ટ્રીંગ ટ્રીંગ...
ટ્રીંગ ટ્રીંગ... ટ્રીંગ ટ્રીંગ..
ફોનની દરેક રીંગ
જાણે હાર્ટ બીટ્સને વધારી રહી.
ટ્રીંગ ટ્રીંગ...
ટ્રીંગ ટ્રીંગ...ટ્રીંગ ટ્રીંગ...
“ઈટ્સ ટુ એ.એમ., અત્યારે કોઈ કોલ રીસીવ નહી જ કરે. ડોન્ટ વેસ્ટ ટાઈમ,
થીંક વોટ એલસ વી કેન ડુ?” – પોતાના જીગરના ટુકડાને ટૂકડે ટૂકડે તૂટતી જોઈને એક પિતાનું દિલ તાર
તાર થઇ રહ્યું.
“ડેમ, ઈટ્સ ઈમરજન્સી. એન્ડ હોસ્પિટલ્સ આર મીંટ ટુ હેન્ડલ ઇટ. અને જે
હોસ્પિટલમાં હું કોલ કરી રહી છુ, ત્યાં ડોક્ટર ઉપરન ફ્લોર પર જ રહે છે. બેબુને
છેલ્લા ચાર વર્ષથી નાની-મોટી બીમારીઓમાં ટ્રીટ કરે છે, હી નોઝ હર બોડી રીધમ વેલ.
આવા સમયે ફેમીલી ડોક્ટર થઈને તેઓ આમ કેમ કરી શકે?”- સતત એક નો એક નંબર ડાયલ કરી સામે છેડેના ડેડ એન્ડને લાઈવ કરવા મથી
રહી બેબુની મોમ.
ટ્રીંગ ટ્રીંગ...
ટ્રીંગ ટ્રીંગ.. ટ્રીંગ ....
“હેલો, એક્સ.વાય.ઝેડ હોસ્પિટલ..”- એક ઊંઘરેટીયો અવાજ
આખરે કુંભકર્ણનિંદ્રામાંથી જાગ્યો.
“મેમ, મારી ડોટર ડોક્ટરસાહેબની પેશન્ટ છે. આજે સાંજે જ અમે એને બતાવી
ગયા. ડોક્ટરસાહેબે વાયરલ કહીને દવા પણ આપી. પણ શી ઇઝ સીન્કીંગ. તાવ ઉતરતો નથી અને
છેલ્લા બે કલાકમાં બાર થી પંદર વોમિટ કરી ચુકી છે. ડોક્ટરસહેબ મળી શકશેને
ઈમરજન્સીમાં અત્યારે? અમે આવીએને બેબીને લઈને?”- બેબુની મોમ લગભગ કરગરી ગઈ ફોન પર.
“ડોક્ટરસાહેબ સવારે મળશે.”- સામેથી એકદમ શુષ્ક
મશીની અવાજ પડઘાયો.
“મેમ, અમે જાણીએ છે કે કસમયે ડોકટરસાહેબને તસ્દી નાં જ અપાય. પણ બીલીવ
મિ, ઈટ્સ ઈમરજન્સી. મારી દીકરી એકદમ લેવાઈ ગઈ છે, હવે કઈ બોલતી પણ નથી અને
વારે-વારે આંખો પણ...” – પોતાની દીકરીની હાલત શબ્દોમાં બોલતા એની મોમનું કાળજુ કપાઈ રહ્યું.
બોલાઈ રહેલો એક એક શબ્દ અને પસાર થઇ રહેલી એક એક મીનીટ જાણે મોમનો આક્રોશ અને
લાચારી વધારી રહ્યા.
“કહ્યુંને, ડોક્ટરસાહેબ કાલે સવારે મળશે. કાલે સવારે લઈને આવજો તમારી
દીકરીને.”- ફરી એજ સ્ટીરીઓટાઈપ જવાબ.
“મેમ, ઈટ્સ ઈમરજન્સી. પ્લીઝ ડોકટરસાહેબને એક વાર પૂછી તો જુઓ. વી આર
કમિંગ. આઈ નો, ડોક્ટરસાહેબ નાં નહિ જ પાડે. મારી દીકરી...”- શબ્દોની સાથે, આંસુઓ અને લાચારી પણ અનરાધાર વહી રહ્યા.
“ડોક્ટરસાહેબ આઉટ-ઓફ-ટાઉન છે. કાલે સવારે મળશે.”- સામે છેડે રોબોટ જ હોવો જોઈએ, જે એક માંની આટલી કાકલુદી અને આજીજી
સામે પણ પથ્થર જેવો અફર રહી શકે.
ફોન કટ.
“આઈ ટોલ્ડ યુ. આ સમયે કોઈ પેશન્ટ એટેન્ડ નહી કરે.”- બેબુનાં પપ્પા આખા સંવાદના બેકગ્રાઉન્ડમાં પોતાની વ્હાલસોયી દીકરીને
ખોળામાં સુવડાવી, પંપાળી, એને સુવડાવવા મથી રહ્યા.
“બીમારી સમય કે સ્થળ જોઈને નથી આવતી. અને ડોક્ટર્સને ડીગ્રી આપતા પહેલા
એક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે.. ડોક્ટર્સને ભગવાનનો દરજ્જો એમજ નથી આપવામાં
આવતો.. હું પણ સમઝુ છું કે આપણા જેવા પેશન્ટ એમને રોજ જ આવતા હશે, પરંતુ પોતાના
પ્રોફેશન અને એ દ્વારા મળતી સમૃદ્ધી અને સમ્માનની સાથે સાથે પોતાના પ્રોફેશનની મર્યાદા
પણ એમણે પ્રેમ અને વિનમ્રતાથી સ્વીકારવી રહી.”- બેબુની મોમ શબ્દો દ્વારા પોતાની વિવશતા અને બળાપો ઠાલવી રહી.
***
“ નાવ શી સીમ્સ હેલ્ધી. કાલે સવારે રૂટીન ચેક-અપ કરીને ઢીંગલીને રજા
આપી દઈશું. બેટા ઘરે જવું છે ને?” – ધીમેકથી ઇન્જેક્શન આપતા-આપતા બેબુને વાતોમાં પરોવતા ડોક્ટરસાહેબ
કહી રહ્યા.
“થેંક યુ સર. આપે સમયસર સારવાર આપી એટલેજ આજે અમારી બેબુ ફરી હસતી-રમતી
થઇ ગઈ. અડધી રાતે બધેથી નિરાશ થઇ ગયા હતા, તમે ભગવાન બની ઉગારી લીધા.”- બેબુના ડેડ હાથ જોડી આંસુઓને ખાળવાનો પ્રયાસ કરતા કહી રહ્યા.
“ઈટ્સ માય ડ્યુટી. અને ભગવાન બધે નિરાશા આપે ત્યારે ક્યાંક, કોઈક નાની
અમથી આશા તો પ્રગટાવે જ છે, અમે તો નિમિત્ત માત્ર છે.”- થોડા શબ્દોમાં ઘણું કહીને ડોકટરસાહેબ વિદાય થયા.
ઢીંગલી થાકીને
ઊંઘમાં સારી ગઈ. બેબુના પપ્પા ફોન પર ધંધાની પતાવટ કરી રહ્યા.
“તું પાછી તારા મોબાઈલ પર લાગી? બે-ચાર દિવસ હોસ્પિટલમાં તો તારા
મોબાઈલ, સ્કુલ અને વિદ્યાર્થીઓને આરામ આપ. થોડા દિવસ સ્કુલે નહિ જાય તો સકુલ બંધ
નહિ થઇ જાય.”- બેબુના પિતા હવે પતિના રોલમાં પલટાયા.
“
બે-ચાર દિવસનું થોડું પેન્ડીંગ કામ હતું.
મારો મોબાઈલ પણ સાયલેન્ટ મોડમાં હતો, એટલે સ્કુલમાંથી મારો કોન્ટેક્ટ કરવા મથી
રહ્યા હતા. થોડા અગત્યના પેપર્સ અને થોડા વિદ્યાર્થીઓના ઇસ્યુ હતા. ભલે રજા પર
છું, જવાબ આપવા બંધાયેલી છું. તમે પણ તો હમણાં ફોન પર જરૂરી કામ પૂરું કરી રહ્યા
હતા ને?”- બેબુની મમ્મી અકળામણ અને સંકડામણને આવી નાજુક પરિસ્થિતિમાં અપ્રગટ કરી
શક્ય એટલી વિનમ્રતાથી કહી રહી.
“ધંધાની વાત જુદી છે, તને નહિ સમઝાય. સ્કુલવાળા બે દિવસ બીજા પાસે કામ
કરાવી શકે. વિદ્યાર્થીઓ તું નોકરી છોડી દેશે તો ભણવાનું નહિ છોડી દે. પોતાની
પ્રાયોરીટી સમઝો અને એ પ્રમાણે વર્તો. અત્યારે માત્ર અને માત્ર પરિવારને સમય આપવો
જરૂરી છે, નોકરી ગૌણ બાબત છે.”- બેબુની મમ્મીના પતિ ટીપીકલ ઈન્ડીયન અપેક્ષાઓ પ્રમાણે પતિગીરી કરી
રહ્યા.
“હું મારી પ્રાયોરીટીઝ સુપેરે સમઝુ છું અને એને નિભાવવા પુરો પ્રયાસ પણ
કરું જ છું. વાત મારા મહત્વની કે મારી સકુલ મારા વગર ચાલવા કે બંધ થઇ જવાની નથી.
વાત હરી ફરી ને ફરીથી એજ છે – પોતાના પ્રોફેશન પ્રત્યે પ્રતિબદ્ધ રહેવાની. બે દિવસ
પહેલા જે વ્યહવાર માટે પેલા- ડોક્ટરસાહેબ પર તમે અને હું ઉકળ્યા હતા , એવી જ બેજવાબદારી હું પણ કઈ રીતે
કરી શકું? શિક્ષકના પ્રોફેશન દ્વારા મને મહિનાના અંતે સારા પગાર સાથે ખુબ બધું
રીસ્પેક્ટ અને વિદ્યાર્થીઓનો પ્રેમ મળે છે, તો સામે અપેક્ષાઓ અને જવાબદારીઓથી હું
પણ બંધાયેલી છું. જરૂર પડ્યે પોતાના કામથી રજા અલબત્ત લઇ જ શકું પરંતુ મારી
ગેર-હાજરીમાં મારું કામ અને મારા વિદ્યાર્થીઓ નાં અટવાય એની કાળજી રાખવાની મારી
મોરલ રીસ્પોન્સીબીલીટી છે.”- બેબુની મોમ સ્વસ્થતાથી પતિદેવને તાજો દાખલો ફરી જુદી રકમ ભરી ગણાવી
રહી.
***
“મેડમ, હજુ કેટલી વાર લાગશે? મારો ટોકન નંબર પચીસ છે.”- એ.સી.પી.સીનાં હેલ્પ સેન્ટર પર પોતાના સંતાનનું ઈન્જીનીયરીંગમાં
એડમિશન લેવા, ઓનલાઈન વિગતો ભરવા, લાગેલી લાંબી લાઈનમાંથી થાકેલા એક વાલી પૂછી
રહ્યા.
“બસ અત્યારે વીસમો નંબર ચાલે છે.”-થાકેલા હોવા છતાં , શક્ય એટલું મોટું સ્મિત આપીને મેડમે જવાબ આપ્યો.
“મેડમ, આ તમારી સ્પેશિયલ ફૂદીનાવાળી ચા. સર, આ બાજુથી અંદર આવી જાવ.
અહી, પંખા નીચે બેસો. સર, હમણાં મેડમ તમારું કામ પતાવી દેશે.”- પટાવાળો ચા આપતા આપતા, કોઈક વાલીનું સેટિંગ કરવવા પાછલા રસ્તે દોરી
લાવ્યો.
“ભટાભાઈ, એમને ટોકન આપો. એમનો નંબર આવશે ત્યારેજ એમનું કામ થશે.”- મેડમે ચાલુ કામે આંખ ત્રાસી કરી પટાવાળાને સમઝાવવા પ્રયાસ કર્યો.
“મેડમ, તમે ઓળખ્યા નહિ? આ ચૌહાણસર, આપણી પાછળવાળી પોલીસચોકીમાં
ઇન્સ્પેક્ટર છે. એમની દીકરીનું ફોર્મ ભરવાનું છે. મેં કીધું આપણા મેડમ હમણાં કરી
દેશે. એમને થોડું લાઈનમાં ઉભા રખાય?”- પટાવાળાએ ધીરે રહી શોર્ટકટમાં એન્ટર થયેલા સાહેબની ઓળખાણ આપી.
“ગુડ મોર્નિંગ સર. આઈ હોપ યુ વિલ નોટ માઈન્ડ વેઇટિંગ. આ બધા પણ આપની જેમ
જ વાલીઓ છે, અને પોતાના સંતાનો માટે આમ સવારથી લાઈનમાં ઉભા છે. આઈ થીંક તમે આમ આઉટ
ઓફ લાઈન એન્ટ્રી કરાવી, રૂલ્સ તોડી એમની સામે ખોટું એક્ઝામ્પલ સેટ કરવું પસંદ નહિ
કરો. આપના હોદ્દા અને આપની ગરીમા અનુસાર અન્ય વાલીઓ સાથેજ ક્યુમાં જ આપ આવશો એવી
આશા રાખીએ.”- મેડમન ધારદાર શબ્દો ,ઇન્સ્પેક્ટસાહેબને પોતાના રુઆબ-રુતબા સાથે જ
ફ્રીમાં આવતી રીસ્પોન્સીબીલીટી યાદ કરાવી ગયા.
***
દરેક વ્યવસાય-ધંધાની
એક અદકેરી ગરીમા અને આગવું સામાજિક મહત્વ છે.
ડોક્ટર, શિક્ષક,
વકીલ, દુકાનદાર, પોલીસ વિગેરે અને બીજા દરેક
પ્રોફેશન સાથે જોડાયેલી સારી અને હકારાત્મક બાબતો સાથે સામાજિક ફરજ અને જવાબદારી
સંકળાયેલી છે. સમાજના સક્ષમ અને સ્વસ્થ ઘડતર અને સંચાલન માટે તમામ નાગરિકોનું, પોતાના
વ્યવસાય અને એ સાથે સંકળાયેલી ફરજો પ્રત્યે
હકારાત્મક અને સજાગ રહેવું ખુબ જરૂરી છે.
આવો, મહિનાના અંતે
સેલરીનો ચેક જોતા જે પરમ-આનંદ થાય છે, એવા જ આનંદ અને ઉત્સાહથી આપણા પ્રોફેશન સાથે
જોડાયેલી જવાબદારીઓ નિભાવીએ અને આપણા ધંધા-રોજગારની ગરીમાનું જતન કરીએ.
Comments