“દીકરી-
લાગણીઓની જણસ અને સંબંધોનો સેતુ!”
“દીદી, બહુ ભીડ છે, આજે લેડીઝ ડબ્બામાં ચઢાય એવી
પરિસ્થિતિ નથી. અહી આવી જાઓ. મને ખબર છે તમે વિકલાંગના ડબ્બામાં નથી જ આવતા.
પરંતુ, આજનો દિવસ તમારા નીતિ-નિયમોને રીસેસ આપો!” – યુનિવર્સીટીમાં માસ્ટર્સનો
અભ્યાસ કરતી સ્નેહાએ લેડીઝ ડબ્બાની લગોલગ આવતા વિકલાંગના ડબ્બામાંથી ટહુકો કર્યો.
હું મને –કમને આમ-તેમ નજર ફેલાવી, એક નજર
પ્લેટફોર્મ પર લટકતી ક્લોક પર નાખી અને ટ્રેનની વ્હીસલ સંભળાતા, અનિચ્છાએ
વિકલાંગના ડબ્બામાં ચઢી.
સામ-સામી બે સીટની વચ્ચે વિશાળ ખુલ્લી જગ્યામાં
રોજના અપ-ડાઉનવાળા ન્યુઝપેપર પાથરીને ગોઠવાયા હતા. કોઈ સ્કુલના પેપર્સ ચેક કરી
રહ્યું હતું, તો કોઈ હનુમાન ચાલીસાના પાઠ! કોઈ વોટ્સએપ પર બીઝી હતું તો કોઈ
બુક્સમાં મગજ લગાવી રહ્યું હતું. હું રોજીંદી આદત પ્રમાણે મારા મોબાઈલમાં મ્યુઝિકનો આંનદ લઇ રહી હતી. “અબ મુઝે કોઈ
ઇન્તેઝાર કહા...”- ગાઈ રહેલા રેખા ભારદ્વાજનો અવાજ કાનમાં કૈક ઇમોશન્સ રેડી રહ્યો
હતો.
“દીદી, અહી આ બાજુ જગ્યા છે. “-એક અજાણ્યો અને
થોડો સહેમેલો અવાજ સંભળાયો.
મેં પાછળ નજર કરી તો એક પંદર-સોળ વર્ષની છોકરી
થોડા થાકેલા, છતાં વ્હાલા લાગે એવા સ્મિત સાથે મને એની બાજુની જગ્યામાં બેસવા ઇજન
કરી રહી.
એ અજાણી છોકરીની બાજુમાં બેસીને હું મારી મ્યુઝિક
મુસાફરીમાં ફરી પરોવાઈ.. છતાં એ છોકરીમાં કૈક એવું હતું કે અચાનક મ્યુઝિક પ્લેયરને
પોઝ કરી, ત્રાંસી આંખે હું એને જોઈ રહી.
કચ્છ એક્સપ્રેસની કાતિલ ભીડમાં પણ એને કદાચ બીજી
કે ત્રીજી વાર જોયાનું દિમાગ દાહોરાવી રહ્યું. એક વાર જોઈને યાદ રહી જાય એવું
આકર્ષણ ભલે એનામાં નાં હતું, પરંતુ કૈક અજાણ્યું રીઝન હતું કે મારા દિમાગના
કેમેરામાં એની ઈમેજ કેપ્ચર થઇ ગઈ હતી. અંબોડામાં કસીને બાંધેલા લાંબા કાળા વાળ,
આંખે ઘસાયેલી ફ્રેમવાળા બાબા-આદમના જમાનાના ચશ્માં, જૂની ફેશનના ઝાંખા પડી ગયેલા
સલવાર કમીઝ પર નાખેલી મેચિંગ વગરની ઓઢણી, હાથમાં લાલ શ્રધ્ધાનો દોરો- એકદમ સાધારણ –
છતાં કૈક અસાધારણ!
“પપ્પા, શું થાય છે?”- અચાનકએ અતિ સામાન્ય લાગતો
ચહેરો એકદમ સૌમ્ય અને લાગણીશીલ બન્યો.
એ અજાણી છોકરીની બાજુમાં બેઠેલા એના પપ્પા ટ્રેનની
બારી પાસે બેસીને પોતાને થતી ગભરામણ ઓછી કરવા નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા, એમના અચાનક
ચઢી આવેલા શ્વાસે એમની પરિસ્થિતિ અને વેદના ખુલ્લી કરી દીધી. અત્યંત મુશ્કેલીથી
એના પપ્પા કૈક બોલી ગયા જે એમની દીકરી સિવાય કદાચ કોઈ જ સમઝી ના શક્યું... જેમ
બાળક બોલતા શીખે એ પહેલા એની ભાષા માત્ર અને માત્ર એની માતા જ સમઝી શકે છે એમ!
“મારું નામ નમિતા. આ મારા પપ્પા. એમને કીડનીનો
પ્રોબ્લેમ છે એટલે ડાયાલીસીસ કરાવવા જઈએ છે.”- પોતાની પાસેની નાનીસી બેગમાંથી એક
ડબ્બી કાઢી, એમાંથી ચમચી ભરીને કૈક પાવડર જેવું પોતાના પપ્પાના મોઢામાં પ્રેમથી
ખવડાવી, પાણીની બોટલમાંથી પ્લાસ્ટીકના ગ્લાસમાં પાણી કાઢી એમને પીવડાવતા એ કહી
રહી. કદાચ છેલ્લી દસ મીનીટથી ત્રાંસી નજરે હું એનું નિરીક્ષણ કરી રહી છું એ વાત
એની ચકોર નજર પારખી ગઈ હશે.
“સિવિલ હોસ્પિટલમાં જઈ રહ્યા છો?” – મેં વાત શરુ
કરતા પૂછ્યું.
“હા દીદી, જોકે હવે ચલક-ચલાણી જેવું છે. પપ્પાને
અઠવાડિયે બે વાર ડાયાલીસીસ કરાવવું પડે છે, હમણાં સુધી સિવિલમાં જતા હતા, ત્યાં
ટ્રસ્ટમાં ભલામણથી ફ્રીમાં ડાયાલીસીસ થઇ જતું હતું. હવે ત્યાં જઈએ તો જવાબ પડે છે
કે- પૂરતું લોહીનું પ્રેશર નથી. છેલ્લા એક મહિનાથી જુદી જુદી હોસ્પિટલોની ચિઠ્ઠીઓ
લઈને આમ-તેમ જાઉં છું. પૈસાનું પાણી સાથે પપ્પાને અવગડ- જીવ કપાઈ જાય છે એમની
વેદના જોઈને.”- નમિતા ભીની આંખે કહી રહી. કદાચ આપણે જેટલી સહજતાથી વેદના અજાણ્યા
વ્યક્તિ સાથે શેર કરી શકીએ છે એટલી સરળતાથી પોતાના સામે રડી પણ શકતા નથી...
“અઘરું છે હોસ્પિટલનું કામકાજ. હું સમઝી શકું
છું. તું પપ્પા સાથે એકલી જ જાય છે દર વખતે? આઈ મીન, ઘરમાં કોઈ મોટું? કોઈ મોટો
ભાઈ, કાકા-મામા કોઈ?”- પંદર-સોળ વર્ષની કુમળી ઉમરમાં જ્યારે દિલ જાતજાતના સપનાઓમાં
ખોવાયેલું રહે છે, એ ઉમરે નમિતા દવાઓ અને હોસ્પિટલોના ચક્કર કાપી રહી છે એ જોઈ કૈક
ખૂંચ્યું.
“હા દીદી, હું અને પપ્પા બેજ આવીએ છે કાયમ. રોજ
નું થયું હવે તો! કોણ રોજ-રોજ સાથે આવે? અને મોટામાં તો હું જ છું. ઘરમાં ગણીને
દાદા, મમ્મી-પપ્પા અને એક નાનો ભાઈ છે. પપ્પાની હાલત તો તમારી નજર સામે છે, દાદા
ઘર ચલાવવા અને દવાઓનો ખર્ચો કાઢવા આમ-તેમ વલખા મારતા રહે છે. મમ્મી તો પપ્પાની
હાલત જોઈને પોતેજ બેહોશ થઇ જાય એટલી નરમ છે, અને ભાઈ હજુ ત્રીજા ધોરણ માં ભણે છે.
એટલે હું જ.. “- નમિતાએ જાણે પોતાની પરાણે છુપાવીને રાખેલી દુનિયાની એક બારી ખોલી.
અને હું જોઈ રહી એમાં કસમયે મોટી થઇ ગયેલી, ઉમર સહજ નાદાનિયત અને લાગણીઓ ગુમાવી
ચૂકેલી એક- ટીનએજમાં પરાણે મેચ્યોર થઇ ગયેલી દીકરી.
“હું સમઝી શકું છું.”- કહેવા માટે બીજા કોઈ શબ્દો
જ જાણે નાં રહ્યા. નમિતાની આંખોમાં હું વાંચી રહી એ પ્રશ્નાર્થ કે – ના , કોઈ જ
નહિ સમઝી શકે- આ લાગણીઓ અને જવાબદારીઓના આટા-પાટા!
“વીકમાં બે વાર હોસ્પિટલ આવવું પડે છે, તો તું ભણવાનું
કઈ રીતે મેનેજ કરી શકે છે?”- વાત બદલવા મેં પ્રશ્ન પૂછ્યો.
“ભણવાનું તો પપ્પાની દવા શરુ થઇ એ દિવસથી જ બંધ
છે દીદી. પપ્પાને લઈને હોસ્પિટલના ધક્કા ખાવાના, ઘર સાંભળવાનું, સામાજિક પ્રસંગો
સાચવવાના, અને રસોડું સાચવવાનું – એમાં વળી ભણવાનો શોખ કેમ કરી પોસાય? અને સાચું
કહું ને તો એવા ફદીયા પણ ક્યાં છે? મેં ભણવાનું મુક્યું તો પપ્પાનું દવા-દારુ ચાલે
છે અને નાનો ભાઈ ભણી શકે છે. દાદા બિચારા આ ઉમરે કેટલું સંભાળી શકે?”- સહેજ પણ
સંકોચ કે દુખ વિના ખુલ્લા દિલે નમિતા પોતાની પરિસ્થિતિ જણાવી રહી. અને એની સમઝણ
અને પરિવાર માટેની કટીબધ્ધતા માટે મારું દિલ સેલ્યુટ કરી રહ્યું.
“તમે નોકરી કરો છો દીદી? તમે શું ભણેલા? તમને ખબર
છે,- મને ભણવાનો બહુ શોખ હતો, હું બધી પરીક્ષાઓમાં એક થી દસમાં નંબર લાવતી. મારા
ટીચર મને કાયમ કહેતા કે તું તો મોટી થઈને વકીલ જ બનજે, હું ચબર-ચબર બહુ બોલું એટલે!”-
મોટી મોટી કાળી આંખો બારીની બહાર જોઈને જાણે સ્કુલના દિવસો શોધી રહી, જયારે એ બે
ચોટલામાં રીબીન ગૂંથીને સાયકલ પર પાછળ ભાઈને બેસાડીને ગીતો ગાતી હસતી રમતી ભાગતી
જતી.
શું જવાબ આપું નમિતાને- એ અવઢવમાં હું જોઈ રહી
એની સામે.
નમિતા બેગમાંથી નેપકીન કાઢી એના પપ્પાના કપાળ અને
ખભે પસીનો લુછી રહી.
“બહુ ગરમી છે આજે. મારાથી આજે નહિ ચલાય.”- નમિતાના
પપ્પા બાળ-સહજ નિર્દોષતા સાથે જીદ કરીને બોલી ગયા.
“હા પપ્પા. ગરમી તો બહુ છે. પણ ચાલવું તો પડશે જ
ને? જુઓ ખાલી થોડુંક- એકદમ થોડુંક જ ચાલવાનું.. પછી હું વ્હીલચેર મંગાવી લઈશ હેં
ને?”- નાના છોકરાને સમઝાવતી હોય એમ નમિતા પોતાના પપ્પાને માનવી રહી.
હું વિચારી રહી કે કદાચ એક દીકરીની લાગણીઓ જ
જવાબદારીનાં તાપમાં આટલી મજબુત બની શકે, અને આપી શકે સહારો પુરા પરિવારને!
અને કોણ જાણે કેમ એ પ્રશ્ન થયો કે શું નમિતાની
જગ્યાએ એનો ભાઈ મોટો હોત તો એ પણ આટલી સહજતા અને સરળતાથી પોતાનું એજ્યુકેશન છોડી,
કેરિયર અને લાઈફથી ઉપર પિતા અને પરિવાર ને ગણીને, આવું ત્યાગ અને સમર્પણ કરી શકત?
સામે નમિતા પોતાના પિતાના વળી ગયેલા કોલરને સરખો
કરી રહી અને હું વિચારી રહી કે -નમિતા જેવી દીકરીઓ એમના માં-બાપ માટે વર્ષે એક વાર
આવતો ડોટરસ ડેનો જ દિવસ નહિ આખું આયખું ખાસ બનાવી દે છે!
***
ઇન્ટરનેશનલ ડોટરસ ડે- દર સપ્ટેમ્બર મહિનાનો ચોથો
રવિવાર આપણે ઉજવીએ છે દીકરીઓના પર્વ તરીકે!
આ દિવસે - દીકરી તરીકે જન્મવા માટે કે દીકરીને
જન્મ આપવા માટે આપણે ગર્વ અનુભવીએ છીએ અને વધામણા આપીએ છે! પણ શું જાત ને એક વાર
પણ પૂછવાની દરકાર કરી છે કે - શું સાચે આપણે દીકરી તરીકે જન્મવા માટે કે દીકરીને
જન્મ આપવા માટે સાચે જ ખુશ છીએ?
દીકરા જેટલો જ કે એનાથી વધુ મજબુત અને લાગણીશીલ
ટેકો પરિવાર માટે દીકરી કરી શકે છે, તો પણ કેમ આપણે દીકરીને જાકારો આપો છો?
જો દીકરો આપણો સો કોલ્ડ વરસો અને વંશવેલો વધારે
છે તો દીકરી લાગણીઓની જણસ અને સંબંધોની હુંફ સાચવે છે- એને પણ એટલાજ પ્રેમ અને
ઉત્સાહથી વધાવીએ!
આવો- દીકરા અને દીકરીને આપીએ સહજ સમાન પ્રેમ અને
આવકાર!
Comments