***
ધારોકે તમારી દીકરી કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. બાળપણથી સાથે રમતા-ભણતા મોટા થયેલા મિત્રો પૈકી કેટલાક એની સાથે કોલેજમાં ભણે છે. એ પૈકી કોઈ પાડોશી-સહ્ધાયાયી યુવક તમારી દીકરીને પ્રેમ-પ્રસ્તાવ આપે છે જેનો તમારી દીકરી ઇનકાર કરે છે. તમે પોતાની દીકરીને એના નિર્ણયમાં સહકાર
અને સપોર્ટ આપો છો. એક પક્ષીય પ્રેમમાં ઘવાયેલો યુવક તમારી દીકરીની પજવણી શરુ કરે છે. આવતા-જતા દીકરીનો પીછો કરતો એ યુવક શક્ય દરેક પ્રકારે તમારી દીકરીને માનસિક તાણ આપે છે. અને રહી સહી કસર પૂરી કરવા ફેસબુક અને બીજી સોશિયલ નેટવર્કીં સાઈટ્સ પર અભદ્ર લખાણ સાથે તમારી દીકરીના ફોટા પોસ્ટ
કરે છે. ઝનુનની બધી હદો પાર કરી ગયેલ એ યુવકના ત્રાસથી કંટાળેલા તમે તેના પરિવારને સમઝાવવાનાં બધા પ્રયાસો કરી ચુક્યા છો, છતાં પજવણી-સતામણી દિવસો દિવસ વધતી જ જાય છે. આવી પરિસ્થિતિમાં તમે શું કરશો? - નારી સશક્તિકરણ અને દીકરી પઢાઓનાં બણગા ફૂંકનારા મોટાભાગના વાલીઓ પોતાની દીકરીની વાત આવતા જ પ્રોટેક્ટીવ થઇ જાય છે અને એકદમ નિર્દોષ એવી દીકરીને જ દંડી બેસે છે. અત્યાચાર અને માનસિક પરિતાપમાંથી પસાર થઇ રહેલી દીકરી પર જાત-જાતની પાબંદીઓ લગાવી દેવામાં આવે છે. મિત્રો સાથે બહાર જવું, ટ્યુશન જવું, કોલેજ જવું - શ્વાસ લેવું પણ ભારે થઇ જાય એવી રીતે દીકરીની આસપાસ ચોકી પહેરો વધારી દેવામાં આવે છે. જે યુવક ખોટું કરી રહ્યો છે એ બિન્દાસ્ત હરે-ફરે છે અને જેની સાથે ખોટું થઇ રહ્યું છે એ ઉત્તરોત્તર પીડાતી રહે છે. છતાં પરિવારમાંથી કોઈ હિમત કરીને પોલીસમાં કેસ તો શું અરજી કરવા જેટલી હિમાત-જવાબદારી કે સાવધાની દાખવતું નથી. અને.... અને જે થાય છે એ જ થયું રાજકોટમાં. ભાર-બપોરે ખ્યાતનામ કોલેજમાં એક માંડ એકવીસ વર્ષની યુવતીની તેના એક પક્ષીય પ્રેમમાં પાગલ થયેલા પાડોશી-સહ્ધાયી યુવક દ્વારા ક્રૂર હત્યા. અલબત્ત 100% વાંક તે યુવકનો જ છે છતાં વાળી-પરિવારજન તરીકે તમે પણ ફરજ ચુક્યા જ છો. કેમકે જે દિવસે જે-તે યુવક દ્વારા તમારી દીકરીની પજવણી એક હદ કરતા વધી તે દિવસે તમે સમાજની શરમે, દીકરીની આબરૂ જવાની બીકે ચુપ રહ્યા. તમારી એ સમાજની શરમે જ આડકતરી રીતે એ દીકરીનો જીવ લીધો છે અને કોઈ કાયદો એ માટે તમને સજા નહિ આપે એજ તમારી સૌથી મોટી સજા હશે.
ઉપરના કિસ્સામાં છેડતી-સતામણી સાથે સાથે સાયબર બુલીંગ અર્થાત ઈન્ટરનેટ દ્વારા થતી સતામણી પણ શામેલ છે અને એ દરેક પરિબળ માટે કડક સજાની જોગવાઈ પણ છે જ. શું તમે સાયબર બુલીંગ, તેના પ્રકારો, તેની અસરો ,તેના પરિણામો અને એ અંગેના કાયદાની જોગવાઈઓ અંગે જાણો છો?
નાં?
તો એક બીજી વાર્તા માંડીએ..
***
ધારોકે તમારી એકવીસેક વર્ષની દીકરીએ હજુ હમણા જ અભ્યાસ પૂરો કર્યો છે. ખુબજ ચંચળ, રમતિયાળ, બેહદ સુંદર, બુદ્ધિમાન એવી તમારી દીકરીને ખુબ જ ખ્યાતનામ કંપનીમાં ખુબ સારી નોકરી મળે છે. સમય સાથે તમારી દીકરી એની કુશળતા દ્વારા સફળતા મેળવતી જાય છે. અને અચાનક એક દિવસ તમને ખબર પડે છે કે તમારી નાદાન-છોકરમત-રમતિયાળ દીકરી એના બોસના પ્રેમમાં છે, જે બોસ પરિણીત અને એક ટીનએજ દીકરીનો બાપ છે. શું વીતશે તમારા પર? શું સલાહ-સુચન આપશો તમે તમારી દીકરીને?
ચોક્કસ પણે તમે દીકરીને તેની ભૂલની ગંભીરતા અને એના પરિણામો અંગે પ્રેમથી સમઝાવીને ધીમે ધીમે તેને તેનો ભૂતકાળ ભૂલીને એક નવી શરૂઆત કરવા સમઝાવશો. નાની ઉમરે હું-તમે, દરેક કોઈને કોઈ ગંભીર ભૂલ કરી બેસીએ છે પરંતુ એક ભૂલ સાથે આખી ઝીંદગી પૂરી નથી થઇ જતી એ સમઝાવીને દીકરીને નવા સપનાઓ અને
વિચારો સાથે નવા રસ્તે વાળીએ છે. કદાચ મોટાભાગનાં પરિવારોમાં દીકરા કે દીકરીને લઈને આવા પ્રશ્નો સર્જાય છે અને વડીલની સમઝણ-પ્રેમ અને હુંફ મળતા ભૂતકાળ-ભૂલો ભૂલીને બાળકો નવી શરૂઆત કરી શકે છે. ખરું ને?
પણ ધારોકે તમારી દીકરી એના બોસના પ્રેમમાં પડી છે એ વાત તમને નેશનલ ટીવી પર સમાચાર રૂપે ખબર પડે છે અને આખી દુનિયા આ વાત જાણી ચુકી છે, કેમકે તમારી દીકરીનો બોસ મહાસત્તા અમેરિકાનો પ્રેસિડેન્ટ છે. તો? શું વીતશે તમારા પર? કઈ રીતે તમે અને તમારી દીકરી આ ભૂતકાળ અને ભૂલને ભુલાવીને આગળ વધી શકશો?
આ પ્રશ્નોનાં જવાબ એટલે - મોનિકા લ્વેન્સકી.
સાચું કહેજો આ નામ વાંચીને તમને કયા-ક્યા સમાચાર યાદ આવ્યા? અને આ સમાચારો થકી મોનિકા લ્વેન્સ્કીની કઈ પ્રકારની છબી તમારા મનો-જગતમાં રચાયેલી છે?
જી હા, તમાર યાદદાસ્ત સચોટ છે! આપણે એજ મોનિકાની વાત કરી રહ્યા છે જે 1998ની સાલમાં પોતાનાથી બમણી ઉમરના પોતાના બોસ(અમેરિકાના તે સમયના પ્રેસિડેન્ટ બીલ ક્લીન્ટન) સાથે પ્રેમ-શારીરિક સંબંધનાં કારણે વિશ્વભરમાં વાગોવાઈ હતી. સમાચાર થકી આપણે જે મોનિકા લ્વેન્સ્કીને જાણીએ છે તે દંભી, તકવાદી, સ્વછંદી, લફડેબાજ અને ચારિત્રહીન છે, કે જે પોતાના ફાયદા કે મૌજ-મઝા માટે બમણી ઉમરના પરિણીત બોસ સાથે સુદ્ધાં સંબંધ રાખી શકે છે.
જે ભૂલ એકવીસ-બાવીસ વર્ષના યુવાનો મોટે ભાગે કરે છે અને એમાંથી ઉગરીને બહાર આવી નવી જિંદગી પણ શરુ કરે છે એ જ ભૂલ માટે મોનિકા લ્વેન્સકી છેલ્લા સત્તરેક વર્ષથી સજા ભોગવી રહી છે! આજે એક દાયકા પછી મોનિકા જાહેરમાં આવીને પોતાની વાત કહેવાની હિંમત કરી શકી છે. અને આ તમામ વર્ષો દરમ્યાન મોનિકાને રોજેરોજ એક યા બીજા કારણે અપમાન-અવહેલના-તિરસ્કારનો સામનો સુદ્ધાં કરવો પડ્યો છે.
કેમ?
કેમકે તમે કે મેં કરેલી જે-તે ભૂલ સમયના હાંસિયામાંથી ધીમેધીમે ભૂંસાઈ શકી છે અને એ અપમાન અને અપરાધભાવનાથી બહાર આવીને નવી જિંદગી શરુ કરવું સમય સાથે શક્ય બની શક્યું છે.
પરંતુ મોનિકા લ્વેન્સકીની નાદાન ઉમરની એ ભૂલ સમયના પાનાઓ પર જડાઈ ચુકી છે અને કાયમ માટે અંકાઈ ગઈ છે.
કારણ?
ઈન્ટરનેટ અને સાયબર બુલીંગ.
જી હા.
જે ઈન્ટરનેટ અને સાયબર વર્લ્ડનાં પાવર અને જાદુથી આપણે સૌ અંજાયેલા છે એની કાળી બાજુ મોનિકા લ્વેન્સ્કીએ ઈન્ટરનેટ યુગની શરૂઆતમાં જ જીવી લીધી છે.
બાવીશ વર્ષીય મોનિકા વ્હાઈટ હાઉસમાં ઇન્ટર્ન તરીકે કામ કરતા કરતા પોતાના બોસ અને અમેરિકાના પ્રેસિડેન્ટ બીલ ક્લીન્ટનનાં પ્રેમમાં પડે છે. અને આ નાદાનિયતનાં રોમાન્સમાં અને સપનાઓમાં જીવતી મોનિકા પોતાના આ સંબંધોની વાત પોતાની અંગત મિત્ર લીંડા ટ્રીપ સાથે શેર કરે છે.. અને તેની મિત્ર લીન્ડા પોતાના સ્વાર્થ અને ફાયદા માટે મોનિકાએ તેની સાથે ફોન પર કરેલા સંવાદોને ટેપ કરી લે છે. બે વ્યક્તિઓ વચ્ચેના અત્યંત પર્સનલ સંબંધ અને ગોપનીય વાતોને રેકોર્ડ કરીને ઓનલાઈન ન્યુઝ પબ્લીશ કરતી વેબ્સાતી- "ડ્રડ્જ
રીપોર્ટસ"ને વેચી દેવામાં આવે છે. અને વિશ્વના ઈતિહાસમાં સૌથી પહેલી એક બ્રેકીંગ ન્યુઝ ટીવી ચેનલ થકી નહિ પરંતુ ઈન્ટરનેટ-વેબસાઈટ થકી જાહેર થાય છે અને ગણતરીની મીનીટોમાં આખા વિશ્વમાં વાયરલ થઇ જાય છે! અને સાથે સાથે વિશ્વના એક ખૂણે રહેતી સ્વપ્નીલ-રમતિયાળ-નાદાન યુવતી અચાનક આખા વિશ્વ સામે ખલનાયિકા બની જાય છે! ઓનલાઈન માહિતી વિશ્વના દરેક ખૂણે પલકવારમાં મળી રહે છે અને એટલેજ મોનિકાની બદનામી પણ અખા વિશ્વમાં એક પળમાં ફેલાઈ જાય છે. ઈન્ટરનેટની એક એક ક્લિક સાથે આખું વિશ્વ ગણતરીબાજ-ચાલબાઝ-લફ્ડેબાઝ-તકસાધુ મોનિકાને ઓળખતું જાય છે અને સાથે સાથે જ સંવેદનશીલ-નિર્દોષ-ચંચળ-સાધારણ મોનિકા ગૂંગળાતી-મરતી જાય છે. આટલું ઓછુ હોય એમ અમેરિકન સરકાર દ્વારા કલાકો-દિવસો સુધી મોનિકાને ગોંધી રાખીને વર્ષો જુના ટેલીફોનીક સંવાદો સંભળાવી પૂછપરછ કરાય છે, અને અંતે આખો અહેવાલ "સ્ટાર્ર રીપોર્ટ" સ્વરૂપે ઓનલાઈન પબ્લીશ કરવામાં આવે છે. "સ્ટાર્ર રીપોર્ટ" માં બે વર્ષ સુધી ચાલેલા બીલ ક્લીન્ટન અને મોનિકા લ્વેન્સકીનાં સંબંધોની અતથી ઇતિ સુધીની રાજે-રજની માહિતી પણ નોંધવામાં આવી છે. બે વ્યક્તિ વચ્ચેના એક સંબંધને જાણે નિર્વસ્ત્ર કરીને આખા વિશ્વ સામે આખી જિંદગી માટે અપમાનિત કરવામાં આવે છે.
ફેસબુક, ટ્વિટર, સોશિયલ નેટવર્કિંગનાં જમાનામાં ચૌરે ને ચોકે અવહેલના-ઉપહાસ-અપમાન-ગાળો-ટીકાનો ભોગ બનીને મોનિકા લ્વેન્સકી દાયકાઓ સુધી હતાશા-ડીપ્રેશનમાં સારી જાયછે. અને આ કઠીન સમયમાં એનો પરિવાર અને મિત્રો એની પડખે રહે છે. મોનિકા એટલી હદે શર્મિદગી-હતાશા અનુભવે છે કે જાણે માત્ર શ્વાસ લેવા પુરતું જ જીવે છે.
અને...
2010માં અમેરિકાની રુજર્સ યુનીવર્સીટીનાં એક સમાચારથી મોનિકા એક વાર ફરી અંદરથી ખળભળી ઉઠે છે. ટેલર ક્લેમેન્ટી નામનો સ્વપ્નીલ-સંવેદનશીલ-ભાવુક-હોશિયાર વિદ્યાર્થી અચાનક જ્યોર્જ વોશિંગટન બ્રીજ પરથી કુદી જઈને આત્મહત્યા કરે છે. ટેલરનો રૂમમેટ ટેલરના એક પુરુષસાથી સાથેના અંગત સંબંધો-મુમેન્ટસની છુપી વિડીયો બનાવીને જગ જાહેર કરી દે છે. એક વ્યક્તિની સેક્શ્યુઅલ લાઈફ અને સેક્શ્યુઅલ ઓરીએન્ટેશન જેની સાથે બીજા કોઈને કોઈજ લેવા-દેવા નાં જ હોવું જોઈએ- તેવી અત્યંત બાબત જાહેર થતા હાંસી-મઝાક-ઉપહાસ-ટીકાનું કારણ બને છે. અને સમાજ-પરિવાર-આબરૂ-શર્મીન્દગીની રુએ નિર્દોષ ટેલર પોતાની જાન લઇ લે છે. "સાયબર બુલીંગ"નું આ ક્રૂર ઉદાહરણ મોનિકાને પોતાની દાયકાઓ પહેલાની શર્મિદગી યાદ કરાવી હચમચાવી દે છે. મોનિકા અને તેની માતા એજ પળે એક ઠોસ નિર્ણય લે છે - સાયબર બુલીંગનાં આ અજગર અને તેની અસરો-દુષપરિણામો અંગે જાગૃતતા લાવવાનો.
મોનિકા આખા વિશ્વને અનુરોધ કરે છે કે -કોઈ પણ પ્રકારની સતામણી કરતા સાયબર બુલીંગથી વધુ માણસો આત્મહત્યા કરવા પ્રેરાય છે. મોનિકા સમઝાવે છે કે - આજકાલ બીજાની પર્સનલ લાઈફમાં ખાનગીમાં ડોકિયું કરીને તેમની અંગત બાબતોની ચટાકેદાર ચાટ બનાવીને ઈન્ટરનેટ પર એનો વ્યાપાર કરવામાં આવે છે. ગોસીપ-સેક્સ-લવઅફેર જેવી અંગત બાબતોનો આ વૈશ્વિક વ્યાપાર બીજાની શર્મીદગીમાં આનંદ લેવાનું પાશવી અને હીન કૃત્ય છે. મોનિકા વિનંતી કરે છે કે - આપણે સૌએ આપની અંદર દયા-કરુણા અને પ્રેમનો સંચાર કરવાની જરૂર છે અને સાયબર બુલીંગનાં પીડિત પ્રત્યે અનુકંપા દાખવવાની જરૂર છે.
આજે સત્તર વર્ષે મોનિકા લ્વેન્સકીએ એક નવી આશા-ઉર્જા-હિમત સાથે સાયબર બુલીંગ સામે લડત શરુ કરી છે, શું તમે એમાં સાથ નહિ આપો?
***
પિક્સેલ:
હું, તમે કે આપણે સૌ "સાયબર બુલીંગ"- સતામણી નથી કરતા એટલું જ પુરતું નથી. ઈન્ટરનેટ દ્વારા આવા સમાચારો-ગોસીપ-સ્કૂપને ક્લિક્સ આપીને, વાંચીને, શેર કરીને આપણે આડકતરી રીતે સાયબર બુલીંગ કરી જ રહ્યા છે.
ઈન્ટરનેટની જાળ ડીમાંડ-સપ્લાયના સિમ્પલ નિયમ પર ચાલે છે- એટલે જે દિવસે આપણે બીજાની પીડા-અંગત જિંદગીના સમાચારો/ગોસીપને વાંચવાનું બંધ કરી દઈશું, આપોઆપ આ સાયબર બુલીંગનો અજગર સમેટાઈ જશે!
Comments