“બહુ-ચર્ચિત આરુશી હત્યાકેસમાં તલવાર-દંપતી
દોષિત!”-ન્યુઝપેપરનું હેડિંગ વાંચીને તમારા દિલને બહુ ખટક્યું. તમારા દિમાગે દિલને
સેન્સીબલ ટકોર કરી કે આ ક્યાં દુનિયાનો પહેલો ઓનર કિલિંગનો કેસ છે? આપણી ભવ્ય
ભારતીય સંસ્કૃતિમાં પરિવારના માન અને પરંપરા સાચવવા સદીઓથી સંતાનોની બલી ચઢાવાતી
રહી છે.
તમે હજી ન્યુઝ પેપરના પહેલા પાને જ અટવાઈને
વિચારી રહ્યા –“ “ઓનર કિલિંગ” એટલે શું? કિલિંગ અને ઓનર બંને શબ્દો સાથે કઈ રીતે
હોઈ શકે? કિલિંગ શબ્દ અપરાધ સુચક છે અને ઓનર માન-સુચક! શું કિલિંગ પણ માન-વર્ધક
હોઈ શકે?”
વિચારોની સાથે તમે એક કાળી, તરડાયેલી થોડીક
દાઝાયેલી યાદોની ફ્રેમમાં પહોંચી ગયા!
***
“નિલમ, ઓ નિલમ! જલ્દી કરને! પછી મોડું થઇ જાય છે
તો એસેમ્બ્લીમાં બહાર ઉભા રહેવાની પનીશમેન્ટ મળે છે.” ગ્રે કલરનું પીના ફ્રોક અને
વ્હાઈટ કલરનું શર્ટ પહેરેલી એક દસ-બાર વર્ષની ગોલુ-મોલુ છોકરી- એટલેકે તમે,
યુનિફોર્મ પર ગ્રીન કલરનો બેજ લગાવતા ઉતાવળમાં, ફ્લેટની નીચે જ ઉભા રહીને બુમ પાડો
છો.
હાઉસીંગ બોર્ડના ફ્લેટમાં રહેતા તમે નજીકની જ એક
સ્કુલમાં ભણો છો. સ્કુલ બસ કે રિક્ષાની લક્ઝરી તમારા મિડલ કલાસી પરિવારને પોસાતી
નથી એટલે રોજ પગપાળા જ સ્કુલે જાવ છો. અલબત્ત હાઉસીંગ બોર્ડના ફ્લેટમાં તમારી
સ્કુલમાં ભણતા બધા બાળકો એકસાથે મજાક-મસ્તી કરતા સ્કુલે જાય છે અને રોજ વારાફરથી
કોઈ એકની મમ્મી તમારી ચિલ્લરપાર્ટીનો ચાર્જ લે છે! સૌથી રેગ્યુલર એવા તમે દસ વાગતા
બુમાબુમ કરીને બધાને સ્કુલ જવા ભેગા કરો છો.
“એ આવી, પાંચ મીનીટ! મમ્મી લંચબોક્સ ભરે છે.”-
તમારી ખાસ મિત્ર નિલમનો જવાબ સાંભળી, તમે એના ફ્લેટની સામે પાર્કિંગમાં પાર્ક
કરેલા જુના બજાજ સ્કુટર પર બેસી જાવ છો.
અચાનક કૈક કોલાહલ ક્યાંકથી સંભળાય છે અને તમે
આસપાસ નજર કરો છો. પડોસીઓમાં કે ઘરમાં મોટા અવાજે થતા ઝગડા તમારા મિડલ-કલાસી
માહોલમાં સામાન્ય છે અને હવે તો તમને આ ઝગડાઓને- પિકચરની જેમ જોઈ-એન્જોય કરી-ભૂલી
જવાનું, કોઠે પડી ગયું છે! અચાનક ફરી કૈક જોરથી અવાજ સંભળાય છે અને તમે કુતુહલથી
સામેના ફ્લેટને તાકી રહો છો. તમે ઉભા છો એની સામેના ફ્લેટમાં ફર્સ્ટ ફ્લોરમાંથી
આવી રહ્યો છે આ અવાજ, મારિયાઆંટીના ઘરમાંથી જ કદાચ! મારિયાઆંટીનું ફેમીલી બધાજ
ફલેટ્સમાં સૌથી સૌંમ્ય અને શાલીન, એટલે એમના ઘરમાંથી આવી રહેલો આ અવાજ તમારી સાથે
સાથે, આસપાસ ઉભેલા અને કામ કરી રહેલા બધા
માટે અચરજનું કારણ બન્યો.
તમે, તમારી સાથે સ્કુલ જવા ઉભેલા બીજા બાળકો,
કમપાઉન્ડ વાળી રહેલા માસી, જોબ અને ધંધે જઈ રહેલા ઘણા અંક્લ્સ, પોતાની બાલ્કનીમાં
કપડા સુકવી રહેલી બધી જ આંટીઓ- બધાની આંખો સામેના ફ્લેટના ફર્સ્ટ ફ્લોર પર મંડાઈ
રહી અને .... એક તીણી ચીસ..પછી કારમી સ્વ-બચાવ માટેની બુમો... અને અચાનક... બાલ્કનીમાં
મારિયાઆંટીની દીકરી -સ્વીટીદીદી આગની જ્વાળાઓમાં લપેટાયેલી, બચવા માટે નિષ્ફળ
હવાતિયા મારતી, દર્દથી કણસતી દેખાઈ. અચાનક બાલ્કનીમાંથી આગની જ્વાળાઓ સાથે દીદી
ઘરની અંદર સમાઈ ગઈ અને ... અને... એમની બુમો અચાનક બંધ થઇ ગઈ. સહેમીને જોઈ રહેલા
તમને અને બીજા બાળકોને ગ્રાઉન્ડફ્લોરના ફ્લેટમાં રહેતા દાદી પરિસ્થિતિની નજાકત
સમઝી તુરંત પોતાના ઘરમાં દોરી ગયા. પરંતુ સ્વીટીદીદીની એ અગનજ્વાળાઓમાં લપેટાએલી
એક ઝલક તમને અંદરથી રડાવી ગઈ. એમ્બ્યુલન્સની સાયરન, પોલીસની જીપનો અવાજ અને બીજા
ઘણા અવાજો એ આખો દિવસ ગુંજતા રહ્યા, છતાં દિલમાં માત્ર અને માત્ર સ્વીટીદીદીની
ચીખો ઘુમરાતી રહી. નજરની સામે સ્વીટીદીદીનો સૌંમ્ય ચહેરો ફરી વળ્યો. તમારા હાઉસીંગ
બોર્ડના ફલેટ્સમાં એક પરિવારની જેમ રહેતા બધા મિડલ કલાસી પરિવારો મારિયાઆંટીના
પરિવારની પડખે આવી ઉભા રહ્યા, પરંતુ નિરાશ વદને અને ભારે દિલથી. એમ્બ્યુલન્સ અને
પોલીસની જીપ સાથે આખો કોલાહલ રવાના થયા પછી પણ તમે તમારા ફ્લેટની બાલ્કનીમાં ઉભા
રહી, સામેની બાલ્કનીને તાકી રહ્યા- જાણે હમણાં સ્વીટીદીદી હસતા-મુસ્કુરાતા તુલસીને
પાણી પાવા આવશે!
સાંજ પડી, પપ્પા અને બીજા પડોસીઓ હોસ્પિટલથી
નિરાશવદને પાછા આવ્યા. તમે એક ખૂણામાં ઉભા રહીને મમ્મી અને પપ્પાનો ટૂંકો મોઘમ
સંવાદ સાંભળી રહ્યા. તમારી નાની ઉમરની માર્યાદિત સમજશક્તિ પ્રમાણે તમને કૈક સમઝાયુ
અને કૈક ના કળાયું. પપ્પાના કહ્યા પ્રમાણે સ્વીટીદીદી ૯૦% બર્ન્સના કારણે
હોસ્પિટલમાં દાખલ કરાયાના એકજ કલાકમાં દેવલોક થયા. મરતી વખતે સ્વીટીદીદીએ પોતાના
માતા-પિતાને બચાવી લેવા કરેલી આજીજીઓ હજુ પપ્પાની ભીની આંખોથી ટપકી રહી. તમારી
નાની બુદ્ધિને કૈક ના સમઝાયુ અને અધ-વચ્ચે તમે પૂછ્યું- “પપ્પા, તમે અને બીજા બધા
સ્વીટીદીદીને લઈને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ
જતા હતા ત્યારે મારિયાઆંટી અને અંકલ તમારી સાથે કેમ નહોતા આવ્યા?”
તમારા અચાનક પૂછેલા પ્રશ્નથી ઓઝપાયેલી તમારી મમ્મી
તમને પટાવવા પ્રયાસ કરે છે- “ મારિયાઆંટી અને અંકલ પણ ગયા હતા, તે જોયા નહિ હોય!
તું હજુ નાની છે, તને બધી ના ખબર પડે!”
અને એક આક્રોશ સાથે તમે બોલી ગયા-“હું નાની નથી.
મને બધી ખબર પડે છે. મેં બાલ્કનીમાંથી જાત્તે જોયું હતું. એમ્બ્યુલન્સ દીદીને લઈને
ગઈ એ પછી મારિયાઆંટી ઘરમાં પોતા કરતા હતા અને અંકલ પોલીસમેનને કૈક સમ્ઝાવતા હતા.”
તમારા જવાબથી ડઘાયેલા પપ્પાએ વાત વાળતા કહ્યું-“
બેટા એ તો પોલીસમેને જ મારિયાઆંટીને ઘર સાફ કરવા કીધેલુ.. તારે આ બધામાં નહિ
પડવાનું બેટા, તને ના ખબર પડે!”
સહેજ અચકાઈને તમે તમારો ગુસ્સો અને અકળામણ રજુ
કર્યા-“ મને બધું ખબર છે અને બધી ખબર પડે છે. કાલે એમ્બ્યુલન્સ ગઈ એ પછી બધા વાતો
કરતા હતા એ મેં સાંભળેલી. મારિયાઆંટી ખુનીમાતા છે, એમણે અને અંકલે જ સ્વીટીદીદીને....”
તમારું વાક્ય, તમારા ડુસકાઓ સાથે અધૂરું રહી ગયું. મમ્મી અને પપ્પા ક્ષોભ અને
ચિંતાથી તમને જોઈ રહ્યા. અને તમે મનોમન બાકીનું અધૂરું વાક્ય બોલી ગયા-“
સ્વીટીદીદીને એમના જ મમ્મી-પપ્પાએ સળગાવી દીધા. બાજુવાળા બા કોઈને કહેતા હતા કે
સ્વીટીદીદીના પેટમાં બચ્ચું હતું. એ બચ્ચું પણ બિચારું .... “ – તમે મનમાં પણ આ
દર્દ દાયક વાક્ય પૂરું ના કરી શક્યા અને ચોધાર આંસુઓએ રડતા બેડરૂમમાં જતા રહ્યા.
સ્વીટીદીદીના હત્યાના સમાચાર બીજા દિવસે એક
ઘરેલું અકસ્માત તરીકે પેપરના એક ખૂણે છપાયા, અને નાં છપાઈ -એમની પોતાનો નાં જ હાથે
કમોત પામ્યાની પીડા, એમના પરિવારને એમની હત્યા કરવા ઉશ્કેરનાર સો કોલ્ડ કુટુંબની
આબરુ સચવાયાની ખુશી, રાજકીય સાઠ-ગાંઠ અને પૈસાના જોરે બંધ થયેલી પોલીસની ફાઈલ અને
પોતાથી રગડીને ધોવાઈ ગયેલા સ્વીટીદીદીના બળ્યાના નિશાન!
***
“ઓનર કિલિંગ” – આ શબ્દ ખુબજ ધ્રુણાસ્પદ છે!
ગુજરાતીમાં કહેવત છે કે - “છોરું કછોરું થાય
પરંતુ માવતર કમાવતર નાં થાય!”.
શક્ય છે ઘણી વાર પરિસ્થિતિ અને સંજોગો પરિવાર અને
માં-બાપને સંતાનો સામે સખ્તાઈ કરવા મજબુર કરે! પરંતુ કાયદો હાથમાં લઈને સંતાનને
સજા-એ-મોત આપવી એ ક્યાંનો ન્યાય છે?
સંતાન ખોટા માર્ગે જાય, ખોટા કામ કરે – તો એને
વરવા પ્રયત્ન કરી શકાય. સમઝાવટના બધા શક્ય પ્રયાસો નિષ્ફળ જાય ત્યારે માતા-પિતાની
વાત ના માનવા બદલ કે પરિવારની આબરુને કલંક લગાવવાના આરોપસર સંતાનની હત્યા કરવા
કરતા તો એને એના રસ્તે જવા દેવું,ભૂલ કરવાની છૂટ આપી દેવી ઉચિત છે.
માતા-પિતા પોતાના બાળકોના માલિક નથી જ! ભલે
માતા-પિતા એક નવો જીવ જન્માવી શકે છે, એને હણવાનો હક એમણે કદાપિ નથી જ!
“હું જાણું છું, તારો આ નિર્ણય ખોટો છે. પરંતુ
છતાં આ નિર્ણયમાં હું તારી સાથે છું. કારણકે હું જાણું છું કે કોઈ કાળે તું મારી
વાત માનીને નિર્ણય નહિ જ બદલે. અને જયારે તને સમઝાશે કે તારો નિર્ણય ખોટો હતો,
ત્યારે તને સંભાળવા અને ફરી નિર્ણય લેવાની હિંમત અને દિશા આપવા- હું તારી સાથે જ
રહીશ! તું ભૂલ કરવા સ્વતંત્ર છે, એ ભૂલમાંથી જાતે શીખવા મેચ્યોર અને સમજદાર છે-
પરંતુ જ્યાં તારી ક્ષમતાઓનો, સમઝદારી અને
સહનશક્તિનો વ્યાપ ખૂટી જાય ત્યારે એને વિસ્તારવા હું તારી સાથે જ હોઈશ.”- જયારે
માતા-પિતા આવા લાગણીભર્યા શબ્દો સાથેનો અભિગમ અપનાવશે, “ઓનરકિલિંગ” નો કલંક કાયમ
માટે ભૂંસાઈ જશે!
Comments