***
“વિચાર આવે છે-
આ બીજ પુરુષનું છે, પોતે છે માત્ર સંવર્ધક, છતાં પુરુષની શારીરિક જવાબદારી
બાળક માટે કશી નથી! જે કઈ બધું બને છે તે માત્ર પોતાના જ શરીરમાં...તો પણ આ
અવસ્થામાં મારે ક્યારે મુકાવું, એની પસંદગી કરવાની તક મને આપવામાં આવી નથી! બાળકો
નથી ગમતા એમ નથી, પણ એ સંબંધમાં મારે કશું કહેવાનું હોય, એ કોઈ સ્વીકારતું નથી!
લગ્ન કર્યા એટલે થોડા વખતમાં બાળક થવું જ જોઈએ એવી અપેક્ષા શા માટે રખાય
છે?“- તમે લાગણીઓને શબ્દોમાં બખૂબી ઢાળનાર
કુન્દનિકા કાપડીયાની વિખ્યાત નોવેલ “સાત પગલા આકાશમાં” વાંચી રહ્યા છો.. શબ્દે
શબ્દે જાણે અંદર કૈક સળવળાટ થાય છે. લગભગ ‘૮૪ની સાલમાં લખાયેલી આ નોવેલ આજના
સમયમાં પણ કેટલી સત્ય છે એ વાત તમને અકળાવે છે! શું સમય બદલાય છે એમ સમાજ અને
સ્ત્રીની પરિસ્થિતિ નથી બદલાતી? તમે સ્વગત પૂછી રહ્યા અને જાતે જ જવાબ આપ્યો- ના!
નોવેલ્સ વાંચવામાં શતાબ્દીની સ્પીડ ધરાવતા તમે
કોણ જાણે કેમ આ નોવેલના માત્ર ૪૦ પેજીસ જ વાંચી શક્યા છો- લગભગ એક મહિનામાં! એવું
નથી કે ભાષા કઠીન છે, કે રસ નથી પડતો, પ્રશ્ન એ છે કે એક એક શબ્દ, એક એક વાક્ય અને
એક એક પેજ પર, કઈ કેટલીય લાગણીઓ-વ્યથા અને સંવેદનાઓ વ્યક્ત કરાઈ છે! શબ્દે-શબ્દ વાંચતા
તમે જાણે-અજાણે એ વસુધાના પાત્રમાં ઢળી જાઓ છો, અનુભવો છો એની સમય-સંજોગો સહજ
વેદના.. અને સરખામણી કરતા તમને એ સમયની વસુધા અને અત્યારના “તમે” અને બીજા કેટલાય
આજના નારી પાત્રોમાં અઢળક સમાનતા દેખાય છે! અને તમે એ પરિસ્થિતિના વિશ્લેષણમાં
અટવાઈ જાઓ છો, વાંચન પ્રવાહ અટવાઈ જાય છે!
આ વાંચતા વાંચતા તમે વસુધાની પહેલી ગર્ભાવસ્થાની
પરિસ્થિતિને પોતાના અનુભવો સાથે સાંકડી રહ્યા છો. ગર્ભાવસ્થા કદાચ નારીજીવનની સૌથી
મહત્વની અને ઉત્કૃષ્ઠ ઘટના છે. દરેક નારી એક નવા જીવને જન્મ આપવા સક્ષમ છે, પરંતુ
શું આ ક્ષમતા એના અલાયદા અસ્તિત્વને ક્યાંક ખોવી નાખે છે? “માતૃત્વ એજ નારીત્વની
સાર્થકતા”- કહેવું શું અનુચિત નથી? “માતૃદેવો ભવ”- “જનની ની જોડ સખી નહિ જડે રે
લોલ!”- શું આ કહેવતો દ્વારા માતૃત્વને મહાન બતાવી, નારીત્વને એના પર અવલંબિત અને
કુંઠિત નથી કરાયું? શું મહાન કે ભગવાન સમક્ષ બનવું એ જ સાર્થકતા છે? શું માતૃત્વ
ધારણ કરવું કે નહિ-એ નિર્ણય નારી પોતે લઇ શકે છે? કે પછી પોતે માં બનવા સપૂર્ણ
પરિપક્વ છે કે નહિ એનું વિશ્લેષ્ણ કરી, ક્યારે માતૃત્વ ધારણ કરવું એ પોતે નક્કી
કરી શકે છે? તમે જાતને જ ઠમઠોરી રહ્યા પોતાની જાતને - ના, આવા પ્રશ્નો તો કઈ
પુછાય? નારી એટલે માં, અને માં એટલે “મહાન:- “ભગવાન”! વાર્તા પૂરી!
સાચે જ વાર્તા પૂરી?
***
તમે રોજીંદી આદત અનુસાર મ્યુઝીકમાં ખોવાયેલા
છો,આખા દિવસનો થાક મ્યુઝિક થેરાપીથી ઉતારી રહ્યા છો! અચાનક તમારા લાઉડ મ્યુઝીકને
ડીસ્ટર્બ કરતો એક્સ્ટ્રા લાઉડ અવાજ સંભળાય છે. થોડી થોડી વારે, રહી રહીને આવતો આ
એક્સ્ટ્રા લાઉડ અવાજ તમારા મ્યુઝીકલ માહોલને વિચલિત કરી રહ્યો છે. આભાસી ગમતી
દુનિયામાંથી તમે પરાણે વાસ્તવિક દુનિયામાં આવો છો, આ અકળામણનું કારણ જાણી એનો ઉકેલ
લાવવા! આ ઘોંઘાટ અને રોક્કકળ ત્રણ નાના બાળકો કરી રહ્યા હતા. થોડી થોડી વારે એમનું
રડવું, બુમો પાડવી, ધક્કાધુક્કી કરવું- તમારું ટેમ્પરેચર વધારી રહ્યું છે. આમ તો
તમને નાના બાળકો પર બહુ વ્હાલ, પણ આજના વિપરીત સંજોગોમાં એ વ્હાલ પણ ગુસ્સાના હાઈ
ટેમ્પરેચરમાં વરાળ થઇ ગયું છે! તમે સામે બેઠેલી પાંચ-છ સ્ત્રીઓમાંથી આ
ચિલ્લરપાર્ટીની “માં” શોધવાનો પ્રયાસ કરી રહ્યા, કે જેથી એને ટકોર કરી શકાય- આ
વાનરસેનાને કાબુમાં રાખવા! તમે આંખોથી એનાલીસીસ કરી શોધવાનું શરુ કર્યું- આખીર “માં”
હેં કોન? – ડાબી બાજુ ખૂણા પર બેઠેલી બે સ્ત્રીઓ લગભગ દાદીમાની ઉમરની હતી, વચ્ચે
બેઠેલી એક યુવતી ખુબ નાની ઉમરની લગતી હતી અને એના ખોળામાં ઓલરેડી એક નાનું બચ્ચું
હતું જ..એની બાજુમાં બેઠેલી બે સ્ત્રીઓ રોજની કમ્યુટર હોવાથી તમે એમને બખૂબી ઓળખો
છો, એટલે બાકી રહી જમણીબાજુ ખૂણા પર બેઠેલી સરેરાશ ઉમરની સ્ત્રી. તમે શક્ય એટલી નમ્રતાથી
જમણા ખૂણે બેઠેલી સ્ત્રીને ઉદ્દેશીને વિનંતી કરી-“ આપ થોડી વાર માટે આપના બાળકોને
શાંત બેસાડી શકો છો? કે ઓછું તોફાન કરે એમ સમઝાવી શકો છો?”. તમારી વિનંતી સંભાળીને
ખૂણે બેઠેલી સ્ત્રી એક પ્રેમાળ હાસ્ય સાથે કહી રહી- “હું આપની અકળામણ સમઝી શકું
છું! હું ચોક્કસ મારા બાળકોને શાંત બેસાડી દેત, જો તેઓ મારી સાથે આ ટ્રેનમાં આવ્યા
હોત! આ સામે ધમાચકડી મચાવી રહ્યા છે એ બાળકો મારા નથી-આમના છે!”. ખૂણા પર બેઠેલા એ
રમુજી સ્ત્રીએ એ બાળકોની “માં” ઓળખવામાં તમારી ભૂલની સાથે-સાથે, તમને એમની રીયલ “માં”
પણ બતાવી. અને તમે એક આંચકા સાથે એ બાળકોની “માં”ને જોઈ રહ્યા. આંખો વ્યસ્ત થઇ જે
જોઈ રહ્યા છો એની સત્યતા ચકાસવામાં, દિમાગ પરોવાયું એ ત્રણ બાળકોની સાથે ખોળામાં
રહેલા ભુલકાની ઉંમરની ગણતરી કરી એ “માં”ની ઉંમર ગણવામાં અને દિલ બીઝી થઇ ગયું એક
અગમ્ય વેદનામાં! ગણતરીમાં કૈક ચૂક છે એમ લાગ્યું ... અથવા તો સામે બેઠેલી યુવતી
ફેરએન્ડલવલી કે સંતુર સાબુ વાપરતી હોવી જોઈએ એવો ફન્ની વિચાર પણ આવ્યો! તમે
રહીરહીને વિચારી રહ્યા -પોતે જે વીસ-બાવીસ વર્ષની માંડ લાગે છે એ યુવતી ચાર
બાળકોની “માં” હોઈ શકે? તમે ઇઅર-ફોન્સ અને મોબાઈલને બાજુ પર મૂકી એ બાળ-“માં”નું
નિરીક્ષણ કરી રહ્યા. ખોળામાં ચાર-પાંચ મહિનાનું બાળક લઈને બેઠેલી એ યુવતી અપલક
નજરે બારીની બહાર જોઈ રહી છે. એના ત્રણ બાળકોની લડાઈ, રડવાનો અવાજ, ધક્કા-મુક્કીની
એ “માં”ને લગીરે અસર નથી. એનો ચહેરો એકદમ સુક્કો,લાગણીવિહીન અને નિર્જીવ છે. અચાનક
એના ખોળામાં ઉંઘી રહેલું ભૂલકું રડી ઉઠે છે, છતાં એ કઈ જ થયું નથી એમ શૂન્યભાવે
બારીની બહાર તાકી રહે છે. “કેવી માં છે!”, “બચ્ચા જણવા સહેલા છે, ઉછેરવા નહિ!”,
“અલી તારું છોકરું ક્યારનું રડે છે અને તું કેવી માં છે?” - જાત જાતના વાકબાણો છૂટ્યા. છતાં એ પથ્થર જેવી
સ્થિર આંખો બારીની બહાર જ મંડાયેલી રહી, જાણે બારી દ્વારા બહાર ભાગી જવા મથી રહી-
દુર, ખુબ દુર! અંતે બાજુમાં બેઠેલા દાદીમાંથી ના રહેવાતા ગુસ્સાથી એને સહેજ
હલાવીને બોલી ઉઠ્યા- “સચવાતા નથી તો આ ઢગલો છોકરા પેદા કેમ કરો છો?”. અને અચાનક
કોઈ સપનામાંથી જાગી હોય એમ એ “માં” મશીનની જેમ એ રડતા ભૂલકાને ફીડીંગ કરાવી ચુપ
કરાવી રહી. મશીન, હા કદાચ મશીનની જેમ જ – પ્રોડક્શન કરવું અને સર્વ કરવું, ચુપ
ચાપ- જેમ ઓર્ડર અપાય એમ, વિરોધ કે દલીલ કર્યા વગર! આસપાસની સ્ત્રીઓ આ અણઘડ, કઠોર
અને ખરાબ “માં”ને કોસી રહી. ધીમેકથી એક આંસુ તમરી આંખોમાંથી સરી પડ્યું. તમને એ
યુવતીનું માણસમાંથી મશીન બની જવું સુપેરે સમઝાઈ રહ્યું. તમને એ “માં”નું બારીની
બહાર અકારણ તાકી રહેવું વ્યાજબી લાગી રહ્યું. તમને દેખાઈ રહ્યો એ મશીની “માં”નો દર
વર્ષે થતો “યુઝ” અને એને ગળે વળગાડી
દેવાયેલી એ પ્રોસેસની પ્રોડક્ટ્સ! તમને અનુભવાઈ એની અકળામણ -મેચ્યોરીટી અને ઉમર
પહેલા બળજબરીથી “માં”નું લેબલ પહેરાવી દીધાની! તમને સંભળાઈ એની મૂંગી ચીસો- એની
ઈચ્છા અને શારીરિક ક્ષમતાની પરવા કર્યા વગર, “લગ્ન કર્યા એટલે બાળકો પેદા કરવાની-
વંશ વિસ્તારવાની જવાબદારી”ના બોજથી દબાઈ જવાને કારણે નીકળતી! તમને એની પથ્થર જેવી
લાગણીહીન, શૂન્ય અને સપાટ આંખોમાં એક બાળકી/અપરિપક્વ યુવતી દેખાઈ - જે માતૃત્વ
નામના મહાન અને મોટા લેબલ નીચે દબાઈને કચડાઈને મરી ગઈ છે! તમારી બંને આંખો વહી રહી
છે, આવી અગણિત મશીની-”માં” ઓની “માતૃત્વ” નામની મહાનદેવીના હાથે થતી અકાળ-મૃત્યુના
શોકમાં.
***
માતૃત્વ- એક અભૂતપૂર્વ અને આનંદ-દાયક ઉત્સવ છે-
જો એમાં સ્ત્રીની પોતાની ઇચ્છા, યોગ્ય ઉમર અને માનસિક પરિપક્વતા- આ બધા પરિમાણો
શામેલ છે! માત્ર બાયોલોજીકલ ક્ષમતા હોવા માત્રથી, પરાણે ઠોકી બેસાડવામાં આવેલું
માતૃત્વ-અભિશાપથી ઓછું નથી!
“માં બનવું”- નારીના અસ્તિત્વનો એક ઉજ્જવળ
રંગ-પરિમાણ છે, પરંતુ એકમાત્ર નહિ!
માતૃત્વની મહાનતા, માં બનવા માત્રથી નારીત્વની
સંપૂર્ણતા, માતૃદેવો ભવઃ- આ ભ્રામક વિષયો વકૃત્વ સ્પર્ધા કે નિબંધલેખનમાં જે
અતિશયોક્તિવાળું ચિત્ર સર્જે છે- એની પેલે પાર છે... એક પરિપક્વ, લાગણીશીલ, કેરીયર
ઓરીએન્ટેડ, ક્યારેક મેસ્ડઅપ તો ક્યારેક સરળ, પ્રેમાળ, નાની-મોટી ભૂલો કરીને શીખતી-
માં! એવી “માં” જે એક સુખી મનુષ્ય છે- મહાન કે ભગવાન નહિ!
Comments
સાચું કહ્યું!:) થેન્ક્સ મારો માઈન્ડ ક્રેપ વાંચવા અને મને સપોર્ટ કરવા!