લાઈફ સફારી-૧૦, પેજ ૩, વુમન્સ ગાર્ડિયન- ગુજરાત ગાર્ડિયન ન્યુઝ પેપર |
LINK :: http://gujaratguardian.in/E-Paper/02-19-2013Suppliment/index.html
***
આખો દિવસ મોબાઈલમાં ચોંટેલો રહે છે, કોઈક દિવસ તો
ચોપડા હાથમાં લે! ટીવી, મુવી, ફ્રેન્ડઝ સાથે રખડપટ્ટી અને બાકી હોય એમ આ મોબાઈલ
અને ઇન્ટરનેટ! એક બિલ ભરતા પણ જો આવડે કે બેંકનું કામ કરતા પણ આવડે તો તારો
જન્મારો સફળ! કાલ ઉઠીને લગન થશે, બે છોકરાનો બાપ થઈશ તો એમની સ્કુલની ફી ભરવા તારી
માને મોકલશે? એક પણ સારો ગુણ હોય કુંવરજીમા તો તામ્રપત્ર પર લખાવી ડ્રોઈંગ રૂમમા
લટકાવું. આવા ને આવા લખ્ખણ રહશે તો કઈ છોકરી પરણશે અને સંઘરશે તને? થોડું ભણતા
શીખો, થોડા સંસ્કાર શીખો અને ફેમીલી માં હળતા-મળતા શીખો તો સારી છોકરી મળશે, નહીતો
માથે જ પડીશ અમારા આખી જીન્દગી- પથરાની જેમ! “- ગુસ્સામાં મમ્મી ત્રાટક્યા અને
કુંવરજી ની આંખો ભરાઈ આવી! રમવા- ભમવાનું છોડી સંસ્કાર શીખવા પડશે, ભણવું પડશે અને
કુટુંબ પ્રત્યેની જવાબદારીઓ નિભાવવી પડશેએ વિચારથી કુંવરજી હતાશ થઇ ગયા!
ઉપરનો ડાયલોગ ભૂલમા પણ ક્યાય સાંભળવામાં આવ્યો
છે?
જો હા, તો ગીનીઝ્બુકમાં ઉપરના ડાયલોગ બોલનાર-
મહાન આત્માની સાથે “નાં- ભૂતો નાં ભવિષ્યતિ શ્રોતા” એવા તમારું નામ પણ પાક્કું!
દીકરાને તે વળી ટોકાય?
“કુંવરજી” કોને કીધા?
“કુળ દીપક” – એને તો લાડ કરાય, ભાગ્યશાળી
કુટુંબમાં દીકરા પાકે( આઈ મીન જન્મે!).
***
“આખો દિવસ બસ બુક્સ લઈને બેસી રહો, એટલે દિવસ
પુરો! ભણી ગણીને મોટી કલેકટર થવાની છે બેનબા! આ બળ્યા ચોપડા અને ડીગ્રીથી રસોડું
અને ઘર નથી ચાલવાનું – સમઝી લેજે! ૨ ટકા ઓછા આવશે કે એક વર્ષ નાપાસ થઈશ તો પણ
ચાલશે, પણ ઘરકામ નહિ આવડે એ નહિ જ ચાલે! પેલી પોલીસવાળી કિરણ બેદી હોય કે ઇન્દિરા
ગાંધી- રસોડે ગયા વગર કોઈનો ઉધ્ધાર નથી, સમઝી તું? “ – હાથ માં વેલણ લઇ મમ્મી
દુર્ગામાંનાં રૂપમાં ક્રોધ વરસાવી રહી.
સહેમી ગયેલી “બેનબા” પોતાનો શું વાંક એ વિચારી
રહી.
ધોરણ ૧૦ નું વર્ષ કારકિર્દી માટે કેટલું મહત્વનું
છે- એ વિષય પર ગઈ કાલે શાળામાં પરિસંવાદ યોજાયો હતો, જ્યાં સ્કુલના પ્રિન્સીપાલ
દ્વારા પોતાનું સન્માન કરાયું હતું શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે... શું એ વાંક હશે?
કે પછી કો-એડ ની સ્કુલમાં, ઇતિહાસ માં પહેલી વાર
- શ્રેષ્ઠ વિદ્યાર્થીનો એવોર્ડ એક વિદ્યાર્થીનીને મળ્યાનું વાઈસ પ્રિન્સીપાલ મેડમે
જાહેર કર્યું - એ વાંક હશે?
કે પછી , બોર્ડમાં શાળાનું નામ આ વર્ષે મારા ગુણ
અને પ્રતિભાથી જ રોશન થશે, એવી ક્લાસ ટીચરે આખા ક્લાસ ની સામે ટકોર કરી – એ વાંક
હશે?
વિચારયાત્રા પણ મમ્મીની લાલ આંખો જોઈ ડરીને અટકી
ગઈ અને યંત્રવત બુક્સ નો ઢગલો હડસેલી “બેનબા” સાવરણી લઇ પોતાની મૂળભૂત ફરજ પૂરી કરવામાં
પરોવાયા... અલબત્ત તૂટેલા સપનાઓની કરચો અને અબોલ આંસુઓ ને સહેજી કે સાફ કરી શકે
એવી સાવરણી ક્યાંથી લાવવી?- એ પ્રશ્ન ગૂંચવી રહ્યો “બેનબા”ને અંદર ક્યાંક...
***
“નાં ડેડ, મારે ફાઈન આર્ટસમા એડમિશન નથી લેવું.
મારે એન્જીનીયરીંગ કરીને ડિફેન્સમાં જવું છે. “- એક સેન્ટેન્સ થી જાણે બોમ્બ
વિસ્ફોટ જેવી અસર થઇ ડિનર દેબ્લ પર.
૧૦ મીનીટ સુધી ડિનર ટેબલ પર નીરવ શાંતિ.
“ડેડ, મોમ – આઈ એમ સીરીયસ. મેં બધી તપાસ કરી લીધી
છે. ઈન્જીનીયરીંગ પછી કઈ રીતે એપ્લાય કરવાનું અને આઈ એમ શ્યોર – આઈ વિલ ગેટ ઇન!”-
એકદમ ઉત્સાહથી મેં મહિનાઓનાં રીસર્ચથી ભેગા કરેલા ફોર્મસ અને ડીટેઈલ્સ ડિનર ટેબલ
પર મુક્યા.
“આર યુ કિડિંગ? હવે તું મોટી થઇ, થોડી પ્રેક્ટીકલ
વાતો કર. તારા ડેડનો જ વાંક છે આ બધો. માથે ચઢાવીને રાખી છે તને. ડીફેન્સ માં
કેરીયર બનાવીશ તો આપણી જ્ઞાતિમા કોણ તારો હાથ પકડશે? ચુપ ચાપ ફાઈન આર્ટસ નું ડેડ
લાવ્યા છે એ ફોર્મ ભરી દે. આપણે તને જોબ જ નાં કરવી પડે એવું સાસરું શોધીશું,
અલબત્ત ૨-૩ રીશ્તાઓ મારા ધ્યાનમાં પણ છે!”- મારા ડીફેન્સ કેરીઅર માટેના ફોર્મસ અને
પ્રિન્ટ આઉટ્સ પર મોમનાં મુકેલા મેટ્રીમોનીનાં બાયોડેટા હાવી થઇ ગયા!
“પણ ડેડ, તમને તો ખબર જ હતી, નાનપણથી આજ મારું ડ્રીમ
છે...અને તમે...”- બચાવ માટે પાપા તરફ આખરી આશાએ જોઈ રહી હું.
“ સ્ટોપ ધ ક્રેપ ઓફ ડ્રીમ્સ એન્ડ ઓલ, ગ્રો અપ.
સપનાઓ આંખ બંધ કરીને , એ પણ રાતે જ જોવા સારા લાગે! હવે મોટી થઇ – થોડી પ્રેક્ટીકલ
વાતો કર.મેં ફાઈન આર્ટસનાં તારા એડમિશન ફોર્મમાં સાઈન કરી દીધી છે. બીજી ઓપ્શન
જોઈએ તો બાજુના ટેબલ પર મેનેજમેન્ટ સ્કુલ નું ફોર્મ છે- એ જોઈન કરી લે. ટીચરની કે
બેંક ની જોબ હશે તો તારા માટે મુરતિયો પણ જલ્દી મળશે. “- પપ્પાનો રુઆબ અને જવાબ –
લાજવાબ કરી ગયા મને.
લગ્ન અને મુરતિયાની અકારણ ચિંતાની આગમાં મારા
કુમળા સપનાઓ હોમાઈ ગયા!
***
“કેટલી વાર કીધું તને, સામે ચપ્ ચપ્ જવાબ નહિ
આપવાના. છોકરીની જાત થઈને લાંબી જીભ સારી નહિ.”- દાદી આજે સવારથી સંસ્કાર ટીવી પર
આવતા શોની જેમ પ્રવચન આપી રહ્યા છે.
“પણ દાદી , તમે વાંક કોનો છે એ તો જુઓ. હમેશા
કોઈની પણ ભૂલ હોય તમે મારા પરજ બુમો પાડો છો! ભાઈને તો કૈજ કહેતા જ નથી. જે વસ્તુ
ખોટી છે – એને ખોટું કીધી એમાં પણ મારો વાંક? ખોટું સહન કરવાનો મારો સ્વભાવ નથી!”-
સવારથી અવિરત ચાલતા દાદીપુરાણની સામે અંતે અનિચ્છાએ બોલી જ જવાયું.
“જો પાછી સામે જવાબ આપે છે! ખોટું હોય કે ખરું –
બૈરાનો અવતાર લીધો છે તો – સહન કર્યે જ છુટકો. સાસરે જઈને આમ સામે જવાબ આપીશને તો
સાસુ પહેલા જ દિવસે ઘરની બહાર તગેડી મુકશે! અસ્ત્રીની જાત જેટલી મૂંગી- એટલી
મોંઘી! જેટલું ચુપ રહીશ એટલું સાસરે માન રહેશે! એટલે આમ સામે જવાબ આપવાનું અને
મોટા અવાજે બોલવાનું હવે બંધ કરો- નહીતો કોઈ સંઘરશે નહિ અને પથરો બની અહીજ અમારે
માથે પડી રહીશ. “- દાદીપુરાણનો કાયમનો આ અંતિમ અધ્યાય સાંભળી કાયમની જેમ જ આંખો
ભીની થઇ ગઈ.
“મને કોણ સંઘરશે?”... “હું તો પથરો!”.. “સ્ત્રી
ની જાત – મૂંગી એટલી મોંઘી! “~ દાદી-વચન ઘુમરાઈ રહ્યા મારી આસપાસ અને હું સાચે જ
મૂંગી થઇ ગઈ, એકદમ સસ્તી થઇ પડેલી મારી ખોટું સહન નાં કરવાની ખુમારીને હડસેલીને જ
તો!
***
સપનાઓ, એજ્યુકેશન, કેરીયર , જોબ , ખુમારી~ નું
જેન્ડર મેઈલ અને સંસ્કાર, જવાબદારી, સહન
શક્તિ, ત્યાગ ~ નું જેન્ડર હમેશા ફીમેલ!
આપણા પરિવારમા આપણે, જાણ્યે- અજાણ્યે આપણી
દીકરીઓનાં ભણતર, કારકિર્દી, સપનાઓ, સ્વભાવ અને લાગણીઓ પર પણ, લગ્ન અને મુરતિયાનાં
મોહમા લગામ લગાવતા રહીએ છે!
વાતે વાતે –
તને કોણ સંઘરશે ? ~ જેવા વાહિયાત પ્રશ્નથી એની આત્માને વીંધતા રહીએ છે!
કેમ?
શા માટે દીકરીના ઉચ્ચ ભણતરથી લઈને કેરીયર ચોઈસ
સુધીનાં ડીસીઝન આપણે – ભવિષ્ય માં થનાર લગ્ન કે મળનાર મુરતિયા ની સંભાવનાઓ અને
જરૂરીયાતો ને અનુલક્ષીને ક્રૂરતાથી કચડી નાખીએ છે?
દીકરીના ભણતર, કેરીયર કે સ્વભાવ બદલાવાનાં અવિરત
પ્રયત્નો કરનાર આપણે દીકરી માટે- એ જેવી છે એવીજ એને સ્વીકારે અને ચાહે એવો
જીવનસાથી શોધવા – એક પ્રયત્ન કરવાની હિંમત નથી દાખવતા ?
શું લગ્ન માત્ર એક સ્ત્રીનું જીવવાનું ધ્યેય છે?
લગ્ન સિવાય સ્ત્રીનું અસ્તિત્વ જ અધૂરું છે?
આવો, આપણા સમાજની વિચારધારાને સમય સાથે પરિપક્વ
બનાવીએ!
દીકરીને કોણ સંઘરશે એની ચિંતા કોરે મૂકી, દીકરીને
એટલી સક્ષમ બનાવીએ કે એ સંઘરી, સહેજી અને ચલાવી
શકે પોતાના પુરા પરિવાર અને સમાજને!
Comments
Btw, આ પણ જોવા જેવું ખરું !! - http://www.youtube.com/watch?v=7oCBNHiiAyI