***
“ગાઝા માં જે થઇ
રહ્યું છે એ અત્યંત દુખદ છે પરંતુ કદાચ આ એક જ રસ્તો છે આતંકવાદીઓ અને આતંકના
સમર્થકોને પાઠ ભણાવવાનો!”-સોળમી જુલાઈએ ચેતન ભગતે પોસ્ટ કરેલી ટ્વિટથી ટ્વીટર
જગતમાં કકળાટ મચી જાય છે.
અને જે યંગસ્ટર્સને
ઇન્ડિયામાં થઇ રહેલા આતંકી હુમલાઓ કે ત્રાસવાદી પ્રવૃત્તિઓની પણ ઝાઝી ખબર નથી પડતી
તેઓ હેપનિંગ અને અપડેટેડ દેખાવા #ગાઝાઅન્ડરએટેક ટોપિક પર રીસર્ચ અને પોસ્ટ કરવામાં
બીઝી થઇ જાય છે.
“જો આતંકવાદીઓને
બીક લાગશે કે આતંકી પ્રવૃત્તિ કરતા પકડાવાથી એમની બહેન કે માં પર બળાત્કાર
થશે(એમના ગુનાના બદલામાં)-તો જ આતંકવાદીઓની ત્રાસવાદી આંત્યિક પ્રવૃત્તિઓ
અટકશે!”- ઇઝરાયેલની બારિયન યુનિવર્સીટીના
ખ્યાતનામ પ્રોફેસર અને ઇઝરાયેલની મીલીટરી ઇન્ટેલીજન્સમાં પણ કાર્યરત એવા પ્રોફેસર મોર્દેચી
કેદર આતંકવાદ અટકાવવા અમાનવીય સુચન રજુ કરે છે.
કોમન વેલ્થ
ગેમ્સમાં અઝીઝુલહાસની નામનો મલેશિયન સાયકલીસ્ટ ગાઝાને સપોર્ટ કરવા અને ઇઝરાયેલ
સામે નવતર રીતે પ્રોટેસ્ટ કરવા- પોતાના હાથમાં “સેવ ગાઝા” લખેલા કાળા કલરના
ગ્લોવ્સ પહેરે છે અને સ્પોર્ટ્સમેન સ્પીરીટથી છલકાતા માહોલમાં ગરમી છવાઈ જાય છે.
કોમન વેલ્થ ગેમ્સના ચીફ એક્સીક્યુટીવ એવા માઈક હુપર રમત-ગમતમાં કોઈ પણ પ્રકારનો
દેખાવ-વિરોધ યોગ્ય નથી એમ સમઝાવીને ખેલાડી પાસે જાહેરમાં માફી મંગાવે છે.
“વ્હાલા મુસલમાનો,
અલ્લાહ ગાઝાને જરૂર બચાવશે! પણ તમે શરુ કરેલા આતંકવાદથી વિશ્વને શું એજ અલ્લાહ
બચાવશે?” -“આતંકવાદ અને ઝેહાદી પ્રવૃત્તિઓ એ ઝેર છે જે ઇસ્લામે જાતેજ વાવ્યું છે
અને હવે જાતે જ ભોગવે છે!” -ઇઝરાયેલ-ગાઝાના વિવાદને “મુસ્લિમ વર્સીસ વર્લ્ડ”ના
મુદ્દે સાંકળીને ઢગલો ટ્વિટસ અને એફ.બી સ્ટેટ્સ પોસ્ટ કરવામાં આવે છે!
કેટલી કડવાશ, કેટલી
રંજીશ!
કોણ છે આ આતંકીઓ?
શું આતંકવાદ એટલે કાયમ ઇસ્લામિક કટ્ટરતા?
શું આતંકવાદને કોઈ
ધર્મ હોય છે?
***
ઉત્તરપ્રદેશનું
મિરુત રાતોરાત દુનિયાભરમાં ફેમસ થઇ જાય છે. મિસ વર્લ્ડ-મિસ યુનિવર્સ-
પ્રધાનમંત્રી-ભારત રત્ન કે સેલીબ્રીટીનું રાજ્ય હોવાના કારણે નહિ, મિરુત ફેમસ થયું
છે એક વિચિત્ર કારણે! મિરુતના ખર્ખાડુઆ વિસ્તારની વીસ વર્ષીય હિંદુ શિક્ષકાએ તેઓને
મુઝફ્ફરનગરની એક મદ્રેસામાં ગોંધી રાખીને-સામુહિક બળાત્કાર કરીને-બળજબરીથી ધર્મ
પરિવર્તન કરાવી દેવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. અહી ફરિયાદ કે આરોપનું
મુખ્ય કારણ સામુહિક બળાત્કાર છે. ઘટનાના પિષ્ટપીંજણથી આખી ફરિયાદનો મુખ્ય મુદ્દો
મુસ્લીમો દ્વારા હિંદુ યુવતી પર થયેલો સામુહિક બળાત્કાર થઇ જાય છે! અને ફરી
મુસ્લીમોની કટ્ટરતા, રૂઢીચુસ્તતા અને આતંકી સ્વભાવ સામે છાજીયા લેવાય છે.
બળાત્કારની શર્મજનક ઘટના અને પીડિતાની વેદના-ફરિયાદ હિંદુ-મુસ્લિમની આગમાં ક્યાંક
દબાઈ જાય છે!
બળાત્કારની કે
સામુહિક બળાત્કારની વધતી ફરિયાદોમાં ઉછળતા પ્રશ્નો – જેવાકે પીડિતાના કપડા અસભ્ય
હતા, પીડિતા મોદી સાંજે-રાતે પુરુષ મિત્ર સાથે કયા કારણથી બહાર હતી, પીડિતાએ
બળાત્કારીઓને ઉશ્કેર્યા હશે- વિગેરે વિગેરે આ ઘટનામાં સહેજ પણ ઉછળતા નથી અને ઉછાળે
છે માત્ર અને માત્ર એક પ્રશ્ન- મુસ્લિમ બળાત્કારીઓ- મુસ્લિમ આતંકીઓ-મુસ્લિમ
કટ્ટરવાદીઓ!
શું બળાત્કારીનો
કોઈ ધર્મ હોઈ શકે?
શું પીડિતાની વેદના
વધુ સંવેદનશીલ મુદ્દો છે કે ધાર્મિક લાગણીઓ?
***
વર્ષ ૨૦૦૨માં
ગુજરાતમાં કોમી રમખાણ થાય છે. પરિસ્થિતિની સ્ફોટકતા દિન પ્રતિદિન વધતી જાય છે.
રમખાણોનું કારણ કે સત્ય શું છે- એ ગૌણ અને પરિવારની સુરક્ષા મુખ્ય મુદ્દો બની જાય
છે દરેક ગુજરાતી માટે.
વિદ્યાનગર જેને
જ્ઞાન-નગરી કહે છે ત્યાં, જુદી જુદી કોલેજમાં ભણતા અને હોસ્ટેલમાં રહેતા
વિદ્યાર્થીઓ આ કોમી અંધાધૂંધીમાં અટવાઈ જાય છે! કાલ સુધી હળી-મળીને ભણતા-મોજ કરતા
વિદ્યાર્થીઓ અચાનક પોતાના ધર્મના કોચલાઓ શોધીને લપાઈને સુરક્ષિત થવા મથે છે. એક
જાણીતી ઈજનેરી કોલેજમાં, જુદા જુદા જ્ઞાતિ-પ્રાંત-ધર્મના વિદ્યાર્થીઓએ ત્રણ વર્ષથી
સાથે ભણીને જે પ્રેમ-આત્મીયતા-વિશ્વાસ ઉગાડયા છે, એ એકઝાટકે નેસ્તો-નાબુત થઇ જાય
છે!
અને ક્લાસના લઘુમતી
કોમના બે વિદ્યાર્થીઓ સાથે અચાનક આખા ક્લાસનો વર્તાવ બદલાઈ જાય છે. જેમની પાસે
ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એક્ઝામ પેહલા છેલ્લી ઘડીએ શીખ્યા છે, જેમણે ઢાલ બનીને
મિત્રોને કસમયે મુસીબતમાંથી ઉગાર્યા છે- એ મિત્રોની યારી-પ્રેમ-હુંફ ક્યાંક ભૂલાઈ
જાય છે અને યાદ રહી જાય છે માત્ર એમનો ધર્મ-ઇસ્લામ. એ ચાર આંખો કોમી-તંગદિલીના
માહોલમાં મિત્રોની હુંફ અને ઢાલ શોધે છે પણ એમને મળે છે માત્ર શંકા ભરી નજરો,
ક્રૂર શાબ્દિક ઘા અને “મુસલમાન-કટ્ટરવાદી-આતંકવાદી” હોવાના લેબલ્સ!
દિવાળીના
મઠીયા-ચોરાફળી અને ઈદની શીર-ખુરમા જેમના યારાનાની સાક્ષી છે એ મિત્રો, હવે માત્ર
અને માત્ર હિંદુ અને મુસલમાન છે!
“મઝહબ નહિ સિખાતા
આપસમેં બૈર રખના, હિન્દી હેં હમ વતન હેં, હિન્દુસ્તાન હમારા... સારે જહાન સે અચ્છા
હિન્દુસ્તાન હમારા”-હવે માત્ર ટીવી અને રેડિઓ પર જ વાગે છે, દિલોમાં નહિ!
***
“તમારા ફતવા અહી
લાગુ નથી પડતા- મુસ્લિમ અંતિમવાદીઓ સામેની લડાઈની વણકહેવાયેલી વાર્તાઓ”ના નામે બુક
લખનાર મુસ્લિમ લેખિકા “કરીમા બેનાઉન” એવા બહુમતી મુસલમાનોની વેદનાને વાચા આપે છે- જે
નિર્દોષ છે, જે મારા અને તમારા જેવા લાગણીશીલ-શિક્ષિત-પ્રેમાળ છે!
કરીમા પોતે મુસલમાન
હોવા છતાં ઇસ્લામિક ઝેહાદીઓનો શિકાર બની ચુકી છે અને એથી જ દુનિયામાં વિસ્તરી
રહેલી ઇસ્લામિક નાગરિકો પ્રત્યેના દ્વેષને સુપેરે સમઝે છે. કરીમા આ ઇસ્લામિક
અંતિમવાદીઓના જૂથને –“પોતાના પોલીટીકલ હિત પાર પાડવા ધર્મનો ગેર-ઉપયોગ કરનાર જૂથ”
ગણાવે છે.
કરીમા વધતા જતા આ
ઇસ્લામિક અંતિમવાદીઓના આતંકવાદની સામે નિર્ભયતા અને માનવતાની મિસાલ થઈને સામે
આવેલી કેટલીક વાર્તાઓ કહે છે.
૧) “ફૈઝાન પીરઝાદા
અને રફી પીરઝાદા-નાટ્ય વર્કશોપ” વર્ષોથી પાકિસ્તાનમાં પરફોર્મિંગ આટ્ર્સને પ્રમોટ
કરવા કાર્યરત છે. ઝેહાદીઓએ આ નાટ્ય વર્કશોપને બંધ કરાવવા ધમકીઓ આપવાની શરુ કરી હતી
. ધમકીઓની વિરુધ ઝૂક્યા વગર કલાકારોએ લાહોરમાં આઠમાં પરફોર્મિંગ આર્ટસના ઉત્સવની
ઉજવણી શરુ કરી હતી. અને જેથી ઉશ્કેરાયેલા અંતિમવાદીઓએ ત્યાં બોમ્બ વિસ્ફોટ કર્યો
અને જાણે આકાશમાંથી અગનગોળા અને કાચ વરસ્યા અને નવ જેટલા કલાકારો અને દર્શકોને
ગંભીર ઇજાઓ થઇ. અને કલાકારોએ- “જો આપણે ઝેહાદીઓની સામે ઝુકી જઈશું તો કાયમ માટે
અંધકારમાં જીવવું પડશે!”- એવા નિર્ભય અને દ્રઢ વિચાર સાથે આશ્ચર્યજનક નિર્ણય લીધો –
બીજા દિવસે પણ કાર્યક્રમ રાબેતા મુજબ ચાલુ રાખવાનો! અને આગલા દિવસના
બોમ્બ-વિસ્ફોટની જાણ હોવા છતાં માનવ-મહેરામણ કાર્યક્રમ જોવા ઉભરાયું. અને પાકિસ્તાનના
લાહોરમાં દર વર્ષે આ પરફોર્મિંગ આર્ટસના વર્કશોપની પેશન સાથે ઉજવણી એક રીત-રસમ અને
બર્બરતા અને આતંકવાદને પરાસ્થ કરવાની નવતર લડાઈ બની ગઈ.
૨) મારિયા બશીર
અફઘાનિસ્તાનની એકમાત્ર ચીફ પ્રોસીક્યુટર છે જે અફઘાનિસ્તાનમાં સ્ત્રીઓ પર થઇ રહેલા
અત્યાચારોના કેસ લડી રહી છે. પરિવાર અને પોતાની જાત પર-અગણિત જાનલેવા હુમલાઓ થયા પછી
પણ મારિયા પોતાની લડતમાં અડીખમ છે. મહિલાઓના હકો અને સુરક્ષા માટે, એક સુરક્ષિત
અને સારા ભવિષ્ય માટે, ક્યાંકથી તો પહેલા કરવી જ પડશે એ સુપેરે સમઝતી મારિયા એક
આશાનું કિરણ છે કે અફઘાનિસ્તાનમાં પણ સ્ત્રીઓની સ્થિતિ ક્યારેક સુધારશે જ!
૩) અલ્જીરિયાની
બાવીશ વર્ષીય સ્વપ્નીલ આમેલ ઝેનાઉન કાયદાશાખાની વિદ્યાર્થી હતી. અલ્જીરિયાના
મુસ્લિમ અંતિમવાદીઓએ હોંશથી ભણતી આમેલ જેવી અગણિત તેજસ્વી વિદ્યાર્થીનીઓને જીવતા
રહેવું હોય તો-ભણવાનું છોડી દેવાની ધમકીઓ આપી. પણ આમેલની આંખોમાં અંજાયેલા
રંગબેરંગી સપનાઓએ ભણવાની જીદ પકડી અને સ્કુલેથી બુસમાં ઘરે જઈ રહેલી આમેલની બસને
મુસ્લિમ અંતિમવાદીઓએ આંતરી લીધી. આમેલને બસમાંથી ઉતારી ઉઘાડે ચોક મારી નાખવામાં
આવી અને એનું કાપેલુ માથું ગલી ગલીમાં ફેરવીને જાહેર કરવામાં આવ્યું કે- જે છોકરી
ભણવા જશે એના આવા હાલ થશે! છતાં આમેલની જ સગી બહેન લામિયાએ હિંમત દાખવી, ઝેહાદીઓની
ધમકીઓથી ઉપરવટ જઈને પોતાનું કાયદાનું ભણતર પૂરું કર્યું અને આજે લામીયા
અલ્જીરિયામાં ખ્યાતનામ મહિલા વકીલ છે. ધમકીઓ અને ડર સામે સપનાઓ અને આઝાદીનો વિજય
થયો!
કરીમા કહે છે -આતંકવાદ
સામે માત્ર લડાઈ થાય એ જ પૂરતું નથી- દરેક નાગરિકમાં આતંકી અંતિમવાદીઓના ઝનુની અને
લોજીક્લેસ ફતવાઓ અને નિયમો સામે પડવાની અને લડવાની હિંમત કેળવાય એ જરૂરી છે! કેમકે
આતંકવાદ એ કટ્ટરતા-ધાર્મિક અંતિમવાદનું જ ફળ છે!
કરીમા એક અણીયાળો
પ્રશ્ન પૂછે છે કે આપણા સૌમાંથી કેટલા ફૈઝાન પીરઝાદા, આમેલ, લામીયા, મારિયા જેવા
લડવૈયાઓનું નામ કે સાહસ-કથની જાણીએ છે? અને સામે છેડે આપણામાંથી કેટલા – ઓસામા બીન
લાદેનને ઓળખે છે?
કરીમા કહે છે-જેટલી
વાર્તાઓ બર્બરતા-આતંક-હેવાનિયતની છે, એટલીજ કે કદાચ વધુ સાહસ-નિર્ભયતા અને
માનવતાની છે. કરીમા સ્વીકારે છે કે ઇસ્લામ અંતિમવાદીઓએ વિશ્વને અને માનવતાને
અકલ્પ્ય નુકશાન પહોંચાડ્યું છે, પરંતુ કરીમા એ પણ ઉમેરે છે કે આ મુસ્લિમ આતંકીઓનો
ભોગ સારા-સ્રહ્દય-લાગણીશીલ મુસલમાનો પણ બને જ છે!
***
હિંદુ, મુસ્લિમ,
શીખ, ખ્રિસ્તી- બધાજ ધર્મો પ્રેમ અને માનવતાના પથ જ ભણાવે છે!
કટ્ટરવાદીઓ-અંતિમવાદીઓ-આતંકીઓનો
કોઈ જ ધર્મ હોતો નથી!
Comments