“અપની
મરઝીસે કહા અપને સફર કે હમ હે... રુખ હવાઓ કા જિધરકા હે, ઉધર કે હમ હે....”
જગજીતસિંઘજીનાં મેજીકલ વોઇસમાં ઘૂંટાતી હું, એફ.એમ
રેડીઓની સંગતમાં રવિવારી રાતની ફુરસદી પળો માણી રહી..
“મમ્મા,
હું મોટી થઈને શું બનવાની?” –
અચાનક બહાર રમી રહેલી મારી મીઠ્ઠી અણધાર્યા પ્રશ્ન સાથે પ્રગટ થઇ.
“તું મોટી થઈને શું બનવાની એ તારે જ નક્કી કરવાનું હોય બેબુ! તું જ
કહે, તારે શું બનવું છે?” –
મોબાઈલ પર વોટપેડમાં “ટેલ મી
યોર ડ્રીમ્સ”ની
ઈ-કોપી વાંચતા વાંચતા અચાનક ભૂલી પડી હું બાળપણની યાદોમાં અને મમળાવી રહી હું નાની
હતી ત્યારના મારા ડ્રીમ્ઝ!
“હુમ્મ્મ્મ્મ....
સોચવા દે. હું મોટી થઈને શું બનીશ?” –
દિમાગ પર જોર આપતી હોય એમ મીઠ્ઠી કપાળ પર આંગળી ઠપકારીને મોટા માણસોની જેમ
વિચારવાનો ડોળ કરી રહી. અને હું જોઈ રહી એની બાળ સહજ નિર્દોષતા, કુતુહલ, નૌટંકી
અને એની આંખોમાં ભવિષ્ય માટેના અઢળક સપના!
“હું તો
મોટી થઈને બનીશ – મમ્મા! મને મમ્મા બૌ ગમે એટલે હું પણ મમ્મા જ બનીશ!” –
પ્રેમથી બંને હાથે મને વીંટળાઈને આંખો નચાવતા મારી મીઠ્ઠીએ આપેલા જવાબમાં જાણે
મારો જન્મારો સફળ થઇ ગયો!
“મમ્મા તો બધી ગર્લ્સ બને બેબુ.. એ સિવાય તું શું
બનીશ? જો સમઝાવું. મમ્મા તારી મમ્મા છે, એ સિવાય કોલેજમાં બધા બબુઝને ભણાવે છે –
પ્રોફેસર છે. એમ તું મમ્મા જેટલી મોટી થઈને શું બનીશ?” - મને
હવે કુતુહલ જાગ્યું મીઠ્ઠીનાં સપનાની દુનિયામાં સહેલ કરવાનું.
“હું છે
ને... હું ... હું પણ ટીચર બનીશ. અમારા જયશ્રીમેડમ છે ને એવી ટીચર. બધા બબુઝ એમને
બહુ લવ કરે અને રોજ એમના માટે ફ્લાવર્સ પણ લાવે.”-
આંખોમાં એક અજબ ચમક સાથે ઝબક્યું પહેલું સપનું.
“અને ...
હું તો છે ને.. ડોક્ટરદાદા પણ બનીશ. પછી જે બબુઝ બૌ તોફાન કરે એમને મોટ્ટું ઇન્જુ
આપી દઈશ. પછી હું છે ને... હું છે ને – વોચમેનઅંકલ બનીશ. રાતે મોટ્ટો દંડો લઈને
ઢમ્મ ઢમ્મ પછાડીસ. અને બૌ મોડું થાય તબ તક નઈ સુઈ જાઉં, તો પણ તું અને પાપા મને નૈ
વઢો! અને એક બાર હું પેલું થોમસ આવે છે ને કાર્ટુનમાં, એ ટ્રેનની ડ્રાઈવર પણ
બનીશ.. તને અને પાપાને ટ્રેનમાં બેસાડીને દુર દુર, આખી દુનિયામાં ફરવા લઇ જઈશ..
કેટલી મઝ્ઝા આવશે! ”
– મીઠ્ઠીનાં સપનાઓનાં તારલા એક પછી એક ટમટમી રહ્યા અને અજવાળું થઇ ગયું
મારા દિલમાં!
“અને મમ્મા, એક ઓર બાત રહી ગઈ. હું મોટ્ટી થઈશ ત્યારે પોલીસમેન પણ
બનીશ. જે મમ્મા અને પાપા પોતાના બબુઝને ખીજવાય કે મારે એમને જેલમાં પૂરી દઈશ.
અને... હું છે ને મોટ્ટી થઈને હું – છોટાભીમની જેમ એકદમ તાકતવર પણ બનીશ..
બધા બુરા લોગોને ઢીશુમ ઢીશુમ કરી દઈશ. અને ખબર છે મમ્મા ...” – એક
શ્વાશે આંખો નચાવતા નચાવતા, બોલી રહેલી મીઠ્ઠીનો એક એક શબ્દ, એક એક સપનું, જાણે
મને મારા બાળપણમાં ખેંચી રહ્યું! અને એક ચચરાટ થયો એ અનુભવગત જ્ઞાન યાદ આવતા કે
સપનાઓને પણ જેન્ડર હોય છે.. અમુક સપના બોયઝથી જોવાય અને અમુક સપના જ ગલ્ઝથી જોવાય!
“વો
ખ્વાબો ખીલોનોકી જાગીર અપની, નાં દુનિયા કા ગમ થા.. નાં રીશ્તો કે બંધન.. બડી
ખુબસુરતથી, વો ઝિંદગાની..વો કાગઝ કી કશ્તી.. વો બારીશ કા પાની..” –
રાતની ખામોશીમાં જગજીતસિંઘજીના સ્વર સાથે જાણે કેટ-કેટલા સપનાઓ અને સંવેદનાઓ પણ
વહી ગયા..
***
“સાંભળો
છો? આ સ્નેહાનું રીઝલ્ટ આવ્યુંને બે દિવસ થઇ ગયા. શું કરવાનું છે હવે આગળ એનું?
હજી એના લગ્ન લેતા સહેજે ત્રણ-ચાર વર્ષ નીકળશે, ત્યાં સુધી કૈક તો ભણાવવું
પડશેને.. કિચન અને કુટુંબ નો “ક” શીખશે તો જન્મારો સફળ થશે.. બળ્યું આ કેરીયરનાં “ક” માં કઈ લેવાનું નથી! જેટલું ભણો એટલું દુખ! આ હું બી.એ. વિથ ઈંગ્લીશ
થઇ, એ જમાનામાં, પણ શું ઉકાળી લીધું? બધા એ કુમળા સપનાઓ હજી આંખોમાં કરચ બનીને
ખૂંચે છે! આ સન્નીને જે બનવું હોય એ બનાવો અને જોવા દો સપનાઓ! સ્નેહાને સપના જોતા
નહિ પરંતુ પોતાના પરિવારના સપના- સંસ્કાર, સહનશીલતા અને મર્યાદા સાથે પુરા કરવાની
ટ્રેનીંગ આપો તો જ સુખી થશે.” – સ્નેહાની મમ્મીનાં શબ્દોમાં એ કડવાશ ઝરી રહી જે કદાચ અજાણ્યે
એમનામાં- જવાબદારી, મર્યાદા અને સંસ્કારના નામે સીંચવામાં આવી હતી!
“એ મારી ભૂલ હતી કે હું પરિવાર અને પપ્પાનાં નિર્ણયનો વિરોધ કરી, તને
તારી ઈચ્છા પ્રમાણે જીવવામાં અને કેરીયર બનાવામાં સપોર્ટ નાં કરી શક્યો. આજ સુધી એનો
મને અફસોસ છે! હું એ ભૂલ બીજી વાર નહિ કરું. સ્નેહા એજ ભણશે અને બનશે જે એની ઈચ્છા
હોય! ભણતર માત્ર એક પાયો છે- મજબુત અને સુખી જીવન માટે – જો સ્નેહાની ઈચ્છા હશે તો
જોબ કરશે, ઈચ્છા નહિ હોય તો તારી જેમ એક સફળ ગૃહિણી- હોમ મેકર બનશે. પણ ભણશે તો
ખુબ બધું! ” -ચાના કપને બાજુ પર મૂકી, સ્પેક્સ કપાળ પર ચઢાવી, આંખોના ભીના ખૂણે
આંગળી ફેરવી વર્ષોથી બાઝેલી ઝાકળને પહેલી વાર સાફ કરતા સ્નેહના પપ્પા બોલી ઉઠ્યા!
“મમ્મી, તને યાદ છે – મારા ટ્વેલ્થનાં રીઝલ્ટ પછી ગાડરિયા પ્રવાહ સાથે
હું પણ મેડીકલમાં એડમિશન લેવા તત્પર હતો. તું મને લઈને બરોડા અને અમદાવાદની
ખ્યાતનામ મેડીકલ કોલેજીસમાં ફરી હતી. મને નજરો નજર મેડીકલનાં વિદ્યાર્થીઓની આકરી
મહેનત બતાવીને સત્ય અને મારું કેલીબર સમઝાવ્યું હતું. ઈન્જીનીયરીંગની વિવિધ
શાખાઓની ડીમાંડ અને જુદી જુદી જોબ ઓપ્શન, મને જાતે જુદી જુદી કંપનીઝમાં લઇ જઈને
બતાવી, કે જેથી હું એક સાચી દિશા પસંદ કરી શકું. મેં એનવાયરમેન્ટ ઇન્જીન્યરીંગમાં
એડમિશન લીધું ત્યારે મારા ટીચર્સ, ફ્રેન્ડ્સ - બધાને શોક લાગ્યો હતો, પરંતુ તું
સંતુષ્ટ અને ખુશ હતી- કેમકે આ નિર્ણયને- તે બનતા અને લેવાતા જોયો હતો. અને મારા
આજની આ સફળ કેરીયર, સ્વપ્નસમાન જોબ, મહિને છ આંકડાનો બેંકમાં ડીપોઝીટ થતો પગાર
-બધું તારી સુઝબુઝનાં કારણે જ તો છે! તારું ભણતર ભલે એક સફળ કેરીયર કે બેંકમાં જમા
થતી સેલેરી નાં બની શક્યું પરંતુ અમારા બંનેની અનોખી પરવરીશ અને સફળતા- તારા
ભણતરને કારણે જ છે. અને યાદ છે, રિસેશનનાં કારણે પપ્પાને અચાનક એમની વર્ષો જૂની
જોબમાંથી કાઢી મુક્યા, ત્યારે તે જ સવારે સ્કુલમાં નોકરી અને સાંજે ટ્યુશન- એમ
બેવડી ડયુટી બજાવી ઘર અને પપ્પાને અજબ સ્વસ્થતાથી સંભાળી લીધા હતા. પપ્પાનાં
મિત્રો જ્યારે જિંદગીથી નાસીપાસ થઇ આત્મહત્યા કે નશાનાં રવાડે ચડ્યા હતા ત્યારે
તારી સલાહથી પપ્પા ઘેર બેઠા નવી એનીમેશન ટેકનીક્સ સીખી રહ્યા હતા- નવી કેરીયરની
દિશામાં નવી સફળતા મેળવવા! વિચાર, તારા ભણતર વગર શું આ શક્ય હતું? અને હવે જવાબ આપ
– સ્નેહાને ભણાવવી કે નહિ?”
– સન્નીનાં શબ્દો એની મમ્મી માટે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી વિશેષ
હતા, જે સ્પષ્ટ કરી ગયા બધી બેચેની અને પ્રશ્નો!
“ ઓ રી ચીડીયા, મેરી ચીડીયા.. અંગનામેં ફિર આજા રે...
તેરી પંખો મેં સારે
સિતારે જડુ.. તેરી ચુનર મેં સતરંગી બુનું..
તેરે કાજલમેં મેં
કાલી રૈના ભરું, તેરી મહેન્દીમે મેં કચ્ચી ધૂપ ભરું..
તેરે નૈનોમે સજા
દુ.. નયે સપને..” – સત્યમેવ જયતેનું બેટી સોંગ ગુંજી રહ્યું ટીવીથી બીવીનાં દિલ સુધી!
***
સપનાઓ હોય છે-
જેન્ડરલેસ, એજલેસ, લોજીકલેસ છતાં ઈમોશનથી છલો છ્લ.
દરેક સપનાની
નિયતિમાં કદાચ સાચા પડવાનું નાં પણ હોય, છતાં દરેક સ્વપ્ન એક સરખી ઉત્કંઠા અને આશા
સાથે જોવાય છે! એજ્યુકેશન-ભણતર, એક એવું સ્વપ્ન છે, જે બીજા અઢળક સપનાઓ- પોતાના
અને પરિવારના, પુરા કરી શકે છે!
આવો પૂરું કરીએ આ એક
પાયાનું સપનું- એજ્યુકેશન, જે જેન્ડરબાયસ વગર બધાનો હક છે!
આવો ખુબ ભણાવીએ આપણી
બહેન, દીકરી કે વહુને. આવો બનાવીએ નવો સમાજ, જે સમઝે પોતાના ઘરની દરેક સ્ત્રીના
ભણતરનાં મહત્વને, અને સ્વીકારે-આવકારે એના ભણતર દ્વારા પરિવારે પામેલા સુખ,
સમૃદ્ધી અને શાંતિને!
આવો સમઝીએ -
સ્ત્રીનું ભણતર માત્ર તેના કેરિયર માટે નહિ, પરંતુ કુટુંબની અને સમાજની ખુશહાલી
અને વિકાસ માટે અનિવાર્ય છે!
Comments