Tuesday, May 7, 2013

લાઈફ સફારી~૨૦: મધર્સડે - એક જુદી નજરે!

લાઈફ સફારી, પેજ ૩, વુમન ગાર્ડિયન, ગુજરાત ગાર્ડિયન ન્યુઝ પેપર 


"મૈ કભી બતલાતા નહિ, પર અંધેરેસે ડરતા હું મેં માં... તુજે સબ હે પતા... હે નાં માં... તુજે સબ હે પતા, મેરી માં... – મોબાઈલમાં મધર્સડે સ્પેશિયલ સોન્ગ્સનું લીસ્ટ પ્લે કરીને હું મુડ બનાવવા મથી રહી છું- આવનાર મધર્સડે માટે સ્પેશિયલ આર્ટીકલ લખવા. મધર્સડે દર વર્ષે આવે છે અને આખા વિશ્વમાં ઉજવાય છે. મધર્સડે પર કદાચ ઢગલો પુસ્તકો અને અગણિત આર્ટીકલ્સ લખાયા હશે. એમાં હું નવું શું લખવાની? મારી શી વિસાત- માં કે મધર્સડે પર કઈ જુદું કે કોઈએ ન કહ્યું હોય એવું કઈ કહું કે લખું? – વિચાર માત્રથી હસવું આવ્યું. અને મેં જાતે જ મારી જાતને જવાબ આપ્યો - હું એક માં છું, એજ સૌથી મોટી લાયકાત અને વિસાત છે. મધર્સડે પર હું કઈ નવું લખીશ કે કહીશ નહિ! હું માત્ર શબ્દો દ્વારા મારી જાતને-એક માં ને જ વાચા આપીશ!
માં એટલે? – કોઈ પુસ્તકિયા વ્યાખ્યા નથી આપવી મારે.. મારી જ આસ-પાસ નજર કરી મેં.. અને મને દેખાઈ - બા,માં, મમ્મી, આઈ, મોમ, મધર... કેટ-કેટલા જુદા જુદા  રૂપ માંનાં - પહેરવેશ, સંસ્કૃતિ, સમાજ કે ભાષાને કારણે. છતાં એક અસીમ અને સચોટ સામ્ય – મમતા”..
***
મોમ, મારા લેપ્પીને કોણે ટચ કર્યું? મેં કેટલી વાર નાં પાડી છે કે મારી ગેરહાજરીમાં મારા રૂમમાં નૈ જવાનું! મેં કેટલીક જરૂરી ફાઈલ્સ ડાઉનલોડ કરવા મુકેલી. તે સ્વીચ બંધ કરી અને મારી બધી મહેનત પાણીમાં.. મોમ, તું સાંભળે છે? દુનિયા કયાની ક્યા નીકળી ગઈ અને તું આ સાવરણી અને કિચનની માયામાંથી કોણ જાણે ક્યારે મુક્ત થઈશ? લાઈફમાં કુકિંગ અને ક્લીનીંગ સિવાય કરવા માટે ઘણું બધું છે મોમ! ટેકનોલોજી કેટલી ડેવેલોપ થઇ ગઈ છે, પણ તારે કઈ શીખવું જ નથી! મોમ, યુ નો વોટ? કાલે હું મધર્સડે પર સ્પીચ આપવાનો છુ મારી કોલેજમાં.. હું એમાં વીમેન-પાવરને હાઈ-લાઈટ કરવાનો છુ -સ્ત્રીઓ આજે છેક ચાંદ સુધી પહોંચી છે! અરે, દરેક ફિલ્ડમાં, દરેક કંપનીમાં ટોચ પર આજે સ્ત્રીઓ છે! વિશ્વના વિકાસમાં સ્ત્રીઓનો ફાળો અગ્રીમ છે! તે સુનીતા વિલિયમ્સનું નામ સાંભળ્યું છે? ફરગેટ ઇટ- તને શું ખબર? તું તો બસ આ સાવરણી અને તાબેથાવાળી દુનિયામાં જ ખુશ છે. – સુપુત્ર એક હાથમાં મોબાઈલ અને બીજા હાથમાં લેપ્પી લઈને આંગણામાં પ્રગટ થયો અને મોમને ગ્લોબલ જ્ઞાન આપી રહ્યો.
સવાર સવારમાં વાસી કચરો વાળી ઘરને સ્વચ્છ રાખવાની આદતવશ એ સુપુત્રની મોમ આંગણું સ્વચ્છ કરી રહી હતી. કેટલાય વર્ષોથી અજવાળું થાય એ પહેલા ઉઠી જવું, બધા જાગે એ પહેલા-આંગણું અને આખું ઘર સ્વચ્છ-સુઘડ કરી દેવું, પરિવાર માટે સ્વાસ્થ્યવર્ધક – રુચિકર અને સ્વાદિષ્ટ ભોજન બનાવવું, સામાજિક પ્રસંગોમાં અને લાગણીના વ્યહવારમાં પણ અગ્રેસર રહેવું – કેટલું બધું સચોટ, સમયસર અને આયોજનબદ્ધ રીતે કરી શકે છે એની મોમ..
વિશ્વના વિકાસમાં સ્ત્રીઓનો અગ્રીમ ફાળો કદાચ સુ-શિક્ષિત સુપુત્રને પુસ્તકોમાં કે ઇન્ટરનેટપર વાંચીને સમ્ઝાયો હશે.. પણ પોતાના અને પોતાના કુટુંબના વિકાસમાં પોતાની માંનો ફાળો અને બલિદાન કદાચ એને ક્યારેય નહિ સમઝાય- કેમકે મમતા અને પ્રેમના પ્રદાનનાં રીપોર્ટ નથી હોતા અને પરિવારને સમર્પિત કરેલા વર્ષોનાં હિસાબની બેલેન્સશીટ નથી હોતી..
હું અનિમેષ નજરે જોઈ રહી પુત્ર અને પરિવારને સમર્પિત માંનો પ્રેમ.
***
મીઠ્ઠી, આજે ફરી લંચ બોક્સ ઘરે ભૂલી નાં જતી! અને સ્કુલેથી આવીને મેઇડને ઉપરનો ફ્લોર ક્લીનીંગ માટે ખોલી આપજે. અને હા, ટાઈમ પર હોમ વર્ક કરી લેજે. પાપા ને કદાચ આજે મીટીંગ છે તો લેઈટ થશે- સાંજે હું તને ડાન્સ ક્લાસમાં લઇ જઈશ. અને આજે સાંજે હું તારા સાયન્સ પ્રોજેક્ટનું મટીરીયલ લઇ આવીશ. આ વીકએન્ડમાં આપણે ફિનિશ કરી દઈશું. આઈ એમ ગેટીંગ લેઈટ, કઈ કામ હોય તો કોલ કરજે. લવ યુ સ્વીટી પાઈ! – એક્ટીવા સ્ટાર્ટ કરી, ઉતાવળમાં એક બીજા પ્રકારની મોમ પોતાની સ્વીટહાર્ટ ડોટરને રોજીંદી સુચનાઓ આપી રહી.
મોમ, ઇનફ- મને યાદ છે – ડુઝ અને ડોન્ટસ... અને આખી સોસાયટીમાં બધાને હવે બાય હાર્ટ છે! પ્લીઝ ડોન્ટ વેસ્ટ યોર પ્રેશિયસ ટાઈમ! જાઓ તમારા વગર તમારી ઓફીસ બંધ થઇ જશે! હજુ માંડ ટીન-એજમાં પ્રવેશેલી મીઠ્ઠી મોમ પર તીખા શબ્દો વરસાવી રહી.
મીઠ્ઠી, યુ નો ઇટ. આજે કોન્ફરન્સ છે, મારે થોડું વહેલા જવું પડશે. વ્હાય ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ - ડેડની જેમ જ મારે પણ ઓફીસ, કામ અને કમીટમેન્ટસ હોય! ડેડ લેટ આવે કે જલ્દી જાય ત્યારે તો તું મોઢું નથી ચઢાવતી! નાવ બી અ ગુડ ગર્લ એન્ડ સ્માઈલ!- એક્ટીવા બંધ કરી, ઉતાવળ હોવા છતાં મોમ પોતાની લાડલીને સમઝાવી રહી, લાડ લડાવી રહી.
બધાના ડેડ ઓફિસે જાય-  ઈટ્સ નોટ બીગ ડીલ! પણ યુ આર મોમ – આઈ નીડ યુ એટ હોમ. હું જયારે સ્કુલે જવા નીકળું અને જ્યારે સ્કુલેથી પાછી આવું, મને તું ઘરે જોઈએ! બધાની મોમ રોજ ગરમ નાસ્તો બનાવે, લંચ અને ડીનરમાં પણ કઈ વેરાઈટી જ હોય. મને પણ એવી મોમ જોઈએ. સાયન્સ પ્રોજેક્ટ માટે કે ડાન્સ ક્લાસમાં અને બીજે લાવવા લઇ જવા ડેડ છે! મને નોર્મલ મોમ જોઈએ છે- કિચન અને કિડ્સ સાથે ટાઈમ સ્પેન્ડ કરે એવી.- મીઠ્ઠી એક એક શબ્દ વિચારીને બોલી રહી.
મીઠ્ઠીની મોમ ભીની આંખે પોતાની હાર સ્વીકારી રહી- પોતાની જ પુત્રી દ્વારા ભેટ કરાયેલી હાર... નોર્મલ નાં હોવાની હાર..
કદાચ એ એબ-નોર્મલ મોમની સવાર- સવારે ચાર કે પાંચ વાગે પડી જાય છે. પરિવાર અને કેરીયરને બેલેન્સ કરવાની લ્હાયમાં પોતાના સ્વાસ્થ્ય માટે ક્યારેય સમય નાં કાઢી શકનાર આ એબનોર્મલ મોમ, વહેલી સવારે પરિવાર માટે ગરમ આરોગ્યપ્રદ નાસ્તો અને ફૂલ ડીશ સ્વાદિષ્ટ ભોજન બનાવવાનું ક્યારેક જ  ચુકે છે! કામવાળીબાઈ રજા પર હોય ત્યારે આ એબનોર્મલ મોમ ડબલ શીફ્ટ કરે છે! રજાના દિવસે આ એબનોર્મલ મોમ -પરિવાર સાથે ટાઈમ સ્પેન્ડ નાં કરી શકવાના ગીલ્ટફીલ નાં કારણે, આરામ કરવાની જગ્યાએ કુકિંગ અને ક્લીનીંગમાં રચી પચી  રહે છે- જે કોઈ નોટીસ સુદ્ધાં કરતુ નથી! આ એબનોર્મલ મોમની સેલેરીની સાથે સમય પણ પરિવારમાટે જ સમર્પિત થાય છે- પરંતુ છતાં એ હારી જાય છે - નોર્મલ મોમ ના હોવાના કારણે!
ભીની આંખે હું જોઈ રહી નોર્મલ રૂટીન, એક એબનોર્મલ મોમનું!
***
મોમ, આ મધર્સડે શું હોય? મારા ટીચર કહેતા હતા કે કાલે મધર્સ ડે છે.- મારી ટેણી એની નાની ઢીંગલી સાથે મમ્મી-મમ્મી રમતા મને પૂછી રહી.
બેબુ, મધર્સડે એટલે એક દિવસ મોમને આઈ લવ યુ મોમ - યુ આર ધ બેસ્ટ મોમ ઇન ધ વર્લ્ડ- માં તે માં, બીજા બધા વગડાનાં વા- એવું બધું સારું સારું કહીને મોમને ખુશ કરી, પરાણે મહાન બનાવી- ભગવાનનું લેબલ લગાવી, બાકીનું આખું વર્ષ એની પાસે બલિદાન, સમર્પણ અને વેઠ કરવવાની પરમીટ આપતો દિવસ!- કડવાશ સાથે હું બોલી ગઈ.
***
મધર, મોમ, આઈ, માતા, બા- ઇન શોર્ટ માં હોઉં એક ઈશ્વરીય અનુભૂતિ છે, છતાં માં ને ઈશ્વર બનાવી દેવું એ એની સાથે થતો અન્યાય છે. માતાને ઈશ્વર સમક્ષ ગણીને કે ભગવાનનું બિરુદ આપીને આપણે એનો મનુષ્ય હોવાનો, માનવસહજ ભૂલ કરવાનો, પોતાની ઈચ્છા મુજબ જીવવાનો કે સપના જોવાનો અધિકાર પણ છીનવી લઈએ છે. અને મહાન કે ભગવાન બનાવીને એના પર લાદી દઈએ છે ફરજોનું લાંબુ લીસ્ટ અને ત્યાગ - બલિદાનનું કમ્પ્લ્ઝ્ન!
આવો આ મધર્સડે પર ઠાલા મધર્સડેનાં કાર્ડ, ફોર્વર્ડેડ એસ.એમ.એસ કે ફેસબુક નાં ફેક સ્ટેટ્સ અપડેટ કરવાની જગ્યા એ આપીએ મોમ ને એક ભેટ- વ્યક્તિ સ્વાતંત્રની! માં  હોવા છતાં એ પોતાની લાઈફ ખુલીને-દિલથી જીવી શકે એવી મોકળાશ આપીએ મોમને! આઈ લાવ યુ મોમ કે યુ આર ધ બેસ્ટ મોમ ઇન ધ વલ્ડ કહેવાની જગ્યાએ, ગુમાવેલા વર્ષો કે પરિવાર માટે તોડેલા સપનાઓમાંથી જે શક્ય હોય એ મોમને પાછુ આપીએ!
આવો ઉજવીએ આ મધર્સડે – માનવીયતાથી, માં ને ભગવાન નહિ હ્યુમન ગણીને!



લાઈફ સફારી~૧૯: શ્રદ્ધા અને અંધશ્રદ્ધા:ઓળખો સુક્ષ્મ ભેદ!

લાઈફ સફારી, પેજ ૩, વુમન ગાર્ડિયન, ગુજરાત ગાર્ડિયન ન્યુઝ પેપર

સીન-૧:

નવરાત્રીમાં હું તો પુરા નવ દિવસ ઉપવાસ કરું,એકદમ શ્રદ્ધાપૂર્વક અને માતાજીનું મારા પર એટલું બધું સત્ છે કે નવરાત્રીમાં તો માતાજી મારા શરીરમાં આવે જ!" – એક હ્યુમન જેવા જ દેખાતા માતાજી કહી રહ્યા અને શ્રોતાઓ આહોભાવથી જોઈ રહ્યા.
મારું ફ્યુઝડ અને કન્ફ્યુઝ્ડ દિમાગ વિચારી રહ્યું કે - એક માણસ બીમારની જેમ ધ્રુજે , બુમો પડે, આંખો કાઢે, જાતજાતની ફરમાઈશો કરે- અને બધા એને પગે લાગે અને એના આશીર્વાદ લે! - અને કહેવાય એમ કે એમને માતાજી આવ્યા છે! દિમાગ એ વિચારીને શોર્ટ થઇ જાય છે કે - માતાજી શું સાચે એટલા ફ્રી રહેતા હશે કે નવરાત્રીમાં  આમ બધાના શરીરોમાં ફરવા નીકળે?
સીન-૨:
"
હું તો ગયા વર્ષે એટલી બીમાર થઇ ગઈ હતી. કોઈ દવા અસર જ ના કરે... કેટલા ડોક્ટરોને બતાવ્યું, પણ કોઈ ફર્ક જ નહિ.. પછી મને કોઈએ પેલા XXX/YYY બાબા/માતાજી/ભુવા/ ઓઝાનો ઉપાય બતાવ્યો.. હું એમને મળી. એમણે મને તરત કહ્યું કે, તમને તો ફલાણાએ મૂઠ મારી છે! તમારા પર કાળો જાદુ કરાવ્યું છે. જો તમે એને નહિ  તોડવો તો ૧ વર્ષમાં તમે બરબાદ થઇ જશો! મેં એમણે કીધેલી વિધિ કરાવી, ખાલી ૧૦,૦૦૦ રૂપિયા થયા પણ આ જુઓ હું ચાલતી ફરતી થઇ ગઈ!"
મારા દિમાગને જાણે કોઈએ મુઠ મારી દીધી હોય એવું ફીલ થયું,તો પણ વિચાર આવ્યો- હદ છે આ તો... કોઈ તમારી જાણ બહાર તમારા શરીરને કંટ્રોલ કરે, તમારી સિસ્ટમમાં પ્રોબ્લેમ્સ કરે, એ પણ સાયન્ટીફીકલી નહિ! માત્ર ધૂણીને, થોડા આડા-અવળા મંત્રો ફૂંકીને, કોઈના પુતળા પર એના કપડાનું ચીંથરું કે એનો નાનો વાળ લગાવીને! અરે, આમ જ જો કોઈને બરબાદ કરી શકાતું હોય તો આપણે આટ-આટલા વર્ષોથી પાકિસ્તાન સાથે ખોટી લડાઈઓ કરીએ છે. ૧૦-૧૨ ભુવા/ઓઝાઓ ની ફોજ બેસાડી પાકિસ્તાન પર મુંઠ મારવો, કાળો-પીળો-લાલ કલરનો જાદુ કરાવો - એટલે કામ પત્યું!!! શું કહો છો?

સીન-૩:
"
તમે બૌ વિજ્ઞાનવાળા, તે અમારું કહ્યું ના માનો. હું કહું છું ને તમારા જ ઘરના કોઈએ તમારા પર બંધન કર્યું છે. લગ્નના પાંચ વર્ષ થયા અને હજુ ઘરમાં પગલીનો પડનારો નથી. બીજું કઈ નથી, આ કોઈએ કુખબંધન કર્યું લાગે છે! દવા લેવાથી ના મટે! આ તો તોડાવવું પડે! વિધિ કરાવવી પડે, અમાસની વિધિ! એક વાર વિધિ કરાવો પછી ૨ મહિનામાં જ રીઝલ્ટ!"
મારી વિચાર શક્તિ વગર વિધિએ જાણે બીમાર થઇ ગઈ-- હે ભગવાન, આ લોકો ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર્સનો ધંધો બંધ કરાવીને જ રહેશે! જો સંતાન નાં થાય તો બાબા/ ઓઝાની વિધિ કરાવો અને કુખબંધન તોડાવો! ઓહહ... હવે આમને કોણ સમજાવે કે સંતાન પેદા થાય એ માટે આદમ-ઈવના જમાનાથી એક જ રીત-પ્રોસેસ છે! સંતાન નાં થતા હોય તો ભુવા/ ઓઝા પાસે ના જવાય ભયલા, નહિ તો એમની કૃપાથી તો સંતાન પણ મંત્ર બોલતું જ પેદા થાય- તો ધ્યાન રાખવું!

સીન-૪:
"
અમને તો એક પછી એક બાધા-સંકટ આવે જ રાખે છે! એક સાંધે ત્યાં તેર તૂટે! જ્યોતિષને બતાવ્યું- કહે છે પિતૃદોષ છે. કોઈ પિતૃની આત્મા સંતાપમાં છે, કોઈ કારણથી! હવે ચાણોદ વિધિ કારાવવા જવાનું છે. આખા કુટુંબને ભેગું જવાનું છે. આ વિધિ પતશે, પિતૃઆત્મા તૃપ્ત થશે -તો જ ઘરમાં કંઈ શાંતિ થશે એમ કહે છે!"
મારી આત્મા વગર વિધિએ તપ્ત(ગરમ) થઇ ગઈ અને કહી રહીઅલ્યા, તને પિતૃ ના નડે. તું પિતૃઓને જ નહિ ગામ આખાને નડે છે! તું અહી ધરતી પર જેમને જેમને નડેલો એ બધા ઉકલીને, તારો બદલો તારા પિતૃઓ(ડોહા/ડોહી) પાસે લે છે! ભલા માણસ તારા વડીલોએ પુત્ર-દોષની વિધિ કરાવવી જોઈએ- તારાથી લોકોને બચાવવા! છતાં પણ આ પિતૃદોષની વિધિ કરવામાં એક સારો પોઈન્ટ મને એ લાગે છે કે- ભલે પિતૃઓની છેલ્લી ઘડીએ એમનું મોઢું જોવા કે ગંગાજળ પીવડાવવા આખું કુટુંબ નવરું ના પડ્યું હોય, ભયથી વિધિ કરાવવા તો બધા જ ભેગા થાય!

સીન-૫:
"
આ ટીકુનાં લગ્નમાંથી પાછી આવી ત્યારથી તબિયત સારી જ નથી રહેતી. તમારા ભાઈને કેટલી વાર કીધું શનેશ્વર જઈ આવીએ, અને ત્યાનો કાળો દોરો બનાવી લાવીએ મારા માટે. મને તો ઝટ દેતા નજર લાગી જાય. બેન શું કહું? મીઠી નજર પણ લાગેને! અને તમારા ભાઈ તો કહે છે કે હું બિલકુલ કંગના રાણાવત જેવી લાગુ છું! "
દિમાગની બધી જ સર્કિટો જાણે મીઠી અને તીખી નજરોથી ફ્યુઝ થઇ ગઈ અને વિચાર આવ્યો- હા, તમે અમારા ભાઈને કંગના જેવા લાગો પણ અમારા ભાઈ મનમાં બોલ્યા હશે કે "રાઝ-૨ – ધ મિસ્ટ્રી ક્નટીન્યુઝ " નાં એન્ડવાળી કંગનાં એટલે કે ભૂત જેવી! એટલે તમને મીઠી/તીખી/ખાટી/મોળી કોઈ નજર નાં જ લાગે! મને તો એ નથી સમજાતું કે કોઈની નજર આંખમાં થી નીકળીને બીજાને જઈને કેવી રીતે લાગે?  પેલું કાર્ટુનમાં બતાવે એમ આંખો માં સ્પ્રિંગ હોય, કે તે કઈ સારું જોય એટલે બહાર આવી જાય?
સીન-૬:
“હે ભગવાન, ભણ્યા પણ મારા રોયા ગણ્યા નહિ! ટાપ-ટીપમાં જ હોશિયાર આજની મમ્મીઓ, સંસ્કારના નામે મીંડું! એ છોરી, તારી માંએ તને શીખવાડ્યું નથી કે હનુમાનદાદાના મંદિરમાં સ્ત્રીઓથી નાં જવાય? સીધી મોઢું ઊંચું કરીને ઘુસી ગઈ.. જા બહાર ઊભી રહીને દર્શન કર!”
હીરની સાથે આજકાલની અસંસ્કારી મમ્મી એટલે કે મારી આંખો પણ ભીની થઇ અને પૂછી રહી- હનુમાનદાદા એટલે હીરના “હનુદાદા”, એના બેસ્ટફ્રેન્ડ! એમના બાળ-હનુમાન સ્વરૂપ(કાર્ટુનમાં આવે એજ તો!) પાસે તો હીર આખા ગામની બહાદુરી અને ડહાપણ શીખી છે! એમનાં મંદિરમાં જવું એટલે હીર માટે તો ફ્રેન્ડને મળવા જવા જેટલી સહજ અને ખુશીની વાત. સંસ્કારી દાદીમાંને કોણ સમઝાવે કે હનુમાનદાદાના મંદિરમાં સ્ત્રીઓથી નાં જવાય પરંતુ હીર તો બાળક છે! અને મંદિરમાં જવામાં પણ કેવો આ જેન્ડરબેઝ્ડ બાયસ- આવી કેવી અંધશ્રદ્ધા?

***

આ તો માત્ર જુજ ઉદાહરણ છે! આવા ઘણા બધા લોકો, પ્રસંગો રોજ-બરોજ આપણી સાથે આપણી આજુ-બાજુ બનતા રહે છે!

પણ શું આપણે આ  અંધશ્રદ્ધાને દુર કરવા પ્રયાસ કરીએ છે?

ના, આપણે ભણેલા-ગણેલા, શિક્ષિત, સો કોલ્ડ સિવિલાઈઝડ લોકો બીજાના ફટામાં ટાંગ નથી અડાવતા! જેને જે માનવું હોય એ માને – કોઈની ધાર્મિક માન્યતાઓ દુભાવવાની નહિ- એવું ન્યુટ્રલ આપણું સ્ટેન્ડ!
આ શ્રદ્ધા/અંધશ્રદ્ધા તો વર્ષોથી ચાલી આવે છે- તો કૈક તો સત્ય હશે જ ને? રખેને સાચું નીકળે અને આપણને નુકશાન થાય-એના કરતા માનવામાં શું જાય છે? – જેવા ઘટિયા બહાના હેઠળ માનતા રહીએ છે સદીઓની સડેલી અને ગળેલી માન્યતાઓ- અંધ્શ્રધ્ધાઓ!
માત્ર હસી ને, અવગણીને,ભૂલી જઈએ છે આ આંધળા અનુકરણની સાઈડ ઈફેક્ટસને ...
અને આશા રાખીએ છીએ કે સમાજ બદલાય! લોકો સુધરે! વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિચારે!
પણ આ દ્રષ્ટિકોણ બદલશે કોણ? શરૂઆત કોણ કરશે?
ખોલો પોતાની આંખો અને મદદ કરો બીજાને પણ સ્પષ્ટ અને વૈજ્ઞાનિક વિચારસરણીથી જોતા અને સમઝતા! શ્રદ્ધા અને અંધ-શ્રદ્ધા વચ્ચેના સુક્ષ્મભેદને સમઝો અને સમઝાવો.


Tuesday, April 16, 2013

લાઈફ સફારી~૧૮: ટેગીંગ થી નેગીંગ સુધી!

લાઈફ સફારી , પેજ ૩, વુમન્સ ગાર્ડિયન,  ગુજરાત ગાર્ડિયન ન્યુઝ પેપર 
***

નેકસ્ટ ટાઈમ આ રીપીટ થશે તો, આઈ વિલ કમ્પ્લેન ઇન પુલિસ. ”- રેલ્વેના વેહિકલ પાર્કિંગમાં એન્ટર થતાની સાથે જ કાને પડ્યો જાણીતો અવાજ. આરોહી, મારી ફ્રેન્ડ, એકદમ શાંત, સૌમ્ય અને સીધી, પોતાના કામથી કામ રાખનારી, એક સ્કુલ ટીચર.
ચીલ, આરોહી. શું થયું? આજે કેમ માં સરસ્વતીએ માં દુર્ગાનું રૂપ ધારણ કર્યું છે? આ ટોન અને ટણી મારા કેરેક્ટરને સુટ થાય, તને નહિ. – મારી સ્કુટીની સ્લીપ લેતા લેતા મેં પાર્કિંગવાળાની સામે આંખો કાઢી અને ના પૂછેલા પ્રશ્નનાં જવાબની ઉઘરાણી કરી.
 “દીદી, આ વીકમાં આ ત્રીજી વખત મારા એક્ટીવા પર કોઈ ચિઠ્ઠી મૂકી ગયું છે- કેટલી ગંદી અને ભદ્દી માંગણીઓ અને.... અને આ લોકો એમ કહે છે કે એમને કઈ ખબર નથી! – આરોહીનો ગુસ્સો હું સુપેરે સમઝી રહી.
બોલો ભૈયા એ કિસ કી હરકત હે? લાસ્ટ ટાઈમ કે જેસે રેલ્વે પોલીસ કો હી જવાબ દેના હે યા ... – મેં આંખોની સાથે સાથે અવાજ પણ સહેજ મોટો કરી એઝ યુઝઅલ ધમકી આપી. ઘણી વાર સાચી વાત સરળ શબ્દો કરતા અણીયાળા કે ખરબચડા ટોનમાં જ વધુ અસર કરે છે.
મેડમજી, બાત યહી ખતમ કરોના. કોન થા, કયું થા – છોડો ના. અભી આગેસે નહિ હોગા યે મેરી ગેરેંટી!- સિગરેટ સળગાવતા ઝીણી આંખો કરી પાર્કિંગવાળાએ માંડવાલી કરવાનું સૂચન કર્યું.
નેકસ્ટ ટાઈમ હમ યહાં શિકાયત નહિ કરેંગે.- મેં રેલ્વે પોલીસની ઓફીસ બતાવતા ઈશારામાં નાની ચીમકી આપી.
પાર્કિંગથી રેલ્વે પ્લેટફોર્મ સુધી આરોહી ચુપચાપ ચાલતી રહી, એના સતત ચપચપ કરવાના સ્વભાવથી વિરુદ્ધ. અને હું મેહસૂસ કરી રહી એની ભીની આંખોમાં મજબુરી અને હતાશા, સહન કરવાની અને સ્ત્રી હોવા માત્રથી વસ્તુ બની જવાની!
હું અને આરોહી બંને ચુપ રહ્યા. ના કોઈ સલાહ, ના કોઈ લેક્ચરબાજી. માત્ર એક અકળાવતી મજબુરી.
એકબીજાની સામે જોવા છતાં જાણે એકબીજાની આંખોમાં રહેલા પ્રશ્નોને અમે બંને એવોઈડ કરી રહ્યા.
દીદી આ સામે લીમડાનું ઝાડ દેખાય છે? નાની હતી ત્યારથી હું આ ઝાડને અહી મુસાફરોને છાંયડો  આપતા જોઈ રહી છુ. એના પર કોણ જાણે કેટલા નિશાન પાડ્યા છે લોકો એ- માત્ર ટાઈમ પાસ કરવાના હેતુથી. કોલેજીયન્સ એના પર દિલ દોરી પ્રેમ સંદેશા કોતરી જાય છે તો બાળકો પોતાના નામ લખી જાય છે. કોઈ એને થૂંકદાની સમઝી પાન કે તમ્બાકુની પિચકારી કરે છે તો વળી કોઈ બાપનો માલ સમઝી એની ડાળીઓ કાપી જાય- તાપણું કરવા. આ જ લીમડાનું ઝાડ જો આપણા ઘરના આંગણામાં હોય તો આપણે એની કાળજી લઈએ અને એની એક પરિવારના સભ્યની જેમજ માવજત કરીએ- એને પણ જીવિત સમઝી એની કદર કરીએ! પરંતુ અહી આ લીમડાના ઝાડને કોઈ પણ, કઈ પણ કરી શકે છે, કેમકે એ સાર્વજનિક વસ્તુ છે. આરોહી એકદમ સરળ શબ્દોમાં બહુ જટિલ વાત કહી ગઈ.
અને હવે મારી આંખો ભીની થઇ...
એ લીમડાના ઝાડમાં હું કલ્પી રહી – મને, આરોહીને અને અમારા જેવી ઘણી સ્ત્રીઓને! જે ઘરની ચાર દીવાલોની બહાર નીકળે છે – ભણવા, પોતાની કારકિર્દી બનાવવા કે કુટુંબનું ભરણ-પોષણ કરવા અને મેળવે છે આવા જ ઉઝરડા, ડાઘા અને વેદના, એક વસ્તુ બની જઈને!
***
બેટા, જરા જગ્યા કરજોને!- એક ઉમરલાયક પતિ-પત્ની, ભરચક ડબ્બામાં જગા કરી મારી સામે ગોઠવાયા.
મારી આસ-પાસ બેઠેલી કોલેજની વિદ્યાર્થીનીઓ પોત-પોતાની બુકસમાં કોન્સનટ્રેટ કરી રહી. સામે બેઠેલા વડીલ- પતિ અને પત્ની પોતાની સામાજિક વાતોમાં એટલા મશગુલ હતા કે એમની મોટી પીચ પર થતી વાતો આસ-પાસ પોતાનું કામ કરી રહેલા બધાને ડીસ્ટર્બ કરે છે એ જાણે વિસરી જ ગયા.
અંકલ, પ્લીઝ સહેજ ધીમેથી વાત કરોને. કાલે એક્ઝામ છે.”-  મારી બાજુમાં જ બેઠેલી એક વિદ્યાર્થીનીએ એકદમ વિનમ્રતાપૂર્વક વિનંતી કરી.
આશરે બીજો અડધો કલાક રાહ જોઈ છતાં વડીલ-પુરાણ હાઈ વોલ્યુમમાં ચાલુ રહેતા બધીજ વિદ્યાર્થીનીઓ હતાશ થઇ બાજુના કમપાર્ટમેન્ટમાં શીફ્ટ થઇ ગઈ.
મને ગુસ્સો તો ઘણો આવ્યો પરંતુ સાંજ પડે ઝગડવા એનર્જી જ ના બચે અને પાછુ પિતાની ઉમરના વડીલ સાથે ઝગડવું પણ ઠીક નાં લાગ્યું એટલે ચુપ ચાપ જોઈ રહી હું આ તમાશો.
જોયું, મારી બેટીયુ મને સમઝાવવા આવી હતી. આજકાલની છોકરીઓને સંસ્કાર અને સભ્યતા જેવું તો કઈ છેજ નહિ! આખો દિવસ માતેલા સાંઢની જેમ રખડી ખાય અને ચબર ચબર જીભડી ચાલુ જ હોય! ભણવા અને નોકરી કરવાના બહાને આ આજકાલની છોકરીઓ ઘરની બહાર કયા ધંધા કરે છે અમને બધી જ ખબર છે! માં-બાપ બંને નોકરું ટીચતા હોય તો જુવાન છોકરીને કાબુમાં રાખવા ટાઈમ ક્યાં છે એમની પાસે! છોકરી બહાર રખડે, જલસા કરે અને બધાને જલસા કરાવે... અને માં-બાપ મારી છોકરી બૌ ભણે, બૌ કમાય એમ કહી કોલર ઉંચા કરે. કલયુગ છે ઘોર કલયુગ.. – અંકલ આખા કમપાર્ટમેન્ટને સંભળાય એમ એમની ધર્મ પત્નીની સામે સંસ્કાર-પઠન કરી રહ્યા.
કિનારે બેઠેલી હું, સામેના કમપાર્ટમેન્ટમાં બેસી વાંચવા મથી રહેલી વિદ્યાર્થીનીઓના મનોભાવ એમના ચહેરા પર અને એમની ભીની આંખોમાં સ્પષ્ટ વાંચી રહી. અને કલ્પી રહી એક અદ્રશ્ય પ્રાઈઝ-ટેગ એમના માથા પર- અવેલેબલ – ઓન સેલ હોવાનું, એક નિર્જીવ વસ્તુની જેમજ તો!
ત્રાંસી આંખે હું ઘૂરી રહી સામે બેઠેલા સો-કોલ્ડ સુસંસ્કૃત અને સભ્ય વડીલને. અને...
અંકલ , હમણાં ધંધા માં બૌ મંદી ચાલે છે. વિકેન્ડ સ્પેશિયલ ઓફર છે – સેટરડે સાથે સન્ડેનુ પેકેજ ફ્રી! તો લખાવો તમારું સરનામું! તમારા આટલા મોટા લેક્ચરના માનમાં તમને ડીસકાઉન્ટ આપીશું!- મારાથી અચાનક થઇ ગઈ મારી સ્વભાવગત નૌટંકી.
આસપાસના બધા રોજિંદા અપ-ડાઉનનાં સાથીઓ મારી સિક્સર સમઝીને હસી પડ્યા પરંતુ સુ-સંસ્કારી અંક્લને બાઉન્સર ગયું!
આજકાલની જનરેશનમાં સંસ્કાર અને સભ્યતાનો છાંટો પણ નથી!- અંકલ ઉભા થઇ સમાન લઇને ચાલવા માંડ્યા. અને એમના પત્ની નીચી નજરે જાણે મને આભાર કહી રહ્યા, એ જવાબ આપવા જે પોતે સંસ્કારવશ ક્યારેય નથી આપી શક્યા!
***
પ્રાઈઝ ટેગ નિર્જીવ વસ્તુને હોઈ શકે પરંતુ જીવિત મનુષ્યને નહિ જ!
આપણો સભ્ય, સુ-સંસ્કૃત અને સંસ્કારી સમાજ એક તરફ સ્ત્રીઓને સરસ્વતી, લક્ષ્મી, દુર્ગા કે કાલિ ગણાવી માતાના સ્વરૂપમાં પુજે છે ત્યાં બીજી તરફ એજ સ્ત્રીને ઉપભોગની વસ્તુ ગણી પ્રાઈઝટેગ લગાવવામાં પણ વિલંબ નથી કરતો!
ઘરની ચાર દીવાલોમાં આપણે આપણા ઘરની સ્ત્રીઓનો આદર કરીએ છે અને એમની મર્યાદા અને સન્માનની રક્ષા કરીએ છે! જ્યારે ભણવા કે કારકિર્દી બનાવવા ઘરની બહાર નીકળનાર સ્ત્રીઓને – અવેલેબલ કે ઓપન સમઝી ફ્ટ દઈને સલ્ટ કે પ્રોસ્ટીટ્યુટનુ સ્ટીકર ચોંટાડી દઈએ છે!
સમય સાથે આચાર અને વિચાર બંનેમાં બદલાવ જરૂરી છે! ભણતર, કારકિર્દી અને વ્યક્તિ વિકાસ દરેક મનુષ્યનો અધિકાર છે – જેન્ડર બાયસ વગર!
આવો આપણે યાદ રાખીએ કે જ્યારે આપણે કોઈ સ્ત્રીને વસ્તુ ગણી એને કોઈ લેબલ કે પ્રાઈઝટેગ લગાવીએ છે ત્યારે ઇન્વીઝીબલી એ ટેગ આપણને જ લાગે છે જે આપણા હીન વિચારો અને ભદ્દી દ્રષ્ટિનું મુલ્ય છે! જ્યારે આપણે કોઈ સ્ત્રીના ચારિત્ર પર હીન ટીપ્પણી કરીએ છે ત્યારે આપણે એ સ્ત્રીનું અપમાન કે અવમૂલ્યન નથી કરતા પરંતુ આપણા જ કુ-સંસ્કારો અને વિકૃત વિચારોનું પ્રદર્શન કરીએ છે!
આવો આપણા જરીપુરાણા વિચારો અને કટાઈ ગયેલી માનસિકતા બદલીએ!
આવો સન્માન આપીએ દરેક વ્યક્તિમાત્રને – જેન્ડરભેદ વિના!
બંધ કરીએ છાપવાનું સ્ત્રીઓનું કેરેક્ટર સર્ટીફીકેટ અને આવકારીએ સમાજના ઘડતરમાં એમના પ્રદાનને! 




લાઈફ સફારી~૧૭: જવાબદારીઓની બેલેન્સશીટ...

લાઈફ સફારી, પેજ ૩, વુમન્સ ગાર્ડિયન, ગુજરાત ગાર્ડિયન ન્યુઝ પેપર 
***

સો, નેક્સ્ટ વીક મોમ ડેડ તને મળશે, ફાઈનલી! આઈ એમ એક્સાઈટેડ અને થોડો વરીડ પણ! “- લાઈબ્રેરીમાં મારી બાજુમાં જ બેસી મારા એસાનમેન્ટસ માંથી કોપી કરી રહેલ મારા બેસ્ટ ફ્રેન્ડ કમ બોય ફ્રેન્ડ અને સુન ટુ બી લાઈફ પાર્ટનરને આજે સવારથી જ જપ નથી.
આઈ નો! સવારથી આ સ્ટેટમેન્ટ દર અડધા કલાકે તું બ્રેકિંગ ન્યુઝની જેમ રીપીટ કરી રહ્યો છે. સ્ટોપ વરીંગ. એસાઇનમેન્ટ પર કોન્સનટ્રેટ કર.- કદાચ મારા માટે નેક્સ્ટ વીકના બ્રેકિંગ ન્યુઝ કરતા નેક્સ્ટ ડેની એક્ઝામ વધુ બ્રેકિંગ અને સેન્સેશનલ છે, એઝ એની હાઉ મારે ટોપ કરવાનું છે અને મારી ડ્રીમ જોબ મેળવવાની છે.
તું તો મને સીરીયસલી જ નથી લેતી. એક્ઝામ તો હજુ ઘણી આવશે! પણ મોમ-ડેડ જે એક્ઝામ લેશે નેક્સ્ટ વીક, એ ફૂલ એન્ડ ફાઈનલ છે – આપણા રીલેશન માટે. એટલે રીપીટ ટેલીકાસ્ટ કરું છું! આઈ નો તું એ એક્ઝામમાં ફેઈલ જ થવાની છે!- એક્ઝામ પહેલા જ મને રીઝલ્ટ મળી ગયું મારી લાઈફ એકઝામનું! ફેઈલ વિધાઉટ એટેમપટ્!
ઓકે! હું ફેઈલ જ થવાની છું તો ચિંતા શાની? ચાલ આપણે કાલની એક્ઝામ તો એટલીસ્ટ પાસ કરી લઈએ! - હું બુકસમાં ફરી ડૂબી ગઈ...
“દસ મીનીટ બ્રેક લઈએ? એક નાનું રિહર્સલ કરીએ. હું તને સમઝાવું મોમ ડેડ તને કયા પ્રશ્નો પૂછશે અને તારે એનો શું જવાબ આપવાનો છે!- મારી બુક્સ બંધ કરી ધરાર મારા બેસ્ટ બડ્ડીએ મારા વાઈવા લેવાના ચાલુ કર્યા..
ઓકેસ! એટલે તું મને ચીટીંગ શીખવાડે છે! એક્ઝામ પહેલા જ પ્રશ્નો અને જવાબોનું સેટિંગ! સહી જા રહે હો જહાંપનાહ! “- જ્યાં આજીન્દગી એક પણ એક્ઝામમાં અડધા માર્કની પણ ચોરી નથી કરી ત્યાં આજે મને મારો લાઈફ પાર્ટનર લાઈફ-એક્ઝામમાં કાપલી કરાવવા જઈ રહ્યો છે, એ વિચારે જ હું હસી પડી.
કરપ્શન કે ચીટીંગ પર કોઈ લેક્ચર મારે સાંભળવું નથી. આન્સર માય ક્વેશ્નસ – તારી હોબીઝ શું છે? તને રસોઈ કરતા આવડેને ? તારી બનાવેલી કઈ ડીશ તારા ફેમિલીમાં બધાને સૌથી વધુ ભાવે? મીઠાઈ અને ફરસાણમાં તને કઈ કઈ વેરાઈટી આવડે બનાવતા? સુરતી છે એટલે -અથાણા અને પાપડ તો આવડતા જ હશે તને બનાવતા?... – નોન સ્ટોપ પૂછાતાં એક એક પ્રશ્ન સાથે મારા દિલની ધડકનો તેઝ થતી ગઈ.
ક્રેપ! મારે તારી સાથે લાઈફ સ્પેન્ડ કરવાની છે કે તારા કિચન સાથે? આઈ મીન – તારી સાથે લગ્ન કરવા ઇન્ટરવ્યું આપવાનો છે કે તારા ઘરની કુક બનવા?- આઈ એમ કન્ફ્યુઝ્ડ!- મેં સ્પેક્સ કાઢી મારી બદામી આંખોને શક્ય એટલી મોટી કરીને પૂછ્યું!
ડોન્ટ ટેલ મી- તને કુકિંગ નથી આવડતું!- મારી સાથે સાથે મારા દોસ્તારની ઝીણી ચાયનીઝ આંખો પણ પહોળી થઇ ગઈ!
કેમ, એમાં શું નવાઈની વાત છે? તને રસોઈ બનવતા આવડે છે?- મેં અચાનક અણધારો પ્રશ્ન પૂછ્યો!
નાં, કેમકે આઈ એમ મેઈલ!- શોર્ટ એન્ડ સ્ટુપીડ રીપ્લાય.
યેસ બયોલોજીકલી મેઈલ! આઈ નો! પણ જવાબ આપ – તને કુકિંગ આવડે છે? - જવાબ નાં મળે ત્યાં સુધી પ્રશ્ન પૂછતાં રહેવાની આદત મારી!
ના, મને કુકિંગ નથી આવડતું.- જવાબ પુરો.
કેમ નથી આવડતું? ડોન્ટ રીપ્લાય અગેઇન કે આઈ એમ મેઈલ એટલે...! – મેં સહેજ ફેરવીને ફરી એજ પ્રશ્ન પૂછ્યો!
કુકિંગ ક્યાંથી આવડે? યુ નો માય નેચર! મને કૈક ને કૈક નવું કરતા રહેવા જોઈએ! ક્રીએટીવીટી પણ જોઈએ લાઈફમાં અને બેસ્ટ કેરીયર પણ! એટલે આઈ હેવ નો ટાઈમ! આઈ હેવ બીગ ડ્રીમ્સ! અને મારા ફેમીલીનાં પણ મારી સાથે બૌ બધા સપના જોડાયેલા છે! યુ નો- આઈ એમ ધેર પ્રાઈડ – હું મારા કુટુંબનું અભિમાન છુ! એટલે મારી સફળતા મારા માટે કમ્પલસરી છે! એમાં આ બૈરાઓનાં કામ કરવા કોને ટાઈમ છે? કુકિંગ કરવા અને કિચન સંભાળવા તું અને મોમ છો જ ને! ” -  મારો “સુન ટુબી બેટર હાફ”- બેટર શબ્દો શોધી રહ્યો મેં પૂછેલા અજબ સવાલનો ગજબ જવાબ આપવા.
મને પણ સેમ ટુ સેમ રીઝ્ન્સ થી કુકિંગ આવડતું નથી! સેમ પીંચ!- મારો સિમ્પલ અને શોર્ટ રીપ્લાય કદાચ મારા બુદ્ધિશાળી સોલમેટને ના સમઝાયો.
સેમ પીંચ નાં ચાલે! યુ આર ફીમેઇલ. તને કેમ કુકિંગ ના આવડે?- ફરી એક બાયોલોજીકલ સવાલ!
કેમ? ફીમેલ હોવાના એવા કયા સ્પેશિયલ હોર્મોન્સ છે જેનાથી કુકિંગ આવડે જ ? તને મેઈલ હોવાથી શું સ્પેશિયલ આવડે છે? – જેન્ડરનાં જડ બોક્સ અને એ બોક્સમાં પરાણે સમાવવાની અપેક્ષાથી કાયમ મને અકળામણ રહી છે.
આ વળી કેવો સવાલ? સદીયોથી પરંપરા રહી છે- સ્ત્રી ઘરમાં રસોડું અને કુટુંબ સંભાળે અને પુરુષ ધંધો રોજગાર કરી પરિવારનું ગુજરાન ચલાવે! તું સ્ત્રી છું એટલે તને કુકિંગ અને હું પુરુષ છું એટલે મને ધંધો રોજગાર આવડે એ નિયમ છે! વેદ-પુરાણ અને શાસ્ત્રોમાં પારંગત હોય એમ મારો સોલમેટ મને સંસ્કાર અને સંસ્કૃતિન પાઠ ભણાવી રહ્યો!
સમઝી ગઈ. તું પુરુષ છે એટલે તને બાળપણથી જ કમાતા આવડે એમ ને? ચાલ બાળપણ નૈ તો - એટ લીસ્ટ અત્યારે તો તું ઘર ચલાવવા જેટલું કમાઈ જ લેતો હોઈશને? તારી મન્થલી ઇન્કમ કેટલી છે? – મારા પ્રશ્નોથી કદાચ મારા બેસ્ટ બડ્ડીનો મેઈલ ઈગો હર્ટ થઇ ગયો! અને મને વિચાર આવ્યો- ફીમેલઈગો કેમ હર્ટ નૈ થતો હોય આટલી જલ્દી?
તું આજે કેમ આમ એલીઅન્સ જેવી વાતો કરે છે? હજુ તો મારું ભણવાનું ચાલે છે – ઇન્કમ ક્યાંથી હોય? પણ આટલું સારું ભણ્યો છું, બુદ્ધિ છે એટલે નોકરી- ધંધો પણ આવડ્વાનો જ ને! અને તું પણ તો કમાઈશ- એટલે લાઈફ સેટ છે! ડોન્ટ વરી! – શબ્દો સાચવી સાચવીને બોલી રહ્યો મારો દોસ્તાર!
એકદમ બરાબર વાત . આપણે બંને સરખું ભણ્યા છીએ, આપણા બંનેના લાઈફ માટે અને કેરીયર માટે ઊંચા સપના છે એટલે સાથે મળીને કમાઈશું.  પણ એક લાસ્ટ ક્વેશ્ચન- જો આપણે સાથે મળીને સપના જોતા અને એ પુરા કરવા કમાતા સીખી શકીએ છે તો સાથે મળીને એજ સ્પીરીટથી કુકિંગ પણ નાં સીખી શકીએ? જો હું કમાતા સીખી શકું, કમાઈને આપણા કુટુંબને સપોર્ટ કરી શકું અને એન્જોય કરી શકું આ જાતે લીધેલી જવાબદારીને દિલથી ... તો શા માટે તું મને સાથ ના આપી શકે કુકિંગ શીખવામાં અને કિચનમાં પણ? ફાય્નાન્શીય્લી જેમ આપણે એકબીજાને સપોર્ટ કરવાના છે દિલથી- તેમ કિચન અને કુકિંગમાં પણ કેમ પાર્ટનરશીપ ના કરી શકીએ? સમઝદારી અને લાગણીઓને જેન્ડરના વાળા નથી હોતા જહાંપનાહ!- હું શક્ય એટલા સરળ શબ્દોમાં મારા જીવનસાથીને સમઝાવવા મથી રહી એ સત્ય જે કદાચ હજુ આવતા દસ થી પંદર વર્ષો સુધી આપણી સોસાયટીના ફર્સ્ટ સેક્સ એવા મેઈલ જેન્ડરને નથી જ સમઝાવાનું!
***
કુકિંગ એટલે કે રસોઈને શાસ્ત્રોમાં એક કળાનો દરજ્જો આપવામાં આવ્યો છે!
મ્યુઝીક, ચિત્રકળા, નાટ્યકળા વિગેરેની જેમ પાકકળા એટલેકે કુકિંગ પણ કળા છે- કળાને વળી કેવું જેન્ડરનું બંધન?
જીવનસાથી કહીએ કે સોલમેટ- એ ખરા અર્થમાં સાથી ત્યારે જ કહેવાય જ્યારે જીવનના સરળ કે જટિલ  રસ્તાઓ પર સાથે-સાથે ચાલે, સરખી જવાબદારીઓ અને સરખા અધિકારો જાળવીને!
બદલાતા સમય સાથે- સપનાઓ અને અપેક્ષાઓ પણ જેન્ડરની જડ ફ્રેમ તોડીને બદલાયા છે, તો જવાબદારીઓની વહેંચણી પણ બદલવી જ રહી!
આજના સમયમાં દીકરાની જેમ દીકરી પણ ખુબ ભણે છે, કેરીયર બનાવે છે, કમાય છે, કુટુંબ ને સપોર્ટ કરે છે ત્યારે જરૂર છે – કિચનમાં પણ જવાબદારીઓને સપ્રેમ અને સ્વેચ્છાએ વહેંચી લેવાની.
જો કમ્પુટર જેવું મશીન પણ લોડ બેલેન્સિંગ કરી એના પ્રોસેસરનું પરફોર્મન્સ સુધારે છે તો આપણે તો એ કોમ્પ્યુટર બનાવનાર બુદ્ધિજીવીઓ છીએ. આવો – કરીએ લોડ બેલેન્સિંગ આપણા કિચન અને કુટુંબમાં પણ- અને સુધારીએ સંબંધોનું સ્વાસ્થ્ય!
આવો આ નવા ફાયનાન્શિયલ યરની શરૂઆતથી જાળવીએ પ્રામાણિકપણે આપણી જવાબદારીઓની બેલેન્સશીટ!