લાઈફ સફારી, વુમન્સ ગાર્ડિયન, ગુજરાત ગાર્ડિયન ન્યુઝ પેપર |
***
હું અને શ્યામા એક વીક પછી ફરી સામ-સામે બેઠા
છીએ. પરંતુ આજે પરિસ્થિતિ જુદી છે! એક વીક પહેલાની અકળામણ, ગુસ્સો અને હતાશા એક
અજીબ શાતા અને સાખ્યભાવમાં પલટાઈ ગઈ છે! એક વીક પહેલા આજ જગ્યાએ એક અજીબ શરત લગાવી
હતી મેં શ્યામા સાથે, લાઈફ એક્સચેન્જ કરવાની! એક એવી શરત જેમાં- એક અઠવાડિયા માટે
શ્યામાને જીવવાની છે મારી લાઈફ- એક સામાન્ય મિડલ ક્લાસ વુમનની લાઈફ. અને આજે પૂરી
થાય છે અમારી એ શરતની અવધી અને હું રાહ જોઈ રહી છું શ્યામાના પ્રતિભાવનો!
“સો,
શ્યામા આજે એક વીક પૂરું થાય છે! આ એક વીક પહેલા તમે જે આદર્શવાદી વાતો કરી હતી,
શું આજે પણ સંમત છો એની સાથે? ભૂલી ગયા હોવ તો યાદ કરાવું શબ્દો? કૈક આવું કહ્યું
હતું તમે કે -આજની નારી સુશિક્ષિત છે, પગભર છે! આ યુગ તો સ્વતંત્રતા અને
સ્વછંદતાનો યુગ છે, એમાં મજબુરી કે ઈમોશનલ એબ્યુઝ કઈ રીતે શક્ય છે? મેં તો
સાંભળ્યું છે કે હવે તો નારી એટલી સક્ષમ અને સશક્ત છે કે ચીરહરણ હવે દ્રૌપદીનું
નહિ યુધિસ્થિરનું થાય છે!” - મેં સાર્કાસટીક્લી વર્ડ ટુ વર્ડ યાદ કરીને સંભળાવ્યા.
“અહા, મારા શબ્દો બહુ વાગ્યા લાગે છે?”- શ્યામા
મંદ મંદ હસી રહી.
“ના રે, એ શબ્દો કરતા જે વધુ વાગે છે એ લાગણીઓ
અનુભવવા તો તમારી સાથે શરત લગાવી હતી,મારી ઇઝી ગોઈંગ, સ્વતંત્ર કે સ્વછંદ, બોલ્ડ
કે બિન્દાસ્ત જેવી ગણો એવી લાઈફ એક વીક જીવવાની. સો...હજુ એક વીક એક્સ્ટેન્ડ કરવી
છે શરતને?”-કોલ્ડ કોફીના લાસ્ટ સીપ જેવી એક વીકની ફ્રીડમની લાસ્ટ મુમેન્ટસ મમળાવતા
મેં કહ્યું.
“ના
દોસ્ત! હું મારા શબ્દો પાછા લઉં છું! પણ એક વીક ફરી એ લાઈફ જીવવા કરતા, મહાભારતમાં
કૌરવસેના સામે નિહથ્થા લડવું પસંદ કરીશ! મારો સ્વભાવ નથી ક્રોધ કરવાનો કે અકળાઈ
જવાનો.. પરંતુ લાસ્ટ એક વીકની કઈ કેટલીયે પળો મારા સંવેદનાતંત્રને હચમચાવી ગઈ છે.
મારા શાંત સ્વભાવને ખળભળાવીને અજીબ આક્રોશ ભરી ગઈ છે મારામાં.”-શ્યામા હળવેકથી
લાસ્ટ વીકની યાદોના પીટારાને ખોલી રહી!
“હમમમ, મારે આવી ગાંડા જેવી શરત લગાવવાની જરૂર જ ના
હતી. શું પ્રુવ કરી લીધું મેં?”- ઘણી શર્તો જીતીને પણ હારી જવાતું હોય છે!
“ના રે, દોસ્ત! જરૂર હતી આ અનુભવની! તારી લાઈફને
ઉપર-ઉપરથી જોઈને, મેં બાંધેલા ખોટા વ્હેમ અને માન્યતાઓ તોડવા અને રીયલ લાઈફની રીલ બતાવવા
જરૂર હતી!”- શ્યામાની નિખાલસતા મને અળી ગઈ!
“આઈ હોપ મારા ફેમીલીમાં કે મારા વર્કપ્લેસ પર
ગોઠવામાં વધુ અગવડ નહિ પડી હોય! મેં ઘરે મોમને અને ઓફિસમાં બોસને ઇન્ફોર્મ કરી
દીધેલુ કે યુ વિલ રિપ્લેસ મી ફોર અ વીક.”- મેં યાદોની સફર શરુ કરવા પૂર્વભૂમિકા
બાંધી.
“હા, તારા ફેમિલીમાં કે ઓફીસમાં તારી જગ્યાએ સમાઈ
જવાનું તો સરળ હતું પરંતુ.. તું ઘર અને ઓફીસ સિવાય ઘણું બધું જીવે છે, એ બહુ જ અઘરું
પડ્યું!”- અધૂરા શબ્દો અને અધૂરી સંવેદનાઓ ઘણુંખરું એ બધુજ કહી જાય છે જે કહેવા
શબ્દો પાંગળા છે!
“હમમમ ...”- મેં હુંકારો ભણ્યો.
“મારો પહેલો અનુભવ- સ્ત્રી ઘણું ખરું એના કર્મ કે
ગુણોથી નહિ એના ચામડીના રંગથી-વર્ણથી સ્વીકારાય છે! શ્વેત એટલે પવિત્ર અને શુકન તો
સામે છેડે શ્યામ એટલે પનોતી અને અપશુકનિયાળ! મને કેટલો પ્રેમ અને ગર્વ હતો મારા આ શ્યામ-મેઘલ
વર્ણ પર, અને અચાનક સ્ત્રી હોવા માત્રથી મારો વર્ણ મારો દુશ્મન બન્યો! જ્યારે માં
પોતે જ, પોતાની બે દીકરીઓ વચ્ચે ચામડીના રંગને લઈને ફરક કરી જતી હોય છે- જાણે
અજાણ્યે.. તો ઓફિસમાં તો પાર્શ્યાલીટી થવી સ્વાભાવિક છે! ઘર હોય કે ઓફીસ સહજ
સ્વીકાર અને પ્રેમાવકાર મેળવવા ગોરો રંગ કેટલો જરૂરી છે એ મેં સુપેરે અનુભવ્યું.”-
શ્યામા એ શરુ કરી એની અનુભવયાત્રાની સહેલ.
“હમમ. સમઝી શકું છું તમારી અકળામણ!પણ કોણ કોણ
જવાબદાર આ વાહિયાત વર્ણ-માનસિકતા માટે? આપણે જ તો! બાળપણમાં કોણ શ્યામ વર્ણની
ઢીંગલીથી રમ્યું છે? આપણા સંતાનોને કરેલી પરીકથા કે બીજી વાર્તાઓમાં આપણે કેવી પરી-રાજકુમારી-હિરોઈન
વર્ણવીએ છે? આપણી શ્યામ વર્ણની નાની સી ઢીંગલીને કેમ આપણે બાળપણથી જ વર્ણ-વિષયક
મેણા-ટોણા મારી લઘુતા ગ્રથીમાં બાંધી દઈએ છે? કેમ આપણા ઘરમાં ભાઈ-દિયર કે પુત્ર
માટે સુયોગ્ય એવી કન્યાને માત્ર એ કારણસર રીજેક્ટ કરીએ છે કે એ સહેજ “ભીને-વાન”
છે? કેમ ક્રીમ લોશન કે દવા- કોઈ પણ ભોગે ગોરી ચામડી પામવાની લાલસા નો વિરોધ નથી
કરતા? શ્યામ વર્ણની નાં તો દીકરી આપણા સમાજને સ્વીકાર્ય છે કે ના તો વહુ! ઉપરથી
પેલો ભગવાન નહિ જોતો હોય એની ભીને વાન પુત્રીઓની અવદશા? કેમ નહિ ફેંકી દેતો હોય
એના શ્યામ કલરના બીબા, કે જેથી બધી જ સ્ત્રીઓ ગોરી જ જન્મે..!”- હું એકીસ્વાશે
બોલી ગઈ એ બધું જે વર્ષોથી અંદર ક્યાક દબાવી રાખ્યું હતું.
“સમઝાયુ મને દોસ્ત. યુગ ભલે બદલાય, સ્ત્રી માટે
વસ્તુભાવ જ રહ્યો છે સમાજની નજરમાં! અને વસ્તુ ત્યારેજ સુંદર લાગે જયારે પેકેજીંગ
આકર્ષક, રૂડું રૂપાળું હોય! છતાં આઘાત ત્યારે લાગ્યો જ્યારે અનુભવાયુ કે મારો
શ્યામ વર્ણ ભલે અણગમતો રહ્યો, તો પણ ભીડભાડમાં જાણીબુઝીને, અજાણ્યા હોવાનો ડોળ
કરીને- અડી લેવાની હીન માનસિકતા રોજ જ સહન કરવાની છે! કેટલી ગંદી નજરો અને કેટલા
ગંદા સ્પર્શ- જાણે આત્મા સુધી હું મેલી થતી ગઈ!”- શ્યામના શબ્દોની ગહેરાઈ એની
વેદનાની ઊંડાઈ સમઝાવી રહી.
“હમમ. પોતાના માટેનો આ વસ્તુભાવ કે નિર્લજ્જ રીતે
અંદર સુધી પરાણે ફરી વળતી આંખો- પ્રત્યે કદાચ આજકાલ બધી સ્ત્રીઓ ટેવાઈ ગઈ છે!
ટેવાવવું પડયુ છે! આજના યુગમાં દ્રૌપદીનું ચીરહરણ બહુધા ધૃતરાષ્ટ્ર કરે છે,
દુર્યોધન તો દ્રૌપદીની આંખોમાં ક્રોધની જ્વાળા જોઈને જ શાનમાં સમઝી જાય છે!
મનુષ્યને શું કરવું શું નહિ ના આદર્શવાદી પાઠ ભણાવતા આપણા ભવ્ય વારસામાં કોઈ
વેદ-પુરાણ એવો નથી કે જે શીખવાડે કે સ્ત્રી પણ મનુષ્ય છે વસ્તુ નહિ? ”- કળયુગમાં
સ્ત્રીને મળેલી સ્વતંત્રતા ભલે સ્વછંદતા તરીકે વગોવી દેવાય, આ બે શબ્દો વચ્ચેનો
ભેદ સ્ત્રી સુપેરે જાણે છે, અને એટલે જ સ્માર્ટલી ટીટ ફોર ટેટ અનુરૂપ વર્તે છે!
“સાચી વાત છે દોસ્ત! ડાર્વિનદાદા કહી ગયા છે એમ-
ફીટેસ્ટ સર્વાઈવ. છતાં યુ નો વોટ? ફીટેસ્ટ હોવા છતાં જસ્ટ બીકોઝ યુ આર ફીમેલ,
તમારે એક્સ્ટ્રા સર્ટીફીકેટ અને પરીક્ષાઓ આપવાની છે- સર્વાઈવ કરવા. આઈ રીયાલાઈઝ્ડ
કે ઓફિસમાં બોસ જ્યારે મારા મેલ કલીગના સારા પરફોર્મન્સને વખાણે ત્યારે- ડ્યુડ યુ
આર રોકિંગ- એવી કમેન્ટ મળે. અને એજ બોસ જો ભૂલમાં મને કે કોઈ ફીમેલ કલીગને એડમાયર
કરે કે ફેવર કરે તો ઈટ્સ ઓલ્વેઝ -નાઈટ એફેર! તમે તમારા કેલીબર પર, હોશિયારી પર આગળ
આવો તો પણ- ક્રેડીટ અને કોન્સ્પીરેસી ગોઝ ટુ યોર જેન્ડર બેનીફીટ! કેટલા-કેટલા સાથે
લડવું અને કોને કોને પ્રુવ કરવું કે બ્રેન નામનું ઓર્ગન, જેન્ડર બાયસ વગર ભગવાન
બધાને સરખું આપે છે, ઈટ્સ જસ્ટ હાઉ યુ યુઝ ઇટ સ્માર્ટલી એન્ડ ઇફેક્ટીવલી!”- શ્યામા
શબ્દોમાં ઠાલવી રહી આક્રોશ અને ગુસ્સો.
“સાચી વાત! મૂળભૂત સમસ્યા એ છે કે સ્ત્રીનું
પરફોર્મન્સ ભલે ઓફીસમાં હોય કે ઘરમાં માત્ર અને માત્ર એકજ ફેક્ટરથી એવેલ્યુએટ થાય
છે એ છે! સ્ત્રીને કાયમ પોતાના પુરુષને યેન કેન પ્રકારે રીઝવવાની સલાહો આપવામાં
આવે છે- જાણે એ વ્યક્તિ નહિ મોજ-મઝાનું સાધન માત્ર છે! સ્ત્રીની સફળતાનું અને સુખી
જિંદગીનું માત્ર અને માત્ર એકજ માપદંડ રહી ગયું છે આજનાં સમયમાં- એનું “એવેલેબલ
અને ફ્લેક્સિબલ” હોવું, એના ગુણો-આવડત-સંસ્કાર બધું મિથ્યા છે! જવા દો શ્યામા, બાત
નિકલેગી તો દુર તલક જાયેગી.. આ એક વીકમાં તને થયેલો અનુભવ અને બીજું ઘણું બધું હું
નહિ મારા જેવી અગણિત સ્ત્રીઓ રોજે-રોજ જીવે છે- એ પણ હસતા મોઢે!”- મેં કન્ક્લ્યુંડ
કર્યું -અગણિત પારેશાનીઓ સાથે અનુકુલન સાધવા જ કદાચ આજની સ્ત્રી થોડી સેલ્ફીશ કે
બોલ્ડ બની છે.
***
“હે ભગ્ગુ, ઈટ્સ નાવ લીમીટ! ડીસ્ક્રીમિનેશન અને
જેન્ડરબાયસની કોઈ હદ હોય કે નહિ?”- હું!
“ફરી તારી નારી-મુક્તિ મોરચાની ટેપ ચાલુ?”- એક
અજાણ્યો છતાં મેસ્મરાઈઝીંગ અવાજ.
“કોણ બોલ્યું? અને હું નારી-મુક્તિ ફૂક્તિની વાત
નથી કરતી! વાત છે હ્યુમનીઝ્મની, માણસ તરીકે સમભાવે સહુના સ્વીકારની!”- હું.
“મારી બનાવેલી આ સુંદર સૃષ્ટિમાં મારો બનાવેલો
દરેક મનુષ્ય સમાન જ છે!”- ફરી એજ ગેબી અવાજ.
“ઓહ્હ, ઇનફ પ્રેંક! હવે હું ભગવાન સાથે વાત કરું
છું એમ? વોટ એવર! તમે જે હોવ એ, અવાજ તો પુરુષનો છે, એટલે તમને નહિ સમઝાય!”- હું.
“હવે કોણ જેન્ડર-બાયસ કરી રહ્યું છે? હું કે તમે?
અચ્છા, શું કરવું પડશે તમારી સંવેદના અનુભવવા? હું મિત્રને પીડામાં જોઈ શકતો
નથી!”- ફીર એજ અદ્રશ્ય અવાજ.
“મિત્ર? મારો મિત્ર? હું કોઈ મિસ્ટર ઇન્ડિયાની
મિત્ર નથી. અને તમે જે પણ હોવ, પુરુષ દેહમાં રહી સ્ત્રી મનની લાગણીઓ આપ નહિ સમઝી
શકો!”- હું.
“કેમ ફરીથી માય્થોલોજીકાલ કપડા પહેરીને આવીશ તો જ
મારી ઓળખાણ પડશે? ભૂલી ગઈ આપણા લાસ્ટ સંવાદને? હું તારો મિત્ર- ક્રિશ, બોલેતો
કૃષ્ણ, કનૈયો, શ્યામ,મુરલીધર એક્સેત્રા! આજે મારે એક મિત્રની ગેરસમજ દુર કરવી છે!
બોલ મને શું નહિ સમઝાય અને એ સમઝવા મારે શું કરવું પડશે?”- આછો આછો પ્રકાશ અને એજ
સુરીલો અવાજ.
“આ ગેરસમજ નથી, જાત અનુભવ છે! અને એ શબ્દોમાં નાં
જ સમઝાવી શકું, એ અનુભવવું પડે, એ પણ સ્ત્રી બનીને!”-હું.
“મંજુર છે!”- એક નિર્દોષ સ્મિત રેલાવતી શ્યામ
છબી, જાણે આંખો સ્થિર થઇ ગઈ જોઈને!
“એક વાર ફરી વિચારી લો ક્રિશ! આ કઈ તમારું
મહાભારત નથી, અહી ડગલે ને પગલે આડકતરા યુદ્ધ છે અને રણ-નીતિ માત્ર એક
છે-અનીતિ!”-હું.
“મંજુર છે!”- પ્રભુએ કહ્યું.
“ઠીક છે, જીવો એક અઠવાડિયું મારી લાઈફ, સ્ત્રી
બનીને! એક વાર શ્યામ નહિ પણ શ્યામા બનીને ફરી મ્હાલો આપની સુંદર સૃષ્ટિ પર,પછી
આપણે ફરીથી લખીએ ભગવદ ગીતાનો ઉપદેશ!”-હું.
***
ઉપરનો સમવાદ ભલે મારી પરીકલ્પના છે, પરંતુ લાગણીઓ
અને સંવેદનાઓ સત્ય છે!
જન્માષ્ટમીના પાવન અવસર પર સૌથી પ્રિય મિત્ર શ્રી
કૃષ્ણને ઇજન છે, આ સંવેદના સમઝવા અને એમના કહેવાતા સભ્ય- સુસંસ્કૃત સમાજને
સમઝાવવા!
એક પ્રયાસ છે એ કલ્પવાનો કે જો આપણા વ્હાલા કૃષ્ણ
પોતે સાક્ષાત સ્ત્રી સ્વરૂપે જીવે, તો શું અનુભવે?
જો દરેક મનુષ્ય માત્ર આ કલ્પના કરી શકે, પોતાને
એક સ્ત્રીના સ્થાને મુકીને વર્તી શકે તો કદાચ સાચે- સ્થાપશે ગોકુળ.
Comments