“યે દૌલત ભી લે લો, યે
શોહરત ભી લે લો.. ભલે છીન લો મુજસે મેરી જવાની, મગર મુજકો લૌટા દો બચપન કા સાવન વો
કાગઝ કી કશ્તી, વો બારીશકા પાની....” – મ્યુઝીક ચેનલ્સ પર આજે સવારથી ચિલ્ડ્રન્સ
ડેનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે. ફેસબુક અને વોટ્સએપ પર પણ સવારથી મિત્રો પોતાના
બાળપણના પીક્સ મુકીને બાળપણની યાદો વાગોળી રહ્યા છે...
તમે પણ સવારથી રહી રહીને
તમારા બાળપણના દિવસોમાં સરી જાઓ છો. એ દિવસો જયારે જીદગી દિલથી ખુલીને અને મૌજથી
જીવાતી હતી. એ દિવસો જ્યારે માતા-પિતા અને મિત્રો સાથે રીયલમાં સમય પસાર કરવાની
જાહોજલાલી હતી, જ્યારે ફેસબુક અને વોટ્સએપ તો ના હતા છતાં દિલોજાન મિત્રો હતા –જેમને
સમયે-કસમયે દિલથી યાદ કરી હેરાન કરી શકાતા, જ્યારે મમ્મીની બનાવેલી રસોઈથી વધુ
સ્વાદિષ્ટ માત્ર મેગી જ હોઈ શકતી, જ્યારે પપ્પા ઓફીસથી આવે એટલે ફરમાઈશો અને બહેન
સાથે કરેલા ઝગડાઓનું લીસ્ટ તૈયાર રાખવામાં થ્રિલ અનુભવાતી,
લંગડી-પકડદાવ-સતોડીયું-ગેંડો-થપ્પો-નદી કે પર્વત અને બીજી કેટલીયે રમતો રમીને
થાકીને લોથપોથ થઇ જવાની પણ મઝા આવતી, જ્યારે સ્કુલની એક્ઝામ એક માત્ર ટેન્શન હતું,
જ્યારે યુનિફોર્મની સમાનતામાં મિત્રો અને સહપાઠીઓ પણ સમાન હતા- કોઈ ભેદભાવ કે બાયસ
વગર, જયારે વજન વધવાથી દુખ થતું નહિ, જયારે સુંદરતા સહજતા અને નિર્દોષતા હતા –
વસ્ત્રો કે સજાવટની પરે- દિલની કરીબ....જ્યારે....જ્યારે... તમને યાદોની ફ્રેમને
પેલે પાર એક દસ-બાર વર્ષની ગોલુંમોલું વેલવેટનુ ફ્રોક પહેરેલી નિર્દોષ અને દિલથી
હસી શકતી ઢીંગલી દેખાઈ. કાશ ડોરેમોન પાસે ટાઈમ મશીન માંગીને ફરી એ વર્ષો જીવી
શકું- એ બાલીશ વિચારથી પણ દિલ ને સુકુન મળ્યું...
આપને માત્ર ચિલ્ડ્રન્સ ડેના
દિવસેજ નહિ, લગભગ દર-રોજ એક વારતો આપના બાળપણની ગલીઓમાં ભૂલા પડી જ જતા હોઈએ છે,
કેમકે આ જ માત્ર એવી જગ્યા છે જ્યાં દિલને તાજગી, શાતા અને આનંદ મળે છે. દરેક
મનુષ્ય જેન્ડર, એજ્યુકેશન, કાસ્ટ, પૈસા, રીલીજીયન કે રીજીયનના બાયસ વગર એક સમાન
પણે જે જાહોજલાલી હકથી મેળવે છે એ છે- બાળપણ! શું ખરેખર દરેકને આ બાળપણની દૌલત
સરખે ભાગે મળે છે? – ચાનો કપ હાથમાં લઈને તમે અટકી ગયા એક અઘરા પ્રશ્ન પર. પ્રશ્ન
અઘરો એટલે નાં હતો કે એનો જવાબ મળવો મુશ્કેલ હતો, પરંતુ એટલે કઠીન હતો કે એનો જવાબ
નજરની સામે જ હતો- પરંતુ....
***
“છોટુ, પાછળ થોડા બોક્સ અને
એક કોથળો છે- એ પણ લઇ જજે. અને બૌ લાંબી દિવાળી કરીને કઈ? પાંચ દિવસ થયા, અમારી દિવાળી
પૂરી થઇ ગઈ અને અમે નોકરી- ધંધે લાગી ગયા પણ જલસા તો તમારે જ છે! હવે બા બીમાર છે,
બહેનને તેડવા જવાની છે, ઘેર ગેસનો બોટલ ગયો છે- એવા કોઈ પણ બહાને કોઈ રજા નહિ મળે.
પડી સમઝ લાટ-સાહેબ?” – તમારી સોસાયટીના કારભારી શર્માંસાહેબના પત્ની છોટુને
દિવાળીની શાબ્દિક બક્ષિશ આપી રહ્યા. છોટુ એટલે તમારી સોસાયટીમાંથી ઘરે ઘરનો કચરો
લઇ જનાર, સોસાયટી વાળીને સ્વચ્છ રાખનાર અને બીજા કેટલાય નાના મોટા ધરમના ધક્કા
ખાવાના કામ કરનાર... છોટુ એટલે... કોણ જાણે શું નામ હશે, કોઈ દિવસ પૂછવાની જરૂર જ
લાગી નથી, જાણે એક નામ અને અસ્તિત્વ વગરનો જીવ! છોટુને તમે કોણ જાણે કેટલા વર્ષોથી
આ સોસાયટીમાં કામ કરતા જોયો છે! આસપાસના ઘરોમાંથી વધેલું ખાઈને, ઉતરેલા કપડા
પહેરીને ઉછરતો છોટુ- જાણે આખી જિંદગી છોટુ જ રહેવાનો છે!
“સારી મેડમ. ફરી નહિ થાય.”-
અપરાધભાવે નીચી નજરે જોઈ, ધીમેથી માફી માંગી છોટુ સાવરણી હાથમાં લઇ પાછળ કમપાઉન્ડ
તરફ ગયો.
આ આખી ઘટના તમારા માટે
રોજીંદી છે. કોઈ પણ નાના-મોટા બહાને મીસીસ શર્મા પોતાનો ઉકળાટ અને ગુસ્સો છોટુ ને
ફ્રીમાં આપતા રહે છે- માલિકભાવે. અને અહેસાન અને મજબૂરી તળે દબાયેલો છોટુ કાયમ
નીચી નજરે “સારી- ફરી નહિ થાય” -કહીને માફી માંગતો રહે છે.
તમે દરવાજા પાસે પડેલુ
ન્યુઝપેપર ઉઠાવીને ઘરમાં આવો છો. તમારા આરામ કરી રહેલા બાળકોને ખલેલ ના થાય એ માટે
એકદમ ધીમેકથી દરવાજો બંધ કરો છો. રસોડામાં ધીમા ગેસે ચા ચઢાવી તમે અગરબતી લઇ તમારા
નાના રજવાડામાં સુવાસ ફેલાવી રહ્યા છો. ધીમેકથી સહેજ ઉઘાડો છો તમે તમારા કુંવરનો
રૂમ. બેડ પર નીચેના ખૂણે ફેલાઈને સુઈ રહેલો છે તમારો પ્રિન્સ ચાર્મિંગ અને બાકીના
બચેલા બેડ પર છે એનું ટેબ્લેટ, સ્માર્ટફોન, ઢગલો નોવેલ્સ, મેગેઝીન્સ, કાલે સાંજે
પહેરેલા જીન્સ અને ટી-શર્ટ, ખૂલું વોલેટ અને એમાંથી ડોકિયું કરી પડું પડું થઇ
રહેલી હાજર હજારની નોટો .. તમારા બંને ટીન-એજર બાળકોને તમે જિંદગીને દિલથી જીવવાની
પૂરી સ્વતંત્રતા આપી છે, ભૂલો કરીને જાતે શીખવાની આઝાદી આપી છે પરંતુ....
“હશે, શીખશે બધું. હજુ નાના
છે. આ ઉમરે નાદાનિયત અને ધમાલ નહિ કરે તો ક્યારે કરશે?”- જાતને સમ્ઝાવતા પટાવતા
તમે બાજુના રૂમનો દરવાજો ઉઘાડો છો. તમારી બુક્વોર્મ ગીક પ્રિન્સેસ બેડ પર ઉંધી
પડી, પગ ઊંચા કરીને, હાથમાં સ્માર્ટ ફોન લઈને કૈક કરી રહી છે- કૈક એટલે વોટ્સ એપ
નહિ તો ફેસબુક! આખો રૂમ ના સમઝાય એવા ઈંગ્લીશ ગીતોથી ગુંજી રહ્યો છે.
“બેબુ, ઇટ્સ લંચ ટાઈમ. ફોર
ગોડસ સેક, ગેટ અપ નાવ. આખો દિવસ મોબાઈલ, લેપટોપ અને મ્યુઝીક- વેકેશન છે એ બરાબર
પણ...”- તમે મ્યુઝીક સીસ્ટમ ઓફ કરતા કહી રહ્યા અને ...
તમારી બિન્દાસ્ત બેબુ
કાનમાં કલરફૂલ મોટા હેડ-ફોન્સ લગાવી, ફ્લિંગ કિસ તમારી તરફ ફેંકી, એસી વધુ તેજ કરી,
સ્માર્ટફોન સમેત રજાઈમાં સંતાઈ ગઈ.
તમે સહેજ નજીક જઈ, રાજી
હળવેકથી ઉંચી કરી, દીકરીના કપાળે પ્યારભરી કિસ કરો છો.
બાળકો કેટલા પણ મોટા થઇ
જાય, માં-બાપ માટે હમેશા નાના જ રહે છે. લાડ-તોફાન-ફરમાઈશો અને મજાક-મસ્તી વગર
તે કેવું બાળપણ?- વિચારોમાં ખોવાયેલા તમે
સુવાસ વેરતા બાલ્કનીમાં આવો છો અને ... જડવત જોઈ રહો છો- એક અજીબ બાળપણ.
આખું કમપાઉન્ડ ચોખ્ખું
કરીને ખૂણાની કચરાપેટીની ધાર પર પગ લટકાવીને બેઠો છે છોટુ. બે પગની વચ્ચે સાવરણી
દબાવી છે અને હાથમાં કોઈ જૂની બુક જેવું કઈ દેખાઈ રહ્યું છે. એકદમ એકચિત્તે એ
બુકમાં ખોવાઈ ગયેલો છોટુ કદાચ પોતાના બાળપણની ના મળેલી એ જાહોજલાલી ચોરી છુપી માણી
રહ્યો છે- જેના પર એનો પણ જન્મજાત હક છે! ધ્યાનથી જોતા તમને છોટુની બાજુમાં એક
કોથળી પડેલી દેખાઈ- કદાચ એમાં ના ફૂટેલા દિવાળીના એવા ફટાકડા છે- જે એક અઠવાડીયાથી
એની રાહ જોઈ રહ્યા છે. છોટુ આજે ખુબ ખુશ છે. એના ખજાનામાં ઢગલો પુસ્તકો છે(જે તમે
સૌએ દિવાળીની સાફ-સફાઈમાં ફગાવી દીધા છે), ખુબ બધા ફટાકડા પણ છે( જે ભલે હવાયેલા
હોઈ નહિ ફૂટે કે ધીમેકથી ફૂટશે, એનું મળવું જ મોટી મિરાત છે!), નવા ત્રણ-ચાર જોડી
જોડા છે(જે તમારા પ્રિન્સ સહીત સોસાયટીના બીજા બાળકો માટે જુના અને નકામાં છે..), ચમકતા
અને થીન્ગળા વગરના કેટલા બધા કપડા છે( સોસાયટીના એની ઉમરના રાજાશાહી બાળકોને માટે
જે આઉટ ઓફ ફેશન અને ફેડેડ છે!)... છોટુ માટે દિવાળી આજે છે અને બાળ દિન પણ આજે જ
છે! છોટુ આજે ખુબ ખુશ છે!
પરંતુ છોટુની આ ખુશી જોઇને
કેમ તમારી આંખો ભીની થઇ ગઈ? તમારે મન આ કોઈ નવી ઘટના તો નથીને?
એક છોટુનું બાળપણ નંદવાયું
હોય તો દુખ કે શોક થાય. તમે તો આવા કેટલાય છોટુઓ અને છુટકીઓને ઓળખો છો!
સવારે ગાડી ધોવા આવતો છોટુ,
ઇસ્ત્રીના કપડા લેવા આવતો છોટુ, કચરા-પોતા-વાસણ કરવા આવતી છુટકી, શાકભાજીની લારી
લઈને આવતા ભાઈ-બેન છોટુ અને છુટકી, રોડની સામેની બાજુ ચાની રેન્ક્ડીએ કામ કરતો
છોટુ....
***
“બાળ મજદુરી એક ગુનો છે!”
-હોય કંઈ? સાચે? તમને ખબર હતી-છે?
બાળપણ – એક એવી મોંઘી જણસ
છે જે પ્રભુએ સમાનભાવે સરખા ભાગે બધા બાળકોને આપી છે. બાળપણ જીવવાનો, બાળક થઇ
નિર્દોષતા અને આનંદ જીવવાનો દરેક બાળકને સમાન હક છે- જાતિ , જેન્ડર, પૈસા,
રીલીજીયન કે રીજીયનના ભેદભાવથી પરે!
“હેપ્પી ચિલ્ડ્રન્સ ડે”-
વિશ કરીને માત્ર એક દિવસ પુરતું બાળપણનો મહિમા ગાવો વ્યર્થ છે!
આવો ઉજવીએ બાળપણ બારેમાસ!
આવો બાળ –મજુરી નાબુદ કરી ભણતરને-સપનાઓ અને આશાઓને પ્રોત્સાહન આપીએ!
Comments