“હે ભગ્ગુ! આજે શું સ્પેશિયલ છે? ફરી કયો ફેસ્ટીવલ
આવ્યો?”-
ઓફીસપર્સને સંભાળતા અને ભીડની વચ્ચેથી પાંચસો-સાતસો ગ્રામ જગ્યા કરતા કરતા અનેરી
આવી, અને પોતાની રોજની બર્થને ઓક્યુપાઈડ જોઈને ચુપચાપ પોતાના અપડાઉનિયા -ફેમીલી
પાસે ઉભી રહી ગઈ.
“અનુ,
સૌથી મોટો ફેસ્ટીવલ આવ્યો છે! એક મહિના સુધી ચાલશે આ ફેસ્ટીવલની ઉજવણી, એટલે આદત
પાડો ઉભા રહેવાની. અને આટલી ગરમીમાં વ્યક્તિ દીઠ ત્રણથી ચાર ચિલ્લર અને ચિલ્લર દીઠ
બે થેલા જોયા પછી પણ તું કેવી રીતે પૂછી શકે કે – શું સ્પેશિયલ છે? ઈટ્સ વેકેશન
હની!”-
ઉભા-ઉભા કોણ જાણે કેમનું બેલેન્સ રાખી મજ્જાથી (કે સજાથી?) બુક વાંચી રહેલી ધારાએ
બુકમાંથી ધીરેથી માથું બહાર કાઢીને, હસીને આજની તાઝા ખબર સંભળાવી.
“આપણે ક્યારે આમ થેલાઓ ભરીને આટલા ઉત્સાહથી ફરવા જઈશું? જાણે બધું
છોડીને, જવાબદારીઓ ભૂલીને, થોડા દિવસ “પોતાની” દુનિયામાં જીવવા જઈ રહી છે અહી ટ્રાવેલ કરી રહેલી દરેક મમ્મી...”- આસપાસ કાકા-મામાનાં ઘેર જઈ રહેલા ચિલ્લર અને એમની મમ્મીઓને જોઈને અનેરી
બોલી ઉઠી , કદાચ મિસ કરી રહી પોતાના પિયરને..
“ ઈનફ ગ્લીસરીન ગર્લ્સ! જયારે જુઓ નળ ચાલુ... આ મ્યુનીસીપાલીટીવાળાઓ એ
કોઈ સ્પેશિયલ કનેકશન્ આપ્યું છે તમને? સારી ખરાબ બધી વાતોમાં ટ્પ-ટ્પ ચાલુ! અને ઓનેસ્ટલી
મને તો આ વેકેશનમાં પિયર જવાનો કન્સેપ્ટ જ ઓડ લાગે છે. પહેલા તો લગ્ન કરીને સાસરે
જવાનું, ઘરને ભૂલી સાસરાને જ પોતાનું ઘર બનાવાનું – આઈ મીન ટ્રાય કરવાનો ... અને
તો પણ થાક ઉતારવા અને આરામ કરવા પિયર જવાનું? આઈ મીન – ઇઝન્ટ ઇટ કન્ફ્યુંઝીંગ?
એક્ચ્યુઅલમાં પોતાનું ઘર કયું કેહવાય ફીમેઇલ માટે? સાસરું – જેને એ આખી જીન્દગી પોતાનું ઘર બનવવા મથે છે એ? કે
પછી પિયર જે હવે પારકું ઘર છે , અને એને ક્યારેક ક્યારેક રીસેસમાં, આઈ મીન
વેકેશનમાં થોડી સ્પેસ આપે છે – પરંતુ થોડા સમય માટે જ! પરમેનન્ટ ઘર કયું? ”- ફાર્મસીનું ભણી રહેલી અને થોડા સમયમાં આ પિયર અને સાસરાનાં ચક્કરમાં
ફસાઈ જવાની છે એવી નિર્દોષ ધારા નવાઈ સાથે પૂછી રહી પોતાની આગોતરા જામીન જાણે!
***
“મમ્મી આ
પિયર શું હોય? ”
– સામેની બર્થ પર એક નાની માંજરી આંખોવાળી ઢીંગલી પૂછી રહી એની
મમ્મીને..
“બેટા.. પિયર એટલે.... મમ્મીના
પપ્પાનું ઘર!”
– પોતાની લાડલીની ચોટી સરખી કરતા મમ્મીએ સરળ શબ્દોમાં જવાબ આપ્યો.
“પણ મમ્મી, નાનાજી તો ભગવાનદાદા પાસે જતા રહ્યા છે.. તો તારું પિયર
ભગવાનદાદાનું ઘર એટલે કે ટેમ્પલ કેહવાય?”- આંખો પટ-પટાવતા
સંપૂર્ણ નિર્દોષતાથી એ ઢીંગલી પૂછી રહી.
“નાં બેટા, તારા મામાનું ઘર છે ને, એ પહેલા નાનાજીનું ઘર હતું- એટલે એ
મમ્મીનું પિયર કહેવાય.”- ફરી શક્ય એટલા ઓછા શબ્દોમાં મમ્મીએ જવાબ આપ્યો, જવાબમાં જેટલા વધુ
શબ્દો એટલા જ વધુ પ્રશ્નો -એ સમઝીને જ તો!
“મમ્મી, આપણે દર વેકેશનમાં મામાનાં ઘેર જઈએ ત્યારે તું કેટલી જુદી હોય.
સવારે નિરાંતે ઉઠે. બધું કામ કરતા-કરતા મસ્ત મઝાના ગીતો ગાતી જાય, બપોરે મામા પાસે
પિક્ચરની સીડી મંગાવીને પિક્ચર જુવે, સાંજે કામ કરતા કરતા અમને કેટલી સ્ટોરીઝ
કરે.. મામાના કબાટમાંથી શોધી શોધીને બુક્સ કાઢીને રાતે જાગી જાગીને વાંચે... મને
બૌ ગમે જયારે તું આ બધું કરે.. તું એકદમ ખુશ અને બ્યુટીફૂલ લાગે મમ્મી.”- માંડ નવ-દસ વર્ષની ટબુડી એ વાત જોઈ ગઈ જે કદાચ આપણો પુખ્ત સમાજ જોઈ
કે સમઝી નથી શકતો...
“બેટા હું મામાનાં ઘેર કે દાદાના ઘેર, બધે જ ખુશ જ હોઉં છું... ”- દીકરીના અણધાર્યા લાગણીભીના શબ્દો મમ્મીને નિશબ્દ કરી ગયા.
“હા મમ્મી , તું આમ તો ખુશ જ હોય છે પણ... દાદા નાં ઘેર તું ક્યાંક
ખોવાઈ જાય છે. આખો દિવસ મારા, પપ્પા કે દાદા-દાદી માટે આમ તેમ દોડ્યા જ કરે
છે.. તું ખુશ હોય છે ખરી પણ એવી “જુદી ખુશ” નહિ જેવી તું મામાના ઘેર હોય છે ... એવું કેમ હોય મમ્મી?” – નાની ઢીંગલીના સવાલનો મમ્મી પાસે કોઈ જવાબ નાં હતો.. દીકરીને
છાતીસરસી ચાંપીને મમ્મી હસી રહી, પોતે ખુશ છે એ બતાવવા...
***
“હવે આ ડેઈલી સોપ પત્યો હોય તમારા બધાનો તો આઈ હેવ અ ક્વેશ્ચન... ”- બધાને પોતાનું ઘર કયું? –એ
પ્રશ્નથી વિચારતા કરી મુકનાર ધારાએ જ વાતાવરણ હળવું કરવા પ્રયાસ કર્યો..
“
ફરમાવો મિસ. ફાર્મસી.. શું પ્રશ્ન છે?” – કાનમાંથી ઈયર ફોન્સ કાઢી, ધ્યાન દઈ સાંભળવાની નૌટંકી કરતા અનેરીએ
કહ્યું.
“મારા ભાઈનાં બે મહિના પછી લગ્ન છે... ભાભીને ગીફ્ટમાં શું આપું?”- ધારાનાં પ્રશ્નથી વાતાવરણ ફરી જીવંત થયું.
“પર્સ..”
“ડ્રેસ મટીરીયલ..”
“હેવી સાળી...”
“કોસ્મેટીક્સની બ્રાન્ડેડ કીટ..”
“જ્વેલરી...”
“બુક્સ..”
આખા ગ્રુપમાંથી
પોત-પોતાની રુચિ પ્રમાણેનાં સુચનોનો વરસાદ થયો..
ધારા કૈક અલગ
વિચારોમાં અપલક નજરે સામે બેઠેલી માં-દીકરીને જોઈ રહી હતી.. જાણે બધાના જવાબોની
સાથે એ નાનીસી દીકરી અને એની મમ્મી પણ જવાબ-સૂચન આપી રહ્યા હતા- જે માત્ર ધારાને જ
સંભળાયો, અમને કોઈને નહિ!
“ભાભીને ડાયરેક્ટ પૂછી લે એમને શું જોઈએ છે- એ જ આપી દેવાનું! ” – અનેરીએ શોર્ટક્ટ સજેસ્ટ કર્યો..
“હા, પૂછી લીધું ભાભીને જ. અને એમને જોઈએ છે એજ ગીફ્ટ આપીશ!”- ધારા સહેજ ભીની આંખે સામેની બર્થ પર બેઠેલી માં-દીકરીને જોતા જોતા
કહી રહી..
“ક્યારે પૂછ્યું ભાભીને? અને શું કહ્યું એમણે? શું જોઈએ છે એમને? ” – ધારાનાં બાઉન્સર જવાબથી બધા વિચારમાં પડ્યા..
“ભાભીને હું “એમનું પોતાનું ઘર” આપીશ. એવું ઘર કે જ્યાં તેઓ એમની મરજી પ્રમાણે જીવી શકે. જે પિયર અને
સાસરાની બાઉન્ડ્રીની બહાર હોય -એવું ઘર.. જ્યાં એમણે મર્યાદા, સંસ્કાર, સભ્યતા કે
જવાબદારીના નામે પોતાની જિંદગીને આદર્શ વહુ-પત્ની કે માં બનવાની લ્હાયમાં નાં
જીવવી પડે- એવું ઘર. જ્યાં તેઓ વહુ,પત્ની કે માં બનવાની સાથે સાથે એક દીકરીની
નિર્દોષતા, ચંચળતા, અલ્લડતા અને સ્વતંત્રતાને પણ જાળવી અને માણી શકે- એવું ઘર.
પ્રેમ અને પોતાનાપણાનો શ્વાસ લેવા જ્યાં ખુબ બધી ફૂલ ઓફ લાઈફ -બારીઓ હોય, કે જેથી
એમણે વેકેશન કે રજાનાં નામે પિયર જવાની રાહ જોવી નાં પડે- એવું ઘર. હું ભાભીને
ગીફ્ટ કરીશ – “એમનું પોતાનું ઘર”...”
– ધારા ધીમા અને મક્કમ શબ્દોથી
જે કહી ગઈ એ સાંભળવામાં ખુબ સારું લાગ્યું..
***
ઘર એટલે? અને કેવી
રીતે બને છે- ઘર?
ઈંટ, માટી, કપચી,
રેતી અને સિમેન્ટ વિગેરેથી તો મકાન બને છે , ઘર નહિ!
ઘર તો બને છે પ્રેમ,
વિશ્વાસ અને લાગણીથી બંધાયેલા સ્નેહી-સ્વજનો-કુટુંબ વળે!
કુટુંબ, પરિવાર કે
સમાજ જે ધરી પર ટકી રહ્યો છે અને વિકસી રહ્યો છે – એ પ્રેમ અને લાગણીભીની
કેન્દ્ર-ધરી એટલે સ્ત્રી.
કુટુંબ, પરિવાર કે
સમાજ માટે ખુશી ખુશી આખી જીન્દગી સીંચી બદલામાં વેકેશન કે રજાના નામે થોડી ઉધારની
ક્ષણો જીવી, ફરી રોજીંદી ત્યાગ-સમર્પણ, જવાબદારી અને મર્યાદાની ચક્કીમાં પીસવા
તૈયાર થઇ જતી – ઈમોશનલ ફૂલ એટલે સ્ત્રી..
આવો આપણા કુટુંબની
સ્ત્રીઓ -માત્ર વેકેશનની થોડી ક્ષણો નહિ, આખી જીન્દગી દિલથી જીવી અને માણી શકે એવા સમાજનું ઘડતર કરીએ. આરામ કરવા, શ્વાસ
લેવા, હળવા થવા કે પછી મન ભરીને પોતાના શોખ પુરા કરવા પિયર જવાની રાહ નાં જોવી
પડે- એવા “ઘર” આપીએ દરેક સ્ત્રીને!
પિતા, પતિ કે
પુત્રની મરજી અને અસ્તિત્વથી અલગ પોતાનું નોખું અસ્તિત્વ વિકસાવી અને જીવી શકે એવી
આબોહવા અને વાતાવરણ આપીએ આપણા જીવનની દરેક સ્ત્રીને!
આવો – “પારકી” શબ્દને ત્યજીને - “પોતાનાપણા”-ની સલામતી, હુંફ અને લાગણી આપીએ આપણી માં, પત્ની, બહેન અને દીકરીને!
Comments