લાઈફ સફારી, પેજ ૩, વુમન્સ ગાર્ડિયન, ગુજરાત ગાર્ડિયન ન્યુઝ પેપર |
“આજે સન્ડે છે, નો વર્ક એટ હોમ!”- આખું વીક બીઝી
રહેતી મારી જીગર-જાન સહેલીનું અચાનક ટપકવું- મહેસુસ કરાવી ગયું કે પાક્કું આજે
સન્ડે જ હોવો જોઈએ!
“આ વીકમાં પ્રોજેક્ટ ડેડલાઈન છે એટલે થોડું કામ
પતાવતી હતી. હવે તું આવી એટલે બંધ. એમ પણ ઘરે એકલા હોઈએ તો સન્ડે હોય કે મન્ડે શું ફર્ક પડે
છે? “- લેપટોપ બંધ કરી સાઈડ પર મુક્યું, સ્પેક્સ ઉપર ચઢાવ્યા અને ફેવરીટ મ્યુઝીક
ચાલુ કર્યું- સન્ડેનો મૂડ બનાવવા.
“દિલ ઢુંઢતા હે ફિર વહી, ફુરસત કે રાત-દિન... “ –
બેકગ્રાઉન્ડમા એક પરફેક્ટ સોંગ , ફોરગ્રાઉન્ડમા બે મિત્રો અને નવરાશ- મારા માટે
પરફેક્ટ સન્ડે!
“આઈ હેટ યોર પ્લે-લીસ્ટ, ચેન્જ કરો મ્યુઝીક. કૈક
રોકિંગ, કૈક તોફાની – એકદમ ઢીન્ચાક!
બોલેતો- રોક સ્ટાર મુવીમાં કહે છે એમ- આજ કુછ ગંધ મચાતે હે, વોટ સે? શરૂઆત કરીએ
સર્કસથી. તારી સોસાયટીના બાજુના ગ્રાઉન્ડમા સર્કસ આવ્યું છે- તે મને કીધું પણ નહિ?
હું અહી આવતા પહેલા ત્યાં જઈને આવી અને સી ધીસ ટુ ટીકીટસ! ”- સર્કસની ટીકીટ જાણે ફોરેન ટ્રીપનું પેકેજ હોય એમ
સ્ટાઈલથી હલાવતી મિસ-તુફાનીનાં ચહેરાના હાવભાવ અને તોફાન કરવાના પ્રપોઝલથી આંખોમા
અજીબ ચમક આવી ગઈ. જાણે થાકી હોઈ હું પણ રૂટીન, સભ્ય અને બોરિંગ ઘડિયાળનાં કાંટે
ચાલતી લાઈફથી!
રાજધાનીની સ્પીડે તૈયાર થઈને શતાબ્દીની સ્પીડથી
સર્કસ સુધી પહોંચ્યા, તો પણ પહોંચ્યા ૧૦ મીનીટ લેઈટ. કદાચ દુનિયાનાં બધા જ સર્કસને
એક કોમન નામ રાખવાનો રુલ હશે એમ વિચારતા અમે ગોઠવાયા “ગોલ્ડન સર્કસ” નાં તંબુમાં.
***
સ્ટેજ પર પહેલી આઇટમ ચાલી રહી હતી. સ્ટેજની
મધ્યમાં એકદમ પાતળા લાકડાથી એક બ્રીજ જેવું બનાવાયું હતું, જેના બે છેડે એ બ્રીજ
પર ચઢવા અને ઉતારવા બે એકદમ પાતળી લાકડીઓ ગોઠવેલી હતી. એક બકરીને એ પાતળી લાકડી પર
ચઢાવામાં આવી રહી હતી. બકરી બે કદમ ઉપર જઈ, સહેજ ડરી એક કદમ પાછળ માંડતી અને એને
ઉપર ચઢાવનાર માસ્ટર એના કાન પાસે બે લાકડીઓથી અવાજ કરતો. બકરીએ ધમકીને સમઝી
ચુપ-ચાપ ફરી ચઢવાની કોશિશ કરતી. અત્યંત પાતળી લાકડી પર ચઢતા પ્રેક્ટીસ હોવા છતાં
થોડું ચઢી બકરીના પગ પાછા પડતા અને , ફરી એ બે લાકડીનો અવાજ કાનમા ધમકી રેડતો.
બકરી સ્લોપવાળી લાકડી ચઢી, ધીરેકથી બે લાકડીઓ વચ્ચેના પાતળા બ્રીજ પર પહોંચી. અને
આખો હોલ તાળીઓનાં ગડગડાટથી ગુંજી ઉઠ્યો! મારી નજર આ આખા તમાશાની પેલી પાર બકરીની
આંખો પર મંડાએલી હતી. કોરી, નિસ્તેજ એ આંખો પણ કદાચ આ તમાશો પતે એ રાહથી આ બ્રીજ
ક્રોસ કરવાની ઉતાવળમાં હતી. એક ડગલું આગળ, સહેજ બેલેન્સફેર અને એક મોટી છલાંગ સાથે
બકરી નીચે. અને ફરી એજ આખી રમત, બકરીને સ્લોપવાળી લાકડીથી બ્રીજ પર ચઢાવવા- એજ
લાકડીના અવાજની ધમકી, માસ્ટરની કરડી આંખો અને બકરીના સહેજ આગળ જઈ પાછળ વળતા પગલા.
તાળીઓનો ગડગડાટ – અને કોણ જાણે કેમ મારી આંખો બીડાઈ ગઈ- કદાચ આ તમાશો સહનનાં કરી
શકી.
“શું અજુગતું લાગ્યું આમાં? ટ્રેનીંગ, પ્રેક્ટીસ
અને પરફોર્મ ઇન ટેન્શન- એમાં શું ખોટું છે!”- મારી તુફાનએક્સપ્રેસ નવાઈથી મને જોઈ
રહી!
દિમાગે દિલને એક જ દિવસ રીવાઈન્ડ કરી યાદ
દેવડાવ્યું – કે ઈટ્સ લાઈફ- કઈ ખોટું નથી જ આમાં.
***
રીવાઈન્ડ ... રીવાઈન્ડ .... રીવાઈન્ડ....
સમય – ૧ દિવસ પહેલા.
સ્થળ- મારું સ્વીટ હોમ, ડાયનીંગ ટેબલ.
“મોમ ઈટ્સ વિકેન્ડ. એક મુવી, ખાલી ૨ કલાક. પ્લીઝ
મોમ!”- મારો પ્રિન્સ ચાર્મિંગ રીક્વેસ્ટ કરી રહ્યો.
“નો. નાં. નહિ. – બીજી કઈ ભાષામાં જવાબ આપું?
એક્ઝામ આવે છે. વાંચો. અને વાંચવાનો મુડ નાં જ હોય તો ૨ કલાક ઉંઘી જા, એટલીસ્ટ તું
ફ્રેશ થઇ જઈશ.“- જ્યુસનો ગ્લાસ હાથમા આપતા મેં દુખી દિલથી રીજેક્ટ કરી દીકરાની
રીક્વેસ્ટ.
“મોમ , યુ સાઉન્ડ લાઈક ટીપીકલ ફિલ્મી મોમ. એક્ઝામ
ને હજુ ૨ મહિનાની વાર છે.” – જ્યુસનો ગ્લાસ જેમ નો તેમ ટેબલ પર મૂકી ગુસ્સામાં પગ
પછાડતો મારો લાડલો એના રૂમમાં ગયો, ધમ્મ અવાજથી દરવાજો પછાડતો.
અને હું જ્યુસનો ગ્લાસ અને મારું લેપટોપ લઇ એની
પાછળ પાછળ દોરવાઈ. બુક્સ નાં ઢગલા વચ્ચે બેસી કોઈ એક બુકના પન્ના ઉથલાવો મારો
કુંવર ત્રાંસી આંખે મને જોઈ રહ્યો.
હું ચુપ ચાપ, એને ડીસ્ટર્બનાં થાય અને એનું ધ્યાન
પણ રહે એમ એની સામે જ મારું લેપટોપ લઇ કામ કરવા બેઠી.
“મોમ, નાવ આઈ ફીલ લાઈક- જેલનો કેદી. મને મારા
સ્ટડીઝની અને કેરીયરની ચિંતા છે જ. આમ જેલરની જેમ માથા પર બેસી મને ઓબ્સર્વ નાં
કર. આઈ નીડ સ્પેસ. મારાથી આમ ટેન્શનમાં અને પ્રેશરમા નથી ભણાતું.”- હિંમત કરી નીચી
નજરે છતાં મક્કમ અવાજે મારા લાડલાએ એની વાત રજુ કરી.
“હું આઘી પાછી થાઉં અને તું મોબાઈલ, ઈન્ટરનેટ કે
મ્યુઝીક ચાલુ કરી દેશે- હું ઓળખું ને તને! લાસ્ટ એક્ઝામનું તારું રીઝલ્ટ મને ખબર જ
છે. આ વખતે તને ગમે કે નાં ગમે, હું તને વંચાવીને અને સારું રીઝલ્ટ લાવડાવીને જ
રહીશ. કઠોર પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી – વાંચો ચુપ ચાપ. અને હું તને સહેજ્ પણ
ડીસ્ટર્બ નથી કરતી, શાંતિથી મારું કામ જ કરું છું. હું અહી જ બેસીસ- તારી સામે.“-
મેં મારી બદામી આંખોને સહેજ મોટી કરી સીમ્બોલીક ધમકી આપી જાણે.
અને નિસ્તેજ, કોરી આંખે મારો કુંવર એક બુક ખોલી
વાંચવામાં પરોવાયો કે પછી વાંચવાનો ડોળ કરી રહ્યો.
***
“ક્યા
ખોવાઈ ગઈ? ક્યા જુએ છે. તારી ચોઈસ આટલી બધી ખરાબ તો નથી કે આ માસ્ટરને સ્ટેર કરે
છે તું!”- દિમાગ અને દિલની ટાઈમ ટ્રાવેલને એક ઝાટકે બ્રેક મારી, પ્રેઝન્ટમાં લઇ
આવતા મારી તુફાનએક્સ્પ્રેસ્ બોલી.
“હે ભગ્ગુ, ઉઠાવી લો – મને નહિ તો આ માસ્ટર ને!”-
હસીને મેં વાત અને દિમાગને ડાયવર્ટ કરવાનો પ્રયાસ કર્યો.
એક પછી એક આઇટમ સર્કસનાં સ્ટેજ પર રજુ થતી રહી.
તાળીઓનાં ગડગડાટની વચ્ચે કોણ જાણે કેમ, મને સંભળાઈ રહી કોઈની ચીસો.
આંખો મંડાઈ સ્ટેજની કિનારીએ બંધાએલી અને મજબુરીથી
સાક્ષીભાવે આ તમાશો જોઈ રહેલી બકરીની ભીની આંખો પર. અને દ્રષ્ટિભ્રમ ગણો કે
મતિભ્રમ, બકરીના નિર્લેપ ચેહરા પર મને મારા લાડલા દીકરાની નિસ્તેજ-હતાશ આંખો
દેખાઈ- જાણે જોઈ રહી મારો તમાશો! અને ટ્પ ટ્પ કરતા ૨-૩ આંસુ સારી પડ્યા.
***
એક્ઝામ એટલે જ્ઞાનની કસોટી. પરંતુ સંવેદના, સપનાઓ
અને વ્યક્તિત્વ કોઈ એક્ઝામથી નથી જ ઘડાતા!
વ્યક્તિનું મુલ્ય - એના ગુણો અને કર્મો પરથી થવું
જોઈએ- એણે ગોખેલા કે લખેલા શબ્દો કે આ જહેમત બદલ મળેલા માર્ક્સનાં લેબલથી નહિ!
એકઝામનું રીઝલ્ટ અલબત્ત વિદ્યાર્થીનું જ્ઞાન
ચકાસે છે, પરંતુ માત્ર જ્ઞાન દ્વારાજ વ્યક્તિત્વ ઘડતર થતું નથી!
બાળકને ભણતર અને એક્ઝામનું મહત્વ સમ્ઝાવવું ખુબ જ
જરૂરી છે અને એટલું જ જરૂરી છે એના રાહબર બની એને વખતસર સાચો માર્ગ બતાવવો. છતાં
એક્ઝામ તો બાળકની જ થવાની છે – આપણી નહિ!
સર્કસનાં માસ્ટર ની જેમ સોટી બતાવી જો આપણે
બાળકોને ટ્રેઈન કરીશું તો કદાચ એ બકરીની
જેમ એક વાર તેઓ પાટે ચડી તો જશે પરંતુ નજીવી દિશાચૂકથી સંતુલન ગુમાવી દેશે.
માત્ર માર્ગદર્શન જરૂરી છે, ધાક- ધમકી કે ભય નહિ!
ચિત્રકળા, નાટ્યકળા, સંગીત, લેખનની જેમ જ ભણવું એ
પણ એક કળા છે – રુચિ નો વિષય છે. જે ઓછો કે વધુ હોઈ શકે અને માવજતથી કેળવી શકાય
છે, પરંતુ એમાં પારંગત થવા સ્વયમ મહેનત કરવી જરૂરી છે!
આવો આપણા બાળકોને માત્ર ચીંધીએ રસ્તો, ચાલવા દઈએ
એમને જાતે – એમની પોતીકી મંઝીલ સુધી.
Comments