“દરારે દરારે હે માથે પે મૌલા. મરમ્મત મુકદ્દર કી
કર દે મૌલા...
તેરે દર પે ઝુકા હું, મીટા હું, બના હું ...
મરમ્મત મુકદ્દરકી કર દે મૌલા.. “ – ઇઅરફોન્સમાંથી કૈલાશ ખેર અને જાવેદ અલીનો
મેસ્મરાઈઝીંગ વોઇસ દિલો દિમાગને શાંતિ આપી રહ્યો. પોતાને સંભાળવા, સહેજવા અને જરૂર
પડ્યે સંકેરવા - “કોઈક” છે, એ અનુભૂતિ જ કદાચ શાંતિ આપે છે કાયમ. અને આવા “કોઈક”
ને તમે શોધી રહ્યા છો પ્લેલીસ્ટમાં, મ્યુઝિક મારફતે!
સવારથી તમે કન્ફ્યુઝ્ડ છો. આ કન્ફ્યુઝન સોલ્વ
કરવા તમે જેની-જેની મદદ લીધે, એ તમામ સ્વજનો તમને ફ્યુઝડ કરી ગયા છે.
“હેવ યુ ગોટ નટ્સ? યુ આર પરફેકટલી નોર્મલ! યુ
જસ્ટ નીડ અ વેકેશન. આવા ડોક્ટર-ફોક્ટરના ચક્કરમાં ના જ પડાય. આવા મગજના ડોક્ટર
પોતે જ અડધા ગાંડા હોય. તમે એમને મળવા જાઓ એટલે તમને કઈ ભળતું-સલતું સમઝાવીને
તમારું સારું એવું દિમાગ બગાડી નાખે!”- તમારી મોટી બહેન ઉર્ફે સિસ તમને ફોન પર
બ્રહ્મજ્ઞાન આપી રહી.
“દીદુ, તને કઈ રીતે સમઝાવું? આઈ ડોન્ટ હેવ એની
અધર ઓપ્શન. મને લાગે છે કે આઈ નીડ પ્રોફેશનલ હેલ્પ. બહુજ પ્રેશરમાં રહી છું છેલ્લા
કેટલાક મહિનાઓથી! આ નેગેટીવીટી મારા રિલેશન્સથી લઈને પ્રોફેશનલ કમીટમેન્ટસ સુધી
બધું જ ડેમેજ કરી રહી છે. આઈ ફીલ લાઈક આઈ એમ ઇન અ બ્લેક બોક્સ. હું રહી રહીને
અંદરખાને તૂટી રહી છું અને એ ટુકડાઓને સંકેરવા મને કોઈ અનુભવીની મદદ જોઈએ છે, એમાં
શું ખોટું છે?”- તમે બની શકે એટલી ધીરજ અને શાંતિથી તમારી દીદીને સમઝાવવા મથી
રહ્યા.
“વાત સાચા કે ખોટાની નથી! મારે કોઈ દલીલ જોઈએ
નહિ. કોઈ સાયકોથેરાપિસ્ટને કે ડોક્ટરને મળવા જવાની કોઇજ જરૂર નથી. કાલ ઉઠીને તારા
કે મારા સાસરે ખબર પડશે તો કેવો ઉહાપોહ થશે? અને સમાજના મોઢે થોડા ગળણા બાંધવા
જવાય છે? ગાંડામાં ગણાઈ જઈશ તું! આટલું ભણેલી ગણેલી થઈને તું કેમ સમઝતી નથી?”-
સામે છેડે દીદીનો અવાજ ધીમે ધીમે મોટો થઇ રહ્યો, જાણે એમની દલીલને તમારા મગજમાં
ફીટ કરવા જ તો!
“દીદુ, તને શરદી થાય, તાવ આવે, ત્યારે તું શું
કરે છે? પહેલા ઘરગથ્થું ઉપચાર અજમાવે અને જ્યારે તકલીફ વધી જાય તો ડોક્ટર પાસે જાય
છે ને? જયારે શારીરિક બીમારીમાં ડોક્ટર પાસે જવામાં આપણે સંકોચ નથી અનુભવતા,
ત્યારે માનસિક પરિતાપ કે સંતાપમાં ડોક્ટરની મદદ લેવામાં કેવી શરમ? જેમ સાધારણ
શારીરિક નબળાઈ કે બીમારીને નીગ્લેકટ કરતા, વરવું સ્વરૂપ લઈને એ મોટી માંદગી બની
શકે છે એમ જ, સાધારણ લાગતી માનસિક સમસ્યાઓ જટિલ સ્વરૂપ લઇ શકે છે.”- તમે તમારી પરિસ્થિતિ
શક્ય એટલા સ્પષ્ટ શબ્દોમાં રજુ કરવા મથી રહ્યા.
“મને કોઈ ભાષણબાજી નહિ જોઈએ. તારે કોઈ
ડોક્ટર-ફોક્ટર પાસે જવાનું નથી. બે-ચાર દિવસ રજ્જા લઈને ઘેર આરામ કર એટલે મગજ
ઠેકાણે આવી જશે. આ બહુ ભણો અને બહુ ખબર પડે એના જ બહુ મોટા પ્રોબ્લેમ!”- દીદીની
અકળામણ હવે આ છેડે પણ વટહુકમ બનીને વર્તાઈ રહી.
“દીદુ, હું ભલે અત્યારે બીમાર નથી પરંતુ હું
બીમાર થવા ઇચ્છતી નથી. અને મેં એપોઇનમેન્ટ લઇ લીધી છે. હું કાલે ડોક્ટરને મળવાની
છું. મને સમાજ “ગાંડા”માં ગણી લેશે એના કરતા વધુ ચિંતા છે હું મારી જાતને “સ્વસ્થ”
અને “સોર્ટેડ” ગણી શકું છું કે નહિ એની! પળે પળે જે માનસિક મુશ્કેલીઓ અને પરિતાપ
હું અનુભવું છું એની સાથે મરી-મરીને જીવવા કરતા હું પસંદ કરીશ ડોક્ટરની મદદ અને
સલાહ લેવી. ડોક્ટરની અનુભવગત મદદ વળે, સાચા નિર્ણય લઇ, સાચી દિશામાં જિંદગીને
દોરીને કદાચ હું એ જટિલ પ્રશ્નો ઉકેલી શકીશ, જે મને હાલમાં જીવતે જીવ મારી રહ્યા
છે! મારે ફરીથી દિલથી હસવું છે અને જિંદગીની દરેક પળને ખુલીને માણવી છે. મારે મારી
અંદર ક્યાંક ભટકી ગયેલા “સ્વયમ”ને મારીને એના હત્યારા નથી થવું પરંતુ એને આંગળી
પકડીને સાચી દિશા બતાવી એનો રાહબર બનવું છે. મારે મરવું નથી, મારે જીવવું છે!”-જાત
સામે જ કરગરી રહ્યા તમે!
સામે છેડે નીરવ શાંતિ ફેલાઈ ગઈ અને તમે સમઝી ગયા
દીદુનો ગુસ્સો અને અકળામણ!
“ગલત કો ગલત, સહી કો સહી કહેના સિખો.. બાત જિસમેં
ખુદકો યકીન હો, વહી કેહના સિખો!
હર એક લમ્હે કો દિલ સે જીતે હો, હર એક રસ
ઝીન્દગીકા જો ઘોલ કે પીતે હો- તો ઝીંદા હો તુમ..
આંખો મેં જલન, હયા, પાકીઝ્ગી લેકે ચલ રહે હો તો
ઝીંદા હો તુમ..”- બેકગ્રાઉન્ડમાં ટીવી પર “ઝીન્દગી ના મિલેગી દોબારા” નાં, જાવેદ
અખ્તર લિખિત શબ્દો તમને કૈક સમઝાવી રહ્યા.
***
“રોજ-બ-રોજ આ છાપામાં નકરા નાખી દેવા જેવા સમાચાર
આવે છે! બુન આ વાંચ્યું? આપણી બાજુની પેલી મોટ્ટી સોસાયટીના, મોટ્ટા ઘરના, મોટ્ટા
મેડમ-પેલા લાલ ચટ્ટક ગાડી લઈને જતા, એમણે ગઈ કાલે આત્મહત્યા કરી લીધી! મને તો
સમઝાતું નથી કે એમને શું ખોટ હશે? અમારા જેવા કુવો પૂરે કે ટ્રેનની નીચે સુઈ જાય
તો ધરતીનો બોજ ઓછો થાય! પણ આટલો પૈસો અને આટલું ભણેલા- ભર્યું પૂરું ઘર છે, તો પણ
આમ પંખે લટકવું પડે એવું તો શું દુખ હશે? બુન, આ આજ કાલ કોઈનામાં સહન શક્તિ જ નથી
રહી! પહેલાના જમાનામાં પણ લોકોને દુખ પડતા હતા, પણ કોઈ આમ મરી નો’તું જતું!”-
તમારી મેઇડ ન્યુઝપેપર વાંચતા આંખો મોટી કરી કરીને આજની બ્રેકિંગ ન્યુઝ તમારી સાથે
શેર કરી રહી.
“દુખ કે મુશ્કેલી બેંકબેલેન્સ કે ડીગ્રી જોઈને
થોડા આવે છે? લાઈફનું પેલા દુકાનમાં રાખેલા ગીફ્ટ બોક્સ જેવું છે, જ્યાં સુધી ચમકતા
રેપરમાં પેક-બંધ છે, ત્યાં સુધી જ -દુરથી-બહારથી સારી લાગે. મોટા મેડમ ભલે મોટા
મહેલમાં રહે, એમને પણ તારી અને મરી જેમ જ, એની વાત સાંભળવા, સમઝવા અને જરૂર પડે
સમઝાવવા કોઈ ખાસની જરૂર પડે. અને આજની બીઝી, દોડતી-ભાગતી અને હાંફતી લાઈફમાં આપણને
પોતાના માટે જ સમય નથી, બીજાની મનો-વ્યથા સંભાળવા કોણ નવરું છે?”- તમે ન્યુઝ-પેપર
હાથમાં લઈને આત્મહત્યા કરનાર યુવતીના ફોટામાં કૈક શોધી રહ્યા.. દ્રષ્ટિભ્રમ ગણો કે
મતીભ્રમ – તમને એ તસ્વીરની જગ્યાએ તમારો પોતાનો નિસ્તેજ અને નિરાશ ચહેરો દેખાયો,
જેની નીચે મોટા ઘાટા શબ્દોમાં લખ્યું હતું- શું આત્મહત્યા એક અપરાધ છે?
અને અચાનક યાદ આવી એ રવિવારી બપોર, નિરાશા,
હતાશા.. મહિનાઓથી મ્યુટ થઇ ગયેલું દિમાગ! આખી દુનિયા વિખેરાઈ જવાની વેદના. એક
અકળાવી દેતી શાંતિ અને ગભરામણ કરાવતું અંધારું. રડી રડીને સુજી ગયેલી, તમારી સુકી
બદામી આંખો અને સામે ટેબલ પર પડેલી હિટની નવી નક્કોર બોટલ. અને રાહ એ એક પળની,
જ્યાં બધા પ્રોબ્લેમ્સ સોલ્વ થઇ જવાના છે.. બધી વેદનાઓ વિલાઈ જવાની છે અને મળવાની
છે એક આખરી શાંતિ-નિરાંત.
“રાહ પે કાંટે બિખરે અગર.. ઉસપે તો ફિર ભી ચલના
હી હે, શામ છુપાલે સુરજ મગર... રાત કો એક દિન ઢલના હી હે.. રુત યે ટલ જાયેલી,
હિંમત રંગ લાયેગી, સુબહા ફિર આયેગી.. યે હોંસલા કેસે ઝુકે..યે આરઝુ કેસે રુકે..
મંઝીલ મુશ્કિલ તો ક્યાં? ધૂંધલા સાહિલ તો ક્યાં? તન્હા યે દિલ તો ક્યાં...” –ટીવી
પર જાણે તમને ઝંઝોળવા ખાતર જ તમારા ફેવરેટ મુવી “ડોર”નું સોંગ આવી રહ્યું. ટીવી ની
સ્ક્રીનમાંથી ગુલ પનાગ જાણે તમારી આંખોમાં આંખો પરોવી તમને હિંમત બંધાવી રહી કે –
સુબહા ફિર આયેગી... અને તમને દેખાઈ થોડી કિરણો- ઉજાસની અને આશાની!
***
શબ્દો અને સંવેદનાઓ ઓછા પડે છે ઘણી
પરિસ્થિતિ-પ્રશ્નો અને પરિતાપ વર્ણવવા.
માનસિક સ્વસ્થતા શારીરિક તંદુરસ્તી કરતા વધુ
મહત્વની છે.
માનસિક અસ્વસ્થતા કોઈ માનસિક બીમારી કે નબળાઈની
નિશાની નથી, એ માત્ર સુચન છે કે લાંબા સમયથી કઠીન અને વિપરીત સંજોગો તેમજ
મુશ્કેલીઓનો એકલે હાથે સામનો કાર્ય પછી હવે તમને જરૂર છે એક પુશની – પ્રેમ અને
પોઝીટીવનેસવાળા!
જ્યારે સંજોગો અને પરિસ્થિતિ દ્વારા બધા દરવાજા
બંધ દેખાય ત્યારે કદાચ કોઈ અનુભવી અને સક્ષમ મદદ એ દરવાજાને બહારથી ખોલી શકે છે-
જરૂર છે મદદ માંગવાની, ખુલીને પોતાની મુશ્કેલી રજુ કરવાની અને વિશ્વાસ કરવાની!
આવો, માનસિક સ્વસ્થતાને મહત્વ આપીએ! જરૂર પડ્યે
સાયકોલોજીકલ થેરાપી કે કાઉન્સેલિંગ દ્વારા પોતાની જાતને એ મદ્દદ અપાવીએ કે જે બંધ
દરવાજા ખોલીને તાજી હવા અને હુંફ તમારા સુધી પહોંચાડી શકે!
Comments