રોજ સાંજ પડે તમે ચાનો કપ લઈને બાલ્કનીમાં તમારી
બાપ-દાદાના જમાનાની ઇઝી-ચેર પર ગોઠવાઈ જાઓ છો. રોજનો આ એક કલાક તમે પોતાની સાથે,
પ્રકૃતિ સાથે વિતાવો છો, કૈક મનોમંથન તો કૈક જાત સાથે સંવાદ કરવામાં! ચાની ચુસ્કીઓ
સાથે દિમાગ ક્યાંક દોડી રહ્યું હોય, પણ આંખો કાયમ મંડાઈ હોય બાલ્કનીની એકદમ સામેના
લીમડાના ઝાડ પર. જેમ આ વૈભવી આલીશાન બંગલો તમારું નાનુંસુ રજવાડું છે એમજ તમારા બંગલાની સામે પડતા લીમડાના ઝાડ પર
એક કબુતરનું કુટુંબ રાજાશાહી સાથે રહે છે. રોજ સાંજે તમારા ટી-ટાઈમે જયારે તમે
ચા-નો કપ લઈને બાલ્કનીમાં પોતાની ઇઝી ચેરમાં ગોઠ્વાઓ છો ત્યારે સામે પડતા લીમડાના
ઝાડ પર સુંદર મઝાનો માળો બનાવીને રહેતા કબુતર-ફેમિલીને જોઈ રહો છો. ક્યારેક નર અને
માદા કબુતર બચ્ચાઓને કૈક ખવડાવી રહ્યા હોય છે તો ક્યારેક પોતાની પાંખો વળે ગરમાળો
આપી એકબીજાને વ્હાલ કરી રહ્યા હોય છે. પોતાની મસ્તીમાં મસ્ત આ કબુતર-કુટુંબ પણ
જાણે તમારી રોજીંદી જિંદગીનો એક ભાગ બની ગયું છે. રોજ જેમના કલબલાટથી તમને આ
ગૂંગળાવી દેતી શાંતિ અને અકળાવી દેતી અમીરીવાળા સો-કોલ્ડ પોષ એરિયામાં એક હુંફાળી
મિડલ-કલાસી કંપની મળી છે એ કબુતર-કુટુંબ આજે ગેરહાજર લાગે છે! તમે સહેજ ઉભા થઈને
બાલ્કનીની કિનારીએ થઈને માળામાં નજર કરો છો, એકદમ ખાલી ખમ્મ માળો તમારી અકળામણ
વધારી દે છે. જાણે કોઈ સ્વજન કીધા વિના ઘેરથી જતું રહ્યું હોય એમ તમે અકળાઈ જાઓ છો.
એક ખાલીપા સાથે તમે એકજ ઘૂંટમાં ચા ગટગટાવી જાઓ છો, જાણે એક કામ પૂરું કર્યું. આજ
સુધી બાલ્કનીમાં ચુસકી-ચુસકીએ ચા પીતી વખતે, એકલા હોવા છતાં તમને જે શૂન્ય નથી
અનુભવાયું એ આજે સમઝાય છે! કૈક અણગમા સાથે તમે બાલ્કનીમાંથી ડ્રોઈંગ રૂમમાં આવો
છો. ટીવીની સામે ગોઠવાઈ જાતને સ્વસ્થ કરવાનો નિરર્થક પ્રયાસરૂપે રીમોટને મિકેનિકલી
મચેડો છો, પણ તમને જે જોવું છે એ ટીવી પર કેમનું જોવા મળશે? રીમોટને સાઈડ પર મૂકી
તમે બુક-રેકમાંથી એક બુક ઉઠાવો છો. તમે બુકના પન્ના ફેરવી રહ્યા છો, પણ આંખો
શૂન્યમનસ્ક થઇ ક્યાંક ખોવાયેલી છે. બુકને ફરીથી કાળજીપૂર્વક ગોઠવેલા બુક્શેલ્ફમાં
સજાવી તમે ગાર્ડન તરફ આગળ વધો છો. તમારા કલાસી ગાર્ડનમાં દેશ-વિદેશના સુંદર ફૂલ
છોડ તમને પ્રફુલ્લિત કરવા મથે છે, પણ એમને કંઈ કબુતરની જેમ ઘુ-ઘુ-ઘુ કરીને કલબલાટ
કરતા થોડું આવડે છે? ગાર્ડનમાં ફરતા ફરતા તમે તમારા મિત્ર એવા કબુતર-કુટુંબના
ઘરવાળા લીમડાના ઝાડ પાસે આવો છો. જાણે કોઈ સાથે-પાસે રહેતું સ્નેહી-સ્વજન કીધા
વિના ક્યાંક ચાલ્યું ગયું હોય અને આપણે એની ચિંતામાં સારા કરતા ખોટા વધુ વિચારો
કરી અકળાઈ જઈએ, એવુંજ કૈક હમણાં તમને મહેસુસ થઇ રહ્યું છે! તમે ઉપર-નીચે થઈને માળા
તરફ જોવા પ્રયાસ કરો છો, પણ વ્યર્થ. કંઇક વિચારીને તમે ગાર્ડનમાં ફૂલ-છોડને પાણી
પાઈ રહ્યા છો, જાણે ટાઈમ પાસ કરી રહ્યા છો, જાણે અહીજ આમ-તેમ ફરીને રાહ જોઈ રહ્યા
છો કે હમણાં, કદાચ હમણાં...
અંધારું ઉતરી આવ્યું છે, તમે લીમડાના ઝાડ પાસે જ
ગાર્ડન-ચેરમાં બેઠા છો, જાણે ચોકી ભરી રહ્યા છો. સહેજ આંખ લાગી જાય છે અને અચાનક એ
જાણીતા અવાજથી આંખો ચમકીને ખુલી જાય છે. તમે ઉંચા નીચા થઈને જુઓ છો, કૈજ દેખાતું
નથી, અલબત્ત અવાજ સ્પષ્ટ સંભળાય છે. તમે લગભગ દોડતા ઉપરના રૂમની બાલ્કની તરફ જાઓ
છો. અંધારામાં કૈજ દેખાતું ના હોવાથી બાલ્કનીની લાઈટ ચાલુ કરી પોતાના મિત્રની
ખોજ-ખબર લેવા પ્રયાસ કરો છો. રોજ કરતા જુદો, કૈક તીવ્ર-વેદના વાળો અવાજ આવી રહ્યો
છે આજે માળામાંથી. બાલ્કનીની લાઈટ ચાલુ જોઈ, અને વિશેષતો તમને ત્યાં ઉભેલા જોઈને,
રોજ પોતાની ભાષામાં તમારી સાથે વાતો કરતુ એ કબુતર-કુટુંબનું એક કબુતર તમારી
નજીક-ખુબ નજીક આવીને બેસે છે. એની આંખોમાં ઉપસી આવેલા નાનાસા આંસુઓ બાલ્કનીની યેલો
લાઈટમાં ચમકી ઉઠે છે, અને તમને અંદર ઊંડે ચચરી જાય છે! તમે એની ભાષા ભલે જાણતા
નથી, પરંતુ એની મદદ માટેની આશા એની આંખોમાં તમે સ્પષ્ટ વાંચી શકો છો. તમે એની વધુ
નજીક જઈને એની પીડાનું કારણ જાણવા પ્રયાસ કરો છો અને... અને તમને દેખાય છે પાક્કા
લાલ કલરનો દોરો, એના ગળે હજુ જે લટકી રહ્યો છે. દોરાના કૃત્રિમ લાલ કલરને કબુતરના
ગાળાના ઘાવમાંથી વહી રહેલું લાલ-ચટ્ટક લોહી વધુ લાલ બનાવી રહ્યું છે જાણે! તમારી
આંખોમાંથી પણ આંસુ સારી પડ્યું. તમે કાળજીથી ધીરેકથી એના ગળામાંથી દોરો કાઢ્યો અને
નાના બાળકની જેમ દર્દથી કબૂતરે એની નાની સી આંખો બંધ કરી દીધી. જેવી એ આંખો ખુલી
જાણે તમને ફરિયાદ કરી રહ્યું. અને ... અને તમને સંભળાયો એક માસુમ અવાજ, રડમસ
અવાજ... “તમારે પતંગ નથી ચગાવવી?”
તમે આશ્ચર્યથી આસ-પાસ નજર ફેરવી, પણ કોઇજ દેખાયું
નહિ. તમને જાણે ભ્રમ થયો, છતાં તમે જવાબ આપ્યો- “મને પણ પતંગ બહુ ગમે છે, નાનપણથી
જ!”
“પતંગ તો મને પણ બહુ ગમે, રંગબેરંગી, મસ્ત
લાંબી-ટૂંકી પુછ્ડીઓવાળી! અને હું તો એની સાથે ઘણી વાર રેસ પણ કરું.. મને એની દયા
પણ આવે ક્યારેક... કે હું મારી ઇચ્છાથી મન
ફાવે એમ ઉડી શકું, પણ આ પતંગ બિચારી તો બંધાયેલી..”-એકદમ નિર્દોષ અવાજ, જાણે
દુનિયાદારીથી પર!
“હા, મને પણ પતંગનું ઉંચે જવું, ખુબ ઉંચે જવું
બહુ ગમે! જાણે મારી પતંગ સાથે હું પણ ઉડી ગઈ હોય એમ મને અનુભવાય, પણ જેવો સહેજ
દોરો ખેંચાય કે ઠુમકો મરાય, મારી સ્વપ્નસૃષ્ટિ તૂટી જાય અને મને સમઝાય... અંતે તો
એ પણ બંધાયેલી- મારી જેમ જ..”- તમે જાણે સંવાદ કરી રહ્યા તમારા મિત્ર કબુતર સાથે-
વેદનાનો, લાગણીનો સંવાદ!
“આ નાજુકસી પતંગને આ પાક્કી, ધારદાર દોરીઓથી
બાંધીને તમે સૌ શું સાબિત કરવા માંગો છો? શું પતંગ સાથે દોરો એને ઉડાવવા બંધાય
છે?- તો તો સામાન્ય મજબુત દોરો પણ એ માટે સક્ષમ છે! શા માટે એને કાચ જેવો ધારદાર
બનાવાય છે? આવી કેવી વિકૃત મઝા, જેમાં એ પતંગની સાથે અમે અબોલ-પક્ષીઓ પણ રહેંસાઈ
જઈએ છે!”-ફરી એજ વેદનાસભર, ફરિયાદી અવાજ..
“એકદમ સાચી વાત મિત્ર! જો પતંગને ચગાવવાનો જ આનંદ
લેવો હોય તો સામાન્ય પાકો દોરો સક્ષમ છે, પરંતુ અમે મનુષ્ય છીએ! અમને જેટલો આનંદ
જાતને ઉંચે લઇ જવામાં આવે છે એનાથી અનેકગણો આનંદ બીજાને નીચે પાડવામાં આવે છે!
એટલેજ ઉતરાણનો તહેવાર જે પહેલા ઉંચી પતંગ ચગાવી- એવા ઉંચા સપના જોવાના ધ્યેય સાથે
ઉજવાતો હતો એ હવે એક સ્પર્ધા બની ગયો છે! કોણ કોને કાપે છે- કોણ સૌથી વધુ કાપે છે-
એની! પતંગ ચાગાવવું ગૌણ બન્યું છે અને “કાપવું” મુખ્ય બન્યું છે! એટલેજ તો પતંગ
ચગાવવાનો દોરો જાણે યુદ્ધમાં લડવાનું હથિયાર હોય એમ એને ધારદાર તીક્ષ્ણ બનાવવામાં
આવે છે! જ્યારે અમારો કાતિલ દોરો પતંગ ઉંચે ચઢાવતા અમારીજ આંગળી કાપી જાય, ત્યારે પણ
કઠોર અને નિષ્ઠુર થઇ ગયેલા અમને - એ દર્દ કે એ પીડા નથી અનુભવતી જે એ ધારદાર દોરો
ઉપર જઈને માસુમ પક્ષીઓને આપે છે! આ તહેવાર નથી, આ અમાનુષી સ્પર્ધા છે, બર્બરતા છે!
કોઈક ની પીડા વધારીને જેને આનંદ મળે એને શું કહેવાય?”-તમે ભીની આંખે, એક્શ્વાશે
કહી ગયા, પણ કોને?
અકળાવી દેનાર શાંતિ, તડપાવી દેનાર આંખોથી આંખોનો
સંવાદ! અને ફરી થોડા આંસુઓ!
“તહેવાર છે, ઉજવણી અને આનંદ તો બને છે! હોળીમાં
નિર્દોષ-પ્રાકૃતિક રંગોની જગ્યાએ પાકા-કેમિકલ રંગો, નવરાત્રીમાં માં-અંબાની આરાધના
કરતા સુરીલા ગરબાઓની જગ્યાએ લાઉડ ઘોંઘાટીયા ડી-જે, દિવાળીમાં ઝગમગતા દીવાઓ અને
રોશની કરી નાની-મોટી જીવતો મારતા ફટાકડાઓની જગ્યાએ ધ્વની અને વાયુ પ્રદુષણ કરી ઈજા
સુદ્ધાં પહોંચાડતા ઘાતક ફટાકડાઓ- ઘણું બદલાઈ ગયું છે આજના તહેવારોમાં! શું સાચે
આનંદ અને ઉલ્લાસ માટે આપણે તહેવાર ઉજવીએ છે?”- તમે પોતાની જાતને જ પૂછી રહ્યા એ
પ્રશ્ન જે એવો વિવાદ છે જેનો કોઈ ઉકેલ કે અંત નથી!
બે મોટી- બદામી અને બે નાની-રાખોડી આંખો વહી રહી
છે, દર્દ અને આક્રોશથી!
પ્રેમ અને કાળજીથી એક હાથ મિત્ર-કબુતરને ગળે
ફેરવતા ફેરવતા, બીજા હાથે તમે તમારા સ્માર્ટ ફોન પર પક્ષીઓની મદદ માટે કાર્યરત
સંસ્થા- “પ્રયાસ”નો નંબર ડાયલ કરો છો...
***
તહેવાર, ઉત્સવ, ફેસ્ટીવલ – આપણી ગરવી સાંસ્કૃતિક
ધરોહર છે! આપણે ગર્વ અને ગરિમા પૂર્વક આપણા સંસ્કાર તેમજ તહેવારોનો વારસો જાળવીએ
છે!
મારી આજની અહી પ્રગટ થયેલી સંવેદનાઓ તહેવાર કે
ઉજવણીના વિરોધમાં નથી. વિરોધ માત્ર એના વ્યાપારીકરણ અને આંધળી સ્પર્ધા-અદેખાઈનો
છે!
આવો ઉજવીએ તહેવાર – એકદમ પ્રાકૃતિક, નૈસર્ગિક અને
નિર્દોષ રીતે! આવો ઉજવીએ ઉત્સવ આનંદ, ઉત્સાહ અને કિલ્લોલ સાથે!
આ ઉતરાણ પર આપણી પતંગને ખુબ ઉંચે ઉડાવીએ, સાથે
સાથે માનવતા અને લાગણીઓની પણ રક્ષા કરીએ પાકો ધારદાર દોરો ના વાપરીને!
આવો લાગણીઓ, સપના અને ઈરાદાઓને પાક્કા બનાવીએ-
દોરાને નહિ!
“એ જાય! એ કાઈપો!”- બીજાની પતંગ કપાય ત્યારે તો
બહુ ચિચિયારીઓ કરીએ છે આપણે! એક વાર આનંદથી- સ્વેચ્છાએ પાકો દોરો ના વાપરીને, આપણી
પતંગને ઉંચે જઈને કાપવા દઈએ અને એજ ઉલાસથી બુમો પાડીએ તો કેવું?
તહેવારના ઉલ્લાસમાં, માનવતાની મહેક પણ પ્રસરાવીએ
તો કેવું?
{જો કોઈ ઈજાગ્રસ્ત પક્ષી જણાય તો મદદ માટે તુરંત
જાણ કરીએ “પ્રયાસ” સંસ્થાને- 098 25
119081 નંબર પર!}
Comments