સ્વર્ણિમ ગુજરાત, ગરવું ગુજરાત,વાયબ્રન્ટ ગુજરાત - આપણું ગુજરાત. આપણા ગુજરાતની
પ્રગતિ એટલે 6 કરોડ ગુજરાતીઓની પ્રગતિ. ધંધો, રોજગાર, વિકાસ, શિક્ષણ, સંસ્કાર અને સભ્યતામાં ગુજરાત મોખરે હોવા માટે વટ્ટભેર કોલર ઊંચા કરતા આપણે કોલરની
સાથે નજર પણ નીચી કરવી પડે એવા સમાચાર છે. દેશભરમાં ઘરેલુ હિંસાનાં બનાવોમાં ગુજરાત બીજા ક્રમે છે અને તામીલનાડુના પ્રથમક્રમને ટૂંક
સમયમાં પહોંચી વળે તો નવાઈ નહિ.
ઓક્ટોબર મહિનો “ડોમેસ્ટિક વાયોલેન્સ અવેરનેસ મન્થ” કહેવાય છે ત્યારે શું આપણે સાચે
અવેર છીએ? શું છે આ ઘરેલું હિંસા? કાયદો શું કહે છે ઘરેલું હિંસા અંગે? દર વર્ષે
ઘરેલું હિંસાનાં ખપ્પરમાં હોમાઈ જતી માસુમ જિંદગીઓ માટે શું કરી શકીએ છે આપણે?
શરૂઆત.
***
ડોમેસ્ટિક વાયોલેન્સ અર્થાત ઘરેલું હિંસા શબ્દ સાંભળતા કે વાંચતા જ સબ કોન્શિયસ માઈન્ડમાંથી જે વેર વિખેર તસ્વીરો નજર સામે તરવરી ઉઠે- એ શું કહી જાય છે?
મનનાં કેનવાસ પર ઉપસી આવેલા એ અજાણ્યા કે જાણીતા ચહેરાઓની વિષાદલીંપી આંખોમાં એવા તે કયા પ્રશ્નો છે, જેના જવાબ મારે અને તમારે આપવાના છે?
દયા કે સહાનુભુતિ નહિ - જવાબ ,સ્વીકાર અને જીવન જીવવાની તક જોઈએ છે એ આંખોને!
એ આંખોમાં ડોકાઈને એની વેદના આંકતા કે માપતા પહેલા, એક નજર કરી લઈએ આપણી ભીતર કે ક્યાંક આ તરડાએલી આંખોમાં પીડાનો ઘેરો લાલ રંગ પૂરનાર આપણે જ તો નથી ને?
***
ઘરેલું હિંસા એટલે -
જલ્લાદ , ક્રૂર અને મોટેભાગે નશાબાજ એવા પતિ દ્વારા બિચારી, બાપડી અને સંસ્કારી એવી પત્ની પર કરાતી
મારપીટ - જો આવી માર્યાદિત વ્યાખ્યા બાંધીને આપણે પોતાની જાતને ઘરેલું હિંસાનાં વર્તુળની
બહાર રાખવા મથીએ છે તો એ મિથ્યા છે!
નાં, અચાનક મને પણ આ બ્રહ્મજ્ઞાન સ્ફ્ર્યું નથી જ! મારી તંદ્રા અને મિથ્યાધારણાઓને તોડી છે એક સ્ટોરીએ
અને એ છે- "સ્ટોરી ઓફ ક્રેઝી લવ". આ સ્ટોરી ને
જીવનાર અને હિંમતભેર
આખી દુનિયાને કહેનાર - લેસ્લી મોર્ગન સ્ટેનર - સમઝાવે આ સ્ટોરી વડે રહસ્ય ઘરેલું
હિંસાનું.
એવું રહસ્ય જે બચાવી શકે છે ઘરેલું હિંસાના દૈત્યથી આપણા પરિવાર અને સમાજને.
ઘરેલું હિંસાનું પીડિત
માત્ર અને માત્ર સ્ત્રી જ હોઈ શકે - એ આપણી સ્વીકારી લીધેલી મીથ્યાધારણા માત્ર છે. ઘરેલું હિંસાનાં સરકારી આંકડાઓ મુજબ ૮૫% પીડિત મહિલાઓ છે તો પુરુષોનો એક નાનો સમૂહ પણ આ યાતનાઓ ભોગવી રહ્યો
છે!
ઘરેલું હિંસા બહુધા ઇન્ટીમેટ, ઇન્ટર
ડીપેનડન્ટ અને લોંગટર્મ રિલેશન્સમાં પાંગરે છે - જેને આપણે કુટુંબ-ફેમીલી કહીએ છે।
કુટુંબ એટલે એવી હૂંફાળી અનુભૂતિ કે જ્યાં હિંસા નાં તો
આપણે એક્સ્પેકટ કરીએ કે નાં
તો સ્વીકારી શકીએ!
હર હમેશ કામવાળીબાઈને મારતો એનો નશેબાજ પતિ કે રસોઈવાળીબેનનો આખો પગાર જુગારમાં હારીને એને ફટકારતો જલાદ્છાપ પતિ જોવાઅને સાંભળવા ટેવાયેલા આપણે ઘરેલું હિંસા ને માત્ર મારપીટ અને નિરક્ષરતા સાથે અભાનપણે જોડીએ છે. પરંતુ ઘરેલું હિંસાનો શિકાર કોઈ પણ થઇ શકે છે - જાતી, સમુદાય, ભણતર
કે કેરિયરના બેરીયર વગર- કોઈ પણ!
માન્યમાં નથી આવતું ને?
આવો હું તમને સંભળાવું લેસ્લી મોર્ગનની "ક્રેઝી લવ સ્ટોરી", જે થોડામાં ઘણું કહી જાય છે!
***
હાર્વર્ડ કોલેજમાંથી બી.એ. વિથ ઈંગ્લીશ અને વારટન સ્કુલ ઓફ બીઝનેસમાંથી એમ.બી.એ. ઇન
માર્કેટિંગની ડીગ્રી લઇ જોહ્ન્સન એન્ડ જોહ્ન્સનનાં માર્કેટિંગ સાથે જોડાયેલી 22 વર્ષની
સુંદર અને ઇનટેલેક્ચ્યુઅલ લેસ્લી મળે છે સ્માર્ટ, ફન્ની અને સ્વીટ એવા એના ડ્રીમમેનને, ન્યુ યોર્ક સિટીના સબ વેમા , જાન્યુઆરી ની એક ઠંડી
વરસાદી રાતે.
એક એવો ડ્રીમમેન જે એને
સ્વીકારે છે અને ચાહે છે, જે એને
પ્રેરણા માને છે અને એનામા વિશ્વાસ કરે છે. લેસ્લી સાથે પોતાના પેઈન્ફુલ બાળપણ નાં
ડાર્ક સિક્રેટ્સ શેર કરી એ ગુંથે છે એક મેજીકલ
વિશ્વાસનું વાતાવરણ. હિંસા, દુખ કે એબ્યુઝની એક હિન્ટ પણ
નહિ- એવા પ્રેમાળ, લાગણીભીનાં અને વિશ્વાસભર્યા સંબંધથી એ
ડ્રીમમેન જીતી લે છે લેસ્લીને - ચક્રવ્યૂહ નું પ્રથમ સોપાન સર! ચક્રવ્યૂહનું
બીજું પગથીયું એટલે આઇસોલેશન. લેસ્લીને એનો ડ્રીમમેન એક નવીજ સીટીમાં શીફ્ટ થવા પ્રેમ-આગ્રહ
કરે છે. નવા સપના અને નવી દુનિયા, નવી
જગ્યાએ વસાવવાના અને પોતાના દુખદ ભૂતકાળ થી દુર જવાના બહાને! એક એવી નવી અજાણી સીટીમાં, જ્યાં કોઈ સ્નેહી, સ્વજન , પડોસી
કે મિત્રોના લેસ્લીને નાં તો મદદ કરી શકે કે નાં મદદ મોકલી શકે! એક એવી અજાણી
દુનિયા,જ્યાં પતિદેવ નિશ્ચિત પત્નીને દબાવી શકે, પીડા આપી શકે અને નિસહાય પત્ની
પાસે એક જ ઓપ્શન રહે- સહન કરવાની! અને શરુ થાય એક દર્દ ની નવી દાસ્તાન! ઘરેલું
હિંસાનાં ચક્રવ્યૂહનું ત્રીજું ચરણ એટલે – ડાયરેક્ટ એટેક. વાતે
વાતે પતિની રિવોલ્વરની અણીએ મોતની ભીતી વચ્ચે થઇ લેસ્લીની લાઈફ કાળી ધબ્બ! અને શરુ
થઇ રમત-નવી સીટીમાં ૩ લોડેડ રિવોલ્વર વચ્ચે સહેમીને જીવવાની અને મોતને રોજ નજીકથી
જોવાની! મેકઅપ કરવો કે નહિ, કેવા કપડા પહેરવા, ક્યાં જોબ કરવી, કોની સાથે વાત કરવી – રોજબરોજનાં લેસ્લીના બધા નાના-મોટા ડીસીઝન થયા એ સો-કોલ્ડ ડ્રીમમેન-
પતિદેવનાં મહોતાજ! લેસ્લી ગૂંગળાતી રહી, એકલી અટવાતી રહી અને ધીમે ધીમે હતાશામાં
ગરક થઇ રહી!
અંતે રોજ મોતને ખુબજ નજીકથી મહેસુસ
કરીને લેસ્લી મોર્ગન લે છે અંતિમ નિર્ણય- મુક્તિનો. લેસ્લી શોધે છે પોતાનો રસ્તો-
મુક્તિ, ખુશી અને નવા જીવન સુધી.
કઈ રીતે? – લેસ્લી તોડે છે મૌનની અને
સો-કોલ્ડ મર્યાદાની દીવાલો- કેમકે ઘરેલું હિંસાનું
ઉદ્દીપક છે મૌન. એ શેર કરે છે પોતાનું પેઈન બધા સાથે! પોલીસ,
પડોસી, મિત્રો, કો-વર્કર્સ
દરેકને જણાવે છે પોતાની આપવીતી, મેળવે છે મદદ આ ઘરેલું હિંસાનું ચક્રવ્યૂહ
તોડવામાં અને હિમતપૂર્વક શરુ કરે છે નવી જીન્દગી, નવા સપના
અને નવી આશાઓ સાથે.
***
ઘરેલું હિંસામાં સૌથી
અકળાવનાર સવાલ છે – શા માટે
કોઈ જોડાઈ રહે છે પેઈનફૂલ સંબંધમાં?
જવાબ ઘણા છે.
- મોટેભાગે પીડિતને એ જ જાણ નથી હોતી કે પોતે ઘરેલું
હિંસાનો ભોગ બની રહ્યો છે!
તમારો જીવનસાથી તમને
તમારા પરિવારથી અળગા રાખે છે? નાણાકીય બાબતોમાં તમારું શોષણ કરે છે? તમને નાના
મોટા બહાને ઉતારી પાડે છે કે અપશબ્દો સંભળાવે છે? તમને જોબ નાં કરવાની કે બદલવાની
ફરજ પાડે છે? તમારે કેવા કપડા પહેરવા કે કયા મિત્રો સાથે બોલવું એ અંગે ફરજ પાડે
છે?- તો તમે પણ ઘરેલું હિંસાનાં વિષચક્રમાં ફસાઈ ચુક્યા છો.
- માત્ર શારીરિક પીડા નહિ, માનસિક ઉત્પીડન, શાબ્દિક પ્રહાર, નાણાકીય શોષણ, નોકરી કરવાની મનાઈ, પરિવાર સાથે સંબંધ રાખવાની મનાઈ ,
સેક્સ્યુઅલ એસોલ્ટ –જેવા ઘણા વરવા રૂપ છે
ઘરેલું હિંસાનાં!
- ઘરેલું હિંસા નો ભોગ બની ડાયવોર્સ ઇચ્છતી પીડિતાને માટે પણ પ્રોલેમ્સ અપાર
છે! ડાયવોર્સનાં નિર્ણય પછી પણ ફેમીલી કોર્ટ દ્વારા પીડિતાને બાળકો સાથે અમુક
મહિના એજ ક્રૂર જીવનસાથીનાં ત્રાસમાં જીવવા ફોર્સ કરવામાં આવે છે, જેમાં ફરી પીડિતાને પોતાના ડાયવોર્સ માટેના નિર્ણય બદલ અવનવી સજાઓ ભોગવવી
પડે છે અને નિર્ણય બદલવા ફરજ પણ પડાય છે.
- પીડિતને આવા સંબંધવિચ્છેદ બાદ, ડાયવોર્સ બાદ જાનહાનીનું પણ જોખમ રહે છે.
***
હું, તમે, આપણા
સંતાનો કે સ્નેહીજનો , કોઈ પણ આ ઘરેલું હિંસાનાં અકળ
ચક્રવ્યૂહમાં ધીમે ધીમે ગરક થઇ જાય એ પહેલા, ઘરેલું હિંસા નાં રહસ્યો, કારણો અને નિશાનીઓ સમઝી –એને વખતસર અટકાવીએ.
કોઇ પણ પ્રકારની ઘરેલું
હિંસા સહન કરી, નસીબને
દોષ દઈ, આખી જીદગી રડવાની જગ્યાએ - આવો શીખીએ - સામે બોલતા, વિરોધ કરતા અને પોતાની
આપવીતી મિત્રો, સ્નેહી-સ્વજન,આડોસી-પાડોસીને
કહેતા.
સમઝીએ કે ઘરેલું હિંસાના
પીડિત તમે-હું-આપણે એકલા નથી, સમાજનો એક મોટો વર્ગ આપણી સાથે છે, આપણા જેવી જ કે વધુ પીડામાંથી પસાર
થાય છે.. અને આ શોષિત વર્ગને ઉદાહરણ પૂરું પાડવા આપણે લડવાનું છે, પોતાની લાઈફ
પાછી મેળવવાની છે- માત આપવાની છે ઘરેલું હિંસાના દાનવને!
યાદ રાખીએ કે ઘરેલું
હિંસા સહન કરવાથી અને સહન કરી ચુપ રહેવાથી જ વધે છે!
આવો આપણા શબ્દો અને
અવેરનેસથી ઘરેલું હિંસાનો સામનો કરીએ સાથે મળીને અને બનાવીએ આપણા બેડરૂમ, ડાયનીંગ
ટેબલ અને પરિવારને ગુંજતો-મહેકતો!
Comments