વ્હાલા પપ્પાને આજે એમના જન્મ દિવસ પર શબ્દાંજલિ.....
***
“દિલ ધુઢતા હે ફિર વહી ફુરસત કે રાત દિન... બેઠે રહે , બેઠે રહે, તસ્સ્વુંરે જાના કિયે બગેર.."-શિયાળાની ડાર્ક ચોકલેટી ઠંડી [ ઠંડી ગુલાબી જ હોય એમ કોણે કહ્યું?] હોય, ટ્રેનમાં વિન્ડો સીટ મળી હોય, દુર દુર સુધી ધુમ્મસના શ્વેત શેડ માં રંગાયેલી પ્રકૃતિ[ એટલે નેચર, કોઈ છોકરીનું નામ નથી!]અને મોબાઈલમાંથી મેસમરાઈઝ કરતા ગીતો સીધા દીલ માં ઉતારી જતા હોય ... તો હિન્દી ગીતો ની ભાષા માં જ કહીએ તો - “ઓર જીને કો ક્યા ચાહિયે....”
“મેડમ , આ ફોર્મ માં જલ્દી સાઈન કરી દો અને પછી તમારા ગ્રુપમાં પણ બધા પાસે સાઈન કરાવી દેજો. આ વખતે તો લડી ઝગડીને પણ લેડીઝ એમ.એસ.ટી કોચ લેવો જ છે.. બોલો શું કહેવું છે તમારું, ફીમેલ રિઝર્વેશન બધે જ હોવું જોઈએ અગ્રી? "- મારી મ્યુઝીક ટ્રેનને સાઈડીંગ આપતા અમારા સીનીયર અપડાઉનિયા સહ-યાત્રી કહી રહ્યા ...
“ મારો વ્યુ ના જ પૂછો તો સારું! લેડીઝ ડબ્બામાં મુસાફરી નો એકમાત્ર હેતુ સલામતી અને મુસાફરીની સરળતા છે. જો ૨૧મી સદી માં આપણે નારી સ્વતંત્રતા અને પુરુષ- સમોવડી મહિલાની વાતો કરતા હોઈએ તો આવા મહિલાઅનામતના મુદ્દે તો સુગ ચડવી જરૂર જ નથી?"- હજુ તો સાઈન કરીને મારો વ્યુ પુરો સમઝાવું એ પહેલા તો કમ્યુટફ્રેન્ડ કાગળ જાણે એક ઝાટકે ખેંચીને જ લઇ ગયા... કદાચ વિરોધ પચાવવો એટલો સરળ નથી..
એક જર્ક સાથે દિલ અને દિમાગ બંને જાણે ટાઈમ ટ્રાવેલ કરીને પહોચ્યા બાળપણમાં, કદાચ આ બગાવતી વિચાર-ધારાના મુળીયા શોધવા જ તો!
***
“ભુમિકા,હવે મોટી થઇ, આખો દિવસ આમ થોથા ઉથલાવીને દિવસ નહિ વળે. હવે થોડો રસ ઘરના કામકાજમાં લેતા શીખો. આ ૧૦માંના ઉનાળુ વેકેશનમાં તારે થોડી રસોઈ અને ઘર કામ શીખવાનું જ છે, ગમે એટલું ભણીશ કડછી- કલેકટર જ બનવાનું છે સમઝી લે. તારાથી નાની છોકરીઓને પણ આજકાલ બધું આવડતું હોય છે! મુક આ બુકને બાજુ પર અને કચરો કાઢ જલ્દી, લે સવારણી , મારી હેલ્પ કર.”- ક્યારેક જ ગુસ્સે થતી મમ્મીને દુર્ગા રૂપમાં જોઈને થોડી બીક લાગી અને થોડો ગુસ્સો પણ આવ્યો.
“મમ્મી , બધું લેક્ચર મને જ ના આપીશ. આ જો નીરજ તો બેઠો બેઠો ગેમ રમે છે, તું એને કઈ નથી કહેતી. હા મને નથી આવડતું ઘર કામ, પણ હું શીખી લઈશ , પુછ આ તારી બહેનના પ્રિન્સ નીરજને એને શું આવડે છે? પછી મારા પર ગુસ્સે થા. “- ગર્લ્સ અને બોયસના સો કોલ્ડ વર્ક એરિયા જુદા જ હોય , જેમકે કીચન અને ઘરકામ ગર્લ્સને ગમવું જ જોઈએ અને ભણવાનું અને રખડવાનું બોયસ નું કામ – એ ડીસ્ક્રીમીનેશન ક્યારેય મારા નાના મગજને ના જ સમઝાતું.
“ નીરજ છોકરો છે, એ ઘર નું કામ ના કરે. એને ઘર કામ કે કીચનકળા શીખવાની કોઈ જ જરૂર નથી."- મમ્મીનો જવાબ સાંભળી ક્યારના શાંતિથી ગાયત્રી મંત્ર લખી રહેલા પપ્પા અટક્યા.
“ ના, ધરાર નહિ. ઘર નું કામ, કીચન નું કામ કે બહાર નું કામ – દીકરી અને દીકરા બંને ને શીખવું ખુબ જ જરૂરી છે. ગયો એ જમાનો જ્યારે ઘર અને બહારના કામ માટે સ્ત્રી અને પુરુષ ની સ્પષ્ટ જુદી જ જવાબદારીઓ સમઝાતી હતી, આજના જમાનામાં જ્યારે દીકરી ઓ કમાય છે, ઘર ચલાવે છે ત્યારે એટલું જ જરૂરી છે કે દીકરાઓ પણ ઘર કામ અને કીચનમાં જરૂરી મદદ કરે. નીરજ તું કચરો કાઢી લે, ભુમિકા તું પાછળ પોતું કર. કોઈ કામ નાનું નથી , અને દરેક કામ , દરેક ને શીખવું જરૂરી જ છે – જેન્ડર બાયસ વગર. "- પપ્પાની સમઝણ દિલ અને દિમાગમાં રોપાઈ ગઈ. જે આગળ જઈને એક વટ-વૃક્ષ બનશે – સ્વતંત્ર વિચારધારા બનશે.
***
“ પાપા કી રાની હું ..આંખો કા પાની હું.."- મોબાઈલ માં બદલાતા મારા ફેવરીટ ટ્રેક સાથે દિલ અને દિમાગ સ-સ્મિત વાસ્તવિકતામાં પાછા આવ્યા, અલબત્ત એમની ખોજ સક્સેસફૂલ્લી પૂરી કરીને જ તો!
“કયુ સ્ટેશન આવ્યું" - નજર બારી ની બહાર જવાબ શોધવા ફરી રહી અને અનાયાસે સામે જ બાકડે બેઠેલા એક દ્રશ્યમાં જકડાઈ ગઈ.
માંડ ૩-૪ વર્ષની નાની બેબલી ને એના પપ્પા સ્લેટમાં કૈક શીખવાડી રહ્યા હતા. એક અજબ ઉત્સાહ અને ધીરજથી નાની ટેણકી સ્લેટને તાકી રહી હતી જાણે દુનિયાની અજબગજબ શાળાનો પહેલો પાઠ ભણી રહી- એ પણ દુનિયાના સૌથી બેસ્ટ ટીચર પાસે- પોતાના પપ્પા પાસે!
મંદ ગતિથી ટ્રેન ચાલુ થઇ... ધીમે ધીમે બાપદીકરીનું દ્રશ્ય આંખથી ઓઝલ થતું ગયું અને એક નવું જ દ્રશ્ય આંખ સામે મંડાઈ રહ્યું... અલબત્ત કંઇક આજ ટ્રેક પર...
***
“ દેહાઈ [ દેસાઈ નો તળપદી ઉચ્ચાર] આમ ઉતાવળા નિર્ણયના લેવાય , એક વાર તો લાઈફમાં દિમાગ થી નિર્ણય કર, દિલ ને બાયપાસ કરી ને. પોઈરી[ છોકરી – સુરતી લઢણમાં] ને વળી ભણાવીને કયો તારો દહાડો ફળશે? પહેલા તો બંને પોઈરીઓને સાયન્સનું ભણાવીને, મોંઘા ટ્યુશન રખાવીને રહી સહી બચત સ્વાહા કરી દીધી અને હવે આં નાનકી ને ઈન્જીનીયરીંગમાં એડમિશન લઇ આવ્યો? એ પણ પાછુ વિદ્યાનગરમાં – એટલે કોલેજ, ચોપડા, હોસ્ટેલ અને બીજા સત્તર ખર્ચા! સારાભાઈ કેમિકલ્સવાળાએ કોઈ લોટરી કાઢી છે તારા નામની? સીધી વાત છે - પોઈરી પરણી એટલે પત્યું! ભણી ગણીને એના સસરા એના વરનું ઘર ભરશે, એ માટે તારો દલ્લો કેમ ખાલી કરે છે ભલા માણહ[માણસ]? પૈહા વધી પડ્યા હોય તો બેંકમાં મુક, ખાડે કા નાખે?” – નાયક અંકલ પપ્પાને સમઝાવી રહ્યા, એક સાચા મિત્રની ફરજ નિભાવી રહ્યા.
“હોય કઈ , નાયક તું આમ ના બોલ! મારી બંને દીકરીઓ તો દીકરા કરતા પણ સવાઈ છે. એમને ભણાવીને હું કોઈ ઉપકાર નથી કરતો એમના પર, નાતો કોઈ આશા રાખું છું ભવિષ્યની! આ તો એક ઇન્વેસ્ટમેન્ટ છે તારી ભાષામાં કહું તો, જીન્ગીભર મારી બંને દીકરીઓના મોઢે સ્માઈલ જળવાઈ રહે એ માટેનું! એમનું ભવિષ્ય ઉજ્જવળ થાય અને એમને મનગમતી કારકિર્દી મળી જાય એમાં જ મારી લોટરી છે! બસ મારી બંને દીકરીઓ ખુબ ભણે અને પગભર થઇ જાય તો મેં જેમ આખી જીન્દગી વેઠ્યું એમ." પપ્પા હમેશા આ વાક્ય પૂરું નાજ કરી શકતા. સંજોગવશાત ગ્રેજ્યુએશન લાસ્ટ યર માં છોડી દેવું પડ્યું એ દુખ જ કદાચ એમની આંખોમાં બંને દીકરીઓ માટે ઉચ્ચ ભણતર અને ઉજ્જવળ કારકિર્દી બનીને વસી ગયું, કદાચ કાયમ માટે!
બુક વાંચવાનો ડોળ કરતી હું, ત્રાંસી નજરે પપ્પાની ભીની આંખો જોઈ રહેતી અને જાત સાથે પ્રોમીસ કરતી રહેતી એમનું સપનું પૂરું કરી આ આંખો ને સ-હર્ષ ભીની જોવાનું !
દીકરીને ભણાવવા આખી જીન્દગી ની મૂડી વાપરી દેનાર પપ્પાને મેં ક્યારે નવા કપડા, બુટ કે ઘડિયાળ લેતા જોયાનું યાદ જ નથી!
પપ્પા કામ કરતા એ સારાભાઈ કેમિકલ કંપની વર્ષોથી ઓક્સિજન પર જ રહેતી , ક્યારેક ચાલતી તો ક્યારેક મહિનાઓ સુધી બંધ રહેતી. ઈચ્છા થાય ત્યારે મરજી થાય એટલો જ પગાર આપતી. છતાં બંને દીકરીઓનું ભણતર, સામાજિક વ્યહવાર અને દરેક કૌટુંબિક જવાબદારી પપ્પા ખબર નઈ કઈ જાદુની છડીથી પૂરી કરતા.
વર્ષો સુધી સવારમાં દુધની થેલીઓ ઘેરઘેર વહેચવા જવાનું કામ સસ્મિત કરતા પપ્પા વધારાના ખર્ચા મેનેજ કરવા કેરીની સીઝનમાં વલસાડી કેરીઓનો ધંધો પણ નાના પાયે કરતા. ધંધામાં વાણીયા-બુદ્ધિની જગાએ બામણનું [બ્રહ્માણ નો તળપદી ઉચ્ચાર]કલેજું રાખતા પપ્પા જાણે ધંધો કમાવા નહિ જનસેવા માટે કરતા...
અને કદાચ એટલે જ હું જન્મી એ પહેલાની કાળી સાયકલ હું પરણીને સાસરે ગઈ તો પણ પપ્પાને વફાદાર રહી. “શરીર સારું રહે” અથવાતો “સારાભાઈ આ રહી, ક્યાં દુર છે?”.. ના બહાને આજીન્દગી પપ્પા સાયકલ ઢસડતા, ના રે મોજથી ચલાવતા રહ્યા .
અલબત્ત ઘરમાં વાહનના નામે એક જુનું બજાજ સ્કુટર પણ ખરું જે માત્ર પ્રસંગોપાત, માત્ર દીકરીઓની સુવિધા માટે જ ચાલુ થતું.
***
અચાનક કોલાહલ વધતા ફરી સ્મરણયાત્રા થંભી અને ફરી નાની સી ભૂમિકા અચાનક મોટી થઇ ગઈ, વાસ્તવિકતામાં પાછા ફરીને!
સુરત સ્ટેશન આજે જલ્દી જ આવી ગયું એમ વિચારતા ઝડપથી ભીડસાથે પ્લેટફોર્મ પર ઉતારવાના મિશનમાં જોતરાઈ.
“ ઓહ્હ ".. એક ચીસ નીકળી ગઈ અચાનક, ટ્રેનના દરવાજાની એક ધાર ઉતાવળમાં ઉતરતા આંગળીને ચીરી ગઈ..
દર્દની કસક, હાથમાંથી વહી જતું લોહી ....
આ પીડા અને લોહીનો રંગ દિલને ખૂંચે છે ..
કેમ?
જવાબ શોધવા ફરી દિલ અને દિમાગ ઉપડ્યા.... સ્મરણ સફરે ...
***
“આપના સહકાર બદલ આભાર ! કૃપયા શાંતિ રાખો!"-ગોહિલ હોસ્પિટલ, નવસારી "પાટીયા સાથે અથડાઈને નજર ગોથું ખાઈ ગઈ, સામેની બાજુ જ તો! - ઓપરેશન થીયેટર અને એની બાજુમાં જ આઈ.સી.યુ ..
નજર દોડી ગઈ આઈ-સી.યુના પારદર્શક દરવાજા છેદી..
“પપ્પા, બસ આ વખતે આ છેલ્લું ઓપરેશન છે! અને કઈ જ જોખમ નથી એમાં, મારે હમણાં જ ડોક્ટર સાહેબ સાથે વાત થઇ. બસ હવે બહુ ખેંચ્યો તમે ખાટલો, આ ઓપરેશન પતે એટલે તમારી કોઈ વાત નથી સાંભળવાની! મારા નવા ઘેર આવવાનું કહીને તમે તો હોસ્પિટલમાં ગોઠવાઈ ગયા ...".. હસવા અને હસાવવાના નિષ્ફળ પ્રયાસો કર્યા પણ ના ખાળી શકી એ લાચારી, વેદના અને આંસુ જે પાપા ની આંખોમાં છેલા એક મહિનાથી વાંચતી આવું છું!
છેલ્લા એક મહિનામાં આ ત્રીજું ઓપરેશન.
જીદગીને દિલથી ટક્કર આપનારા અને બધા સંજોગોમાં એક ફાઈટર ની સ્પીરીટ થી ઝઝુમનારા પપ્પા એક વાર પેરાલીસીસને પણ ધૂળ ચટાડી આવ્યા, પણ ગેન્ગ્રીનના વિશ્-ચક્રમાં ભરાઈ ગયા, અટવાઈ ગયા..
પહેલા પગમાં શિયાળામાં પડતા સામાન્ય વાઢીયા ઉપસ્યા. ડાયાબીટીસ અને બેદરકારીના કિલિંગ કોમ્બોના કારણે વાઢીયા વણસીને ગેન્ગ્રીન બન્યા.
પહેલા ટચલી આંગળી, પછી બીજી આંગળી અને આજે હવે ઘુટણ થી આગળ નો આખો પગ કપાયો .. અને સાથે સાથે કપાઈ રહ્યો પપ્પાનો આત્મા પણ- કટકે કટકે ...
એક નાના બાળકની જેમ જીદ અને ડર થી પપ્પાએ કચકચાવીને મારો હાથ પકડી રાખ્યો. જાણે ઓપરેશન, ડોકટર, દવાઓ બધું જ મિથ્યા લાગતું હોય! જાણે વિશ્વાસ હોય એમને કે હું એમને પકડી રાખીશ, એમને બચાવી લઈશ ... !!!
ચાર આંખો તાકી રહી અનિમેષ નજરે, અને એક એવો સંવાદ થયો જે હવે ક્યારેય નથી થઇ શકવાનો!
***
લોહી નો લાલ રંગ , આંખોમાં પણ ઉપસી આવ્યો.
દિલ અને દિમાગને મક્કમ કર્યું , ઠપકાર્યું અહી-તહી ભટકવા માટે..
મશીન-વત ચઢી રહી પગથીયા સ્ટેશનની બહાર જવાના ....
અને... છેલ્લે પગથીયે અટકી ગઈ..
જાણે સવારથી બધા સારા-નરસા દિવસોની પપ્પા મઢી ફ્રેમ રીલ-બાય-રીલ ફરી રહી, આસ પાસ.
***
“બેટા તને આવતા એક પળવારનું મોડું થયું, તું છેલ્લે પગથીયે હશે અને પપ્પાનો જીવ ગયો. કદાચ તારી જ રાહ જોતા હતા સવારથી!".. કાન સાંભળવા તૈયારના થયા અને આંખો પણ આંસુઓની ઝાલર બાંધી બગાવત પર ઉતરી અને દિમાગે તો જાણે નાદારી જ નોંધાવી!
“બેટા, પપ્પાની ઈચ્છા હતી કે એમનો અગ્નિસંસ્કાર બંને દીકરીઓના હાથે થાય.. અઘરું છે , પણ પપ્પાની ઈચ્છા છે એટલે.. ” - દિલ હવે વધુ સહન નહિ જ કરી શકે...
કેમ કરીને એ અંગુઠે આગ આપીશ જેની આહટ માત્ર મારા અસ્તિત્વમાં વણાયેલી છે.
ત્રાંસી આંખો ઘૂરી રહી એ છેલ્લા પગથીયાને ..
એ છેલ્લું પગથીયું- જાણે મારો ગયા ભાવ નો દુશ્મન - જેણે મને પાપાને છેલી વાર મળવા ના દીધી ...
***
મોબાઈલની રીંગથી ટાઈમ ટ્રાવેલ ખોટકાયું, યાદો ની રીલ અટકી અને આંખો મોબાઈલ સ્ક્રીન પર બ્લિંક થતા ફોટા અને નામ ને જોઈને અજાણતા જ હરખાઈ ..
“ડેડુ કોલિંગ “
આંસુઓની ભીનાશ જાણે ખેરવાઈ ગઈ અને એક ખુશી અને ઉત્સાહથી મોબાઈલ રીસીવ કર્યો અને ત્યાજ- મમ્મીનો અવાજ સાંભળી ફરી દિલની ધડકનો એક ક્ષણ માટે થંભી ગઈ. ફોન ડીસ-કનેક્ટ થઇ ગયો જાણે દિલોદિમાગને આ નંબર પર એક જ અવાજ સાંભળવાની એષણા હતી, છે અને રહેશે !
***
પ્રિય પપ્પા,
તમે જ્યાં છો, ત્યાંથી જુઓ છો ને? મારા દિલનો સંવાદ સાંભળો છો ને?
કાયમ આમ મારા અસ્તિત્વને વીંટળાઈને રહેજો, મારી આસપાસની તમારી આ હુંફ, સુવાસમાં પ્રેમની ભીનાશ અને યાદી જ તો કદાચ મારા માટે જીવી જવા માટે નો ઓક્સિજન છે!
" લવ યુ પપ્પા .... "
Comments