લામિક ડ્રેસ કોડ ધારણ કરનાર ટીપીકલ
રીલીજીયસ નારી કે પછી સમાજ બદલનાર રીબેલીયન ફેમીનીસ્ટીક?
સકીના યાકુબી કહે છે- મારું
ધ્યેય છે બદલાવ- પ્રગતિ માટે! અને મારા પરંપરાગત વસ્ત્રો મને મદદ કરે છે એવા
સમાજના આગોવાનો સુધી પહોંચવા, એમની સાથે મળીને કામ કરવા - જેમના માટે સંસ્કૃતિ,
ધર્મ, પરંપરા અને રૂઢીઓ ખુબ જ જરૂરી છે! સકીના ઉદાહરણ આપે છે અફઘાનિસ્તાનનાં
રેફ્યુજી કેમ્પસનું, જ્યાં આશ્રિતોને ભણતા કરવાનું કપરું કામ એ માત્ર પોતાની
ટ્રેડીશન ફોલો કરીને જ સરળતાથી કરી શકી! સકીના રેફ્યુજી કેમ્પના ઈમામને મળીને કહે
છે- “હું ઇસ્લામની ચુસ્ત ફોલોવર છું! અને
હું માનું છું કે સ્ત્રીઓ અને બાળકોની આ દયાજનક પરિસ્થિતિ સુધારવા એમને જરૂર છે
તમારા ગાઈડન્સ સાથે સાથે એજ્યુકેશનની! ઈમામ સંમત થાય છે અને અઠવાડિયે બે વાર
સકીનાની સ્કુલમાં ધાર્મિક જ્ઞાન આપવા જાય છે. ઈમામના કુરાનનાં વર્ગોમાં નિયમિત
આવતા રેફ્યુજી કેમ્પના બધાજ સભ્યો ધીમે ધીમે મેથ્સ, સાયન્સ, લેન્ગ્વેજ,
કોમ્પ્યુટર- આ દરેક સબ્જેક્ટનાં વર્ગો નિયમિત ભરતા, ભણતા થઇ જાય છે! આખો રેફ્યુજી
કેમ્પ – શીખે છે, ભણે છે અને મેળવે છે નવી દિશા- સકીનાના નવતર ટ્રેડીશનને ફોલો કરી
બદલાવ લાવવાના વિચારથી! સકીના યાકુબીએ આપી છે નવી દિશા બદલાવ લાવવાની – આપણી
ટ્રેડીશન ફોલો કરીને, પોઝીટીવીટી સાથે, સમાજને સાથે લઈને!
***
લાયમા બોવી - લાઈબિરિયાની
એક સામાન્ય માતા છે. બે પુત્રીઓ અને એક પુત્રની માતા એવી લાયમા લાઈબિરિયાની બીજી
અસંખ્ય માતાઓની જેમ કાયમ ભયના ઓથાર હેઠળ જીવે છે. દાયકાઓથી યુદ્ધના ખપ્પરમાં
હોમાયેલા લાઈબિરિયામાં દરેક માતાને એક છુપો ડર રહેતો - પોતાના પુત્રને જબરદસ્તી
ઉઠાવી લઇ જઈ બાળ-સૈનિક બાનાવી દેવાશે એવો કે પોતાની પુત્રી પર કોઈ પણ પળે બળાત્કાર
થઇ શકે છે એવો! આ ભયના ઓથાર હેઠળ જીવતા થાકેલી લાયમા ઈચ્છે છે -શાંતિ અને અમન, એક
એવો માહોલ જેમાં એ પોતાના પરિવાર સાથે એક સામાન્ય જીન્દગી જીવી શકે. અને આ શાંતિની
તડપ લાયમા જેવી એક સામાન્ય માતા, એક ગૃહિણીને બનાવે છે લાઈબિરિયામાં આવેલા
પરિવર્તનની પ્રણેતા.
લાયમા બોવી વર્ષોથી ચાલતા આ
યુદ્ધને લઈને પોતાનો ડર અને અજંપો વ્યક્ત કરે છે ચર્ચમાં એની સાથે રોજ આવતી, એના જેવી
જ માતાઓ સામે, જેઓ પણ એની જેમજ શાંતિ ઈચ્છે છે. લાયમાની મુસ્લિમ મિત્ર આ જ ચર્ચા
મસ્જીદમાં નિયમિત ઈબાદત માટે આવતી એની કોમની માતાઓ સાથે કરે છે- અને બને છે એક
નાનું ગ્રુપ- શાંતિ ઇચ્છતી માતાઓનું! પહેલા દસ, પછી વીસ અને ધીમે ધીમે સેંકડો
મહિલાઓ સંગઠિત થાય છે-શાંતિની શોધમાં. લાઈબિરિયાનાં રીતી-રીવાજ મુજબ સ્ત્રીઓ
રોજ-બ-રોજના જીવનમાં પણ ખુબ બધા ઘરેણાં અને રંગબેરંગી વસ્ત્રો ધારણ કરે છે.
યુદ્ધનો વિરોધ કરવા, આ શાંતિ-દૂત સમું મહિલાઓનું ગ્રુપ શરુ કરે છે એક નવા
પ્રકારનું આંદોલન. આ ગ્રુપની બધી મહિલાઓ સફેદ વસ્ત્રો પહેરી, એક પણ દાગીનો પહેર્યા
વગર, ચાર્લ્સ ટેલર( એ સમયના લાઈબિરિયાના પ્રેસિડન્ટ)ની ગાડીજે રુટથી રોજ પસાર થાય
છે, ત્યાં સાઈડમાં શાંતિથી ઉભી રહે છે- દિવસો સુધી. અંતે સરકારને શાંતિ મંત્રણાઓ
યોજવાની ફરજ પડે છે! પરંતુ દિવસો સુધી ચાલતી આ શાંતિ મંત્રણાઓ કોઈ પરિણામ સુધી નાં
પહોંચી શકતા, લાયમા અને એની સાથી મહિલાઓ શાંતિ મંત્રાણા જે સ્થળે ચાલે છે ત્યાં
ધરણા કરે છે. ધરણા તોડવા પોલીસને ઓર્ડર અપાય છે. પોલીસ કઈ આગળ પગલુ ભારે એ પહેલા
અચાનક લાયમા સહેજ હાથ ઉંચો કરી પોતાના માથા પર પહેરેલું પરંપરાગત વસ્ત્ર કાઢે છે.
હાજર તમામ પોલીસકર્મીઓ શરમાઈને, સંકોચાઈને પાછા ચાલ્યા જાય છે. પોલીસના
બળ-પ્રયોગનો એકલા હાથે કઈ રીતે સામનો કરી શકી- એ સમઝાવતા લયમા કહે છે કે- “વેસ્ટ
આફ્રિકામાં પ્રચલિત ધાર્મિક માન્યતા પ્રમાણે કોઈ ઉમર લાયક-વડીલ સ્ત્રી જો પોતાની
ઇચ્છાથી-મરજીથી કોઈ અજાણ્યા પુરુષની સામે પોતાના વસ્ત્રો ઉતારે છે તો- એ પુરુષના
આખા પરિવારને શ્રાપ લાગે છે!”.. અને આખરે લાયમાના અથાગ પરિશ્રમનાં ફળ સ્વરૂપે
શાંતિ મંત્રણા સફળ જાય છે, યુદ્ધ વિરામ થાય છે! લાયમા વાપરે છે પોતાની ધાર્મિક
માન્યતા- ટ્રેડીશનને લાઈબિરિયામાં આમુલ પરિવર્તન લાવવા-શાંતિ સ્થાપવા!
***
સદીઓ થી ચાલી આવતી
-સંસ્કૃતિ, પ્રથા, રીતી-રીવાજો અને પરંપરા નું પાલન કરીને, એક નવા રસ્તે બદલાવ
લાવી શકાય છે!
સ્ત્રીઓ- જેઓ સંસ્કૃતિ અને
પરંપરાનું રક્ષણ, નવી પેઢીમાં સિંચન કરે છે, તેઓ જ સમાજમાં આમુલ પરિવર્તન
હકારાત્મક રસ્તે લાવી શકે છે- ટ્રેડીશન ફોલો કરીને!
આવો, બદલીએ સમાજ- સમાજને
સાથે રાખીને, હકારાત્મક રીતે- સંસ્કૃતિની અમુલ્ય ધરોહર જાળવીને!
Comments