***
“આજ
સે દિલપે મેરે રાજ તુમ્હારા,
તાજ તુમ્હારા..
સુનોના સંગેમરમર
કી એ મિનારે, કુછ
ભી નહિ એ આગે તુમ્હારે..”-મોબાઈલમાં
છેલ્લા અડધા કલાકથી રીંગ વાગી
રહી છે.. યંગિસ્તાન
મુવીના તમારા ફેવરેટ સોંગની
જે લાઈન સંભાળીને તમારા દિલને
કાયમ સુકુન મળે છે, આજે
એ જ લાઈન્સ સંભાળતા અંદર કૈક
ચચરાટ થયો. દિમાગ
દિલને જાણે સંભળાવી રહ્યું-“આવા
ગીતોને તો બેન જ કરી દેવા જોઈએ..
મોટા અને ખોટા
સપના બતાવે.. મોટા
ઉપાડે તાજ તુમ્હારાની વાત
કરે, જાણે
તાજ એના પપ્પાની માલિકીનો
હોય... અને
પાછુ કહેશે આજસે દિલપે રાજ
તુમ્હારા, તો
વગર દસ્તાવેજે એનું શું અથાણું
કરવાનું? આ
તાજ અને રાજના વાયદાઓમાં તો
કેટકેટલી મોર્ડન મુમતાઝ અને
અનારકલીઓ ડીગ્રી, કેરિયર
અને ડ્રીમ્ઝ ભૂલીને,
તાજમહેલ અને
લાલકિલ્લાની અગાસીઓએ તડકો
શોધીને છૂંદો, અથાણું,
પાપડ સુકવતી
થઇ ગઈ છે...”
રહી
રહીને તમે ઘડિયાળમાં ટાઈમ
જુઓ છો. મોબાઈલની
દર પાંચ મીનીટે વાગતી રીંગ
તમારી અકળામણ વધારી દે છે..
આજે ઓફિસમાં
ઓવરટાઈમ રોકાવું પડશે એમ તમે
સવારનું ઘરે કહીનેજ આવ્યા છો
છતાં.. ઘડીકતો
એમ મન પણ થયું કે ફોન રીસીવ
કરીને કહું કે અડધો કલાકથી
ટ્રાફિકમાં ફસાયેલી છું,
હેલીકોપ્ટર
મોકલો તો ઉડીને આવી જાઉં..
પણ પછી જાતને
જ- કીપ
કામ- એમ
સમઝાવી તમે ધીરેકથી મોબાઈલ
સાયલેન્ટ મોડમાં મુકો છો.
અને કાશ મગજને
પ્રેશર આપતા લોકોને પણ સાયલેન્ટ
મોડમાં મૂકી શકાત તો...-એવા
તોફાની વિચારથી તમે ટેન્શન
અને અકળામણમાં પણ હસી પળો છો.
રોજ
કરતા આજે ત્રણ કલાક જેવા તમે
મોડા છો, પણ
કામ તો રોજ જેટલું જ રહેશે,
એમ વિચારીને
સહેજ અકળામણ થાય છે.
મગજમાં સવારે
સેટ કરાયેલા રીમાઈન્ડર અચાનક
પોતાના નિયત સમય અને સ્થળે
એક્ટીવેટ થાય છે, અને
મશીનની જેમ તમે માર્કેટ તરફ
વળો છો. સાસુમાના
ઘૂંટણમાં માલીશ કરવાનું
આયુર્વેદિક તેલ, પતિદેવની
રીપેર કરવા આપેલી ઘડિયાળ,
દીકરીના
પ્રોજેક્ટ માટે ચાર્ટપેપર
અને સ્કેચપેન્સ.. અને..
અને તમને અચાનક
માર્કેટમાં સામે એ પાણીપૂરીની
લારી દેખાઈ ગઈ, જ્યાં
મમ્મી સાથે માર્કેટમાં આવતા
દર વખતે-ગમે
એટલું મોડું થાય ધરાર જીદ
કરીને પાણીપૂરી ખાધી છે..
અને તમારા
શરીરી-મશીનમાંથી
એલર્ટ આવ્યું- અત્યારે
આ બધા માટે ટાઈમ છે? રીચ
હોમ ફાસ્ટ! અને
તમે એકટીવાની કિક મારીને ઘર
તરફ દોરાયા..
એકટીવા
પાર્ક કરી હજુ એક પગજ ઘરમાં
મુક્યો છે અને..
“કહું
છું, આ
ઘર છે કે હોટલ? જેને
જયારે મન થાય ત્યારે આવે અને
જેમ મન થાય એમ કરે..”-અગરબત્તી
લઈને ઘરના ખૂણે-ખૂણે
સુવાસ ફેલાવી રહેલા તમારા
સાસુમાએ તમને જોઇને શ્લોક
ચાલુ કર્યા.
તમે
ચુપચાપ ઓફિસબેગને રૂમમાં
મૂકી રસોડા તરફ પ્રયાણ કરો
છો. અને
તમારી રાહ જોતું રસોડું પણ
જાણે મૂંગા-મૂંગા
શબ્દોમાં ફરિયાદ કરે છે-“કેમ
આજે આટલું મોડું?”
એકબાજુ
દાળનું કુકર મૂકી, ફટાફટ
શાક સમારતાં-સમારતા
તમને યાદ આવે છે કે આજે કામના
ઓવરલોડમાં ટીફીનની સામે નજર
સુદ્ધાં કરવાનો ટાઈમ નથી
મળ્યો.. અને..
“સવારે
એક વાર કહી દીધું કે મીટીંગ
છે, મોડું
થશે એટલે કામ પૂરું. આપણે
ઘરબાર-બાળકો
છે.. પણ
નાં, આપણે
સાહેબને કે કામને પહેલા
સાચવવાનું.. ભલેને
ઘરવાળા ભૂખ્યા રહી જાય..”-રસોડામાં
અગરબત્તીની ધૂપ આપતા આપતા
સાસુમાએ શ્લોક કન્ટીન્યુ
કર્યા...
તમે
ચુપચાપ મશીનની જેમ હાથ ચાલુ
રાખ્યા, અલબત્ત
મગજમાં વિચારયુદ્ધ અને દિલમાં
લાગણીપ્રવાહ પણ ચાલુજ હતા..
“મેડમ
લાવો હું શાક સમારી દઉં,
તમે રોટલીનો
લોટ બાંધી દો..”-વારેતહેવારે
તમે જેને ખાનગીમાં રૂપિયા
અને કપડા આપીને સાચવી લો છો
એ તમારી ફુલ ટાઈમ મેઈડ-ગંગા
તમારી મદદે આવી..
“કેમ
તને આજે ઘરે નથી જવું?
આજે એમ પણ તારા
મેડમના લીધે તને ઓવર-ટાઈમ
થઇ ગયો છે.. અને
એમ પણ મારે મન તું કામવાળી
નથી, અમારી
ફેમીલીમેમ્બર જ છે. તે
આજે વધારાનું કામ કર્યું છે,
થાકી ગઈ હોઈશ.
શરીરને મશીનની
જેમ થોડી ચલાવાય છે? સહેજ
વહેલી ઘરે જઈને સહેજ આડે-પડખે
થા તો ઠીક લાગશે. લે
આ દસ રૂપિયા, આજે
ચાલતી નાં જઈશ, રીક્ષા
કરી લેજે.. ”-સાસુમાને
કામવાળીની દયા આવી.. અને
તમારી?
તમે
નીચી નજરે ધીમેકથી ગંગાને
સોરી કહ્યું અને ફરી તમારું
મશીની-શરીર
ઓવર-ટાઈમ
કામમાં જોતરાયું.
રોટલીના
લોટને મસળતા મસળતા તમે ધીમેકથી
સાઈડ ટેબલ ખસેડીને પારાવાર
દુખતી ડાબા પગની એડી ટેકવી..
અને..
“કહું
છું બે કપ ચા મૂકજે. મને
સહેજ એસીડીટી છે એટલે મારી
કોફી બનાવજે..”-ડ્રોઈંગરૂમમાંથી
સાસુમાનો સાદ આવ્યો..
અને તમે એડીનો
અસહ્ય દુખાવો ભૂલીને,
કમરના ક્રેમ્પ્સ
અવગણીને સફાળા ઉભા થઇ ગયા..
ઓવરટાઈમ
કરી રહેલા અને એકદમ બીઝી એવા
ગેસની સામે તમે અસહાય નજરે
જોઈ રહ્યા. દાળની
તપેલી નીચે ઉતારી તમે ચા માટે
પાણી મુક્યું.. અને
જાણે ચાની પત્તિઓ પણ ફરિયાદ
કરી રહી- આજે
કેમ મોડું થયું? મારે
પણ ઓવરટાઈમ કરવાનો?
અને
નીચી નજરે કપમાં ચા ગાળતાં-ગાળતા
તમે જાણે ચાને પણ સોરી કહીજ
દીધું..
“બેટા,
આજે બહુ કામ
હતું? થાકી
ગયો હોઈશ. આખો
દિવસ ફાઈલો અને મીટીંગો,
શાંતિથી જમવાનો
પણ ટાઈમ મળતો હશે કે કેમ..
કહું છું,
ચા પીને પછી
રસોઈ તૈયાર થાય ત્યાં સુધી
સહેજ આરામ કર. અને
આજથી રોજ રાતે સુતા પહેલા અને
સવારે ઓફીસ જતા પહેલા બદામવાળું
દૂધ પીવાનું ચાલુ કર..
રોજ તોડી નાખે
એટલું કામ કરવાનું, તે
શરીરને પણ શક્તિ જોઈએને?”-પતિદેવના
માથે ફરતો સાસુમાનો હાથ અને
પ્રેમભર્યા શબ્દો તમને કોણ
જાણે કેમ ઈર્ષ્યા કરાવી ગયા..
“મમ્મા,
મારા પ્રોજેક્ટ
માટે મેં ચાર્ટપેપર મંગાવેલું
એ લાવી?”-તમે
હજુ રસોડામાં જઈને તમારા
મશીનને ફરી ચાલુ કરો એ પહેલા
તમારી તુફાન-મેઈલ
દીકરી આવીને તમને પાછળથી વળગી
પડી..
“તારી
મમ્માને ઓફીસના કામમાંથી
ફુરસદ હોય તો આપણા કામ કરેને?
એને મીટીંગ
યાદ રહે, પ્રોજેક્ટની
ડેડ-લાઈન
યાદ રહે, ઈમ્પોર્ટન્ટ
મેઈલ્સના રીપ્લાય કરવાનું
યાદ રહે.. પણ
મારી ઘડિયાળ રીપેર કરવા આપી
હતી એ લાવવાની કે મમ્મીનું
માલીશ માટેનું તેલ લાવવાનું
કેટલી વાર યાદ કરાવીએ તો પણ
રહી જ જાય.. બેટા,
મમ્મીની
પ્રાયોરીટી તો ઓફિસનું કામ
છે! પણ
તારા પપ્પાની પ્રાયોરીટીમાં
ફેમીલી પહેલા આવે છે..
ચાલ તારા
પ્રોજેક્ટનો સામાન લઇ આવીએ..”-ચાનો
કપ પ્લેટફોર્મ પર મુકીને
પતિદેવ દીકરી સામે તમારા સહજ
અને રૂટીન વખાણ કરી રહ્યા.
“તારા
રૂમમાં સ્ટડી ટેબલની નીચેના
ડ્રોવરમાં બધો સામાન મુક્યો
છે. જોઈ
લે જે લીસ્ટમાં લખ્યું છે એ
બધું આવી ગયું છે ને?”-તમે
સ્મિત સાથે પ્રેમથી દીકરીના
માથે હાથ ફેરવીને કહ્યું...અને
ફરી મશીની શરીરને ઓવર ટાઈમમાં
જોતરી દીધું..
આખા
દિવસના થાકેલા સાસુમા સાસ-બહુની
ટીવી સીરીયલ્સ જોઈને ફ્રેશ
થઇ રહ્યા છે. પતિદેવ
સોફા પર ફેલાઈને સ્માર્ટફોન
પર કેન્ડીક્રશ રમીને મગજને
મઝા કરાવી રહ્યા છે..
અને
તમારું મશીન ઓવરટાઈમ કરી
રહ્યું છે.. કોઈની
જાણ-કાળજી
કે દરકાર વગર..
“મમ્મા,
કેટલી વાર
લાગશે? બહુ
ભૂખ લાગી છે. આજે
કેમ આટલું મોડું થઇ ગયું?”-તમારી
તુફાન મેઈલ દીકરીએ રસોડામાં
આવીને ટહુકો કર્યો..
“સોરી
બેટા...”-અને
તમે ફરી સોરી કહીને દિલગીરી
બતાવી, પણ
કયા વાંક-ગુનાની
એ દિલ અને દિમાગને હજુ સમઝાતું
જ નથી!
કિચન
ચમકે એવું સાફ કર્યું તો પણ
બે-ત્રણ
પાણીના ટીપાં દેખાયા..
એ લૂછ્યા તો
ફરી દેખાયા... ટપક..
ટપક...
“મમ્મા,
આઈ એમ સોરી.
મારે અને દાદીએ
તને મદદ કરવી જોઈતી હતી.
પપ્પાની જેમ
જ તું પણ આખો દિવસ જોબ કરે છે..
ઇન ફેક્ટ પપ્પા
તો ફક્ત જોબ જ કરે છે..
તું તો જોબની
સાથે ઘરનું બધું કામ પણ કરે
છે.. પપ્પાને
ઓફિસમાં લેઇટ થાય છે ત્યારે
એમની બધા કેટલી કાળજી લે છે..
તો તને ઓફિસમાં
લેઇટ થાય ત્યારે તને કેમ
ગુનેગારની જેમ માફી માંગવી
પડે છે?”- અપલક
નજરે તમને અને એના પપ્પાને
વાર ફરતી જોતી તમારી સંવેદનશીલ
દીકરી બોલી..
“બેટા,
તું સમઝે છે
એ પણ ઘણું છે.. હું
ભલે ઘરની શાંતિ માટે સોરી કહી
દઉં.. તું
અકારણ કે ગેર-વ્યાજબી
કારણે સોરી કહેવું પડે એવા
ઘર કે વરથી ધરાર દુર જ રહેજે..”-
ઘરની આવી વાંઝણી
શાંતિ માટે પોતાની ગરિમા અને
સમ્માનને અવગણી પરાણે દિલગીર
ફિલ કરવા, તમે
નીચી નજરે પોતાની જાતને સોરી
કહીને માફી માંગી..
***
જો
તમારા ટુ-વ્હીલરમાં
કોઈ એક વ્હીલ પર કાયમ વધુ પડતો
બોજો નાખીને ચાલવામાં આવે તો
શું થાય? એ
વ્હીલ વધુ ઘસાય? પંક્ચર
પડી જાય? વાહનને
ચાલવામાં મુશ્કેલી નડે?-
જો આ સામાન્ય
બુદ્ધિની વાત તમને આટલી સરળતાથી
સમઝાય છે... તો
તમારી નજરની સામે, તમારા
પરિવારમાં રહેલી અસામાન્ય
જવાબદારીની વહેંચણી અને અસંગત
વાણી-વ્યવહાર
સામે તમે આંખ આડા કાન કઈ રીતે
કરી શકો?
વ્યવહારમાં
સમાનતા, સપના
જોવાની-જીવવાની
આઝાદી અને એકબીજાની મદદ-હુંફ
મળે તો જ એક સ્વસ્થ-સંવેદનશીલ
અને પ્રેમાળ સંબંધ પાંગરી
શકે છે..
Comments