“ દીદી, આમ કેમ થાય? બાળપણની મિત્રતા, એના પ્રેમ પ્રત્યેની મારી શ્રદ્ધા અને લોહીમાં જાણે વણાઈ ગયેલી મારી લાગણીઓની એને કેમ કોઈ જ કીમત નથી ? એક-બીજાની આંખો વાંચીને જ આખી સ્ટોરી સમજી જનાર , કેમ મારી લાગણી અને પ્રેમ ના સમઝ્યો ? ” – ભાવનાના શબ્દોની સાથે એની ભીની આંખોમાંથી જાણે લાગણીઓ પણ બોલી રહી હતી. બાળપણની મિત્રતા કહો કે બાળપણની પ્રીત, વર્ષોથી આંખમાં પ્રેમથી આંજેલું કાજળ જ આજે વાસ્તવિકતાની ઝાંય બનીને કઠિ રહ્યું છે.. અને રાતો જાગીને જોયેલા સપનાની કરચો, એ કાજળના ઘેરા રંગમાં વેદનાનો લાલ રંગ ઘૂંટી રહી છે.
શું કહું ના કહુંની અવઢવમાં હું સુન્ન મગજે, અધખુલ્લી બુકમાં જાણે જવાબ શોધી રહી.. મારા, ભાવનાના અને બીજા કેટલાય રીલેશનના લેશનથી થાકેલાઓના..
“કૃષ્ણ સાથેનું આ તાદાત્મ્ય મારે માટે અસ્તિત્વનો પર્યાય હતું. મારી તમામ ઈચ્છાઓને હું એમના ચરણોમાં ધરી દેતી એવી દ્રઢ શ્રદ્ધા સાથે કે હું જે ઝંખી રહી છું તે કૃષ્ણ જાણે છે. જો હું યોગ્ય હોઈશ તો કૃષ્ણ મને મારી ઝંખનાઓનો પ્રત્યુત્તર આપ્યા વિના રહેશે નહિ.અધિકાર શબ્દ સાથે યોગ્યતા જોડાયેલી છે. જે તે વ્યક્તિ કશું પામવાનો અધિકારી હોય તો એ પામવાની યોગ્યતા પણ એનામાં હોવી જોઈએ. સમયથી પહેલા અને યોગ્યતાથી વધુ કોઈને મળતું નથી એ વાત મને કૃષ્ણ સાથેની મૈત્રીમાંથી સમજાઈ. હું એમના સખ્યને જ યોગ્ય હતી , પ્રણય કે પરિણયને નહિ. એ વાત કૃષ્ણ ને સમજાઈ હશે એટલે મને એમના સખ્યથી સન્માનિત કરી હશે. પ્રણય કે પરિણયના સંબંધો અમારી વચ્ચે ન હોઈ શકે, ન થઇ શકે ,એ વાત એમણે મને શબ્દોમાં કહ્યા વિના જ સમજાવી દીધી. ”-કાજલ ઓઝા વૈદ્યની બુક “દ્રૌપદી”માંથી બુકમાર્ક આગળના પેજ પર સરકાવી હું અસ્ખલિત વાણીએ આખો પેરેગ્રાફ વાંચી રહી. નાં તો કોઈએ મને વચ્ચે અટકાવી, નાં તો હું સ્વ-ગત વાંચવાની જગાએ આખા કોચને સંભળાય એમ જ્ઞાન-ગોષ્ઠી કરું છું એ જાણ થઇ! મહેસુસ થયું માત્ર એક ખેંચાણ , તીવ્ર ઝંખના જાણવાની, એક અજબ ઉત્કંઠા પૂછવાની –પ્રશ્નોપનિષદ જે દ્રૌપદીને પણ પજવતું હતું..
મારા શબ્દ વિરામ સાથે જાણે ભાવનાના આંસુ અને વેદનાઓ પણ ઘડીભર થંભી ગયા.
પણ મારું પ્રશ્નોપનિષદ હું કોને પુછું, મનોમન વિચારી રહી. ના તો મારે શ્રી.કૃષ્ણ જેવા સખા છે, ના તો આધ્યાત્મિક ઉકેલ અને ઉત્તરો મારી બળતરા ઠારી શકે છે!
***
“ આ ચીકની ચમેલીના જમાનામાં તમે – “ મેં કાસે કહું પીડ જીયા કી , માઈ રી ..”- કેમ સાંભળો છો? પતિદેવ સાથે સવારમાં જામી છે કે શું?”– અચાનક પૂછાયેલા સવાલથી વિચારયાત્રા થંભી ગઈ . લેડીઝ કોચમાં મેલ વોઇસ કઈ રીતે? વિચાર માત્રથી નવાઈ લાગી..
હોય કઈ? આ તો મારું જ ચસકી ગયું છે એમ વિચારી આંખ બંધ કરી હું ફરીથી લતાજીના અવાજમાં ઘૂંટાઈ રહી.
“મારો ફોટો પાડીને ગુગલ ઇમેજીસ પર વેરીફીકેશન કરીશ તો જ ઓળખાણ પડશે? કે ઓળખાણ આપું? હું કૃષ્ણ, ગોપાલ, કનૈયો, શ્યામ..” – મધુર સ્મિત, દિવ્ય અવાજ અને દિવ્ય આભા, આવું બધુ તો બી.આર.ચોપરા ની માઈથોલોજીકલ સીરીયલમાં જ હોય યાર! પણ તો હું પણ અત્યારે કદાચ સીરીયલનું એક પાત્ર હોઈશ?
મારો પ્રશ્ન: “ તમે , આમ, અહી, અચાનક ... તમારે કોઈ કામ નથી? ... આઈ મીન, મારે તો આવા દૌરા નોર્મલ છે, તમે તો બૌ બીઝી હશો, મારું પ્રશ્નોપનિષદ ખોલીશ તો તમારો સમય અને મગજ બંને બગડશે! પ્રભુ, આઈ વિલ મેનેજ ... ”
કૃષ્ણ : “ હા હા હા , યુ કેન કોલ મી – ક્રિશ , ગોપુ , ભગગુ ઓર એનીથીંગ યુ ફીલ કુલ એન્ડ નીયર ટુ યુ. મને ખબર છે , તમને મારા અસ્તિત્વ માં જ શંકા છે , એટલે મારી સાથે પ્રભુ કે ભગવાન તરીકે નહિ , એક એફ.બી. ફ્રેન્ડ કે બ્લોગ રીડર ની જેમ સહજ પણે , ખુલ્લાશથી વાત કરો. ફિકર નોટ, તમારી અદાલત માં અત્યારે માત્ર હું જ છું , બાકી બધા દેહ માત્ર છે!”
મારો પ્રશ્ન: “ શું વાત કરું ક્રિશ , જ્યાં જુઓ , જેમને જુઓ બધાની રીલેશનશીપની શીપ સુનામીમાં ફસાયેલી છે જાણે! ડાયવોર્સ , બ્રેક-અપ અને ડીચીન્ગ જાણે રસ્તા પરના બમ્પ જેવા કોમન થઇ ગયા છે અને લગભગ મોટાભાગની સમ-બંધની ગાડીઓ આં બમ્પમાં સટ્ક થઇ જાય છે! રીલેશનશીપ પરની કોલ્મ્સ , મેગેઝીન કે બુક્સ ના રાફડા ફાટ્યા છે , પણ બધું વાંચવા છતાં કઈ જ ગળે નથી ઉતરતું , શું કરવું ?”
કૃષ્ણ : “ વોટ મેક્સ યુ થીંક ધેટ આઈ ડોન્ટ સી ધ વે યુ મેડ ફૂલ ઓફ મી.. ટુ લાફ બિહાઈન્ડ માય બેક? નાવ આઈ રીયાલાઈઝ યુ વર નેવર માઇન, વી વર નેવર રાઇટ! બેબી યુ વિલ ફાઈન્ડ- આઈ વિલ સર્વાઇવ! ”
મારો પ્રશ્ન: “ વેઈટ , આ તો એનરિક નું સોંગ છે – “એસ્કેપ” આલ્બમ નું. ગુડ ચોઈસ ક્રિશ . પણ અત્યારે આ ગીત ગાવાનો કે તમારો મ્યુઝીક ટેસ્ટ શેર કરવાનો ટાઈમ છે યાર? તમે હજુ જવાબ ના આપ્યો મારા પ્રશ્ન નો!"
કૃષ્ણ: “આં સોંગ હું કઈ એમ-ટીવી કોક સ્ટુડીયોના ઓડિશન માટે ગાતો હતો? સિમ્પલ છે , રીલેશન કે સંબંધ વ્યક્તિ ને બાંધવા માટે નથી. એને મુક્ત કરવા માટે છે, અને જ્યારે આ સમ-બંધમાંથી સમત્વ ગાયબ થઇ ને “બંધ” માત્ર રહી જાય ત્યારે સંબંધ માં પરોવાયેલી બે વ્યક્તિઓ બંધાઈ જાય છે, અને બંધાવું એ પ્રાણીમાત્રના સ્વભાવમાં નથી! પાણી જયારે બંધિયાર થઇ જાય છે ત્યારે લીલ જામી જાય છે, એજ રીતે તમે જ્યારે જીવનસાથીને બાંધો છો, ભલે ને એ તમારું પઝેસીવ બિહેવિયર હોય કે ઈર્ષ્યા, સાથી ના મનમાં પણ તમારા પ્રત્યે લીલ રૂપું અજંપો અને અણગમો બાઝે છે.”
મારો પ્રશ્ન: “ બૌ અઘરી વાતો કરો છો તમે. અને આ બધી વાતો બુક્સ માં અને મેગેઝીન્સ માં બૌ વાંચી છે, પણ ખબર નહિ કેમ પચતી નથી. જોડી બધી ઉપર સ્વર્ગ માં જ બનતી હોય તો તમે કેમ ક્યારેક કોઈ જોડી ને બનતા પહેલા જ ખંડિત કરો- આઈ મીન વન સાઈડેડ લવ, કે જોડી બન્યા પછી નિર્દયતા થી તોડી કાઢો , જેમકે ડાયવોર્સ –બ્રેક અપ કે અર્લી ડેથ ઓફ પાર્ટનર? આં જોડી-ફોડીની સિસ્ટમ જ છોડો ને યાર એમ હોય તો! “
કૃષ્ણ : “ હા હા હા ... બહુ જ કોમ્પ્લેક્સ પ્રશ્ન પૂછ્યો તમે. હું જોડી જોડું કે તોડું બંનેમાં મારી લાગણી અને પ્રેમ શામેલ હોય છે. તમે બગીચામાં કોઈ સુંદર ગુલાબ નો છોડ વાવો છો, તમને એ દિલો-જાનથી અઝીઝ છે, પણ જ્યારે એની કોઈ ડાળીમાં જીવાત બેસી જાય તો કમને પણ આખા છોડને બચાવવા તમે એ ડાળી કાપી નાખો છો ને? એ ડાળી કાપવા પાછળ તમારો સ્નેહ અને સંવેદના છે પણ એ કપાવવામાં ડાળી અને એનો માતૃ છોડ બંને સંતાપ અનુભવે છે! એવું જ કઈ સંબંધનું પણ છે. મૃત્યુ તો એક એકદમ સાહજીક ઘટના છે જે વ્યક્તિના જીવન સમયે જ નિશ્ચિત થઇ જાય છે – એ વાતમાં તો તમે સંમત ને? બસ રીલેશનશીપ નું કૈક એવું જ છે દરેક વ્યક્તિમાત્ર ની જેમ સંબંધોની પણ એક એક્સપાયરી ડેટ હોય છે, ઘણા સંબંધોમાં એ સહજ રીતે જોઈ શકાય છે, તો ઘણા માં જોઈ શકવા છતાં લાગણીવશ થઇ આપણે એને અવગણીએ છે! ક્યારેક એ ડેડ લાઈન બ્રેક-અપ હોઈ શકે તો ક્યારેક એ વન-સાઈડેડ લવ, અને ક્યારેક એ મૃત્યુ પણ હોય! સંબંધ તૂટ્યાના છાજીયા લેવામાં વ્યસ્ત એવા આપણે એ સંબંધથી આપણે કેટલા સંપન્ન થયા કે કેટલા સક્ષમ થયા એની બુમો કેમ નથી પાડી શકતા? હશે, સંબંધ તૂટ્યો , દુખ થવાનું જ છે , પણ જેમ સ્વજન ના મૃત્યુ થી થતું દુખ સમય સાથે પચાવી જાણીએ છે અને એ સ્વજન સાથેની દુખદ-પીડા આપનારી યાદો ને ભૂલીને ધીમે ધીમે એની સારી વાતો ને યાદ કરીને એને સારી રીતે જ યાદ કરીએ છે.. એમ એક સંબંધના મૃત્યુ નો મલાજો આપણે કેમેય કરીને કેમ પાળતા નથી? હશે, કોઈ પણ કારણ હશે કોઈ આપણા થી છુટું થયું તો કઈ નઈ તો એટ લીસ્ટ એ આપણને સ્પેસ-ફ્રીડમ આપીને જાય છે એ માની ને પણ હરખાવું. ! “
મારો પ્રશ્ન: “ અદભુત, તમે તો સાક્ષાત લવ-ગુરુ છો! આઈ મીન , એફ.એમ પર રાતે પેલો શો આવે ને, બધા તમારી આગળ પાણી ભારે, તેમ તો લવ ની યુનિવર્સીટી છો! પણ હજુ મને થોડું કન્ફ્યુઝન છે! આ પ્રેમ એક તપ છે એ સમજ્યા પણ લગ્ન બાદ એમા એક કાનો કેમ વધી જાય છે ? આઈ મીન પ્રેમ તપ, લગ્ન બાદ ટૂંક સમય માં તાપ થઇ જય છે , એ પણ લુ ઝરતો, કેમ એવું? ”
કૃષ્ણ: “ સ્વ-અનુભવ લાગે છે ... હા હા હા.. જો જો , મારો આં શ્યામ-વર્ણ મારા લગ્ન-તાપ ને કારણે નથી હોં કે ... ચાલો જોક્સ અપાર્ટ , બહુ જ સરળ છે - સંબંધ એટલે એક-બીજા ને સ્પેસ આપવી અને એ સ્પેસ સાથે જ સ્વીકારવું. જોને આં નાના સરખા ટ્રેનના કોચમાં પણ કેટલી બારીઓ છે , શા માટે? તાજી હવાના સંદર્ભે જ્ઞાનને અંદર આવવા, પ્રકાશ સ્વરૂપે નવા વિચારો ને પ્રવેશ આપવા , બહારની દુનિયાને જોવા – હા રૂમાલ કે દુપટ્ટો નાખીને જગ્યા રોકવા પણ હોં કે! આં બારીઓ અને એના દ્વારા મળતી મોકળાશ અને સ્પેસ કદાચ તમને મુસાફરીમાં સહજતા અને અનુકુળતા આપે છે પણ જો આં બધી જ બારી ધીમે ધીમે એક એક કરીને કાયમ માટે બંધ કરી દેવામાં આવે તો, ધીમે ધીમે એક ઉકળાટ, અજંપો અને ઘુટન થશે ને ? સંબંધો નું પણ એવું જ છે! જ્યાં સુધી તમે સામેની વ્યક્તિ ની લાઈફ માં ફ્રીડમ અને સ્પેસ ની બારીઓ ખુલ્લી રાખો છો – સંબંધ હુંફાળો છે. પણ – “ -- કોનો ફોન હતો? , --એફ.બી ફ્રેન્ડ્સ લીસ્ટ માં આટલા બધા ફ્રેન્ડ્સ કેવી રીતે બન્યા? --રોજ સાંજે કેમ આટલું મોડું થાય છે? --બુક્સ ખરીદવામાં તો પૈસા વેડફાય? --મ્યુઝીક કોન્સર્ટ/ નાટ્ક/ મુવી તો મફત માં ટીવી પર શાંતિથી જોવાય- ખોટા ફદીયા ના નખાય, --રજાના દિવસે પણ ફ્રેન્ડ્સ સાથે રખડી ખાવાનું? “ – જેવા પ્રશ્નો અને એના કારણે સર્જાતા વાદ-વિવાદ ધીમે ધીમે આં હુંફાળી અને લાગણીભીની બારીઓ જે સંબંધ ને સ્પેસ અને ઉર્જા આપીને પોષે છે એ બંધ કરી દે છે અને અંતે જે ડૂમો, કંકાસ, આરોપ-પ્રતિઆરોપ શરુ થાય છે એજ કદાચ પ્રેમ-તપને મારી નાખનાર “તાપ” , ખરું કે નહિ? ”
***
“બહેન, આ સામેની સીટ પર જગ્યા રાખજો ને! પ્લીઝ આ દુપટ્ટો મૂકી દેજોને!”- બારી માંથી અચાનક ધસી આવેલા હાથ અને અવાજ થી જાણે રીયાલીટીની લીટી દેખાઈ.
જાણે એક સ્વપ્ન તૂટ્યું , પણ સ્વપ્નની એ મઝા હજી દિલો-દિમાગ માં ઘુમરાય છે!
“અભી ના જાઓ છોડકર કે દિલ અભી ભરા નહિ ..”- ગીત અચાનક યાદ આવી ગયું, અને હસી પડી હું ...અને ક્રિશ પણ હસ્યા જ હશે – ક્યાં , જ્યાં હશે ત્યાં!
Comments