***
“આર યુ શ્યોર? તું પાછળથી તારું સ્ટેટમેન્ટ બદલીશ
નહિ ને?”- જ્યારે સત્ય માટે આગળ પડવાની કે લડવાની વાત આવે તો હર-હમેશ તમે તૈયાર જ
હોવ છો, પરંતુ આજે વાત બીજાના સત્યને ટેકો કરવાની છે.
“હા મેડમ. મેં બહુ વિચાર્યું, હું મારા સત્યની
સાથે જ રહીશ. જે મારી સાથે થયું એ બીજા કોઈ સાથે ના જ થવું જોઈએ.”- દરેક શબ્દ ભાર
દઈને બોલતો એ માસુમ ચહેરો એકદમ મક્કમ લાગ્યો.
“એક વાર ફરી વિચારી જો. પાછળથી દબાણ કે ઈમોશનલ
એબ્યુઝને વશ થઈને તું જો તારી વાત બદલી નાખીશ તો મારી મુશ્કેલીઓ વધી જશે.”- તમે
ધરમ કરતા ધાડના પડે એ વિચારે ફરી પૂછી રહ્યા.
“હા, હું મક્કમ છું.”-એની ભીની આંખોમાં કોણ જાણે
કેમ તમને બીજું ઘણું બધું દેખાયું.
અને તમે વિચારી રહ્યા- શું આ એજ છોકરી છે જે બે
દિવસ પહેલા ડરી-સહેમી પોતાની પાસે આવી હતી? શું આ એજ છોકરી છે જે એક શબ્દ બોલતા પણ
ખચકાતી હતી?
***
“મેડમ, તમે આજે ક્યારે ફ્રી છો?” – તમે લેક્ચર
પતાવીને બહાર નીકળ્યા અને પાછળ એક વિદ્યાર્થીઓનું ટોળું ધીમેકથી આવીને પૂછવા
લાગ્યું.
“બપોર સુધી મારે કોઈ લોડ નથી. શું કામ હતું?”-
તમે તમારું આજનું શિડ્યુલ યાદ કરીને જવાબ આપ્યો.
“કઈ નહિ મેડમ. એ તો... એ તો.. અમે પછી આવીએ તમને મળવા.”-
ટોળામાંથી દરેક જાણે તુટક તુટક શબ્દોમાં જવાબ આપ્યો. એમનો સંકોચ અને ક્ષોભ તમારા
માટે આશ્ચર્યજનક હતા, કેમકે આ વિદ્યાર્થીઓ તો પોતાના તોફાન અને બહુ બોલવા માટે
જાણીતા છે.
“ઠીક છે, હું રાહ જોઇશ.”- તમે કદાચ એમની સમસ્યાની
ગંભીરતા સમઝી ગયા.
સામાન્ય રીતે પોતાનો લેક્ચર પતાવીને થોડી મિનીટ્સ
રીલેક્સ થવા તમે કાં તો ચા પીવો છો કે પછી બુક વાંચો છો, પણ આજે દિમાગ ચકરાવે
ચઢ્યું છે. રહી રહીને એ વિદ્યાર્થીઓના
અકળાયેલા, મૂંઝાયેલા અને અટવાયેલા ચહેરા નજરની સામે ફરી વળે છે.
તમારી આતુરતા અને ચિંતા વહી રહેલા સમય સાથે વધી
રહી છે. આજે તમે કોઈ રોજીંદા કામમાં ધ્યાન પરોવી નથી શકતા. વારે વારે તમારી
ચિંતાતુર નજરો સ્ટાફરૂમના દરવાજા પાસે ફરી વળે છે. આજે જાણે સમય પણ ખુબ ધીરે ધીરે
જઈ રહ્યો છે. તમે પરાણે તમારા સબ્જેક્ટની બુકમાં ધ્યાન પરોવવા મથો છો અને તમને
સ્ટાફરૂમની બહાર કઈ ચહલ-પહલ વર્તાય છે. એકદમ ધીમા અવાજે થઇ રહેલી થોડી ગપ-સપ અને
દરવાજામાંથી થોડા ડોકિયા.. તમારી ઉત્સુકતા અને ચિંતા બેવડાય. તમને રાહ જોવું જ ઠીક
લાગ્યું. થોડીક વાર પછી એજ ગ્રુપનો એક સ્ટુડન્ટ ધીમેકથી તમારી ડેસ્ક પાસે આવ્યો.
“મેડમ, હમણાં વાત થઇ શકે એમ છે?”- એણે ખુબ હિંમત
કરીને પૂછ્યું.
“હા, બોલો.”- તમે હકારમાં જવાબ આપ્યો.
“મેડમ, તમે કેન્ટીન આવી શકો?”-આમ તેમ જોઈને સહેજ
ખચકાટ સાથે એણે પૂછ્યું.
“ઠીક છે.”- તમે તમારી બુક્સ સમેટી અને એની પાછળ
કેન્ટીન તરફ પ્રયાણ કર્યું. તમારી આગળ જઈ રહેલા આખા ગ્રુપ સાથે તમે ઘણી વાર
કેન્ટીનમાં કે લેબમાં સંવાદ કર્યો છે – પણ તે મઝાક મસ્તી કે સબ્જેક્ટ રિલેટેડ હોય
છે. આજે બાબત કૈક ગંભીર લાગે છે.
***
“મને નથી સમઝાતું કે તમે બધા કેમ ચુપ છો? કોઈ
વિરોધ કેમ નથી કરતુ? જે ખોટું છે એને ખોટુ કહેવામાં શાનો સંકોચ?”- સંકેત ગુસ્સાથી
લાલ થઇ ગયો. આખું ગ્રુપ એક અજીબ શાંતિથી નીચે જોઈ રહ્યું. જાણે બધા એકસરખો આક્રોશ
અને ગુસ્સો અનુભવી રહ્યા, એક જણને છોડીને.
આશ્કા જાણે આસ-પાસના માહોલથી અજાણ હોય એમ પોતાની
જાતને સંકોરીને બેઠી છે. નીચે ક્યાંક જોઈ રહી છે અને કોણ જાણે કેટલા સમયથી રડી રહી
છે. જાણે રડવાથી એની બધી સમસ્યાઓ વહી જશે અને એને એકદમ હળવું અનુભવશે એમ જ કૈક...
આશ્કાને આજે પોતાની જાતથી જ દુર જવું છે, ખુબ
દુર. આ ડરપોક સ્વભાવ અને આ જન્મસહજ મર્યાદાઓ- આશ્કા પોતાની જાતનેજ જવાબદાર માની
રહી.
ભીની આંખો સહેજ પોરો ખાવા બીડાઈ અને સામે છેલ્લા
થોડા દિવસમાં જીવેલી એ બધીજ પળો એકસાથે ઘૂમી ગઈ. એ દરેક મુમેન્ટ જેણે આશ્કાને કટકે
કટકે તોડી છે, આશ્કા પર જાણે હસી રહી! બંધ આંખોમાં જાણે આશ્કા એક વાર ફરી એ દઝાડતો
સ્પર્શ અને અંદર સુધી ખૂંચતી નજરોથી પીંખાઇ રહી. અને અચાનક.. બંધ આંખે આશ્કા કાલનો
દિવસ ફરી જીવી રહી.
ફ્લેશબેક ... ફ્લેશબેક... ફ્લેશબેક..
છેલ્લા કેટલાય મહિનાથી આશ્કા અંદર ને અંદર
ગૂંગળાય છે. “સર”નો લેક્ચર હોય કે પ્રેક્ટીકલ શક્ય હોય ત્યાં સુધી આશ્કા એવોઈડ કરે
છે. હવે તો મિત્રો પણ નોટીસ કરી રહ્યા છે કે “સર”ના લેક્ચર-પ્રેક્ટીકલના સમયે જ
મોટે ભાગે આશ્કા બીમાર પડે છે, આશ્કાના સ્કુટીમાં પંક્ચર પડે છે કે આશ્કાનું કોઈ
રીલેટીવ સીરીયસ થઇ જાય છે. આજે કોઈ બહાનું નહિ ચાલે, પ્રેક્ટીકલમાં જવું જ પડશે-
વિચારીને જ આશ્કાના હાથ-પગ ઠંડા થઇ જાય છે. આશ્કા મિત્રો સાથે ભીડનો ભાગ બનીને
લેબમાં જાય છે, જાણે પોતાની જાતને છુપાવી રહી છે. પોતાના ગ્રુપની સાથે કિટ પર
પ્રેક્ટીકલ કરવામાં વ્યસ્ત આશ્કા અચાનક “સર”ને પોતાની તરફ જોતા જોઈને થથરી જાય છે.
છેલ્લા બે-ત્રણ મહિનાથી “સર” કૈક વિચિત્ર રીતે એને જોઈને કૈક સાંકેતિક ઈશારા કરે
છે, જે આશ્કા લગભગ એવોઈડ કરે છે- પોતાની અણસમજ સમજીને! અને જેમ જેમ આશ્કા અવગણે છે
“સર” ની હિંમત ચુપકીદીમાં આશ્કાની સંમતી સમઝીને વધુ આગળ વધે છે! અને આજે તો..
આશ્કા ટોળાની વધુ અંદર ગઈ, એ નજરોથી બચવા. અને “સર” અચાનક કૈક સમઝાવવા કીટ પાસે
આવે છે અને આશ્કાને જાણી જોઈને મારવામાં આવેલો એ હળવો ધક્કો ગભરાવી દે છે. આશ્કા
પોતાની જાતને સંકોરીને ઉભી રહે છે અને ખબર નહિ કેમ “સર” અખા ગ્રુપમાંથી એનેજ કીટ
ઓપરેટ કરવા પાસે બોલાવે છે. લગભગ ધ્રુજતી આશ્કા કીટ ઓપરેટ કરવા પ્રયાસ કરે છે
અને... અને કૈક ભૂલ થતા “સર” એનો હાથ પકડીને એને શીખવાડે છે. આશ્કાને હાથ ઝટકીને
બુમ પડવાનું મન થાય છે – કે “સર” તમારે જે શીખવાડવું છે, એ મારે નથી શીખવું... પણ
એટલી હિંમત ક્યાંથી લાવે? પ્રેક્ટીકલ પતાવીને ફાઈલ સાઈન કરાવવા ગયેલી આશ્કાને “સર”
આજે વ્યસ્ત હોવાથી, બીજા દિવસે ઘરે આવીને સાઈન કરાવવા સુચન કરે છે. આશ્કાની
ગભરાયેલી આંખો હવે ભરાઈ આવે છે.. અને પ્રેક્ટીકલ પત્યા પછી કેન્ટીનમાં મિત્રો સાથે
દોરવાયેલી આશ્કા કાલના વિચારમાત્રથી ધ્રુજી ઉઠે છે. પોત-પોતાની ધૂનમાં ખોવાયેલા
મિત્રો અચાનક ડૂસકે ચડેલી આશ્કાને ચુપ કરાવવા મથે છે. આશ્કાના અવિરત વહી રહેલા
આંસુ કૈક ગંભીર વાતનો સંકેત આપે છે અને આ આંસુઓને આજના અને ઘણા દિવસના આશ્કાના
વર્તાવ સાથે જોડતા મિત્રો થોડું-ઘણું સમઝી જાય છે! બાકીનું આશ્કાના આછા-પાતળા
શબ્દો કહી દે છે.
“આજે જ, હમણાં જ કમ્પ્લેન કરવાની છે. વ્યક્તિની
પોસ્ટ કે પાવરથી ડરી અન્યાય સહન કરવું ખોટું છે! આજેજ મેડમને વાત કરીએ. મેડમ એકદમ
સરળ સ્વભાવના છે, જરૂર સમઝશે!”-સંકેતે ફરી ઉગ્રતાથી પોતાની વાત રજુ કરી.
આશ્કા અચાનક ફ્લેશબેકમાંથી એક ઝાટકે બહાર આવી,
કોઈક્ મક્કમતા સાથે!
“હા, હવે સહન નહિ જ કરું. ના તો કોઈ બીજાને સહન
કરવ દઈશ! હું લડીશ. હું મારી વાત સ્વસ્થતાથી, નિર્ભીક રીતે રજુ કરીશ!”-આશ્કાના
શબ્દોએ આખા ગ્રુપમાં હિંમત ભરી!
***
“કોગ્રેચ્યુંલેશ્ન્સ આશ્કા! તારી હિંમત અને
મક્કમતા વળે આપણે એક બદીને નાબુદ કરી શક્યા. પોલીટીકલ પ્રેશર, ઈમોશનલ એબ્યુઝ અને
પારિવારિક ભીંસમાં પણ પોતાની વાત પર મક્કમ રહીને તે માત્ર તારી જાતની નહિ, બીજી
કેટલીયે વિદ્યાર્થીનીઓની મદદ કરી છે! તારો દાખલો નબળા પર સબળ દ્વારા થતા અન્યાયને
ભલે સાવ નહિ અટકાવે પણ ઘટાડશે તો ચોક્કસ! ખોટું લાગે ત્યાં બોલવાની, વિરોધ કરવાની,
લડવાની આ ભાવના કાયમ જાગૃત રાખજે!”- તમે આશ્કાને બિરદાવી. છેલ્લા પંદર દિવસમાં તમે
જગ-દો-જહદ કરીને આશ્કાની કમ્પ્લેનની છેક ઉપરના લેવલ સુધી રજૂ કરી છે. તમે અને
આશ્કાએ જાત-જાતના દબાણો અને તાણને નાથી- “સર”ને એમના હીન કૃત્ય બદલ સજા અપાવી છે -
આજે તમે આ ધર્મયુદ્ધ જીત્યા છો! અલબત્ત આશ્કાના સારથી – કૃષ્ણ બનીને!
***
સહન કરી લેવું, એવોઈડ કરવું, ચલાવી લેવું- ઘણી
પરીસ્થીતોને જટિલ બનાવી દે છે!
સત્ય-અસત્ય, ન્યાય-અન્યાયના પ્રશ્નોમાં ઘણી વાર
-પાવર, મની, પોઝીશન, પોસ્ટ, પોલીટીક્સ અને એવા ઘણા ઇન્ફ્લુંઅન્સિંગ પેરામીટર્સ
હાવી થઇ જતા હોય છે. આવા સંજોગોમાં મક્કમતાપૂર્વક સત્યને સાથે રાખીને લડવું જરૂરી
છે. પરિસ્થિતિને નકારવાથી કે સ્વીકારી લેવાથી સંજોગો અને પરિસ્થિતિ વધુ વણસે છે!
લડવાથી, અણગમો બતાવવાથી – એટલીસ્ટ સમસ્યાને એક લેવલ પર રોકી શકાય છે, એનો સામનો
કરીને એને જીતી પણ શકાય છે! સરેન્ડર કરીને વિક્ટીમ બનવા કે જાતને કોસવા કરતા સામનો
કરીને ન્યાય મેળવવો વધુ યોગ્ય છે! કદાચ પહેલા પગથીયે અનુકુળ પરિણામ નાં પણ આવે,
પરંતુ દિલથી લડ્યાનો સંતોષ તો મળે જ છે!
શોષણ કરવું ગુનો છે, તો શોષણનો સત્ય જાણતા હોવા
છતાં પણ ભોગ બનવું-સહન કરવું- એ વધુ મોટો ગુનો છે!
સહન-શક્તિ એકમાત્ર એવી શક્તિ છે જે તમારી પાસે
નાં જ હોય એ બહેતર છે!
લડો પોતાની ગરીમા-અસ્તિત્વ અને સત્ય માટે...
પાવર-પોઝીશન-પોલીટીક્સને પાર કરીને!
Comments