***
“કૌન
બનેગા કરોડપતિ-મેં આજ હમારે સાથ હેં પૂર્ણિમાજી! તો પૂર્ણિમાજી, આપકા પહેલા સવાલ
હેં- કોહિમા શહેર કિસ દેશકા હિસ્સા હેં? આપકે ઓપ્શન્સ હેં- એ) ચાઈના બી) નેપાલ સી)
ઇન્ડિયા ડી)ભૂટાન”- અમિતાભ બચ્ચન ઔપચારિક સ્મિત સાથે પોતાની સામે હોટ સીટ પર
બેઠેલી યુવતીને પ્રશ્ન પૂછે છે.
“સર, મેં ઓડિયન્સ પોલ લેના ચાહુંગી!”-સહેજ પણ
વિચાર્યા વગર સહજતાથી હોટ સીટ પર બેઠેલી યુવતી જવાબ આપે છે.
“સો પ્રતિશત લોગો કા કહેના હેં – સી) ઇન્ડિયા. યે
બાત તો સભી જાનતે હેં.”-અમિતાભ બચ્ચન એની સિગ્નેચર સ્માઈલ સાથે સહેજ નવાઈ પામીને
પૂછે છે.
“હા સર, જાનતે સબ હેં, પર માનતે કિતને હેં?”-આંખોમાં
એક ગહેરા દર્દ સાથે એ નાની નાની ચાયનીઝ આંખોવાળી યુવતી જવાબ આપે છે.
{શું કારણ છે આ કટાક્ષનું? }
(કોહિમા શહેર- ભારતમાં ઉત્તર સરહદે આવેલા
નાગાલેંડ રાજ્યની રાજધાની છે, ખુબસુરત પર્વતોથી આચ્છાદિત આ રમણીય શહેર બર્મા સાથે
સરહદ દ્વારા જોડાયેલુ છે.)
***
ઇન્ડિયા માટે ઇન્ટરનેશનલ લેવલ પર હોકી
ટુર્નામેન્ટ રમવા, બધા રાજ્યોના બેસ્ટ હોકી પ્લેયર્સ સિલેક્ટ કરીને ભારતીય મહિલા
હોકી ટીમ બનવવામાં આવી છે. દિવસના અંતે બધી મહિલા ખેલાડીઓ એકબીજા સાથે ઓળખાણ કરવામાં
અને પોતાને એલોટ કરાયેલા બેડ પર પોતાનો સમાન ગોઠવવામાં બીઝી છે ત્યારે...
“ઓ જે ક્યા હુવા? ક્યા હુવા?”-પંજાબની પ્લેયર
બલબીર કૌર પોતાના બેડની ઉપરના બેડ પર ચઢી રહેલી પ્લેયરના પગ પરના ઘાને જોઈને પૂછે
છે. સાધારણ ગામઠી કપડા પહેરી, તેલ નાખીને ચપ્પટ ચોટલીવાળીને સામે ઉભેલી પ્લેયર-સુઈમુઈને
પંજાબી બલબીર કૌર મ્યુઝીયમમાં અજબ-ગજબની વસ્તુ જોતી હોય એમ જોઈ રહે છે.
“પેડ કી
ડાળી ઘીસ ગયી, હાથી પે આતે હુએ.”-સહેજ ખચકાઈને એ નવી પ્લેયર ધીરેથી જવાબ આપે છે.
“તુમ હાથી પે દિલ્લી તક આયી હો?”-આંખો થઇ શકે
એટલી મોટી કરીને નવાઈ સાથે બલબીર કૌર પૂછે છે.
“નહિ, બસ વહાં ઘમોરની તક..”-અને સામેની પ્લેયર
ફરી સહજતાથી એક સાધારણ જવાબ આપે છે..
“ઘમોરની, કેડી મોરની? કભી હાથી કભી મોરની,
ચીડીયાઘરસે તો નહિ આયે?”-અજાણી ભાષા અને અજાણ્યા પહેરવેશ જોઈને અટવાયેલી બલબીર કૌર
મઝાકમાં પૂછે છે.
“ઝારખંડ, ઝારખંડસે આયે હેં.”-પોતાની ભાષા, પોતાના
પ્રદેશ અને પોતાની મઝાકથી હાર્ટ થયેલી સુઈમુઈ સહેજ નારાજગી સાથે જવાબ આપે છે.
“હેં, ઝારખંડ? અચ્છા, ઝાડિયા હોતી હોંગી વહાં..”-અને
પોતાની સાઈઝની બુદ્ધિનું પ્રદર્શન કરતી બલબીર કૌર અજ્ઞાનણા કારણે ફરી એક મઝાકિયા
સવાલ કરે છે.
“જંગલ, જંગલ હેં વહાં...”-હવે અણગમો સ્પષ્ટ દેખાય
એમ સહેજ ગુસ્સા સાથે સુઈમુઈ જવાબ આપે છે.
“ઓ, તો તુમ જંગલસે આયે હો? જંગલી હો ક્યાં તુમ
વહાં કે?”-અને હવે બલબીર કૌર એક નફ્ફટ પ્રાંતવાદી કમેન્ટ કરીને પોતાની જડતા દેખાડે
છે.
-- “ચક દે ઇન્ડિયા”નો આ સીન જોતા હસવુંતો બધાને જ
આવ્યું હશે, પણ એ સીનનો હાર્દ સમઝાયો?
***
આફ્રિકાથી લીટરેચર ભણવા એક પ્રતિભાશાળી અને સ્વપ્નીલ
યુવતી અમેરિકા જાય છે. બાળપણથી પુસ્તકોની દોસ્તીમાં ખીલેલી એ ઓગણીશ વર્ષીય યુવતીને
સ્ટોરીઝ વાંચવી, કહેવી અને લખવી ખુબ જ ગમે છે. અમેરિકાની હોસ્ટેલમાં એ આફ્રિકન યુવતીની
અમેરિકન રૂમમેટ અચરજથી એને જોઈ રહે છે. અમેરિકન રૂમમેટને માટે એ નવાઈની વાત છે કે
એક આફ્રિકન યુવતી પણ તેની જેમ કડકડાટ અંગ્રેજી બોલી શકે છે, લીટરેચર ભણી શકે છે,
મોર્ડન કપડા પહેરીને પાર્ટીઝ કરી શકે છે! એ આફ્રિકન યુવતીની અમેરિકન રૂમમેટ માટે
આફ્રિકા એટલે જંગલ, જંગલીઓ, બર્બરતા, રાજાશાહી-ટોળાશાહી, અત્યાચાર,નિરક્ષરતા! અને
એટલેજ આફ્રિકન યુવતીને જોઈને એની રૂમમેટને અનુભવાય છે એક જ લાગણી જે છે-દયા! આફ્રિકન
યુવતી ધીમે ધીમે સમઝી જાય છે કે – એની અમેરિકન રૂમમેટ માટે આફ્રિકાની એક જ તસ્વીર
છે, એક જ વાર્તા છે! સમય સાથે વ્યક્તિ-સંસ્કૃતિ-દેશ-ખંડ બધું જ બદલાય છે પરંતુ
ઈતિહાસકારોએ કે વાર્તાકારોએ કરેલા એ વર્ણનના શબ્દોથી ઉપસેલી છબી અખંડ રહે છે!
એ આફ્રિકન લીટરેચર સ્ટુડન્ટની લખેલી નોવેલ એના
પ્રોફેસર એમાં “આફ્રિકન શૈલી”નો ટચ નથી એમ કહીને નકારી દે છે! કેમકે અમેરિકન
પ્રોફેસર પાસે પણ આફ્રિકાની એક જ છબી અને વાર્તા છે! આફ્રિકાની વાર્તામાં
પ્રોફેસરને જંગલ, આદિવાસીઓ, ભૂખમરો, હિંસા અને ગરીબી માત્ર દેખાય છે અને એટલે જ
વાર્તાના આફ્રિકામાં રહેતા પાત્રો ભણેલા-ગણેલા, નોકરીયાત, કુટુંબપ્રિય, ગાડી
ચલાવતા એક ગેજેટસ વાપરતા ઇન શોર્ટ પોતાના જેવા નોર્મલ હોય એ પ્રોફેસરને પચતું નથી!
લીટરેચર ભણી રહેલી એ પ્રતિભાશાળી આફ્રિકન યુવતીને
જુદા જુદા વર્ઝન્સમાં કહેવાતી એક ને એક વાર્તાથી થતું આ “ટાઈપકાસ્ટિંગ” સુપેરે
સમઝાઈ જાય છે!
અને આ આફ્રિકન યુવતી આગળ જતા પ્રખ્યાત રાઈટર બને
છે! આ નાઈજીરિયન યુવતી એટલે - “હાફ ઓફ અ યેલો સન” નામની પ્રખ્યાત ઇન્સ્પીરેશનલ બુકની
રાઈટર “ચિમમહમનદહ એન્ગોહઝી એહ્દીચી”! પોતાના બાળપણને વાગોળતા “ચિમ” કહે છે કે ચાર
વર્ષની ઉમરથી તેઓને બુક્સ વાંચવાનો શોખ હતો અને સાત વર્ષની ઢીંગલીઓથી રમવાની ઉંમરે
તો તેઓ લખતા થઇ ગયેલા. “ચિમ” પોતાના પ્રારંભિક લેખન અંગે રમુજ સાથે વર્ણવે છે કે
તેમની લગભગ બધી સ્ટોરીઝના કેરેક્ટરસ ગોરા અને માંજરી આંખોવાળા હતા, જેઓ બરફવર્ષામાં
બરફમાં રમતા-એપ્પલસ ખાતા અને જીંજરબીયર પીતા. “ચિમ”નો જન્મ અને ઉછેર નાઈજીરિયામાં
જ થયો છતાં એમની વાર્તાઓમાં અજાણ્યા દુરના દેશની વાતો કઈ રીતે? “ચિમ” જણાવે છે કે
નાનપણથી વાંચેલી બ્રિટીશ બુકસની આ છાપ હતી! વાંચન વિસ્તાર કરતા “ચિમ”ને થોડી ઘણી
આફ્રિકન રાઈટર્સની બુક્સ વાંચવા મળી અને “ચિમ”ને સુખદ આશ્ચર્ય થયું એ જાણીને કે
પોતાના જેવી ચોકલેટ-બ્રાઉન વર્ણની ચામડીવાળી, ગૂંચવાયેલા-કર્લી વાળવાળી યુવતીની પણ
પોતાની વાર્તા હોઈ શકે છે! અમેરિકન રાઈટર્સની સ્ટોરીઝથી “ચિમ”ની કલ્પનાશક્તિ વિકસે
છે તો બીજી બાજુ આફ્રિકન રાઈટર્સની સ્ટોરીઝ “ચિમ”ને લીટરેચર-વાર્તામાં પોતાના જેવા
લોકોની હયાતી જણાય છે. “ધ ડેન્જર ઓફ અ
સિંગલ સ્ટોરી”ની વાત કરતા “ચિમ” કહે છે કે દરેક વાર્તા વિવિધ-પરિમાણ ધરાવે છે.
પરંતુ એકજ એન્ગલથી વાર્તા જોતા, વ્યક્તિને મૂલવતા આપણે બહુધા
વસ્તુ-વ્યક્તિ-પરિસ્થિતિને પ્રોટોટાઈપમાં બાંધી દઈએ છે.
***
વાણીયા એટલે કંજૂસ અને ગણતરીબાજ, અનાવિલ એટલે
બોલવામાં અતડા, રફ અને અકડું, બ્રાહ્મણ એટલે ભગવાનના માણસ એવા ભોળા, મુસલમાન એટલે
બહુપત્નીત્વમાં માનનારા કે પાકિસ્તાન સમર્થક, પ્રોફેસર એટલે પઢાકુ અને બોરિંગ, લેખક
એટલે પંચાતીયા, આર્ટીસ્ટ એટલે નક્કામા, એક્ટર એટલે નાટકિયા, ફેશન ડિઝાઈનર એટલે ગે,
સાઉથ ઇન્ડિયન એટલે મદ્રાસી, કાઠીયાવાડી એટલે મીઠી છુરી!
મોટાભાગના નેપાળી વતનીઓની આંખો સહેજ ઝીણી હોય છ.
પરંતુ આંખો ઝીણી હોવાથી જે-તે વ્યક્તિ નેપાળી જ છે એ ધારણા કરવી, એ જે-તે
વ્યક્તિને કરાતો અન્યાય છે! જેમ ગુજરાતમાં
દાળ-ભાત-ઢોકળા-થેપલા-અથાણું-મઠીયા-જલેબી-ફફડા સિવાય પણ ઘણું બધું છે, એમ જ
ઝારખંડમાં ભલે જંગલ વિસ્તાર રહ્યા- વ્યવસ્થા, પ્રતિભા અને વિકાસ પણ છે જ!
કોણ જાણે કેટલીયે પ્રોટોટાઈપ્સ અને વ્યાખ્યાઓ
આપણે જાણતા-અજાણતા આપણા દિમાગમાં ભરી રાખીએ છે! અને સબ-કોન્શિયસ માઈન્ડમાં
સંઘરાયેલી આ વ્યાખ્યાઓ પરિણામ છે આપણે સાંભળેલી એકતરફી એક જ પ્રકારની વાર્તાઓનું
અર્થાત- “ડેન્જર ઓફ અ સિંગલ સ્ટોરી!
કોઈ પણ વ્યક્તિ, વ્યવસ્થા, વિચાર, સંસ્થા, દેશ
માટે કોઈ પૂર્વધારણા બાંધી લેવી એ એક પ્રકારનો આપણા દ્વારા અજાણતા કરાતો અન્યાય
છે!
Comments