“જસ્ટ અ વીક! એક વીક પછી દિવાળી! કઈ રીતે મેનેજ
થશે બધું? ઘરની સાફ-સફાઈ, દિવાળીના વેરાઈટીવાળા નાશ્તા, શોપિંગ, પૂજાની તૈયારીઓ
એન્ડ ઓલ... ઓફિસમાં પણ ઈમ્પોર્ટન્ટ મીટીંગ અને રીપોર્ટીંગ આવે છે એટલે રજા પણ નહિ
જ મળે! આઈ વીશ, હું ટાઈમ ને ફોરવર્ડ કે ડીલે કરવા સક્ષમ હોત તો, દિવાળીને ફાસ્ટ
ફોરવર્ડ કરી દેત અથવા ડીલે કરીને હજુ એક મહિનો લેટ કરી દેત! એવરી યર દિવાળી આવે
અને બીપી હાય થઇ જાય છે! ક્યાં એ બાળપણનાં દિવસો જ્યારે દિવાળીની દિવસો ગણીને
આતુરતાથી રાહ જોતી હતી અને...”- ઓફીસ ટેબલ પરથી ફાઈલ્સ સંકેલતા જાણે તમને બાળપણની
મઝાની યાદો મળી ગઈ.
યાદ આવ્યા એ દિવસો જયારે આખા વર્ષમાં શોપિંગ
માત્ર દિવાળી પર થતી, એ પણ બજેટ અનુસાર માત્ર
એક કે બે જોડી નવા કપડાની અને છતાં કેટલો રોમાંચ રહેતો! દિવાળી પર લીધેલી
નવા કપડાની જોડ કેટલી સ્પેશિયલ રહેતી અને જીવની જેમ સચવાતી! હવેતો મન થાય ત્યારે,
સેલ આવે ત્યારે કે ઇવન સ્ટ્રેસ રીલીવ કરવા પણ તમે વારે વારે ઓનલાઈન-ઓફલાઈન શોપિંગ
કરતા રહો છો, પણ એ આનંદ અને ઉત્સાહ કેમેય આવતો નથી!
યાદ આવી એ ફટાકડાની ઢગલી, મિત્રો સાથે વહેંચીને
ફોડેલા ઢગલો ફટાકડાઓ! ફટાકડાના ફૂટવાથી થતી રોશની અને અવાજથી જ જાણે દિવાળીનો
માહોલ જામતો હતો! ઇન્તેજારી રહેતી રાત પડવાની, દીવાઓના ઝગમગાટ અને ફટાકડાઓની
રોશનીથી ઝળહળી ઉઠતો માહોલ- આખા વર્ષનો ઉજાસ સીંચી જતો જાણે! અને હવે તો દિવાળી
એકદમ સોફેસ્ટીકેટેડ થઇ ગઈ છે- પોલ્યુશન ફરી, નોઇસ ફ્રી...
“મેડમ, આ નોટીસ વાંચીને સહી કરી દેજો ને પ્લીઝ.
“- પ્યુન તમારા હાથમાં એક નોટીસ પકડાવી જાય છે, જેમાં આવતી કાલના શનિવારની રજા
કેન્સલ કરી ડીટેઈનશન આપવાની વાત છે. અને યાદ આવે છે તમને આજ સવારે ઘરમાં થયેલી
ચર્ચા!
“તું એકલી નવાઈની નોકરી કરે છે? દિવાળીને એક
અઠવાડિયું પણ નથી રહ્યું અને આપણા ઘરે બધું કામ બાકી! દિવાળી પછી સાફ-સફાઈ કરીશ? જેટલી
પ્રાયોરીટી તારા પ્રોફેશનને આપે છે એનાથી અડધી પણ ઘરને આપે ને, તો અમારા બધાનો
ઉધ્ધાર થઇ જાય! કાલે ફોર્થ સેટરડેની છુટ્ટી છે ને? એટલીસ્ટ ઘૂઘરા, મઠીયા અને ચેવડો
તો બનાવ! બેબુ કમ્પ્લેઇન કરતી હતી કે એની સ્કુલમાં એના બધા ફ્રેન્ડ્સ લંચ બોક્સમાં
દિવાળીનો નાસ્તો લાવે છે. બે દિવસ રાજા લઇ લઈશ તો કઈ તારી ઓફીસ બંધ નથી થઇ જવાની.
સામેવાળાના માસી આજે મમ્મીને પૂછતાં હતા કે તમારે દિવાળીનું કામ કેટલે આવ્યું? મમ્મીથી
એમ તો જવાબ અપાય નહિ ને કે- અમારી ગૃહ લક્ષ્મી તો લક્ષ્મી કમાવવામાં બીઝી છે એટલે
અમે દિવાળી પછી એને ટાઈમ મળે ત્યારે નિરાંતે દિવાળી સેલીબ્રેટ કરીશું!”- તમારા
પતિદેવ સારકાસ્ટીકલ્લી તમને શબ્દોના વાર કરી રહ્યા અને તમે સાંભળ્યા છતાં અજાણ્યા
હોવ એમ કિચન સાફ કરવામાં પરોવાઈ રહ્યા! જીન્દગી જાણે એક કાયમનું યુદ્ધ થઇ ગઈ છે,
પોતાનો પરિવાર વર્સીસ પોતાની પ્રોફેશનલ જવાબદારીઓ! બેમાંથી કોઈ પણ હારે,
અલ્ટીમેટલી તમે જ તૂટો છો!
તમે પતિદેવના પ્રવચનને સંભાળતા સામે લટકતા
કેલેન્ડર પર ત્રાંસી નજર નાખો છો અને એક ટીસ સાથે જોઈ રહો છો લાલ રંગની તારીખોને
જે બતાવે છે દિવાળી! અને ફરી આવે છે એજ વિચાર- કેમ આવતી હશે આ દિવાળી?
***
“પ્રભુ, મારી એક રીક્વેસ્ટ છે.”- સીતામાતા પ્રભુ
શ્રીરામને વિનવી રહ્યા.
“સીતે, આપ મને હકથી હુકમ કરો! પૃથ્વીપર આપણા
ભક્તો આપણા વિજયને ઉજવવા ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છે. આપની ઈચ્છા હોય તો આપણે એક નાની
ટ્રીપ કરી આવીએ પૃથ્વી પર!”- પ્રભુ શ્રીરામ ઉત્સાહ અને હર્ષથી સીતામાતાને પોતાનો
વેકેશન પ્લાન જણાવે છે.
“પૃથ્વી ભ્રમણ એ પણ અત્યારે? ના પ્રભુ, વિચારીને
પણ બીક લાગે છે! અને હું આપને જે કહેવા માંગુ છું એ દિવાળીના સંદર્ભમાં જ છે! આપણી
અનુમતિ હોય તો કહું?”- પ્રભુ શ્રીરામના પૃથ્વી-પ્રવાસના પ્લાનને રીજેક્ટ કરીને,
બીજા ટુરીસ્ટ ડેસ્ટીનેશનના બ્રોશરસ જોતા જોતા સીતામાતા કહી રહ્યા.
“સીતે, આપણે લાસ્ટ દિવાળી પર પૃથ્વી-ભ્રમણ કર્યું
હતું, એ પછી આવો મોકો આ પહેલો છે! આટલી રોશની, હર્ષ-ઉલ્લાસ અને ભક્તિ-ભાવ માણવા પણ
આપણે પૃથ્વી પ્રવાસ ગોઠવવો જોઈએ. આ ભક્તોનો થનગનાટ જુઓ, આ પરિવારજનોની આતુરતા અને
ઉલ્લાસ જુઓ, આ ઠેર ઠેર બજારમાં લટકતા સેલના પાટિયા જુઓ- જાણે દિવાળી એક નવો રંગ
પૂરી રહી છે સર્વ પૃથ્વીજનોમાં!”- પ્રભુ શ્રીરામ પોતાની દિવ્ય દ્રષ્ટિવળે ભજન
કીર્તન કરતા મંદિરો, ઘરમાં સાફ-સફાઈ અને નાશ્તા બનાવવા જોતરાઈ ગયેલા કુટુંબ અને
છેલ્લી ઘડીની ખરીદીથી છલકાતા બજાર જોઈ રહ્યા!
“પ્રભુ, તમને પૃથ્વી-ભ્રમણની બહુ ઈચ્છા હોય તો આપ
જઈ આવો. હું નહિ આવું. આપને અત્યારે જ્યાં દિવાળીનો ઉત્સાહ, ભક્તિભાવ, રોશની અને
ઉમંગ દેખાય છે ત્યાજ મને આપણી દીકરીઓની આંખોમાં આક્રોશ, હતાશા અને થાક વર્તાય છે!
રોજ-બ-રોજની જીદંગીમાં મુશ્કેલીથી પ્રોફેશન અને પરિવાર વચ્ચે સંતુલન જાળવી શકતી આપણી
દીકરીઓ- દિવાળી કે બીજા તહેવાર આવવાથી ખુશી નહિ પરંતુ પારાવાર ટેન્શન અને હતાશા
અનુભવે છે! તમને દિવ્ય દ્રષ્ટિથી પૃથ્વી પર નજર કરતા મંદિરોમાં ભક્તિભાવ દેખાયો,
પણ તમને આપણી એ દીકરીઓની પ્રાર્થના ના સંભળાઈ, જે દિવાળી કેમ આવી એવો વલોપાત કરે
છે? તમને હર્ષોલ્લાસથી દિવાળીના સ્વાગતમાં ઘરની સાફ-સફાઈ થતી દેખાઈ, તો પણ તમે એ
નોટીસ કર્યું કે એ સાફ-સફાઈ કરવાવાળી બહુધા ઘરની સ્ત્રીઓ જ છે? જેમને ઘરના રોજીંદા
અનિવાર્ય કામ સાથે આ સફાઈનું એક્સ્ટ્રા કામ કરવું પડે છે! એ પણ ઘરના પુરુષ સભ્યોની
મદદ વગર! જો ઘરમાં મોવડી પુરુષ છે, નિર્ણય પુરુષના ચાલે છે, પરિવારનો આધાર પુરુષ
છે, તો પણ ઘરને સહેજ્વાની અને સાફ રાખવાની જવાબદારી કેમ માત્ર દીકરીઓના શિરે?
પ્રભુ તમને બજારમાં ઠેર ઠેર લટકતા સેલના પાટિયા દેખાયા પરંતુ ખરીદી કરવા આપણી
દીકરીઓ પાસે સમય, ઉત્સાહ કે ઉર્જા જ બચી નથી એ તમરા ધ્યાનમાં કેમ નાં આવ્યું? તમે
તો મર્યાદા પુરુષોત્તમ કહેવાઓ છો, તો કઈ રીતે ચુકી ગયા તમે ન્યાય કરવાનું
સ્ત્રી-વર્ગને?” – સીતામાતા એમના સ્વભાવથી વિપરીત સહેજ ઉચાટ અને ક્રોધથી પોતાની
વ્યથા વર્ણવી રહ્યા.
“દેવી, હું સમ્ઝ્યો નહિ!“- પ્રભુશ્રી રામ ઉકેલવા
મથી રહ્યા સીતામાતાની અસમંજસને!
“પ્રભુ, હું માત્ર આપની સમક્ષ એ ધ્યાન દોરવા
ઈચ્છું છું કે દિવાળી એ અન્યાય અને અધર્મ પર ન્યાય અને ધર્મના વિજયનો પર્વ છે! આ
પર્વની ઉજવણીના પાયામાં જ જો અન્યાય અને અધર્મ આચરતો હોય, તો શી રીતે આપણે એનો ભાગ
બની શકીએ? મારી અરજ છે પ્રભુ આપને, બંધ કરી દો આ તહેવારની ઉજવણી, જો એનો મૂળ સાર જ
ભૂલી જવાતો હોય! જો દિવાળી પ્રત્યેક માનવ માટે રોશની સાથે હર્ષ, ઉલ્લાસ અને ખુશીઓ
લાવવા સમર્થ નાં હોય તો – કોઈ જરૂર નથી દીકરીઓ માટે જવાબદારી, અપેક્ષાઓ અને હતાશા
વધારતા આવા ઉત્સવને ઉજવવાની!”-સીતામાતા નીચી પ્રેમાળ નજરે દિવ્ય દ્રષ્ટિથી પૃથ્વી
પર તમને જોઈ રહ્યા... અને તમે હજુ ઘૂરી રહ્યા છો કેલેન્ડર પર લાલ અક્ષરોમાં આંકેલા
દિવાળીના દિવસોને!
***
“હેં ભગવાન, દિવાળી આવી પણ ગઈ?” અને
“અરે વાહ, દિવાળી આવી!” – દિલ પર હાથ મૂકી જાતને પૂછો, આ બેમાંથી કયો સમવાદ
એક્ચ્યુઅલી તહેવારના સ્વાગત માટે બોલાવો જોઈએ, પરંતુ રીયાલીટીમાં તમે કયો ડાયલોગ
બોલો છો કે તમારા ઘરમાં સાંભળો છો?
આવો ઉજવીએ દિવાળી સાચા અર્થમાં, સાચી રીતે?
કઈ રીતે?
– હું નહિ જ કહું!
શોધો તમારો જવાબ જાતે અને ઉમેરો ખુશીઓ, ઉત્સાહ
અને રોશની તમારા પરિવારજનો-પ્રિયજનોની લાઈફમાં!
Comments