Skip to main content

લાઈફ સફારી~૪૬: હિરોઈન થી વેમ્પ સુધી - કહાની ઘર ઘર કી ...“ચાંદ કો દેખું હાથ મેં જોડું, કરવા ચૌથકા વ્રતમેં તોડું... તેરે હાથ સે પી કર પાની, દાસી સે બન જાઉં રાની...” – ગીતના શબ્દો ટોલરન્સ લીમીટને ક્રોસ કરી ગયા અને તમે અણગમા સાથે ચેનલ ચેન્જ કરી. બીજી ચેનલ પર પણ લગભગ એવોજ સીન, કપાળમાં લાલ ચટ્ટક મસ મોટ્ટો ચાંદલો, લગ્નમાં પણ પહેરવાના પોસાય એવા ભારેભરખમ મોંઘાદાટ કપડા, ભપ્પી લહેરીના કુટુંબી હોય એમ આખા શરીરે ઠઠારેલા સોના અને હીરાના ઘરેણા, હાથમાં ચારણી, ઉપર આભમાં ચાંદો અને સામે પતિ પરમેશ્વર! એક પછી એક દરેક ચેનલને તમે ન્યાય આપી ચુક્યા છો, પરંતુ જાણે દરેક ચેનલ પર આજે કરવા-ચૌથની બાઢ આવી છે..અરે ગુજ્જુ સીરીયલ્સમાં પણ આજે કરવા-ચૌથનો મહિમા છવાયો છે અને ન્યુઝ ચેનલ્સ પણ આ પતિપ્રેમ વધારતા તહેવાર અંગે ખણખોદ કરવા મંડી પડી છે! દરેક ચેનલ પર તહેવારનું આ થઇ રહેલું ઓવર પ્રમોશન એવું ચિત્ર ખડું કરીં રહ્યું છે કે જો તમે કરવા-ચૌથ નથી કરી તો ના તો તમે પતિને પ્રેમ કરો છો કે ના તો તમે આદર્શ, સંસ્કારી, સુશીલ, સુંદર અને પરિવારપ્રેમી વહુના દાયરામાં આવો છો!  ક્રેપ, ક્રેપ, ક્રેપ!
ચાનો કપ હાથમાં લઈને તમે મથી રહ્યા છો જોવા લાયક ચેનલ શોધવા. એક ચેનલ પર આદર્શ વહુ માથે પૂરું ઓઢીને આખા જ્વેલેરી શોરૂમના બધા ઘરેણા મઠારીને રસોઈ બનાવી રહી છે. બીજી ચેનલ પર વહુ અને સાસુ બંને ભારતીય અદાર્શોમાં લપેટાયેલા (એટલેકે ભારેખમ મોંઘીદાટ સાળી અને કિલોના હિસાબનાં ઘરેણાવાળા) છે અને પોતાના કુટુંબના દુશ્મનોનો ખાત્મો કરવા યુક્તિઓ ઘડી રહ્યા છે! ત્રીજી ચેનલ પર ભણેલી ગણેલી વહુ રસોઈ અને ઘરકામમાં કાચી હોવાથી સાસુ સમેત પુરા પરિવારના વાકબાણ સાંભળી રહી છે પરંતુ સંસ્કારી વહુ હોવાથી એકપણ શબ્દ ઉચ્ચાર્યા વગર પરિવારપ્રેમ માટે પોતાનું કેરિયરનું બલિદાન આપીને આદર્શ વહુ સાબિત થવા જાત જાતની પરીક્ષાઓ આપે છે. નેક્સ્ટ ચેનલ પર પતિદેવ પોતાને છોડીને ગયાના વર્ષો વર્ષ પછી પણ આદર્શ વહુ રોજ સવારે લગ્નના જોડા અને ઘરેણા સમેત રેલ્વે સ્ટેશન જાય છે- પોતાના પતિ પરમેશ્વરની રાહ જોવા! નેક્સ્ટ ચેનલ પર આદર્શ ભારતીય નારી એવી પત્ની પોતાના પતિદેવના ટોણા સાથે માર પણ મૂંગા મોઢે ખાઈ લઈને ભગવાનની સામે એની લાંબી ઉમર માટે પ્રાર્થના કરે છે, એના સુધારવાની રાહમાં માર ખાઈને જીવતી રહે છે! અરે કાર્ટુન ચેનલ પર પણ સુઝુકા નામનું નાનું ગર્લ કેરેક્ટર આદર્શ છોકરી હોવાથી કુકીઝ બેક કરે છે – પોતાના ફ્રેન્ડસ માટે કેક બનાવે છે અને પોતાના સપનાના રાજકુમારની રાહ જુવે છે.. કેટલું આદર્શ- આઈડીયલ- બોરિંગ, ક્રેપ!
ટીવી બંધ કરી તમે રીમોટનો ઘા કરો છો.
ન્યુઝ પેપર હાથમાં લઈને વ્યગ્ર મનને શાંત કરવા આમ-તેમ પાના ઉથલાવો છો! અને હાથમાં આવે છે વીકલી સપ્લીમેન્ટ. એક પછી એક પેજ પર નજર ફેરવતા જાણે તમારું વ્યગ્ર મન વધુ વલોવાય છે. “પતિના દિલ સુધી પહોંચવાનો રસ્તો- પેટથી !”, “સાસુને પટાવવાના સાત રસ્તા”, “પતિદેવને પાલવની કોરે બાંધીને રાખવાની ટીપ્સ”, “આદર્શ માતા બનવાના સોનેરી સુત્રો!”, “મનના માણીગરને રીઝવવાના સચોટ ઉપાય”, “બ્યુટી ટીપ્સ ફોર સુપર વુમન”, “કેવી રીતે બનશો આદર્શ વહુ?” .... સુપર ક્રેપ! શું આજકાલની નોર્મલ ફીમેલ્સ આવુજ વાંચન પસંદ કરે છે? જો હા, તો કદાચ તમે એ નોર્મલ વુમનની ડેફીનેશનમાં ફીટ નથી બેસતા!
ન્યુઝ પેપરને ટેબલની નીચે સરકાવીને તમે ગેલેરીમાં આવો છો. ગેલેરી એટલે તમારી ફેવરેટ જગ્યા, જ્યાં બેસીને તમે કેટ-કેટલાય પ્રોબ્લેમ સોલ્વ કર્યા છે અને કેટલીયે કોમ્પ્લેક્સ સીચ્યુંએશનમાં પણ શાંતિ મેળવી છે! ઝૂલા પર બેસીને હળવેકથી ઠેસ આપી તમે ઝુલાની સાથે મન ને પણ હિન્ચ્કાવો છો. બાજુમાં પડેલો પપ્પાનો રેડીઓ હાથમાં લઈને તમે જાણે પપ્પા સાથે સંવાદ સાધવા પ્રયત્ન કરો છો. હળવેકથી રેડીઓના સ્ટેશન બદલતા તમે ટયુન કરો છો તમારું મનપસંદ એફ-એમ અને સંગીત વડે જાત સાથે સંધાન સાધવા ટ્રાય કરો છો. - “મેરા જો હોગા કુછ એસા હોગા, જો પ્યાર બનકે દિલમેં રહેગા, મમ્મી કો મેરી સમઝેગા મમ્મી, પાપા કો મેરે પાપા કહેગા, તો મેં કહુનગી ઉસે- હા હા હા.. પાપા કી પરી હું મેં....”- કરીના સ્ટારર આ સોંગ તમને કાફી પસંદ છે છતાં આજે એમાં પણ દિલ લોજીક શોધી રહ્યું છે અને અકળાઈ રહ્યું છે. હળવેકથી તમે રેડીઓ સ્ટેશન બદલો છો અને આકાશવાણી પર એજ જાણીતો મધુર અવાજ ગુંજે છે- આપકી ફરમાઈશ કાર્યક્રમવાળો! “તો પેશ હે અગલા ગીત જિસકી ફરમાઈશ કી હે ગુજરાતકે સુરતસે પીન્કી, બબલી, બીટ્ટુ ઓર ઉનકે પૂરે પરિવારને...” અને જાણે આજે પૂરી કાયનાત તમને ચીઢવી રહી હોય એમ વાગે છે ગીત- “બેના રે, સાસરીયે જાતા જોજે પાપડના ભીંજાય! દીકરી તો પારકી ને થાપણ કેહવાય! દીકરીને ગાય, દોરે ત્યાં જાય!..” – અને રેડીઓ પણ થયો બંધ!
આજે થઇ રહેલા આ અકસ્માતોથી અજાણતા એક સ્માઈલ આવી જાય છે,  તમારા વ્યગ્ર ચહેરા પર. અને તમે વિચારી રહ્યા છો- કેટ કેટલા સપનાઓ સાથે એક પરિવાર દીકરીને ઉછેરે છે! પરી, રાજકુમારી, આંખોનો તારો માનીને લાડ લડાવે છે અને જયારે એ દીકરી સહેજ સમઝણી થાય એટલે જાણે  એજ પરિવાર પર બોજ બની જાય છે... અને શરુ થાય છે કવાયત આ પારકી અમાનતને બીજા ઘેર એટલેકે “એના પોતાના ઘરે” સોંપી પોતાનું કામ પતાવવાની! લગ્નમાં વિદાય વખતે દીકરીને ભારેખમ સલાહો આપીને એને આદર્શ વહુ, આદર્શ પત્ની, આદર્શ માતા, આદર્શ દીકરી જેવા લેબલમાં બાંધી દેવામાં આવે છે - જેથી એ પોતાની જિંદગી પોતાની રીતે જીવી જ નાં શકે!
બાલ્કનીમાં ખૂણામાં પડેલા કોફી ટેબલ પર પડેલી મંથલી મેગેઝીન હાથમાં લઈને તમે કવર સ્ટોરી તરફ માઈન્ડ ડાયવરટ કરવા ટ્રાય કરો છો. “ઓળખો તમારી આસપાસની વેમ્પ એટલેકે ખલનાયિકાને!”- કવર સ્ટોરીનું હેડીંગ જ કેટલું ફિલ્મી છે એમ વિચારતા તમે સ્ટોરી વાંચવાના બદલે માત્ર પિક્ચર્સ પર નજર ફેરવો છો. અને ટીવીની ડેઈલી સોપ્સમાં આવતી ફેવરીટ વેમ્પ્સના એક્સક્લુસિવ ઈન્ટરવ્યું સાથે ટીપીકલ વેમ્પવાળા પોઝ્ના પીક્સવાળી સ્ટોરીમાં તમને ફરી એજ સંધાન દેખાય છે. તમે વિચારો છો કે આ વેમ્પ એટલે? શું જે આદર્શ નથી એ વેમ્પ? કે જે આદર્શ બનવા મથી મથીને થાકી હારી જાય છે એ વેમ્પ? કે પછી જેને સ્વેચ્છાએ જ આદર્શ નથી બનવું એ વેમ્પ? શું સ્લીવલેસ ટોપ અને જીન્સ પહેરે એજ વેમ્પ? કે કાળી સાડી પહેરી કપાળે લાંબો ચમકતો ચાંદલો કરી ફેશનેબલ જ્વેલરી પહેરે એ વેમ્પ? શું પોતાના પરિવાર સાથે કેરિયરને પણ મહત્વ આપે એ કરિયર ઓરિએન્ટેડ વુમન એટલે વેમ્પ? કે પછી જૂની પરંપરાઓમાં તથ્ય કે વૈજ્ઞાનિક મહત્વના હોઈ એને પાળવાની નાં પાડે એ રિબેલ એટલે વેમ્પ? પોતાના હક માટે સામે પહેલ કરે અને લડે એ પણ વેમ્પ? અને આ વિચારો હસાવી ગયા તમને, એક છેલ્લા  વિચારથી કે – જો ઉપરની બધી પરિભાષા ખલનાયિકા એટલેકે વેમ્પની છે, તો વેમ્પ બનવામાં કાંઈજ ખોટું નથી!
***
વ્હાઈટ એટલેકે સત્ય-શુભ અને બ્લેક એટલેકે અસત્ય-અશુભ ની વચ્ચે ગ્રે ના અગણિત શેડ્સ હોય છે, એવાજ વિવિધ શેડ્સ આપણે  જીવીએ છે આપણી  અંદર- પરંતુ સ્વીકારી શકતા નથી!
ટીવીની ડેઈલી સોપમાં પ્રોજેક્ટ કરાતી સુંદર,સંસ્કારી, સહનશક્તિવાળી, સુશીલ, સર્વાગુણ સંપન્ન એટલેકે આદર્શ- નાયિકા- હિરોઈન એક મીથ-છળ છે! આ આદર્શ બનવાની હોડમાં સારા અને ખરાબની વચ્ચેના અગણિત રંગબેરંગી મુમેન્ટસ આપણે  ખોઈ બેસીએ છે! આદર્શ બની બધાને ખુશ કરવાની મહેચ્છામાં નાની નાની ખુશીઓ ગુમાવી દઈએ છે.
કેમ આપણે  જાણતા અજાણતા થોપીએ છે આ ડેઈલી સોપ છાપ આદર્શતાને આપણી  દીકરીઓ-વહુઓ પર? આવો જીવીએ આપણી  લાઈફ બધાજ રંગો અને બધીજ લાગણીઓમાં તરબોળ થઈને, દિલથી! આવો સ્વીકારીએ પોતાની જાતને બધાજ શેડ્સમાં, અને નીખારીએ આપણું લાઈફ પિક્ચર આદર્શતાની ફૂટપટ્ટીથી પરે થઈ.

યાદ રાખીએ -લાઈફમાં ડેઈલીસોપ્સ મનોરંજન માટે જોઈએ પરંતુ લાઈફને ડેઈલી સોપ ના બનાવી દઈએ!

Comments

Popular posts from this blog

લાઈફ સફારી~૧૯: શ્રદ્ધા અને અંધશ્રદ્ધા:ઓળખો સુક્ષ્મ ભેદ!

“નવરાત્રીમાં હું તો પુરા નવ દિવસ ઉપવાસ કરું,એકદમ શ્રદ્ધાપૂર્વક અને માતાજીનું મારા પર એટલું બધું સત્ છે કે નવરાત્રીમાં તો માતાજી મારા શરીરમાં આવે જ!" – એક હ્યુમન જેવા જ દેખાતા માતાજી કહી રહ્યા અને શ્રોતાઓ આહોભાવથી જોઈ રહ્યા. મારું ફ્યુઝડ અને કન્ફ્યુઝ્ડ દિમાગ વિચારી રહ્યું કે - એક માણસ બીમારની જેમ ધ્રુજે , બુમો પડે, આંખો કાઢે, જાતજાતની ફરમાઈશો કરે- અને બધા એને પગે લાગેઅને એના આશીર્વાદ લે! - અને કહેવાય એમ કે એમને માતાજી આવ્યા છે! દિમાગ એ વિચારીને શોર્ટ થઇ જાય છે કે - માતાજી શું સાચે એટલા ફ્રી રહેતા હશે કે નવરાત્રીમાં  આમ બધાના શરીરોમાં ફરવા નીકળે? સીન-૨:
"હું તો ગયા વર્ષે એટલી બીમાર થઇ ગઈ હતી. કોઈ દવા અસર જ ના કરે... કેટલા ડોક્ટરોને બતાવ્યું, પણ કોઈ ફર્ક જ નહિ.. પછી મને કોઈએ પેલા XXX/YYY બાબા/માતાજી/ભુવા/ ઓઝાનો ઉપાય બતાવ્યો.. હું એમને મળી. એમણે મને તરત કહ્યું કે, તમને તો ફલાણાએ મૂઠ મારી છે! તમારા પર કાળો જાદુ કરાવ્યું છે. જો તમે એને નહિ  તોડવો તો ૧ વર્ષમાં તમે બરબાદ થઇ જશો! મેં એમણે કીધેલી વિધિ કરાવી, ખાલી ૧૦,૦૦૦ રૂપિયા થયા પણ આ જુઓ હું ચાલતી ફરતી થઇ ગઈ!"
મારા દિમાગને જાણે ક…

લાઈફ સફારી~૪૮: “સંબંધ એટલે શું?”

“મોટી, યુ શુડ સ્ટોપ રાઈટીંગ. રાઈટીંગ શુડ બી ડન બાય વાઈસ એન્ડ બોલ્ડ પર્સન. તારા જેવા સેન્ટી-મેન્ટલ અને મેસ્ડઅપ આત્માઓએ લખવું ના જ જોઈએ. સંબંધોમાં ઓલમોસ્ટ સિફર રહેલી તું, સાચા સંબંધ કે એ સાચવવાની સલાહ કઈ રીતે આપી શકે રીડર્સને?”-મારા રૂટીન ગુસ્સા અને અકળામણના રિએક્શનમાં મારા દિલોજાન દોસ્તએ ફ્રીની એડવાઈઝ આપી. “આઈ ડીફર. મારા જેવા ઇમોશનલ ફુલ અને દિલથી ડફર લોકોજ લાગણીઓના લોચા અને સંબંધોના સાંધા સહેલાઈથી સમઝી અને સહેજી શકે. જ્યાં સુધી જાતે જોયુ, અનુભવ્યું કે મહેસુસ કર્યું ના હોય ત્યાં સુધી કઈ લખવું શક્ય જ નથી! મારા માટે લખવું એટલે જાત સાથે પ્રમાણિક પણે વાત કરવી છે- ભલે વાત પોતે જોયેલી સ્નેહી-સ્વજનના દર્દની હોય કે જાતે નોતરેલા કોઈ પ્રોબ્લેમની! હા, હું ઘણા સંબંધોમાં લાગણીઓ ઉકેલવામાં નિષ્ફળ રહી છું, પરંતુ આ નિષ્ફળતા એ જ મને સંબંધોના એ પાઠ શીખવ્યા છે જે કોઈ સુફિયાણી રીલેશનશીપ-મેનેજમેન્ટની વર્કશોપ કે સો કોલ્ડ બેસ્ટ સેલર સંબંધ બચાવ-બુક વડે મળવા શક્ય નથી! લખવા માટે વાઈસ હોવું નહિ, થોડું ક્રેક- ક્રેઝી હોવું જરૂરી છે, તો જ એ પારદર્શકતા અને ઓનેસ્ટી આવે લખાણમાં જે સત્ય કહેવા અને સ્વીકારવા જરૂરી છે!”- મ…

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ.
આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે.
અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિત્રો સાથે ગાર્ડનમાં રમી…