બાળકને “એડોપ્ટ કરવું” અર્થાત “દત્તક લેવું”- શું
વિચારો છે તમારા એ વિષે?
બે એકદમ વિરોધાભાસી વિચારધારાઓ-પક્ષ/પ્રતિપક્ષ
સંકળાયેલા છે આ પ્રશ્ન સાથે.
એક દલીલ સામાજિક અને કૌટુંબિક પ્રશ્નો સાથે
સંકળાયેલી છે. આ દલીલ અનુસાર બાળકના જન્મજાત ગુણો અને માં-બાપમાંથી આવતા આનુવાંશિક
લક્ષણો આ-જીન્દગીના પાલન-પોષણ બાદ પણ બદલાતા નથી! એક બાળકને કાયદાકીય રીતે તમે
કુટુંબનો ભાગ બનાવી જ શકો છો પરંતુ વહેલા-મોડા હકીકત જાણી જતું એ બાળક ક્યારેય
દિલથી પરિવારનો ભાગ નથી જ બનતું. અંતે તો બિચારું બાળક જ ઈર્ષ્યા, સરખામણી, મહેણાં
વિગેરેનો ભોગ બને છે અને દુખી થાય છે!
બીજી તદ્દન વિપરીત દલીલ અનુસાર એક બાળકને દત્તક
લેવું એ પુણ્યનું કામ છે. એક નિરાધાર-અનાથ બાળકની ઝિન્દગી ફરી પાટે ચઢાવવું એટલે એ
બાળક માટે દેવદુત-ફરિશ્તા કે ભગવાન બનવું. જો નાણાકીય સામર્થ્ય હોય અને પરિવારની
મંજૂરી હોય તો બાળકને દત્તક લઈને એક ભલાઈનું કામ જરૂર કરવું જોઈએ. સુષ્મિતા સેન,
રવિના ટંડન, કુનાલ કોહલી, નિખીલ અડવાની, સુભાષ ઘાઈ, સલીમ ખાન- જેવી કેટલીયે ભારતીય
સેલીબ્રીટીઝ બાળકને દત્તક લઈને માનવતાનો દાખલો બેસાડી ચુકી છે.
મારો પ્રશ્ન અહી આ બંને એક્સ્ટ્રીમ્સની વચ્ચેનો
છે! અડોપ્શન પછી શું? – એ નહિ, પ્રશ્ન છે એડોપ્શન એટલે શું? –એ અંગે તમારૂ મંતવ્ય.
શું બાળકને દત્તક લેવું એટલે એક અનાથ-નિરાધાર
બાળક ને પરિવાર અને પ્રેમ આપી –એના માટે ભગવાન બનવું?
કે પછી બાળકને દત્તક લેવું એટલે પોતાના પરિવારમાં
ભગવાને મોકલેલા નન્હા ફરિશ્તા દ્વારા અઢળક પ્રેમ અને બેશુમાર લાગણીઓ મેળવી પોતાની
જાત અને પરિવારને નસીબદાર અનુભવવું?
આ વાંચનાર મોટાભાગના વાચકો પહેલા પ્રશ્નના
જવાબમાં હામી ભરશે અને બીજા પ્રશ્નમાં મૂંઝાશે!
આવો આ અવઢવનો જવાબ મેળવીએ એક વાર્તામાંથી..
“ એક નાની છોકરીની વાર્તા”..
***
લગભગ ૧૯૭૮ની આસપાસ બનેલી એક રસપ્રદ વાત છે. આ
વાર્તા જીવનાર અને કહેનાર -રિક સ્મોલન વિશ્વ વિખ્યાત મેગેઝીન -“ટાઈમ મેગેઝીન” માટે
ફોટો-સ્ટોરીઝ કરે છે. આ વાર્તા છે એક અમેરેશીયન બાળકીની. હવે તમે વિચારશો
“અમેરિકન” સાંભળ્યું છે, “એશિયન” સંભાળ્યું છે – આ “અમેરેશીયન” એ વળી શું હશે?
અમેરેશીયન બાળક એટલે અમેરિકન સૈનિક પિતા અને એશિયન માતાનું સંતાન. જાપાન,
થાઈલેન્ડ, સાઉથ કોરિયા, સાઉથ વિયેતનામ, ફિલિપાઈન્સ જેવા દેશો કે જ્યાં અમેરિકન
સૈન્યના મોટા બેઝ છે, ત્યાં “અમેરેશીયન” બાળકોની બહોળી વસ્તી છે. આ અમેરેશીયન
બાળકો ત્યજી દેવાયેલા, ધુત્કારવામાં આવેલા, અવગણાયેલા અને દુખી બાળકો છે. આવા
અમેરેશીયન બાળકો પર એક સ્ટોરી કરવા ગયેલા “રિક સ્મોલન” મળે છે એક અદભુત અમેરેશીયન
બાળકી “હ્યુન-સુક”ને. “હ્યુન-સુક” કોરિયામાં પોતાની નાનીમાં સાથે રહેતી બાળકી છે.
“હ્યુન-સુક” અને એની માંને એના અમેરિકન સૈનિક પિતાએ તરછોડ્યા બાદ, એના નાનીમાં
પશ્ચિમ દેશના લોકોને ખુબ જ ના-પસંદ કરે છે. પશ્ચિમ દેશમાંથી આવેલ સ્ત્રી કે પુરુષ
કોઈ પણ “હ્યુન-સુક”ને મળી જ ના શકે એટલી હદે
નાની-માં તકેદારી રાખે છે! દેખાવે પોતાના અમેરિકન પિતાની જેમ જ પશ્ચિમી છાંટ
ધરાવતી “હ્યુન-સુક”ની એના નાનીમાં દ્વારા કરવામાં આવેલી કિલ્લેબંધી જ રિક સ્મોલનના
મનમાં ઉત્સુકતા જગાવે છે એને મળવાની. “હ્યુન-સુક”ના નાનકડા કસબના લોકો રિકને ખુબ
સમઝાવે છે કે રિક અમેરિકન હોવાથી “હ્યુન-સુક”ના નાનીમાં કોઈ કાળે એને
“હ્યુન-સુક”ને મળવાની પરવાનગી નહિ જ આપે. રિક સ્મોલન પોતે કોરિયન ભાષાથી અજાણ
હોવાથી કોરિયન અને ઈંગ્લીશ બંને ભાષા જાણનાર સ્થાનિક-દુભાષિયાની મદદથી
“હ્યુન-સુક”ની નાનીમાંને પોતાની અમેરેશીયન બાળકો અંગેની ફોટો સ્ટોરીની માહિતી આપી,
“હ્યુન-સુક”ના ફોટોગ્રાફ લેવાની પરવાનગી માંગે છે. મહા-મહેનતે, ખુબ મનાવ્યા બાદ
નાનીમાં રિકને “હ્યુન-સુક”ને મળવાની પરવાનગી આપે છે. રિક લગભગ એક અઠવાડિયું
“હ્યુન-સુક”ના નાના ઘરમાં તેઓ સાથે રહે છે. આખો દિવસ ઘરથી સ્કુલ સુધી
“હ્યુન-સુક”નું અને એની દિનચર્યાનું નિરીક્ષણ કરે છે. અગાઉ ઘણા બીજા દેશના
“અમેરેશીયન” બાળકોને મળી ચુકેલો રિક જાણે છે કે આ તરછોડાયેલા બાળકો લઘુતાગ્રંથીથી
પીડાતા હોય છે, ખુબ જ ઓછું બોલવાનું પસંદ કરે છે અને જાહેર જીવનમાં અતડા અને
અંતર્મુખી રહે છે. “હ્યુન-સુક”ના ફોટોગ્રાફ્સ લેતા-લેતા એનું નિરીક્ષણ કરતા-કરતા
રિકને સમઝાય છે કે “હ્યુન-સુક” અલગ છે, અદભુત છે! બીજા અમેરેશીયન બાળકોથી તદ્દન
વિપરીત એવી “હ્યુન-સુક” બહોળું મિત્રવર્તુળ ધરાવે છે, ક્લાસમાં પ્રશ્ન પૂછાતા સૌથી
પહેલા જવાબ આપવા ઉત્સુક રહે છે અને એક લીડરની જેમ સફળતાથી જવાબદારી લઈને, આયોજન
દ્વારા એને પૂરી કરી જાણે છે. માંડ અગિયાર વર્ષની “હ્યુન-સુક”માં રિકને
તેજસ્વીતાના તણખા દેખાય છે. “હ્યુન-સુક” અને એના નાનીમાં સાથે હાલી-ભળી ગયેલો રિક
આખરે પોતાની ફોટોસ્ટોરી પૂરી કરીને પાછો જવાનો છે, એ ઘડીએ “હ્યુન-સુક”ની નાનીમાં
રિકને કૈક અચરજભરી વિનંતી કરે છે. પોતાનું મૃત્યુને નજીક ભાળતી નાનીમાં રિકને
વિનંતી કરે છે કે –રિક “હ્યુન-સુક”ને દત્તક લઈને પોતાની સાથે અમેરિકા લઇ જાય! એક
ફોટોગ્રાફર તરીકે રઝળપાટ ભરી અને અવ્યવસ્થિત જીન્દગી જીવતો રિક સ્મોલ્ન “હ્યુન-સુક”
માટે પોતાનો પ્રેમ અને લગાવ સ્વીકારે છે પરંતુ દત્તક લેવાની જવાબદારી લેવાની
અસમર્થતા બતાવે છે. રિક નાનીમાંને પોતાનું વીઝીટીંગ કાર્ડ આપીને આશ્વસ્ત કરે છે કે
પોતાના મિત્રવર્તુળમાંથી પોતે એક સારું અને સમર્થ કુટુંબ “હ્યુન-સુક” માટે સત્વરે
શોધી કાઢશે.
(અગિયાર વર્ષીય હ્યુન સુક અને એના નાનીમાં)
સમય સમયનું કામ કરે છે. રિક સ્મોલન એક ફોટો
સ્ટોરી પછી બીજા એસાઇનમેન્ટ પર ક્યાંક દુર જાય છે અને પાછા આવતા એક ટેલીગ્રામ
મેળવે છે. આ ટેલીગ્રામ રિકને “હ્યુન-સુક”ની નાનીમાંના નિધનના સમાચાર આપે છે અને
નાનીમાં “હ્યુન-સુક”ની જવાબદારી રિકને સોંપી ગયા છે એ જણાવે છે. રિક તુરંત કોરિયા
જવા નીકળે છે અને સાથે સાથે ફોન દ્વારા પોતાના મિત્ર વર્તુળમાંથી “હ્યુન-સુક” માટે
યોગ્ય પરિવારની શોધ પણ આદરે છે. રિકની કથની સાંભળી એનો બેસ્ટ બડ્ડી એવો જેન (કે જે
એટલાન્ટામાં રહે છે) -કે જે એક અગિયાર વર્ષના પુત્રનો પિતા છે, “હ્યુન-સુક”ને
દત્તક લેવા ઉત્સુકતા બતાવે છે! પરંતુ “ખાધું-પીધું અને રાજ કર્યું” જેટલી સહજ આ
વાર્તા નથી જ! નાનીમાંના અચાનક થયેલા નિધન બાદ “હ્યુન-સુક” પોતાના એકમાત્ર સંબંધી
એવા મામા સાથે પોતાના જ કસ્બામાં રહે છે. કોરિયા પહોંચેલો રિક યેનકેન પ્રકારે
“હ્યુન-સુક”નું ઠામ-ઠેકાણું મેળવી લે છે પરંતુ “હ્યુન-સુક”ના મામા ધરાર ઇનકાર કરે
છે રીકની કોઈ પણ વાત સાંભળવાનો! “હ્યુન-સુક”ના મામાની આગળ પોતાની વાત રજુ કરવા
માંથી રહેલો રિક “હ્યુન-સુક”નું નિરીક્ષણ કરતા અનુભવે છે કે
ખુશમિજાજ-બહિર્મુખી-વાતોડિયણ-નેતાગીરીના ગુણોવાળી “હ્યુન-સુક” મામાની કેદમાં જાણે
મુરઝાઈ ગઈ છે. રિકને પોતે “સિન્ડ્રેલા”ની વાર્તા જોઈ રહ્યો હોય એવો ભાસ થાય છે!
અને “હ્યુન-સુક”ને બચાવવા મરણિયો થયેલો રિક “હ્યુન-સુક”ના મામાના અપશબ્દો, આક્ષેપો
સુદ્ધાં સહીને પણ પોતાની વાત, “હ્યુન-સુક”ના ઉજ્જવળ ભવિષ્યની તસ્વીર એમના ગળે
ઉતારે છે. એક વાર અમેરિકન પિતા દ્વારા ત્યજાયેલી “હ્યુન-સુક” એક સુરક્ષિત અને સુખી
પરિવારનો ભાગ બનવા જઈ રહી છે- એ સાબિતી આપવા રિક સ્મોલન પોતાના મિત્ર જેનના
પરિવારને પોતાના ખર્ચે કોરિયા બોલાવી “હ્યુન-સુક”ના એડોપ્શનની કાયદાકીય પ્રોસીજર
પૂરી કરાવે છે. “હ્યુન-સુક”ના મામા આખરે સંતોષ અને સંમતિ સાથે “હ્યુન-સુક”ની કસ્ટડી
એના કાયદાકીય-પાલકપિતા જેનને સોંપે છે! એડોપ્શન પ્રોસેસ પૂરી થયા બાદ, અમેરકા પાછા
જવા પહેલા- રિક, જેનનો પરિવાર અને “હ્યુન-સુક” બાકીની કાયદાકીય ગૂંચો ઉકેલવાના
ગાળામાં કોરિયાની જ એક હોટલમાં રોકાય છે. રિક અને જેન પોતે “હ્યુન-સુક”ની જીન્દગી
ઉગારી લીધી, એને બચાવીને એક ઉજ્જવળ ભવિષ્ય આપ્યું- જાણે એના માટે ભગવાન બનીને
આવ્યા એવું અનુભવે-એકબીજા સાથે ચર્ચે છે. અને “હ્યુન-સુક” માટે ભગવાન બનવા મથેલા
જેન અને રિક સાથે ભગવાન રમત રમે છે! અચાનક રિક, જેન અને એનો પરિવાર જે કોરિયન હોટલમાં
રોકાયા છે એમાં આગ લાગે છે! અગિયારમાં માળે આગની વચ્ચે, રૂમમાં ફસાયેલા રિક,જેન
અને એના પરિવારને જ્યારે મૌત સાક્ષાત દેખાય છે ત્યારે “હ્યુન-સુક”ની દુરંદેશી,
ચપળતા અને વિવેકબુદ્ધિ સૌને ઉગારે છે-જીવનદાન બક્ષે છે!
જેન, એનો પરિવાર, રિક સ્મોલન- સુપેરે સમઝી જાય છે
કે “હ્યુન-સુક”ને એડોપ્ટ કરીને તેઓએ “હ્યુન-સુક”ની નહિ, પણ પોતાની જીન્દગી બહેતર,
ખુશહાલ અને ઉજ્જવળ બનાવી છે!
( હ્યુન-સુક અકા નતાશા – રિક સ્મોલન સાથે)
“હ્યુન-સુક” ત્યારબાદ “નતાશા” નામ ધારણ કરીને
જેનના પરિવાર સાથે સુખેથી જીવે છે. પહેલા “અમેરેશીયન” દેખાવ ધરાવતી, બાદમાં પોતાની
નાની સાથે રહેતી વખતે નાની જેવી દેખાતી નાતાશા- જેનના પરિવારમાં એટલી સહજતાથી ભળી જાય
છે કે એના દેખાવ સુદ્ધામાં જેન(પાલક-પિતા)ની છાંટ દેખાય છે!
***
માણસ એક સામાજિક પ્રાણી છે! હું, તમે, આપણે સૌ
પ્રેમ-લાગણી અને હૂંફના ભૂખ્યા છીએ! સો વર્ષના ઘરડા દાદા-દાદી થી લઈને એક
અઠવાડિયાનું નાનું ભૂલકું એક ભાષા સુપેરે સમઝે છે – પ્રેમની ભાષા!
માત્ર શારીરક ખામીના કારણે માં-બાપ નાં બની શકનાર
યુગલ જ બાળક દત્તક લઇ શકે કે લેવું જોઈએ, એ મિથ-અસત્ય છે. પોતાના બાળકો હોય કે પછી
ભવિષ્યમાં પોતાના બાળકો પેદા કરવા શારીરિક રીતે સક્ષમ હોય- તેઓ પણ કાયદાકીય રીતે
બાળકને દત્તક લઇ જ શકે છે.
પોતાનું બાળક હોવા છતાં કે ભવિષ્યમાં હોઈ જ શકે
છે- છતાં કે બાળકને દત્તક લેવું જોઈએ? કેમ?
બાળક એટલે નિસ્વાર્થ પ્રેમ, અખૂટ લાગણીઓ, નિર્દોષ
સાતત્ય!
પોતાની લાઈફને ખુશહાલ, પ્રેમથી તરબતર અને
લાગણીઓથી લીલીછમ રાખવા ઇચ્છનાર, અપરણિત સ્ત્રી-પુરુષ કે પરણિત યુગલ- કોઈ પણ
કાયદાકીય રીતે બાળકને દત્તક લઇ શકે છે.
અલબત્ત બાળકની જવાબદારી અને દત્તક લેવાની
કાયદાકીય વિધિ ધૈર્ય અને પારિવારિક વિચારવિમર્શ માંગી લે છે, છતાં એ સહજ અને સરળ
પણ છે જ!
બાળકને દત્તક લેવું એટલે એના પર ઉપકાર કરવું કે
ભગવાન બનીને કોઈ અનાથની ઝિન્દગી સુધારવી એમ નથી! બાળકને દત્તક લેવું એટલે પોતાના
પર ઉપકાર કરી, પોતાની ઝિન્દગી સુધારવા એક નાનકડા ઈશ્વરીય દેવદુતને પોતાના
પરિવારમાં સમાવવો!
નીચેની લીંક પર આપણા દેશમાં બાળકને દત્તક લેવા
અંગેની પૂરી કાયદાકીય માહિતી પ્રાપ્ય છે.
http://www.adoptionindia.nic.in/parents/Guidelines-for-Adoption.html
Comments