***
“બદલાવ જરૂરી છે! આ ખાડાવાળા રસ્તાઓ, આ ઉભરાતી
ગટરો, આ બિસ્માર સરકારી હોસ્પિટલ્સ, આ કરપ્શનથી છલકાતી સરકારી ઓફિસો! ભારતને જરૂર
છે બદલાવની! એવા નેતાની જે દેશને પોતાના ઘરની જેમ ડેડીકેશનથી ચલાવે, જે દેશને
પોતાના સંતાનની જેમ ચાહે, જે દેશનું પોતાના માતા-પિતાની જેમ સન્માન કરે! જે
નેતાઓનો એક પગ સ્વીસબેંકમાં અને બીજો પગ ઘોટાલામાં હોય એ નેતા શું બદલશે ભારતનું
ભવિષ્ય? હવે માત્ર વોટ આપવાથી દેશ નહિ બદલાય, દેશ બદલવા મારે કે તમારે આગળ આવવું
પડશે- દેશનું સુકાન સંભાળવું પડશે! “યદા યદા હી ધર્મસ્ય ગ્લાનીર્વ ભવથી ભારત:
અભ્યુંધ્ધાનમ અધર્મસ્ય તાદાત્માંનામ સ્રીજામીહમ” – કહીને આપણને ઉગારવા હવે કૃષ્ણ
ભગવાન પણ નહિ જ આવે!”-અને તાળીઓના ગડગડાટ વચ્ચે એક આશાસ્પદ સ્વપ્નસેવી યુવતી મંચ
પરથી ઉતરી. શ્રોતાઓને જાણે એ યુવતીમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈથી લઈને ઇન્દીરા
ગાંધીજીના સાક્ષાત્કાર થવા લાગ્યા!
અને મંચની સામેજ શ્રોતાગણમાં બેઠેલ એ યુવતીએ
તુરંત પોતાનું ફેસબુક સ્ટેટસ અપડેટ કર્યું-“સો આઈ નેઈલ્ડ ઇટ અગેઇન! નો વન કેન વિન
વેન આઈ એમ ઓન સ્ટેજ! આઈ એમ રોકસ્ટાર!”. અને પછી પોતાના વોટ્સએપ સ્ટેટ્સને અપડેટ
કર્યું-“પેટ્રીઓટિક સ્પીચ ઓન ચેન્જિંગ નેશન- આઈ એમ ઓસમ!”. અને એ પછી ટ્વીટર પર
પોતાના ઢગલો ફ્રેન્ડ્સને મેન્શન કરીને ક્વોટ કર્યું-“આઈ વોઝ બેસ્ટ? ઓર બેટર ધેન
બેસ્ટ?”. અને થોડી વાર પહેલા ભારતના ભવિષ્યની ચિંતામાં આગ ઝરતું ભાષણ આપી રહેલી એ
યુવતીએ અમેરિકા સ્થિત પોતાની “સિસ”ને પોતાનો સ્પીચ આપતો ફોટો મેઈલ કર્યો અને નીચે
લખ્યું-ઇન્ડિયામાં મારો છેલ્લો ઈન્ડીપેન્ડન્સ ડે! આવતા વર્ષે આઈ વિલ બી રીયલ ફ્રી
બર્ડ! મારા માટે એનઆરઆઈ છોકરો શોધી કાઢ હવે, ધીસ કન્ટ્રી હેસ નો ફ્યુચર ઓર કલાસી
લાઈફ!”
“તમે રાજકારણમાં કેરિયર બનાવવાના છો? તમારી
વક્તૃત્વ ક્ષમતા અદભુત છે! તમારી દેશદાઝ, દેશના ભવિષ્યને લઈને ચિંતા, તમારા દેશની
પ્રગતિ માટેના સપનાઓ- સાંભળીને હું તો ગદ-ગદ થઇ ગયો! ખરેખર દેશને આજે તમારા જેવા
નેતાની જરૂર છે!”-એ યુવતીની બાજુની બેઠકમાં બેઠેલા વ્યક્તિએ અચાનક પોતાનું મંતવ્ય
આપ્યું!
“એક્સક્યુઝ મી! શું આપણે એકબીજાને ઓળખીએ છે?”-અજાણી
વ્યક્તિના સવાલથી છેડાયેલી એ યુવતીએ પ્રતિપ્રશ્ન કર્યો!
“જી તમે તમારી સ્પીચમાં કેટલીયે વાર મને યાદ
કર્યો, અને મારી ઓળખાણ માંગો છો?”-એક મધુરું સ્મિત રેલાવતા એ પાસે બેઠેલી અજાણી
વ્યક્તિએ કહ્યું.
“મેં મારી સ્પીચમાં તમારું નામ લીધું? વોટએવર!
મારી સ્પીચના વખાણ કરવા બદલ આભાર. અને મારું કેરીયર મારો અંગત પ્રશ્ન છે છતાં
જણાવી દઉં કે હું એમબીએ કરીને મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરવાની છું. અને ખુબ જલ્દી
લગ્ન કરીને યુએસ સેટલ થઇ જઈશ. આ દેશમાં આટલા ગંદવાડ અને ભ્રષ્ટાચાર વચ્ચે રહેવું- મારા માટે શક્ય નથી! અને પોલીટીક્સમાં
તો હું કોઈ કાળે નાં જાઉં! યુ નો આવી ચેન્જ લાવો – કરપ્શન અને ગરીબી હટાવોની વાતો
કરીને કોમ્પીટીશન,મેડલ કે પ્રાઈઝ જીતાય ત્યાં સુધી જ ઠીક છે, પોલીટીક્સની ગટરમાં
પડીને લાઈફ ખરાબ ના કરાય!”-નાકનું ટેરવું ચઢાવીને અધમણ એટ્ટીટ્યુડ સાથે એ યુવતી
બોલી ઉઠી!
“અચ્છા, તો તમે હમણાં સ્ટેજ પર જે બધું બોલ્યા એ
...”-બાજુમાં બેઠેલી એ મોહક વ્યક્તિત્વવાળી અજાણી વ્યક્તિએ પૂછ્યું.
“એ તો આજની સ્પર્ધા માટે મારા મોટા ભાઈ પાસે
લખાવ્યું હતું! યુ નો, આઈ એમ ગુડ એટ પબ્લિક સ્પીકિંગ! બાકી મને પોલીટીક્સના પી ની
પણ ખબર ના પડે!”-પોતાના સ્માર્ટ ફોનમાં કૈક કરતા-કરતા એ યુવતીએ ડમ્બ જવાબ આપ્યો.
“અરે તમે ભારે વિનમ્ર છો! તમારું પોલીટીક્સનું
જ્ઞાન તો અદભુત છે! નરેન્દ્રમોદીના સમર્થન અંગે, કેજરીવાલની ટીકાઓના લીસ્ટ અંગે,
સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના ફેમીલી પોલીટીક્સ અંગે અને લેટેસ્ટમાં સ્મૃતિ
ઈરાનીજીની ડિગ્રીને લઈને પણ તો તમે કેટલી બધી ટ્વિટસ કરી છે! તમારી દરેક ટ્વિટને
ઢગલો લાઈક અને રી-ટ્વિટ મળે છે અર્થાત તમારા મંતવ્યનું માન છે અને તમારું
પોલીટીક્સમાં જ્ઞાન પણ સારું જ છે!”-અજાણી વ્યક્તિએ સોશિયલ મીડિયાના પ્રૂફ સાથે
પોતાની વાત ધપાવી.
“ઓહ, હાઉ યુ નો ધેટ? અચ્છા તમે મારા ટ્વીટર
ફોલોવર હશો! યુ નો, મારા ચાર હજાર કરતા વધુ ટ્વીટર ફોલોવર છે એટલે ઓળખાણ નાં પડે!
અને પોલીટીકલ ટ્વિટ- તો હું કોપી પેસ્ટ જ કરું. જે ટ્રેન્ડ ચાલતો હોય એમાં આપણે પણ
ટ્વિટસ કરી દેવાના, ખબર પડે કે નાં પડે.. બાકી આજે તો જેમ મોટા ભાઈએ લખાવ્યું એમ જ
આપણે બોલી ગયા!”-મોટ્ટી સ્માઈલ આપીને એ યુવતીએ પોતાની મૂર્ખતાનું સર્ટીફિકેટ જાતે
જ ફાડ્યું!
“અચ્છા! તો આજની સ્પીચ તમારા ભાઈએ લખી આપી હતી?
તો તો એમને મારા વતી કોંગ્રેચ્યુલેશ્ન કહેજો! તો તમારા મોટાભાઈ પોલીટીક્સમાં છે?”-ધીમે
રહીને એ સૌંમ્ય અજાણી વ્યક્તિએ પૂછ્યું.
“થેન્ક્સ, પણ મારા મોટા ભાઈને પણ પોલીટીક્સ સાથે
કોઈ સંબંધ નથી! વી આર ફેમીલી ઓફ ડોક્ટરસ! પોલીટીક્સ જેવી ગંધાતી અને
ગુંડાગર્દીવાળી ફીલ્ડ સાથે અમારા પરિવારમાંથી કોઈને દુર દુર સુધી કોઈ સંબંધ નથી!
વી હેટ પોલીટીશીયન્સ અને એટલેજ અમે ઇલેક્શનમાં વોટ આપવા પણ નથી જતા. યુ સી, આ નેતાઓએ
જ આપણા દેશની દશા બગાડી છે! બધા જ નેતાઓ ચોર છે, ભ્રસ્ટ છે!”-હજુ પણ સ્ટેજ પર માઈક
લઈને બોલી રહી હોય એવા અગ્રેશન સાથે એ યુવતી બોલી રહી!
“શાંત ઝાંસીની રાણી શાંત! બધા જ પોલીટીશિયન્સ
ખરાબ નથી હોતા. અને પોલીટીક્સ પણ ડોક્ટર,ઈન્જીનીયર,ટીચર,સીએ જેવા પ્રોફેશન્સની
જેમજ એક પ્રોફેશન છે! અલબત્ત પોલીટીક્સ એવું પ્રોફેશન છે જે વધુ ડીમાંડીંગ છે!
પોલીટીક્સમાં તમને પાવર અને પોઝીશન તો મળે છે પણ પર્સનલ લાઈફ અને અંગત સંબંધોને
જોખમમાં મુકીને!”-ધૈર્ય અને શાંતિથી એ વ્યક્તિએ પોતાની વાત રજુ કરી.
“હું તો એવી એક પણ વ્યક્તિને ઓળખતી નથી જે
પોલીટીકસમાં પણ હોય અને દેશની-સમાજની સેવા કે પ્રગતિ માટે કાર્યરત હોય!”-ખભા
ઉલાળીને એ યુવતી એ કહ્યું!
“તમે ખુબ સારી રીતે આવી જ એક વ્યક્તિને જાણો છો
કે જેના રાજકારણથી ધર્મનું સંસ્થાપન થયું છે! જેને એક સબળ અને સમર્થ નેતા કેવો
હોવો જોઈએ એનું ઉદાહરણ બેસાડ્યું છે! જેણે રાજકારણ માટે પરિવાર-પ્રિયપાત્ર અને
અંગત જીન્દગી બધું જ ગુમાવ્યું છે! અને એ છે કૃષ્ણ!”-સમ્મોહિત કરી દે એવું સ્મિત
રેલાવતા એ અજાણ્યા વ્યક્તિએ કહ્યું.
“યુ મીન ધેટ મુરલીવાળા કૃષ્ણ? એ પણ પોલીટીશયન
હતા? આઈ નેવેર ન્યુ! આઈ તો ન્યુ કે કૃષ્ણ રાજા હતા અને ભગવાન હતા-ધેટ્સ ઇટ!”-આંખો
આશ્ચર્યથી પહોળી કરીને એ યુવતીએ કહ્યું.
“કૃષ્ણ એક સામાન્ય ગોવાળિયા હતા. એક સામાન્ય
માણસની વેદના-પ્રશ્નો અને લાગણીઓ જીવી-જાણી અને એથીજ કૃષ્ણ સાચા અર્થમાં એક સબળ
નેતા બની શક્યા! એક ગોવાળિયામાંથી રાજા એટલેકે નેતા બનવા સુધીમાં કૃષ્ણએ
પ્રજા-કલ્યાણના ઘણા કામ કર્યા, યુક્તિ-પ્રયુક્તિ-રાજનીતિ વાપરીને અધર્મનો નાશ
કરીને ધર્મનું સ્થાપન કર્યું! તમે તમારી સ્પીચમાં જે બધી વાત કરી એ સુ-વ્યવસ્થા
અને સુ-શાષનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ કૃષ્ણ આપી જ ચુક્યા છે! તમે તમારી સ્પીચમાં સાચું
જ કહ્યું કે -આ દેશમાં પેસી ગયેલો ભ્રષ્ટાચાર-જુઠ્ઠાણા-ઘોટાલાની બદીઓનો નાશ કરવા
હવે કૃષ્ણ નહિ આવે! પણ હું એટલું ઉમેરીશ કે – દેશમાં સુરાજ્ય સ્થાપવા અને સારી
નેતાગીરી લાવવા,આપણા સૌમાંથી કોઈએ તો પહેલ કરવી જ પડશે- કૃષ્ણ બનવું જ પડશે! જો
હાલમાં દેશનું રાજકારણ ગટર જેવું ગંદુ અને ગંધાતું બની ગયું છે તો કોઈએ તો શરૂઆત
કરવીજ પડશે આ ગટરને સાફ કરીને રાજકારણને ફરી સ્વચ્છ અને હકારાત્મક બનાવવાની! માત્ર
ટીકા કરવાથી કે સુઝાવ આપવાથી સુધારો નહિ જ આવે, એનું અમલ કરવા જાતને “દેશ પ્રેમ”ના
યજ્ઞમાં હોમવું પણ પડશે જ! સમય આવી ગયો છે કે શિક્ષિત અને નવા વિચારોવાળા યુવાનો
કૃષ્ણ બનીને દેશનું સુકાન પોતાના હાથમાં લઇ લે! તો જ “સ્વતંત્રતા દિવસ” ખરા
અર્થમાં ઉજવ્યો ગણાશે!”-પોતાના શબ્દોથી એ અજાણી વ્યક્તિએ પોતાની આસ-પાસ બેઠેલા
બધાજ યુવાનોમાં જાણે જોમ-જુસ્સો-નવા વિચારો-સપના કેટલું બધું વાવી દીધું!
“હા, અમે કરીશું પહેલ! જો અમને દેશમાં બદલાવ જોઈએ
છે તો એ બદલાવની શરૂઆત અમારાથી જ થશે! અમે બનીશું કૃષ્ણ અને ભારત દેશની પ્રગતિ
માટે જીતીશું આ ભ્રષ્ટાચાર-આતંકવાદ-ગરીબી સામેનું મહાભારત!”-એક સાથે સમુહમાં
બેઠેલા બધા યુવાનો બોલી ઉઠ્યા.
“પણ તમે તમારી ઓળખાણ નાં આપી?”-પોતાના વિચારોમાં
ગજબનો બદલાવ અનુભવી રહેલી એ યુવતીએ
ધીમેકથી પૂછ્યું!
“યદા યદા હી ધર્મસ્ય...”- અધુરો શ્લોક બોલીને એ
વ્યક્તિ એક ચમકારાની જેમ દિવ્યતામાં ભળી ગઈ. અને પાછળ ફેલાવતી ગઈ બદલાવ-પ્રગતિ અને
હકારાત્મક નેતાગીરીની સુવાસ અને એક મોરપિચ્છ.
***
રાજકારણની ટીકા કરવાથી, રાજકારણીઓનો વિરોધ કરવાથી
નહિ, દેશમાં બદલાવની-પ્રગતિનું વાતાવરણ સર્જાશે માત્ર સૌના સહભાગ અને સકારાત્મક
સહયોગથી!
દેશને સારા ડોક્ટર, એન્જીનીયર,સીએ,ટીચરની જેમજ
સારા રાજકારણીઓની પણ તાતી જરૂરીયાત છે!
Comments