“મમ્મા, મારા હેપ્પી બર્થડે પર બી
દિવાલી કરવાના ને આપણે ? મને
બૌ ગમે દિવાલી, એમાં
કલરફુલ લાઈટ્સ, રોશની, દાઝું દાઝું દીવા… નવા કપડા, ગિફ્ટ્સ અને તને બૌ બધા
સન્ડે!” – અજાણતા જ પુછાઈ ગયેલા તમારી દીકરીનાં પ્રશ્નમાં ઘણું બધું દાઝી
ગયું અને ઘણું બધું દિલને બાઝી પણ ગયું! દિવાલીની ઝગમગતી રોશની સાથે એને મન
મમ્મીની જોબમાં રજા પણ એટલીજ ઝળહળાટ છે! નાનું દિલ, નાનાં સપના, નાની ઇચ્છાઓ પણ મોટ્ટી
સ્માઈલ અને મસ મોટ્ટી ખુશીઓ- એટલે જ કદાચ બાળક!
“હા બેબુ, તારા હેપ્પી બર્થડે પર આપણે
દિવાલી કરીશું… પાક્કું!
“-
બેબુની એ તોફાની સ્માઈલની રોશની અને એના પ્રશ્નોનાં ફટાકડા – તમારા માટે તો આખું વર્ષ જ મન ગમતી દિવાળી…
“હે મમ્મા, તું નાની હતી ત્યારે પણ
દિવાલી સેલીબ્રેટ થતી? “-તમે બખૂબી જાણો કે બેબુનાં ઘણા સવાલો તોફાન
પહેલાની શાંતિ જેવા હોય!
“હા, બેબુ .. દિવાલી, દશેરા , હોલી, ઉતરાયણ, રાખી અને બીજા બધા જ
ફેસ્ટીવલ મમ્મા સેલીબ્રેટ કરતી, નાની હતી ત્યારે!” – જવાબ આપતા કદાચ તમે બેબુને
ફ્યુચર ક્વેશ્ન્સ માટે રસ્તો કરી આપ્યો!
“હેં મમ્મી, દશેરો એટલે પેલો રા-વનને
દાઝું કરીકરીને ભગવાનજી પાસે મોકલી દેવાનો ફેસ્ટીવલ ને?” – બેબુનું ઓબ્ઝરવેશન+કાર્ટુન
ચેનલ્સ+દાદી, માસી
અને મમ્મીની સ્ટોરીઝ = બોમ્બ જેવા ક્વેશ્ચન્સ!
“બેબુ, રા-વન તો મુવી હતી, રા-વન નઈ – રાવણ …. હા દશેરા એટલે રાવણ-દહન.
બુરાઈ પર અચ્છાઈની જીત. આપણે જોવા
ગયેલા ને…” – હજી મારો જવાબ પુરો થાય એ પહેલા તો બેબુનાં મોઢા પર એક સાથે ઢગલો
ક્વેશ્ન પોપ-અપ થયા જાણે..
“મોમ, રા-વન બેડમેન હતો? એ
કેમ બેડમેન હતો? એને આપણે કેમ જલાવીએ છે?”- એકસાથે કેટલા બધા પ્રશ્નો, જાણે બેબુ
આજે તમારા વાઈવા લેવાના મુડમાં છે!
“બેટા, મેં તને પેલી સ્ટોરી
કીધી હતી એ યાદ છે ને? રામભગવાન, લક્ષ્મણભગવાન અને સીતામાતા વનમાં ગયા હતા, ત્યાં
રાવણે સીતામાતાનું હરણ, આઈ મીન કિડનેપ કરી લીધું હતું! કોઈની સાથે જબરદસ્તી કરવી
બેડ કેવાય એટલે રાવણ બેડમેન હતો.”-તમે વિચારી વિચારીને દરેક પ્રશ્નનો જવાબ આપી
રહ્યા.
“મમ્મા રાવણ બેડમેન હતા તો
રામભગવાન ગુડમેન હતા? આ કોણ ગુડમેન અને કોણ બેડમેન એ કેવી રીતે ખબર પડે? રાવણ બધા
સાથે બેડ બિહેવિયર કરતા અને રામભગવાન કાયમ જ ગુડ-સારા જ હતા?”- તમારી બેબુ કદાચ
ગુડ અને બેડના ફર્ક અચ્છે અટવાઈ પડી! અને એના પ્રશ્નથી તમે પણ અટવાયા..
અજાણતા જ હમણાં જ ફરીથી
જોયેલું, એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનનું સાંકેતિક મુવી “રાવણ” યાદ આવી
ગયું. રાવણ રૂપી અભિષેક સીતા રૂપી એશ્વર્યાનું હરણ કરે છે છતાં એની ગરીમાને અકબંધ
રાખે છે! ભલે રાવણ સીતાના મોહમાં અંધ બને છે પરંતુ સીતાની અસ્મિતા અને
વ્યક્તિત્વનું સન્માન જાળવે છે. અને મુવીના એન્ડમાં શ્રીરામની સાંકેતિક ભુમિકા
ભજવતો વિક્રમ પોતાની પત્નીને એજ વર્ષો જુનો ધોબીછાપ ડાયલોગ સંભળાવી, એના ચારિત્ર
પર પ્રશ્નાર્થ કરી, ત્યજી દે છે- અલબત્ત એને ઉશ્કેરવા અને રાવણરૂપી વિલનને પકડવા.
અને રહી રહીને તમને બાળપણથી મૂંઝવતો પ્રશ્ન ફરી દિમાગમાં ઘુમરાયો- કે સીતાનું હરણ
કરનાર રાવણ ઇતિહાસમાં ભલે વિલન તરીકે ચીતરાયો છે, પરંતુ વગર વાંકે પત્નીને ત્યજી
દેનાર શ્રીરામ સમાજની નજરે મર્યાદા પુરુષોત્તમ અને શ્રેષ્ઠ રાજા હોઈ શકે પરંતુ
સીતાના દ્રષ્ટિકોણથી શું સત્ય જુદું નાં હોઈ શકે? અને અનાયાસે તમારું દિલ કહી
ઉઠ્યું કે – ઇતિહાસ લખનાર હમેશા પુરુષ જ હશે- સ્ત્રીનાં પરસ્પેક્ટીવથી જો ઇતિહાસ
રચાયો હોત, તો કદાચ યુદ્ધ અને રક્તપાતના શુષ્ક વર્ણનની જગ્યાએ લાગણીઓ અને પ્રેમનું
આસ્વાદ માણવા મળ્યું હોત!
“હેં મમ્મા, કોઈની સાથે
જબરદસ્તી કરવી બેડ કેવાય? જે આવા બુરાકામ કરે એને જલાવી દેવાનું હોય? તો મમ્મા,
કાલે ટીવી પર આપણે ન્યુઝમાં પેલી દીદીને જોતા હતાને- મોઢા પર દુપટ્ટો બાંધીને રડતી
હતી એ... એની સાથે બુરું કરવાવાળા-જબરદસ્તી કરવાવાળા રાવણને પણ આપણે આ દશેરા પર
જલાવી દેવાના છે?”- બેબુના પ્રશ્ન અને ઓબ્ઝર્વેશનપાવરથી તમે ચોંકી ગયા! તમે
વિચાર્યું પણ નહિ હોય કે કાલે સાંજે ન્યુઝમાં જોયેલા રેપકેસ અને પીડિતાની છબી
બેબુના કોમળ માનસપટ પર જાણે અંકાઈ ગઈ હશે!અને તમે વિચારી રહ્યા – શું બાળકો સાથે
બેસીને ન્યુઝ જોવા હિતાવહ છે?- શું એમનું સમાજ અને એનું કાળું સત્ય ધીમે ધીમે આમ
જણાવવું જરૂરી છે કે પછી એમની નિર્દોષ પરીકથાઓઓવાળી દુનિયામાં જ એમને મહેફૂઝ રાખવા
હિતાવહ છે?
અને એક અજીબ અકળામણ થઇ તમને
એ વિચારીને કે – શું જવાબ આપું બેબુને? જ્યારે તમે એને મોરલ્સ શીખવાડો છો કે હમેશા
અસત્ય અને અધર્મ પર સત્ય અને ધર્મનો વિજય થાય છે ત્યારે શું તમે હળાહળ જુઠ્ઠું નથી
બોલી રહ્યા? કેમ આપણે કળયુગમાં પણ રાવણને નાથવા સક્ષમ નથી? કેમ આજે આટલા વર્ષો પછી
પણ સીતા અગ્નિપરીક્ષા આપતી જ રહે છે અને છતાં સમાજની સાથે એનો રામ પણ એને તરછોડતો
રહે છે!
અને એક મજબુરી સાથે તમે
બેબુને સત્ય જણાવી રહ્યા કે-“ના બેબુ, એ દીદી સાથે જબરદસ્તી કરવાવાળા રાવણને કઈ નૈ
થાય, પણ આપણો સમાજ એટલો કઠોર અને કુંઠિત છે કે એ બિચારી દીદીને વગર વાંકે હર પળ,
હર ક્ષણ જલાવશે- શબ્દોથી, આક્ષેપોથી!”
અજાણતા તમે બેબુની ક્ષમતા
કરતા હેવી ડોઝનો જવાબ આપી દીધો!
“મોમ, પેલી સ્ટોરી હતી ને
ગાંધીબાપુવાળી, એમાં
તું એમ કેહતી નોતી કે કોઈ એક ગાલ પર મારે તો બીજો ગાલ ધરવાનો. જેવા સાથે તેવા નાં
થવાય, નૈ
તો આપણે પણ એમના જેવા બેડ થઇ જવાય? તો રાવણને દાઝું
કરાઈને- સળગાવીને આપણે પણ રાવણ જ બની નાં જઈએ? ”- બેબુની નાની નાની ચાઈનીઝ આંખોમાં અજબ કુતુહલ દેખાયું, અને પહેલી વાર તમને સમઝાયુ
કે નાનું બાળક પણ જોયેલી, સાંભળેલી
ને સમ્ઝાવેલી વાતો ને પ્રોસેસ કરે છે અને સાથે સાથે એનો તાળો પણ મેળવે છે!
“બેબુ, એ વાર્તા સાચી જ હતી, આપણે રાવણ-દહન કરીને રાવણને
નહિ, રાવણની બુરાઈને જલાવીએ છે! બેટા, દરેક માણસમાં અચ્છાઈ અને બુરાઈ બંને જ હોય
છે! એટલે માત્ર એની બુરાઈને દુર કરવાની-સળગાવવાની હોય, એને નહિ!”- મેં હીરનાં રમકડાની
સાથે સાથે એના પ્રશ્નો ને પણ સમેટવા પ્રયાસ કર્યો!
પણ બેબુની વાત થી તમને પણ
પ્રશ્નો થયા કે જાણે કેટલા વર્ષો સુધી આમજ રાવણને આપણે દાહ આપીશું , છતાં આપણી અંદર રહેલા
રાવણને પોષતા રહીશું?
રાવણ શું માત્ર એક
માય્થોલોજીકલ કેરેક્ટર છે?
શું આપણે આપણી અંદર રામ અને
રાવણ બંનેને નથી જીવતા? – તો માત્ર રાવણના નિર્જીવ પુતળાનું જ વર્ષોવર્ષ દહન કેમ?
કેમ વર્ષોથી ચાલતી કુરીતિઓ, કુરિવાજો કે અંધશ્રદ્ધા કે
પછી ધીમે ધીમે મને અને તમને ગળી રહેલા પોલ્યુંશ્ન , કરપ્શન કે આતંકવાદનાં
રાવણને આપણે આજ સુધી બાળવાની તો શું સામી નજર કરી ખુમારીથી પડકારવાની પણ હિંમત નથી
કરી શક્યા?
આવો કરીએ એક નવી પહેલ- જાતમાં રહેલા રાવણરૂપી નકારાત્મકતાઓને
ભસ્મીભૂત કરીને! આવો ઉજવીએ દશેરાને રાવણદહન નહિ પરંતુ બૂરાઈના-દહન તરીકે!
Comments