***
“ભારત એક સાર્વભૌમિક-ધર્મનિરપેક્ષ દેશ છે! હિંદુ,
મુસ્લિમ, શીખ,ક્રિશ્ચિયન બધા જ ધર્મના લોકો સમાન રીતે ભારતમાતાની સંતાન છે.આપણા
દેશમાં ધર્મએ માણસાઈ અને સંવેદના દોરાથી આપણને સૌને એકબીજા સાથે ગૂંથતો તાર છે!
આપણે સૌ નાત-જાત-ધર્મના ભેદભાવ વગર લાતા મંગેશકર, અબ્દુલ કલામ, મેરી કોમને ચાહીએ
છે! ખરા અર્થમાંતો હિંદુ-મુસ્લિમ-શીખ-ઈસાઈ નહિ પણ ભારતીયતા આપણો પહેલો અને છેલ્લો ધર્મ છે!”-એક એક શબ્દ બોલતા
બોલતા “બાબા”એ હાથને જોમ, જુસ્સા અને રીધમમાં હલાવીને પોતાની વાતને વધુ અસરકારક
રીતે રજુ કરી.
“ધેટ્સ લાઈક માય સન! તારા એક એક શબ્દથી
સંભાળનારનું દિલ હચમચી જવાનું છે! તારી બોલવાની છટા અને આંખોના આ અંગારા- ખુબ આગળ
જવાનો તું દીકરા. એક દિવસ ભારતનો ટોપ લેવલનો નેતા બનીશ તું! મારું અને આખા
પરિવારનું નામ રોશન કરીશ! શાબ્બાશ બેટા!”-એક ખાદીધારી, ખંધા અને પાક્કા-ગણતરીબાજ
પોલીટીશીયન એવા “બાબા”ના બાપના કોલર ગર્વથી ઉંચા થઇ ગયા.
“ડેડ, ખાલી વખાણથી નહિ ચાલે! કાલે ન્યુઝપેપરમાં
મારી સ્પીચના ફોટા આવે અને લોકલ ચેનલમાં પણ એનું કવરેજ થાય એવું કઈ કરો! આફ્ટરઓલ
મારે મારી પોલીટીકલ ઈમેજ બનાવવાની છે! આઈ નીડ મીડિયા ફોકસ!”- સ્કુલની વક્તૃત્વ
સ્પર્ધા માટે સ્પીચ પ્રિપેર કરી રહેલો “બાબો” જાણે પોતાના ફ્યુચર કેરીયર અને
સ્ટેજના પાયા નાખી રહ્યો છે.
“એનીથીંગ ફોર યુ સન્ની! તું બસ સ્પીચ મન લગાવીને
તૈયાર કરી લે! અને હા સિન્સિયારીટી, સંવેદના અને કમીટમેન્ટ દેખાય એવા ભાવ સાથે
સ્પીચ આપજે! આખરે જો દીખતા હેં વહી બિકતા હેં!”-“બાબા”ને ઠગાઈના પાઠ ભણાવતા ભણાવતા
પપ્પા મોબાઈલ કોઈ બ્રેકિંગ ન્યુઝ ડિસ્કસ કરવામાં બીઝી થઇ ગયા.
***
“મમ્મી,
ક્યાં ગઈ? મને લેઈટ થાય છે. આજે લંચ બોક્સ નાં આપીશ. આજે હું ઈલોક્યુશન
કોમ્પીટીશનમાં ફર્સ્ટ આવવાનો છું એટલે ફ્રેન્ડઝને પાર્ટી આપવી પડશે, એટલે લંચ
કેન્ટીનમાં જ કરીશ. અત્યારથી ખવડાવીશને ખુશ રાખીશ, તો જ તો મારા નામના ગુણ-ગાન
ગાતા થશે લોકો!”- “બાબા”એ વટથી મમ્મીને ઓર્ડર કર્યો.
“બસ તને પાર્ટી કરવાના બહાના જ જોઈએ! તું અને
તારા પપ્પા બંને સરખા જ છો! હજુ કોમ્પીટીશનને પાંચ કલાકની વાર છે અને તું અત્યારથી
ફર્સ્ટ આવી પણ ગયો! એમ પણ આખું શહેર તારા પપ્પાની છત્રછાયામાં જ છે, એટલે તું કોઈ
પણ સ્પર્ધામાં ભાગ લે- મજાલ છે કોઈની કે તને હરાવે! પણ સાંભળ એક વાતનું ધ્યાન
રાખજે, આપણે ઊઠવા-બેસવાનું ભલે બધા સાથે રાખીએ- ઓટલો અને રોટલો સરખે સરખા સાથે જ
શોભે!”-“બાબા”ના ઓવારણા લેતા લેતા એની મમ્મીએ ગર્ભિત સલાહ આપી.
“ઓહ યેસ્સ મમ્મી! હું નંબર વન બનવા જ જન્મ્યો
છું! એટલે જીતવાનો તો હું જ! પણ તારી રોટલા અને ઓટલા વાળી છેલ્લી વાત બહુ સમઝાઈ
નહિ!”-“બાબો” એની મમ્મીના ગુઢ વાક્યથી સહેજ બોઘલાઈ ગયો. પૈસા અને પાવરથી હમેશા
ક્લાસમાં ફર્સ્ટ આવતા “બાબા”ને કોણ સમઝાવે કે બુદ્ધિમત્તા અને શાણપણ વેચાતા નથી
મળતા.
“જો દીકરા, તું બધા સાથે હળે-મળે, પાર્ટી કરે, એ
બધું ઠીક પણ આપણી જાત અને ધર્મનું કાયમ માન જાળવવાનું! આપણે નેતાનો પરિવાર એટલે
દેખાડા માટે ભલે બધા વર્ણ-જાતિ અને ધર્મનાં લોકોને સાથે લઈને ચાલવું પડે, પણ ઘરોબો માત્ર અને માત્ર
આપણા જેવા ઉચ્ચ વર્ણ-જાતિ અને ધર્મના લોકો સાથે જ કેળવવાનો. કહેવાય છે ને કે હંસ
અને કાગડાની સોબત ના શોભે- એટલે આપણે હંસ છીએ એ યાદ રાખીને મિત્રો બનાવવા.”-બાબાની
મમ્મીએ ફરી એક ટ્ફ બાઉન્સર નાખ્યું.
“મમ્મી, સીધે સીધું કહેને, આમ ગોળ-ગોળ વાત ના કર!
તું તો મારા બધા ફ્રેન્ડ્સ ને ઓળખે જ છે! બધા સીટીના રીચ અને ફેમસ ફેમિલીઝમાંથી જ
છે! આમાં હંસ અને કાગડાની વાત ક્યા આવે?”-“બાબા”એ મમ્મીના બાઉન્સરને રમવાનો નબળો
પ્રયાસ કર્યો.
“દીકરા, જો આપણે રહ્યા હિંદુ, એ પણ
હિંદુ-બ્રાહ્મણ! આપણું કુળ સૌથી ઉચ્ચ! જનમો-જનમના પુણ્ય કર્યા હોય તો આવા ઉજળા
કુળમાં જન્મ મળે, એટલે એની ગરીમા સાચવવાની. હરવા-ફરવા સુધી ઠીક છે પણ તું પેલા અબ્દુલ,
આફરીન, નાઝનીન, મેરી, જોસેફ જેવા વિધર્મી મિત્રો સાથે વધુ ભળે એ મને પસંદ નથી!
એમનો ધર્મ-જાત આપણાથી જુદા, રહેણી-કરણી-ખાન-પાન અલગ. તેલ અને પાણી બંને જ્યાં સુધી
અલગ હોય ત્યાં સુધી જ કામમાં આવે, જેવા
ભળી જાય બંને નકામાં થઇ જાય! શાનમાં સમઝી જા- આપણા ધર્મભાઈઓ અને જાતિબંધુઓનો અકાળ
નથી પડ્યો કે તારે આ અલ્લાહ અને જીસસ સાથે ફ્રેન્ડશીપ કરવી પડે. ના કરે નારાયણ અને
તને કોઈ કિડનેપ કરી જાય, કે તને કઈ ખવડાવીને તારું ધર્મ-પરિવર્તન કરાવી દે તો?
હરિ, હરિ..”-આંખ બંધ કરીને જાણે સાક્ષાત હરિ સાથે સંવાદ કરતી હોય એમ તન્મય થઈને,
“બાબા”ની મમ્મી “બાબા”ને ધર્મ-અંધતાનું ઝેર પીવડાવ્યું.
“પણ મમ્મી, પપ્પા અસલમઅંકલ,સલીમઅંકલ અને બીજા
મુસલમાન મિત્રો માટે દર વર્ષે ઈદની ખાસ દાવત રાખે છે અને ક્રિસમસ પર પણ જોસેફઅંકલ
અને રોઝીઆંટી અને બીજા ઘણા બધા સ્નેહીઓને માટે ક્રિસમસ ગુડીઝ-ગિફ્ટ્સ પણ યાદ
રાખીને મોકલે છે! આઈ મીન, એમનો ધર્મ જુદો છે પણ...”-કન્ફ્યુઝ્ડ “બાબો” મમ્મીની
સામે પોતાનું ઓબ્ઝર્વેશન રજુ કરી રહ્યો..
“એટલે કહું છું, તું હજુ ભોળો છે. દુનિયાદારીની
તને સમઝ નથી! તારા પપ્પાને વોટબેંક માટે બધા સાથે હળવું-મળવું પડે, બધાને રાજી
રાખવા પડે! બાકી તારા પપ્પાને અડધી રાતે પણ વિધર્મી મિત્ર અને સધર્મી દુશ્મનમાંથી
એકને પસંદ કરવાનું કહે ને તો એ આપણા ધર્મના દુશ્મન સાથે જ રહેવાનું પસંદ કરે! આંખો
જુએ અને કાન સાંભળે એ જ બધું સત્ય નથી હોતું બેટા!”-“બાબા”ની મમ્મીએ બાબાના
પપ્પાના ધર્મનિરપેક્ષતાના છુપા પત્તા ખોલતા કહ્યું.
***
“સન્ની, તારા માટે એક ગુડ ન્યુઝ છે! આજે તારી
સ્કુલમાં વક્તૃત્વ સ્પર્ધા પતી જાય પછી આપણા પાર્ટીના કાર્યાલયે આવી જજે. એક સરસ
મસાલેદાર પ્રોજેક્ટ કરવાનો છે, અને હું એ પ્રોજેક્ટ દ્વારા તેને યુથ આઇકોન તરીકે
પ્રોજેક્ટ કરવા માંગુ છું!”-લગભગ અડધા કલાકથી ફોન પર કૈક મસલત કરી રહેલા “બાબા”ના
પપ્પાએ એકદમ ઉત્સાહમાં કહ્યું.
“આઈ એમ ઓલરેડી એક્સાઈટેડ ડેડ! જલ્દી કહોને શું
ગુડ ન્યુઝ છે?”-“બાબા”એ ઉત્કંઠા સાથે પૂછ્યું.
“બ્રેકિંગ ન્યુઝ છે- તેલંગણાના બ્રાન્ડ એમ્બેસેડર
તરીકે ટેનીસ સ્ટાર-સાનિયા મિર્ઝાની નિમણુંક થઇ છે! અને આપણા વિરોધ પક્ષના એક
નેતાએ-“સાનિયા પાકિસ્તાનની વહુ છે”- એવું બયાન આપી એનો વિરોધ કર્યો છે!”-“બાબા”ના
પપ્પા ધીરે ધીરે બ્રેકિંગ ન્યુઝના વળ ખોલી રહ્યા.
“વાહ! આઈ લવ કોન્ટ્રવર્સીઝ! લાસ્ટ ટાઈમ, સાનિયા
અને શોહેબના લગ્નની કોન્ટ્રવર્સીઝમાં પણ વિરોધ-પ્રદર્શન અને ધરણા કરીને મને ખુબ
બધું મીડિયા કવરેજ અને લાઈમ-લાઈટ મળ્યા હતા. લાગે છે કે સાનિયા ઇઝ લકી ફોર માય પોલીટીકલ કેરીયર! આઈ ગોટ
એન આઈડિયા- આપણે “સાનિયા મિર્ઝા નહિ સાનિયા નહેવાલ લાઓ - પાકિસ્તાની બહુકો નહિ
ભારતકી બેટી કો આગે બઢાઓ”- એવું કેમ્પેઈન ચલાવીએ તો? એકદમ કેચી છે ને?”-ઉત્સાહના
અતિરેકમાં “બાબા”એ બફાટ કર્યો.
“તું મારો જ દીકરો છે કે તારામાં પણ વિરોધ
પક્ષનું કઈ રોકાણ છે? બબુચક આપણે આપણા વિરોધ પક્ષના બફાટનો ફાયદો ઉઠાવવાનો છે! યાદ
રાખજે –ધાર્મિક આંધળી માન્યતાઓની આગમાં પોલીટીકલ રોટલો સૌથી સરસ રીતે શેકાય છે!
એટલે આ તકનો લાભ આપણે લેવાનો છે! તે વખતે સાનિયાના ટૂંકા સ્કર્ટ, એની નોઝ રીંગ કે
લગ્નના ધાર્મિક વિવાદનો આપણે ફાયદો ઉઠાવેલો. હવે એને સહાનુભૂતિનો ખભો આપીને એની
બિરાદરીના વોટ્સ આપણા ખાતામાં કરવાના છે- ખબર પડે છે ડોબા?”-“બાબા”ની બુદ્ધિની ધાર
પોતાના ઝેરીલા પોલીટીકલ અનુભવથી કાઢતા કાઢતા એના પપ્પાએ કહ્યું.
“સમઝી ગયો પપ્પા! અપના કામ બનતા, ભાડ મેં જાયે
જનતા!”-ચપટી વગાડીને, ફિલ્મી ગીત ગાતા ગાતા, આખી વાતનું કન્ક્લુઝન “બાબા”એ એક જ લાઈનમાં
આપી દીધું!
***
“સત્યમેવ જયતે” બનાવવા અને બતાવવા જતા આમિર ખાનને
નડતો મોરાલીટીનો વિવાદ સાસ-બહુની સીરીયલ બનાવતી એકતા કપૂરને કેમ ક્યારેય નથી નડતો?
કેમ જાન-જુસ્સાથી દોડીને ભારત માટે ઢગલો ગોલ્ડ
મેડલ જીતી લાવનાર પીટી ઉષાના સ્પોર્ટ શોર્ટ્સ ક્યારેય હાઈ લાઈટ નથી થતા પણ સાનિયા
મિર્ઝાના સ્કર્ટની લંબાઈ પર વારંવાર ફતવા બહાર પડતા રહે છે?
ભારતીય માધુરી દીક્ષિત અમેરિકન ડોક્ટર નેનેની
સાથે લગ્ન કરે છે છતાં સવાઈ ભારતીય બની રહે છે અને આપણે ગર્વથી અને પ્રેમથી એને
સ્વીકારીએ છે! તો સાનિયા મિર્ઝાના પાકિસ્તાની ક્રિકેટ પ્લેયર શોહેબ અખ્તર સાથેના
લગ્નથી કેમ આટલો વિવાદ? પાકિસ્તાન સાથે આપણા દેશના સંબંધો ભલે વિવાદિત કે કટુ
રહ્યા, પાકિસ્તાનમાં પણ માણસાઈ અને પ્રેમ વસે છે એ નીર્વિવાદિત છે!
ધર્મ માણસાઈને જોડી રખાવા માટે છે- એ સત્ય
સ્વીકારવું જરૂરી છે!
સાનિયા ભારતની બેટી છે કે પાકિસ્તાનની વહુ- એ
પ્રશ્ન શું ખરેખર મહત્વનો છે? જો હા, તો ભારત અને પાકિસ્તાનની સરહદે તારની વાડ,
ગોળીઓના વરસાદની સાથે સાથે લાગણીશૂન્યતા-કડવાશ અને કઠોરતાની અમાનવીય ફેન્સ પણ મુકવી
હિતાવહ છે.. કે જેથી સરહદ અને સીમાડાને પાર કરીને લાગણીઓ-પ્રેમ કે હુંફ ઉછરી જ ના
શકે!
“માનવતા-પ્રેમ-લાગણીઓ”ના સામે છેડે “ધર્મ
અંધતા-ઝનુની ઝેર-નફરત-બદલો” છે- પસંદગી આપણે કરવાની છે!
Comments