લાઈફ સફારી, પેજ ૩, વુમન્સ ગાર્ડિયન, ગુજરાત ગાર્ડિયન ન્યુઝ પેપર |
***
“ડેડ, જસ્ટ અ વીક, એન્ડ આઈ
હેવ વેકેશન! બોર્ડની એકઝામ્સ પતશે અને આઈ એમ ફીલીંગ હાશ! મેં તો એક લીસ્ટ બનાવ્યું
છે, વેકશનમાં કરવાની પાગલ-પનતીનું! ”- બોર્ડની એક્ઝામ, કરિયર
માટે કાઉન્ટ-ડાઉન અને ટીન-એજ ટશનની મિક્સ ફીલિંગ્સનું બેલેન્સ કરી લાઈફની આ જગદ-ઓ-જાહેદમાં
લડી રહેલો મારો ટીપુ-સુલતાન કેલેન્ડરમાં દિવસો ગણી રહ્યો- આઝાદીના.
“વીક પણ નહિ, જસ્ટ ફાઈવ ડેયઝ
સન્ની! પાંચ દિવસ પછી સ્કુલ લાઈફ પૂરી અને એક નવી દુનિયા શરુ- કોલેજની! કોલેજલાઇફ
યશરાજ કે રાજશ્રી પ્રોડક્શનની મુવીઝમાં બતાવે એવી કલરફૂલ નથી, આ નવી શરૂઆતમાં પણ
પુષ્કળ પંગા છે, એટલે મિસ્ટર હેન્ડસમ આ વેકેશનને પૂરું એન્જોય કરી લે, દિલથી! બોલ
ક્યાં ફરવા જવું છે? તારી આખી ફ્રેન્ડઝ-ગેંગનું વન વિકનું ગોવાનું પેકેજ બુક કરાવી
દઉં? કે પછી કોઈ એડવેન્ચર ટુર સેટ કરું?”- બ્રેકફાસ્ટ ટેબલ પર મારા પતિદેવ મીઠ્ઠી મેંગો, ફ્રેશ
જ્યુસ અને પરાઠા સાથે ગરમ-ગરમ હોલીડે પ્લાન્સ સર્વ કરી રહ્યા. બેકગ્રાઉન્ડમાં વાગી
રહ્યું મારા હેન્ડસમ ટીપું સુલતાનનું રીસન્ટ ફેવરેટ સોંગ- “રંગી પરોઢ આવી ખુશીયો સંગ લાવી, હરખાયે હૈયું હાયે...
હાયે...”
“અવિ, આ વેકેશનમાં હું અને તારી મમ્મી પણ દ્વારકા જવાનું વિચારીએ છે. અમારું
સીનીયર સિટીઝન્સનું આખું ગ્રુપ રેડી છે. દસ દિવસનો પ્રોગ્રામ છે. એમ પણ હવે આખું
વર્ષ સોહાના લગ્નની દોડ-ધામ રહેશે તો ક્યાય નીકળાશે નહિ. “- પપ્પા ઉત્સાહથી એમના વેકેશન પ્લાન્સ શેર કરી
રહ્યા. એક વેકેશન પોતાની સાથે કેટલા સપના અને ખુશીઓ લાવે છે- બધા માટે- હું વિચારી
રહી! બધા માટે? – પૂછી રહી પોતાની જાતને!
“ક્યાય જવાનું નથી! કાલે જ સ્વીટીનો ફોન હતો.
નેકસ્ટ વીક સ્વીટી આવવાની છે, બાળકો સાથે. એક વેકેશનમાં તો માંડ બિચારી છૂટી થાય
છે!”- પોતાની ફેવરેટ ચાને પણ આજે સાઈડ પર મૂકી મમ્મી પોતાની વ્હાલી દીકરીની
ચિંતામાં પરોવાઈ ગયા.
“મમ્મીની વાત એકદમ સાચી છે. સ્વીટીદીને એમ પણ સયુંકત પરિવાર એટલે વેકેશનમાં અહી
ઘેર આવે ત્યારેજ મોકળાશ મળે. પણ મમ્મી તમે તમારો પ્લાન કેન્સલ ના કરશો! તમે ટ્રીપ
પર આખું ઘર લઈને થોડા જવાના છો? અમે તો છીએને! હું ઓફિસથી પરમીશન લઇ લઈશ, સ્વીટીદી
રહે એટલા દિવસ ઘરે જલ્દી આવવાની. ” – મેં ત્રાંસી નજરે ઘડિયાળમાં જોઈ, આજે બસ ચુકાઈ જ
જશે-ની ચિંતા બેક ઓફ ધ માઈન્ડ ખસેડી- મમ્મીની ઠંડી ચા પાછી લઇ, ગરમ ચા સર્વ કરતા
કહ્યું.
“ પણ બેટા, તું નોકરીએ જાય અને સ્વીટી ઘરે... આઈ મીન... એ સહેજ આરામ કરવા આવી
હોય અને ... આ તો કોઈ ઘેર જોઈએને.... અને ... “- મમ્મી શબ્દો ગોઠવી રહ્યા અને હું ગોઠવી રહી અન્-કોન્શીયસલી
બચેલી રજાઓનો હિસાબ.
“મમ્મી, નો વરીઝ. સિમ્મી દસ-પંદર દિવસ રજા લઇ લેશે. બેનબાની વર્ષમાં એક જ વાર
તો સેવા કરવા મળે છે! તમે તમારું પેકિંગ ચાલુ કરી દો. સ્વીટીનું પણ અહી આવવાનું
બુકિંગ હું આજે જ કરાવી એની ટીકીટ કુરીયરથી મોકલી દઉં છું. ” – અવિ- મારા પતિદેવ ટીપીકલ આદેશાત્મક નજરે મને જોઈ
રહ્યા.
એક પછી એક દરેક આંખ મારા પર મંડાઈ. હું વિચારી રહી- મારે તો કાયમ સંમતિ જ
આપવાની છે! મારો નિર્ણય કે મારી મરજી પૂછવાની જરૂર ક્યા વર્તાઈ છે આજ સુધી!
મારી ખામોશી કદાચ શ્રવણ જેવા આદર્શ-પુત્ર, મારા પતિદેવને અકળાવી ગઈ!
“એમાં સિમ્મીને શું પૂછવાનું હોય? સિમ્મી, પંદર દિવસનો લીવ રીપોર્ટ ભરી દેજે
આજે જ. ” – પુરુષ-સહજ અહમ સાથે અવિએ પોતાની ધર્મ-પત્નીને ઓર્ડર કર્યો.
“મમ્મી, સ્વીટીદીને ભાવતી બધી ડીશીઝ મને ખબર જ છે! અને એમની સહેલીઓને મળવાનો
અને શોપિંગનો કાર્યક્રમ પણ હું મસ્ત સેટ કરી દઈશ. તમે બિલકુલ ચિંતાના કરશો. એક કામ
નહિ કરવું પડે મારા બેનબાને! હું એક વીકની લીવ માટે રીક્વેસ્ટ મોકલી દઉં છું- પંદર
દિવસ સહેજ અઘરું છે. હમણાં જ મને પ્રમોશન મળ્યું એટલે થોડી જવાબદારી વધી છે. પણ
ઘરનું કામકાજ અને બીજું બધું હું મેનેજ કરી લઈશ, પહેલા પણ કરતી જ આવી છું ને!” – રીલેશન અને રિસ્પોન્સીબીલીટી બંનેને બેલેન્સ
કરવાનો વ્યર્થ પ્રયાસ કરી રહી હું!
મમ્મી ચાનો કપ મુકીને પૂજાઘર તરફ વળ્યા અને પપ્પાજી પરાઠાની ડીશ સાઈડ પર મૂકી
ન્યુઝપેપરમાં ખોવાઈ ગયા. અણગમાના બધા જ અણસાર સ્પષ્ટ દેખાઈ રહ્યા.
“સિમ્મી, તું એકલી આ દુનિયામાં જોબ નથી કરતી. પ્રાઈમ મીનીસ્ટર વગર પણ દેશ ચાલે
છે, પંદર દિવસ રજા લઈશ તો તારી કંપની બંધ નૈ થઇ જાય! હું મરી જઈશ ત્યારે પણ તું એમ
જ કહીશ ને કે એક વીકમાં વિધિ પતાવો, પંદર દિવસ રજા નહિ મળે! યાદ રાખજે કે આ ઘર
તારી સેલરી પર નથી ચાલતું. આ તારી જોબ કે પ્રમોશનની ચરબી અહી નહિ ચાલે. આ ઘરમાં શું કરવાનું અને શું નહિ – એ સલાહ તારે
આપવાની જરૂર નથી. તને જે કીધું એ ચુપ-ચાપ કર.” – આગ ઝરતી એ આંખો- મારા પતિદેવની હતી (- જેમણે
મને ધાર્મિક વિધિ-વિધાન અને સમ્માન પૂર્વક જીવનસાથી બનાવી હતી!) કે મારા માલિકની
(- જે મારી , મારા શ્વાછોશ્વાશ સુદ્ધાની માલિકી ધરાવે છે! )- હું વિચારી રહી...
મેં ક્યા રજા લેવાની ના પાડી છે કે મને ક્યા નણંદના આવવાનો અણગમો છે? વાત
માત્ર મારી અનુકુળતા , મારી પ્રોફેશનલ જવાબદારીઓ, કે મારી સેલરી અને એ કમાતા મને
પડતી હજાર અગવડોને પણ ક્યારેક રીસ્પેક્ટ આપવાની કે પૂછવાની છે. મારા શબ્દો,
આક્રોશ, અકળામણ, ઇચ્છાઓ, શ્વાસ – હું આખે આખી, વહી રહી – ટીપે ટીપે.
કોને ફરક પડે છે મારા વહેવાથી કે કઈ કહેવાથી...
ડાયનિંગ ટેબલના ખૂણે બેસી ક્યારની નીચી નજરે આ સો-કોલ્ડ સંવાદકે માત્ર વિવાદ
સાંભળી રહેલી મારી દીકરી સોહા ભીની આંખે અને નીચી નજરે મને જોઈ રહી. કદાચ દિલથી
અનુભવી રહી મારી બળેલી-કળેલી બધી લાગણીઓને! ટૂંક સમયમાં જ લગ્ન કરીને સાસરે જવાની
છે એ મારી દીકરી કદાચ પોતાના ભવિષ્યને જોઈ રહી- મારી ફ્રેમમાં!
“મોમ, તને કેટલા વર્ષોથી વેકેશન નથી મળ્યું? તું એક વીક રજા લઇ લે. આપણે બંને
વેકેશન પર જઈએ. એક ટ્રીપ મારા લગ્ન પહેલા, એ મુક્તિના નામે - જે તને ક્યારેય નથી
મળી અને મને પણ લગ્ન પછી કદાચ નહિ મળી શકે! સ્વીટીફુઈને પણ સાથે લઇ જઈશું- એમની
ઈચ્છા હોય તો! નહિ તો ડેડ રજા લેશે. આ રીલેશન
અને રિસ્પોન્સીબીલીટી જેટલા તારા છે એથી વધુ એમના છે! ” – જે વર્ષોથી હું વિચારી પણ ના શકી એ મારી દીકરી
એક શ્વાશે બોલી ગઈ!
***
રજા, વેકેશન, મુક્તિ, મોકળાશ – રોજિંદા શિડ્યુલને રિવાઈવ કરે છે, ઘડિયાળના
ટકોરે દોડતી આપણી લાઈફને લાઈવ અને હેપનિંગ બનાવે છે!
રાજા કે વેકેશનના દિવસોમાં આપણા ઘરના પુરુષો ટીવીની સામે પગ ફેલાવી કલાકો સુધી
ન્યુઝ પેપર વાંચી શકે છે, બપોરે બાર-એક વાગ્યા સુધી મિત્રો સાથે ગપાટા મારી શકે
છે, ગમતા પુસ્તકો કે મુવીઝ માણી શકે છે,
હેંગ-આઉટ પ્લાન કરી શકે છે- લીસ્ટ ગોઝ ઓન!
હવે વિચારો રજાના કે વેકેશનના દિવસોમાં આપણા ઘરની સ્ત્રીઓના રૂટીનમાં શું
ચેન્જ આવે છે?
શા માટે આપણા ઘરની સ્ત્રીઓને જીવવા કે મુક્ત મહેસુસ કરવા પિયર જવું પડે છે? “પોતાનું ઘર” – એ શબ્દ કાયમ જ કેમ મિથ્યા બની રહે છે ફીમેલ
જેન્ડર માટે? કેમ નથી આપી શકતા આપણા ઘરની સ્ત્રીઓને વીકમાં/ મહિનામાં કે વર્ષે ,
એક એવો દિવસ કે જ્યારે કિચન, સાફ-સફાઈ,
પરિવાર, કરિયાણું, બાળકોનું ભણતર અને બીજા
બધા જ પ્રશ્નો સહેજ આઘા ખસેડી પોતાની જાતને જીવી શકે- જેમ ગમે એમ!
જવાબ ભલે ના જ આપો...
આપી શકો તો આપો -એક દિવસ પોતાની જીન્દગી પોતાની રીતે જીવવાની મોકળાશ, એક રજા
કે એક નાનું વેકેશન- એ સ્ત્રીઓને જે જીવે છે તમને કેન્દ્રમાં રાખીને.
Comments