છુક છુક..છુક છુક... ટ્રેન ધીમે ધીમે એની રીધમમાં
આવી. ટ્રેનની ગતિ સાથે જાણે રસ્તામાં આવતા વૃક્ષો, નદીઓ,ઈમારતો, વાહનો,
ચલિત-સ્થાવર બધુજ ગતિમાં આવ્યું! પણ કોણ જાણે કેમ તમારું દિમાગ આ ગતિથી નિર્મમ થઇ
એકજ વિચાર પર સ્થિર થયું. હાથમાં ખુલ્લી પકડેલી કિતાબ તમારા દિમાગમાં વિચાર વમળ
પેદા કરી રહી છે. “સ્ત્રી- ઓળખ વગરનું અસ્તિત્વ” , લેખક- તસલીમા નસરીન, મુખપૃષ્ઠ
પર એકવાર ફરી નજર ફેરવી તમે પુનઃ એજ વાંચી, વિચારી રહ્યા જે આજના દિવસમાં કેટલીય
વાર વાંચ્યું-વિચાર્યું છે. પેજ નંબર-૩૩
બીજો પેરેગ્રાફ: શ્રી સત્યજીત રાય કહે છે-“સ્ત્રીઓ વિષે મારા મનમાં એક વિશ્વાસ છે.
મૂલતઃ તેઓ વધુ સાચા અને સ્પષ્ટ વક્તા હોય છે.” ત્રીજો પેરેગ્રાફ- સમાજની દ્રષ્ટિએ
સ્ત્રીનું કામ રાંધવાનું, ઘર સાંભળવાનું અને ગર્ભ ધારણ કરવાનું છે.કવિતા લખવાનું
કામ નારીનું નથી.લેખક જો પુરુષ હોય તો તેને શરમાળ કહે છે અને જો સ્ત્રી હોય તો
તેને બેશરમ કહે છે. પેજ નંબર-૭ છેલ્લો પેરાગ્રાફ- સામાન્ય ધારણા એવી છેકે જે
લેખિકાઓ લખે છે તેમના પોતાના જીવનમાં અવશ્ય કૈક વિપરીત બન્યું છે. વિષમ સંજોગોમાં
કાં તો નારી આત્મહત્યા કરે કાં વેશ્યાગૃહમાં જાય કે કાં સાહિત્ય-સર્જનનો આશરો લે.
એક સ્ત્રી જ્યારે લેખનકાર્ય શરુ કરે ત્યારે તેના લખાણને બદલે તેના નાડી-નક્ષત્ર અને
અન્ય બાબતોનું આકર્ષણ વંધ ઉરહે છે. પ્રેમમાં પડવું, પ્રેમમાં નિષ્ફળતા માંડવી,
સંસારમાં અશાંતિ અને પરિણામે વૈરાગ્ય- જો આ બધું ના બને તો કોઈ પણ સ્ત્રી સાહિત્ય
સર્જન શા માટે કરે? બહુ બહુ તો પ્રવાસે
ગયેલા પતિને પત્ર લખે કે લગ્ન-વિવાહની સમસ્યાઓ વિષે વિભિન્ન પત્રિકાઓમાં “મહિલા ના
આંગણે” કટામાં લેખનકાર્ય કરીને અખબારના પાનાં ભરશે. પેજ નંબર-૭ પહેલો પેરેગ્રાફ-
એક પ્રખ્યાત નવલકથાકાર મિત્રે મને સમજાવ્યું કે મારું લખાણ ગમે તેટલું અસરકારક હોય
તો પણ તેની તુલના નારી લેખિકાઓ સાથે જ થશે. કારણકે નારીઓ અલગ છે. દૈનિક પત્રોમાં
પણ “બાળકોના વિભાગ” ની જેમજ “નારી
વિભાગ”નું અલગ પાનું હોય છે.
બૂકમાર્કને કાળજીથી વિચાર અટક્યા એ જ પેજ પર
ગોઠવી તમે જાત સાથે ગોઠડી માંડી. તસલીમા નસરીન એક વિશ્વ પ્રખ્યાત લેખિકા છે. હમણાજ
એમની “લજ્જા” વાંચીને તમે સંવેદનાના નવા પરિમાણો શીખ્યા છો.હાથમાં છે એ પુસ્તકમાં
લેખિકાએ જે-તે સમયે એમણે અનુભવેલા સંવેદનોને બખૂબી શબ્દોમાં ઢાળ્યા છે. તમારું
વ્યગ્ર મન વિચારી રહ્યું- દાયકાઓ અને સૈકાઓ ભલે વીતી જાય- ઘણી સંવેદનાઓ અને વેદનાઓ
સાશ્વત હોય છે. આ પુસ્તકના લેખિકાના સ્વ-અનુભવો સાથે જેટલી તીવ્રતાથી તમે નજદીકી
અનુભવો છો એટલુંજ સહજ તાદામ્ય તમે ખ્યાતનામ લેખક કાજલ ઓઝા વૈદ્યની “દ્રૌપદી”
વાંચતી વખતે દ્રૌપદીની પીડા માટે અનુભવ્યું હતું. ઘણી પીડાઓ, અનુભવો એવા છે જે
ટાઈમ-ફ્રેમની આરપાર દરેક સમયની સ્ત્રી અનુભવતી આવી છે.
“શા માટે સ્ત્રી સાહિત્ય-સર્જન કરે છે?” – આ
પ્રશ્ન ઘુમરાઈ રહ્યો તમારા દિમાગમાં.
***
ઘરનું રૂટીન કામ પતાવી તમે મેઈલ ચેક કરી રહ્યા છો
અને તમારા બ્લોગ પરની કમેન્ટ નોટીફીકેશનનો મેઈલ જોઈને એક મસ્ત સ્માઈલ આવી જાય છે.
તમને ખુબ બધું બોલવાની આદત છે અને કઈ ખોટું થતું જુઓ તો વિરોધ કરવાની પણ, પરંતુ
ઘણી વાર પરિસ્થિતિ અને સમયમાં બાંધીને જયારે તમને ચુપ રહેવું પડે છે ત્યારે તે
સંજોગો, પરિસ્થિતિ અને વેદના તમે બ્લોગ પર લાખો છો. કૈક સારું, ખરાબ, શીખવા જેવું
નાનું મોટું જે કૈક તમારી લાઈફમાં બને છે અથવા તો તમે તમારી આસપાસ જુઓ છો એને
શબ્દમાં ઢાળી બ્લોગ પર રજુ કરો છો.
“હે, ઈટ્સ ઇન્ટરેસટીંગ બ્લોગ! યુ રિયલ્લી લીવ્ડ
વોટ ઓલ યુ રોટ? શું આ બધું જે તમે લખ્યું
એ તમારી લાઈફમાં થયું છે?”- કમેન્ટ વાંચીને તમને સહેજ અકળામણ થઇ. એઝ યુઝલ તમે
પોઈન્ટ આઉટ કરેલી સમસ્યામાં નહિ એ વાચકને શું આ તમારી સાથે થયું છે- એ જાણી તમારી
લાઈફમાં ડોકિયું કરવામાં વધુ રસ છે.
“આપની સાથે સંમત છું. તમે વર્ણવીએ સમસ્યા દરેક
ઘરમાં અનુભવાય છે. પરંતુ એક સ્ત્રી તરીકે આવી ભાષામાં અને આવા શબ્દોમાં લખવું આપણે
શોભા નથી આપતું. સ્ત્રીનું લખાણ ઋજુ હોય એ ઇચ્છનીય છે.”- બીજી કમેન્ટ વાંચીને તો
એકદમ હસવું આવી ગયું તમને. સ્ત્રી હોવાથી તમારે ગુસ્સો પણ શરમાતા લજાતા અને કોમળ
શબ્દોમાં રજુ કરવો જોઈએ નહીતો સ્ત્રીની કેટેગરીમાથી બાકાત થઇ શકો છો!
“સ્ટોપ ધીસ ક્રેપ. શું હમેશા આમ લેપ્પી લઈને બેસી
જાય છે? એટલો ટાઈમ કિચનમાં કાઢીશ તો ઘરનો ઉધ્ધાર થઇ જશે! લખી-વાંચીને કોનો ઉધ્ધાર
થયો જે તારો થવાનો છે? તારા આ લવારા કોણ વાંચવાનું છે? શું ફર્ક પડવાનો છે તું લખે
કે ના લખે?”- બેકગ્રાઉન્ડમાંથી એક અવાજ આવે છે અને તમે ફરી એજ સવાલ પર અટકી જાઓ
છો....” શા માટે સ્ત્રી લખે છે?”
***
“મમ્મી, આ તુ શું લખે છે?”- તમારી નાનીસી ઢીંગલી
કાર્ટુન જોતા જોતા તમને પૂછી રહી.
“કઈ નહિ બેટા, એ તો મારું હોમવર્ક કરું છું.”-
તમે ટૂંકાણમાં જવાબ આપ્યો.
“તું તારી હોમવર્કની ડાયરી તારા સેફમાં કેમ
છુપાવીને રાખે છે? મારું હોમવર્ક તો તું અને પાપા બંને ચેક્ કરો છો. તારું હોમવર્ક
કોણ ચેક કરે મમ્મા?”- ટૂંકા જવાબમાંથી એક લાંબો પ્રશ્ન નીકળ્યો.
“બેટા, મારું હોમવર્ક આ સામે ફોટો છે ને, એ
ભગવાનજી ચેક કરે. કોઈ મારામાંથી હોમવર્ક કોપી ના કરે એટલે હું એને સંતાડી દઉં છું.
પડી ખબર?”- તમે એની ઉમર પ્રમાણેનો જવાબ આપ્યો.
“હમ્મ્મ્મ, મમ્મા તું તો એકદમ ઈન્ટેલીજન્ટ છે હો!
પણ તું હોમવર્ક કરતા કરતા ઘણી વાર કેમ રડતી હોય છે?”- ઢીંગલીનું ઓબ્ઝરવેશણ તમને
નવાઈ પમાડી ગયું.
“એ તો હોમવર્કમાં ટ્ફ ક્વેશ્ન હોય, મને નાં આવડે
તો રડી પડાય!”- તમે ઢીંગલીના માથે ટપલી મારી તમારી ડાયરી બંધ કરી.
અને તમને યાદ આવ્યું આ ડાયરી શરુ કરવાનું કારણ.
“આફ્ટર લીસનીંગ ટુ યોર કેસ, આઈ એડવાઈઝ યુ આર જસ્ટ
ટુ ચોકડ વિથ ઇમોશન્સ. તમને તમારા વિસ્તારો, મુંઝવણ, ગુસ્સો, વેદના, બળાપો કાઢવા
કોઈ માધ્યમની જરૂર છે. તમારો અજંપો અને ઉક્દાય જ્યાં સુધી બહાર નહિ આવે, આ બીમારી
કે નોટ-વેલની ફીલ આવતી જ રહેશે. સ્ટાર્ટ રાઈટિંગ ડાયરી. ભલે નિયમિત નાં લખી હ્સકો,
જ્યારે લખવાનું મન થાય ત્યારેજ લાખો. જે મનમાં આવે બધું લખો. જાત સાથે પ્રમાણિક
થઈને લખો. પોતાની જાતને વાત કહી રહ્યા હોય એમ અંદરનું બધું ઠાલવી દો. યુ જસ્ટ નીડ
ઈમોશનલ એક્ઝોસ્ટ!”- એક સ્માઈલ સાથે તમારી ફ્રેન્ડ કમ ડોક્ટર તમને એડવાઈઝ આપી રહી.
અને તમે વ્હાલથી તમારી ડાયરીને હગ કરી સંભાળીને
સેફમાં મૂકી દીધી.
***
“લખવું” એ એક પ્રકારની અભિવ્યક્તિ છે.
સ્ત્રી કે પુરુષ બંને જેમ સમાનભાવે લાગણીઓ અનુભવી
શકે તેજ રીતે સમાનભાવે વ્યક્ત પણ કરી શકે અને એટલેજ સહજ સમાન રીતે એને લખી પણ શકે.
લખવું એટલે પોતાના વિચારો, લાગણીઓ અને પોતાની
જાતને રજુ કરવું - પ્રમાણીકતાથી. તો પછી લખવાને કેમ જેન્ડરમાં બાંધવું?
જ્યારે એક સ્ત્રી લખે છે ત્યારે એના લખાણની
ગુણવત્તા ચકાસવાની જગ્યાએ એમાં લેખિકાની રીયલ લાઈફના અંશો ચેક કરવાની શું જરૂર?
એક સ્ત્રી કેમ સાહિત્ય સર્જન કરે છે ?- એક સ્ત્રી
કેમ લખે છે? – જવાબ સરળ છે- એજ રીઝનથી સ્ત્રી લખે છે જે રીઝ્નથી પુરુષ લખે છે.
લેખન દ્વારા વ્યક્તિ-સ્ત્રી હોય કે પુરુષ, પોતાના
વિચારો અને સંવેદનાઓને રજુ કરે છે.
અંદર ધરબાયેલી લાગણીઓ અને સંવેદનાઓ ને બહાર
લાવવાનો સચોટ મોડ છે-લેખન. આક્રોશ, અજંપો, ઉત્સાહ, આનંદ- દરેક પ્રકારના કલરને સચોટ
ઉભારી શકે એવો કેનવાસ છે લેખન.
જેમ બંધિયાર પાણીમાં લીલ જામે છે એમજ લાગણીઓ અને
વિચારો અંદર ઘૂંટાવાથી પણ નુકશાન થાય છે, વહેવા દો લાગણીઓને એમના ઢાળમાં!
ડાયરી, બ્લોગ, સોશિયલ મીડિયા,કોલમ, પુસ્તક- જે પણ
માધ્યમ અનુરૂપ હોય ત્યાં પોતાની જાતને વ્યક્ત કરો અને મસ્ત રહો!
Comments