પંખીઓના મધુર કલરવ સાથે
તમારી આંખો ઉઘડે છે. આજે આ ઈંટ અને સિમેન્ટના જંગલમાં વસતા તમે પંખીઓનો કલશોર તો
અફોર્ડ નથી કરી શકતા, પરંતુ તમારા સ્માર્ટ ફોનમાં રહેલો આ એલાર્મ ટોન રોજ સવારે
તમને પ્રકૃતિની નજીક લાવે છે.
તમે એલાર્મ બંધ કરીને,
અરીસામાં જોઈ, કપાળ પર વિખરાયેલી તમારી રેશમી લટો સહેજીને , તમારા પતિદેવ અને
બાળકોને સહેજ પણ ખલેલ ના પડે એમ બેડરૂમની બહાર નીકળો છો. ગઈ કાલે મોડી રાત સુધી
બાળકોએ ફટાકડા ફોડ્યા અને તમે અને પતિદેવ એમનું ધ્યાન રાખવા આંગણામાં બેસી રહ્યા.
તમારુ ચાલે તો તમે આજે સૂર્યદેવ માથે તપે ત્યાં સુધી પોઢી રહો, પરંતુ આજે નવા
વર્ષના સ્વાગત માટે ઘણું નવું કરવાનું છે- એ ધ્યાનમાં રાખી, ઓફિશિયલી સવાર પડે એ
પહેલા તમે જાગી ગયા છો. તહેવારો આપણી લાઈફમાં એક બ્રેક લઈને આવે છે, રોજીંદી
જીંદગીમાં કૈક નવું કરવા, આનંદ-ઉત્સાહ-તોફાન માણવા, પોતાના પરિવાર અને પ્રિયજનો
સાથે મસ્તીની મુમેન્ટસની મઝા લેવા... પરંતુ સાથે સાથે તહેવારો રોજીંદી જિંદગીમાં નવી
અપેક્ષાઓ અને નવી જવાબદારી પણ ઉમેરે છે- એકસ્ટ્રા ખુશીઓ માટે ડાઉન પેયમેન્ટ સમઝી
લો જાણે!
કાલે રાતે ઊંઘતા પહેલા
તમારા સ્માર્ટફોનમાં તમે બનાવેલું ટુ –ડુ લીસ્ટ ખોલીને તમે પ્રાયોરીટી સેટ કરી
રહ્યા છો, અને કદાચ મનમાં ગણી રહ્યા છો કે, સહેજ પાંચ-દસ કે પંદર મિનીટ હજુ ઊંઘી
જાઉં તો બધા કામ પતે એમ છે કે નહિ? હર હંમેશથી તમારા દરેક મુડ અને મુસીબતોનું
સોલ્યુશન તમને આ મ્યુઝિક મેનુમાં અનાયાસે વાગી જતા ગીતોથી મળી આવ્યું છે. આજે પણ
તમે શોધી રહ્યા છો કેટલાક જવાબો- નવા વર્ષના નવા સવાલોના, બ્રાન્ડ ન્યુ જવાબો- એજ
સદાબહાર ગીતો દ્વારા! મોબાઈલના મ્યુઝિક મેનુમાં જઈને તમે તમારું ફેવરેટ સોન્ગ્સ
લીસ્ટ સ્ટાર્ટ કરો છો, અલબત્ત એકદમ ધીમા અવાજે! અને જાણી બુઝીને શફલ ઓન કરો છો,
જેથી જુદા જુદા મુડના ગીતો સાંભળી શકો, આઉટ ઓફ સિક્વન્સ...
તમે બાળપણમાં ખુબ સારું
ડ્રોઈંગ કરતા છતાં રંગોળી પૂર્વમાં કાયમ કાચા રહ્યા છો. બાળકોના પ્રેમાગ્રહ વશ,
પહેલું કામ આજે નવા વર્ષે તમે શરુ કરો છો – આંગણામાં રંગોળી પુરવાનું! ભીના ચોકથી
કાલે રાતે આંગણામાં લીપેલા સ્કેવર પર કૈક દોરવા હાથ ફરી રહ્યા... વારે વારે
ભૂતકાળમાં ભૂલું પડી જતું મન વિચારે છે- નવું વર્ષ, શું નવું છે એમાં? આટલા
વર્ષોમાં આ એક નવું વર્ષ શું ઉમેરો કરવાનું છે? કેમ તમે આટલા ખુશ અને આશાવાદી છો આ
નવા વર્ષને લઈને?
અને બેક ગ્રાઉન્ડમાં ગુંજી રહ્યું
– “જોરો સે દિલ ગા રહા હે મેરા, કન્ફયુઝન સુલઝા રહા હે મેરા... જોશ હૈ, અબ હોશ હૈ,
ઓર હૈ જુનુન સા મિલા, જેસે રાસ્તોને પા લિયા હે મંઝીલો કા પતા, અબ તો નયી સુબહ
હોને કો હે, ખુદ સે દોસ્તી હોને કો હે...ઝીંદગી યાર સી હોને કો હે, અબતો નયી સુબહ
હોને કો હે...તોડ કે મરોડકે તકદીરે જોડ લી, કૈદથી જો સોચ કી ઝંઝીરે ખોલ લી, અબ
મુજકો બહેલા રહા દિલ મેરા, કન્ફયુઝન સુલઝા રહા હે મેરા... અબ તો નયી સુબહ હોને કો
હે... ખુદ સે દોસ્તી હોને કો હે!”
અને તમારા પરફેક્ટ રાઉન્ડ
ચહેરા પર એક સ્વીટ સ્માઈલ ફેલાઈ ગઈ, જાણે ફાલતું મુવીના આ સોંગ દ્વારા તમારા ક્વેશ્નનનો પરફેક્ટ જવાબ મળી
ગયો.. આ નવા વર્ષમાં હું નવી છું, મારો ઉત્સાહ, સપના અને મારી દિશા નવી છે! નવા છે
મારા હોંસલા અને નવી છે મારી મંઝીલ, જેને પામવા મને એક નવો અને પાક્કો દોસ્ત પણ
મળી ગયો છે- હું, પોતે! આ નવા વર્ષે એક નવા પેશન સાથે હું મારી જાત સાથે દોસ્તી
નિભાવીશ અને ડેસ્ટીની/લક/સમાજ/મજબૂરી બધા બહાનાઓને ઠેકીને
જોયેલા એ નવા સપનાઓ સુધી પહોંચી જઈશ!
ભીના ચોકથી શું દોરવું અને શું
નહિ, એ અવઢવમાં અટવાયેલા તમે લેપટોપ સ્ટાર્ટ કરો છો. તમારા પરમ મિત્ર ગુગલની મદદ
લેવા- રંગોલી સિલેક્ટ કરવા! અને જેવું લેપટોપ સ્ટાર્ટ કરો છો, નોટીફીકેશ્ન્સમાં
દેખાય છે નેક્સ્ટ મીટીંગ માટે કરવાના પેન્ડીંગ મેઈલ્સ, પ્રેઝન્ટેશનની ડેડલાઈન, રીપોર્ટસ
સબમીશનની ફોર્મેટ અને .... કરપ્શન-વ્યવહાર અને પ્રેક્ટીકલ થવાની હોડમાં સામેલ ના
હોવાથી ઓફીસ પોલીટીક્સ અને પજવણીનો ભોગ બનતા તમે! તમે વિચારી રહ્યા- શું બદલી શકશે
આ તહેવાર? કઈ રીતે ટકી શકશો તમે આ કૌરવસેના સામે?
અને બેકગ્રાઉન્ડમાં ગુંજી
રહેલા તમારા ફેવરેટ મુવી ડોરના સોન્ગના લિરિક્સ આપી રહ્યા સ્પષ્ટ અને સીધો જવાબ –
“રાહ પે કાંટે બિખરે અગર, ઉસપે તો ફિર ભી ચલના હી હેં, શામ છુપાલે સુરજ મગર, રાત
કો એક દિન ઢલના હી હેં! ઋત યે ઢ્લ જાયેગી, હિંમત રંગ લાયેગી, સુબહા ફિર આયેગી...
યે હોંસલા કેસે ઝુકે? યે આરઝુ કેસે રુકે...”
અને તમે મક્કમ અને મજબુત
ફીલ કરો છો. જાણે જાતને કહી રહ્યા છો- “કિસકા હેં યે તુમકો ઇન્તેઝાર મૈ હું ના!”
લેપટોપ અને એની સાથે
જોડાયેલા બધા ડાયરેક્ટ ઇનડાયરેકટ ટેન્શનને બંધ કરીને તમે તહેવારના મુડમાં પાછા આવો
છો. ફરીથી રંગોળીમાં શું દોરવું એની દીધ્રામાં તમને યાદ આવે છે તમારા બાળકોની
ડ્રોઈંગ બુક. અને એક થ્રીલ આવે છે એમને સરપ્રાઈઝ આપવાના વિચાર માત્રથી. વેકેશન
પહેલા તમારા બંને બાળકોએ સ્કુલ પ્રોજેક્ટ માટે “માય ફેમીલી” થીમ પર ડ્રોઈંગ બનાવ્યું હતું. એમના ડ્રોઈંગને
જ રંગોળી સ્વરૂપ આપો તો આ નવા વર્ષની શરૂઆત જ કેટલી આનંદ અને ઉત્સાહભરી રહેશે એ
વિચારી, તુરંત તમે સ્ટડી ટેબલમાંથી બંને બાળકોની વર્કશીટ્સ શોધી કાઢી અને... “માય
ફેમીલી” – આ એકજ થીમ પર બંને બાળકોએ દોરેલા ડ્રોઈંગ કેટલી હદે અસમાન છે એ જોઈ તમે
મૂંઝાઈ ગયા. તમારા બંને હાથમાં રહેલા બે ચિત્રો ભારતીય સમાજની બે એક્સ્ટ્રીમ
પોર્ટેટ કરી રહ્યા છે. તમારા પુત્ર-સંગીતના ચિત્રમાં લેપટોપબેગ લઈને મોબાઈલ પર વાત
કરી રહેલા પપ્પાનો હાથ પકડીને સંગીત રેસિંગકાર લઈને ઉભેલો છે, એની બાજુમાં તમારી
પુત્રી સ્વરા એની ઢીંગલીને પકડીને ઉભી છે અને એની બાજુમાં દોરાયેલા છો તમે- હાથમાં
વેલણ લઈને, સાળી પહેરીને. સંગીતનું આ ડ્રોઈંગ એના મનોભાવને અને એના સબ-કોન્શિયસ
માઈન્ડની ફેમીલીફ્રેમ બતાવી રહ્યું. તમને થોડું દર્દ થયું પોતાના પુત્રની અપેક્ષાઓમાં
ખરા ના ઉતરી શકવાનું. અને પ્રશ્ન થયો- કે શું તમે ખોટા છો? જો ના, તો સાચું ચિત્ર
સંગીતને કઈ રીતે બતાવી શકાય? તમારા બીજા હાથમાં હતું તમારી પુત્રી સ્વરાનું “માય
ફેમીલી” થીમ પરનું ડ્રોઈંગ- લેપટોપ લઈને મોટ્ટી સ્માઈલ સાથે સંગીતનો હાથ પકડીને
ઉભેલા પપ્પા, એમની બાજુમાં ટેબ્લેટ પર કામ કરતા-કરતા લંચબોક્સ ભરી રહેલા તમે અને તમારી
બાજુમાં તમારી વોટરબોટલ ભરી રહેલી સ્વરા. અત્યાર સુધી માત્ર ભીની થયેલી આંખો હવે
ભરાઈ આવી. અને તમે વિચારી રહ્યા- શું આ સામાજિક ચિત્ર બદલાશે? જે સમઝણ દીકરીઓમાં
છે એ દીકરાઓમાં રોપાશે? ક્યારે ઠીક થશે આ જવાબદારીઓ અને લાગણીઓનું ઇમ્બેલેન્સ? શું
બદલાશે તમારા પુત્ર અને બીજા પુરુષોનું આ મનો-ચિત્ર? કઈ રીતે તમે આ બદલાવનો ભાગ
બની શકશો? તમે એકલા શું કરી શકશો- જ્યારે આખા સમાજને જરૂર છે બદલાવની અને તમારો
સાથ આપવા કોઇજ સાથે-પાસે નથી, અલબત્ત તમારી સામે છે –તમારો જ પરિવાર અને આખો સમાજ!
અને આ મનોમંથનનો જવાબ પણ
તમારા મ્યુઝીકલ મિત્રએ બખૂબી આપી દીધો..
“ જબ કાલી ઘટા છાયે, ઓ રે..
અંધેરા સચ કો નિગલ જાયે, જબ દુનિયા સારી સચ કે આગે સર અપના ઝુકાયે, તું શોલા બન
જા, વો શોલા બન જા, જો ખુદ જલકે જહાં રોશન કર દે, એકલા જોલો રે.. એકલા ચોલો રે...
ઓપન ધાય માઈન્ડ, વોક અલોન! ડુ નોટ અફ્રેડ, વોક અલોન..”
આ નવા વર્ષમાં તમે આ
પરિવર્તનના સુત્રધાર બનવા મક્કમ છો! જે બદલાવ તમને જોઈએ છે, એ માટે તમારા ઘરથી જ
શુકન કરી, શરૂઆત કરવા મક્કમ છો! અગણિત મુશ્કેલીઓ અને પરેશાનીઓને મ્હાત કરીને,
જ્યાં સાચા છો ત્યાં સામનો કરવા મક્કમ છો! ગમે એવી કોમ્પ્લેક્સ સિચ્યુએશન આવે એને
મ્યુઝીકના મેજીકથી ઉકેલી લેવા અને મૌજથી જીવવા મક્કમ છો!
***
તો, પ્લે કરો તમારું
મ્યુઝિક મેનુ- અને મેળવો તમારા પ્રશ્નોના સીધા સરળ જવાબ, તમારી જ આસ-પાસ! લાઈફને
સિમ્પલ અને સ્ટ્રેઈટ જ રહેવા દો, વહેવા દો સંગીતના તાલે! જીવો દિલથી, જીવો
મ્યુઝીકલી!
Comments