“લડ્ડુ ક્યાં છે?” – છેલ્લી પાંચ મીનીટમાં લગભગ
આખા કોચમાં બધાજ રેગ્યુલર કમ્યુટરસ પૂછી ચુક્યા છે આ પ્રશ્ન. નડિયાદ આવે એટલે આખા
લેડીઝ કોચની આંખો લેફ્ટ સાઈડના દરવાજે મંડાય. અમારા સૌનો વ્હાલો, લાડકો – મીઠડો
લડ્ડુ એની મમ્મી સાથે એન્ટ્રી મારે, એની રાહ જોઈને!
આજે લડ્ડુ નથી આવ્યો, એના મમ્મી એકલા આવ્યા છે.
લડ્ડુની ગેરહાજરીની વાત જાણે પળવારમાં આખા કોચમાં ફેલાઈ ગઈ અને ચાલુ થયા નવા
પ્રશ્નો!
“લડ્ડુ કેમ નથી આવ્યો?” “લડ્ડુ બીમાર તો નથી
પડ્યો ને?” “કે લડ્ડુ ક્યાંક ફરવા ઉપડી ગયો છે?”
બધીજ નજરો લડ્ડુની મમ્મી તરફ જવાબની આશામાં
મંડાઈ.
“એકદમ મઝામાં છે લડ્ડુ. આજથી અમારા ઘરે ગણપતિજી
પધાર્યા છે એમની સેવામાં છે લડ્ડુ. એ આખું વર્ષ ગણેશજીની પધરામણીની રાહ જુએ,
“ગનુદાદા” એના ફેવરેટ ભગવાન છે.”- લડ્ડુની મમ્મી હસતા હસતા લડ્ડુના સમાચાર આપી
રહી.
લડ્ડુ એટલે માંડ ચાર કે પાંચ વર્ષનો એક પરાણે
વ્હાલો લાગે એવો મીઠડો બાળક. અમારો સવારમાં ઊંઘરેટિયો અને સુસ્તાયેલો રહેતો લેડીઝ
કોચ, છેલ્લા આઠેક મહિનાથી લડ્ડુના નિર્દોષ તોફાન અને કાલીઘેલી અસ્પષ્ટ બોલીથી એકદમ
લાઈવ અને ખુશ રહે છે.
“લડ્ડુને રજા તો તમારે રજા નહિ?”- કાયમ લડ્ડુ
સાથે રમવામાં વ્યસ્ત રહેતા અમે, કદાચ લડ્ડુની મમ્મીને આજે પહેલીવાર નોટીસ કરી હશે.
“જી, લડ્ડુ રજા પર છે એટલે હું આજે એની ક્લાસ
એક્ટીવીટી મોનીટર કરી લઈશ. અને એનાં કાઉન્સેલર પણ વીકમાં માત્ર એક દિવસ- આજે જ આવે
છે. એટલે આજે આવવું બહુ જ જરૂરી લાગ્યું.”- લડ્ડુની મમ્મીનું કમીટમેન્ટ અને પેશન
જોઈને દિલ ખરેખર નવાઈ પામ્યું.
“આ આજે નવી વાત સાંભળી બોન, છોકરું સ્કુલે નો જાય
ત્યારે મમ્મીને એની જગ્યાએ સ્કુલે જવાનું! બળ્યું આ આજકાલની મમ્મીઓના નખરા.”-અમારો
લડ્ડુની મમ્મી સાથેનો વાર્તાલાપ સાંભળી એક માજી બોલ્યા.
“બળ્યું નડિયાદમાં સારી સ્કુલ્યું નથી તે મારી બેટીયુ
આણંદ સુધી લાંબી થાય, બચ્ચાને લઈને! આ મોટી સ્કૂલને અંગ્રેજી મમ્મીઓએ જ બધો દાટ
વાળ્યો છે!”-નવી જનરેશન કાયમ ખોટી અને ગુમરાહ જ હોય એવી દ્રઢ માન્યતા ધરાવતા બીજા
એક માજીએ પહેલા વાળા ડોશીમાને ટેકો કર્યો.
“માસી, તમને કોઈએ વચમાં બ્રહ્મજ્ઞાન આપવા આમંત્રણ
આપ્યું? તમે ઓળખો છો લડ્ડુને કે એની મમ્મીને?”- નડીયાદથી લડ્ડુ સાથેજ એન્ટ્રી લેતી
ઈન્જીનીયરીંગ કોલેજની વિદ્યાર્થીની ગુસ્સામાં બોલી ઉઠી.
“બેટા, આમ ગુસ્સે ના થવાય. માજી કૈક ખોટું
સમ્ઝ્યા હશે. માજી, મારો લડ્ડુ આ કોચમાં સૌનો લાડકવાયો છે. જુઓ આ મારો લડ્ડુ.”-
લડ્ડુની મમ્મીએ પર્સમાંથી લડ્ડુનો ફોટો કાઢી માજીને બતાવ્યો.
બંને માજી વારાફરતી લડ્ડુના ફોટાને જોઈ રહ્યા અને
અચાનક એક માજી બોલ્યા - “બિચારો છોકરો. બધી ઈશ્વરની બલિહારી છે. પાછલા જનમના પાપ
ભોગવે છે બચાડો. ભગવાન આવા જીવને તો ઉઠાવી લે તો જ સારું.”
“તું ય તે માં થઈને આવા બીમાર છોકરાને લઈને શું
ગામે-ગામ ઘૂમે છે! ઘેર બેસી એની પાપ મુક્તિ માટે પ્રભુપ્રાર્થના કર, તો છૂટે
બિચારાનો જીવ!”- હાથમાં રહેલી રુદ્રાક્ષની માળા વધુ ઝડપથી ફેરવતા બીજા માજી કહી
રહ્યા.
“માફ કરજો માજી, મારો દીકરો બિચારો નથી! એના
માં-બાપ જીવે છે. અને એ બીમાર પણ નથી. હા, એનો માનસિક વિકાસ બીજા બાળકોની
સરખામણીમાં થોડો ધીમો છે પરંતુ સંવેદના સ્તરે એ તમારા કે મારાથી ઘણો વધુ ઋજુ અને
પારદર્શક છે. મારો લડ્ડુ ગણપતીદાદાના પ્રસાદ જેટલોજ પવિત્ર અને નિષ્પાપ છે!”-
માજીના હાથમાંથી લડ્ડુનો ખડખડાટ હસતો ફોટો પરાણે ખૂંચવી લડ્ડુની મમ્મી અસાહજિક
સ્વસ્થતાથી બોલી ગઈ.
અને અમે મનોમન સેલ્યુટ કરી રહ્યા એ “માં”ના લડાયક
મિજાજને જે પોતાના બાળકની ખોટ કે ખામી સુપેરે સમઝે છે. પોતાના બાળકની જન્મજાત ક્ષતિ બદલ- ભગવાનને, પોતાની જાતને કે પાછલા
જનમના કર્મોને દોષ દઈ રડવાની જગ્યાએ, જે પોતાના બાળકને એક નોર્મલ લાઈફ આપવા
કટીબદ્ધ છે!
અમારો લાડકો લડ્ડુ ભલે સોફેસ્ટીકેટેડ શબ્દોમાં
સ્પેશિયલ ચાઈલ્ડ રહ્યો, એની મોમ સુપર-સ્પેશિયલ મોમ છે. રોજ સવારે આ સુપરમોમ એના
લાડકવાયાને પહેલા હોસ્પિટલમાં સ્પેશિયલ સેશન માટે લઇ જાય છે અને પછી તુરંત એને એના
જેવા અદભુત બાળકો માટે બનાવેલી સ્કુલમાં છોડે છે. સ્કૂલનો સમય પતે ત્યાં સુધી
સ્કુલની લાઈબ્રેરીમાં પોતાના બાળક જેવા ઈશ્વરીય બાળકો માટે દેશ-વિદેશમાં ઉપલબ્ધ
વિવિધ થેરાપી અને એક્ટીવીટી અંગે વાંચન કરે છે અને એજ સ્કુલમાં માનદ સેવા પણ આપે
છે! આ સુપરમોમ એક સુપરકોપ થી કમ નથી જ, જે લડી રહી છે પોતાના બાળકને એક સામાન્ય
જીવન આપવા.
“બિચારા” આપણે છીએ, જે સમઝવા કે મદદ કરવાની
જગ્યાએ, પોતાના શબ્દોથી આવા વાલીઓ અને બાળકોના જીવન-યજ્ઞને ખોરવતા રહીએ છે!
***
આજે પણ ટ્રેન જલ્દી આવી ગઈ અને હજુ સ્ટાફ રૂમ
ખુલ્યો પણ નહિ હોય- એ વિચાર સાથે ઝરમર વરસતા વરસાદમાં તમે કોલેજમાં પ્રવેશો છો.
આઠ વાગ્યાના બેલ સાથે જીવંત થઇ ઉઠતી તમારી કોલેજ
આજે અડધો કલાક પહેલા કેટલી બેજાન લાગી રહી છે!
બંધ સ્ટાફરૂમની પાસે રહેલા પેસેજમાં ઉભા રહી તમે
વરસાદની રીમઝીમ ઝીલી રહ્યા છો અને અચાનક...
દર વર્ષે નવા એડમિશન થતા જોવા મળતું સામાન્ય
દ્રશ્ય ફરી જોવા મળ્યું -એક માં અને દીકરો દાદરથી થોડે દુર ઉભા રહી કૈક વાર્તાલાપ
કરી રહ્યા છે. પોતાના સંતાનને શાળા કે કોલેજમાં મુકવા આવવું-કૈક નવું કે અલગ તો
નથી જ આ દ્રશ્ય, છતાં કૈક અલગ ફીલ આવી રહી જોઈને તમને.
ધીરેકથી એ નવા વિદ્યાર્થીની મમ્મીએ દાદરની કોરે
સાચવીને મુકેલુ એક લાકડાનું ચોરસ ખોખું શોધીને દાદરના પહેલા પગથીયા નીચે ગોઠવ્યું.
હવે હળવેકથી એ નવો વિદ્યાર્થી એક પગએ લાકડાના ખોખા પર ગોઠવી, બીજા પગને ઉપરના
પગથીયે મુકવા મથી રહ્યો. કદાચ પહેલા પગથીયાની વધારે ઊંચાઈ અને એક પગને શારીરિક
ખામીગત બેન્ડના કરી શકવાના કારણે એ વિદ્યાર્થી બહુ મથી રહ્યો, પરંતુ પગથીયું ના
ચઢી શક્યો. નિરાશ નજરે એ બાજુમાં ઉભેલી એની મમ્મીને જોઈ રહ્યો.
“કોઈ વાંધો નહિ બેટા, એક જ મીનીટ ઉભો રહે.”-
પોતાના પુત્રને ધીરજ બંધાવી એની મમ્મી તુરંત બીજું એવું બોક્સ શોધી લાવી અને એને
પહેલા બોક્સ પર ગોઠવી ફરી પુત્રને ચઢવા ઈશારો કર્યો. હળવેકથી એક પગ લાકડાના એ
સપોર્ટ પર મુકીને, જાણે આંખો બંધ કરી કૈક નિશ્ચય કરીને, બધું જોર લગાવી બીજો પગ
ઉંચો કરી સફળતાપૂર્વક એ નવો વિદ્યાર્થી પહેલું પગથીયું સર કરી ગયો. પહેલી અડચણ
સફળતાથી પાર કરીને જાણે માં અને દીકરાના મનોબળમાં નવો જીવ આવ્યો અને ધીમે ધીમે એક
પછી એક, પગથીયા ચઢતા એ નવો વિદ્યાર્થી સીખી રહ્યો કૈક નવું, દરેક પગથીયે. કયા દાદર
પર વળાંક છે અને કયા દાદરથી ચઢાણ છે એની મનોમન ગણતરી માંડતો એ નવો વિદ્યાર્થી પોતાની
આ રોજીંદી સીડીને શક્ય એટલી સહજતાથી ચઢવા માંથી રહ્યો. એક એક પગથીયુ ચઢતો ગયો એ
નવો વિદ્યાર્થી અને પોરસાઈ રહી એની મમ્મી. આશરે વીસેક મીનીટમાં એ નવો વિદ્યાર્થી
પોતાના બીજા માળે આવેલા ક્લાસ સુધી પહોંચી શક્યો. દરેક પગથીયે એની મમ્મી જરૂરી
સુચના આપી એને જાતે પોતાનો રસ્તો બનાવતા શીખવાડી રહી.
તમે જોઈ રહ્યા એ નવા વિદ્યાર્થીમાં ભણવા માટેની
ધગશ અને એનો કઠોર પરિશ્રમ- સામાન્ય વિદ્યાર્થીઓમાં ભળવા, સહાનુભૂતિ કે દયા વગર-
સમભાવે જ્ઞાન મેળવવા. અને બીજી તરફ તમે જોઈ રહ્યા પાર્કિંગમાં બેફીકર થઇ ગપ્પા
મારી રહેલા મગજથી અને ખિસ્સાથી પંગુ વિદ્યાર્થીઓને!
અને એક પ્રશ્ન તમને ઝંઝોળી ગયો- શું આપણા સમાજનો
અભિન્ન અંગ એવા ડીફરન્ટલી એબલ્ડ કે ફીઝીક્લ્લી ચેલેન્જડ લોકો માટે શાળા, કોલેજ,
હોસ્પિટલ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, માર્કેટ જેવી પબ્લિક પ્લેસીસમાં અલાયદી સવલતો
જરૂરી નથી?
સહાનુભૂતિ, દયા કે અનુકંપા નહિ – સમભાવ,સમાન
અધિકાર, સામાન્ય જીવન અને સ્વીકાર – આપી શકીએ તો આપીએ આ ફાઈટરસને!
Comments