લાઈફ સફારી ૮, પેજ ૩, વુમન્સ ગાર્ડિયન , ગુજરાત ગાર્ડિયન ન્યુઝ પેપર |
***
આજની દોડધામભરી જિંદગીમાં
મહત્વાકાંક્ષાઓ અને કરિયરની ચેઝ માં ક્યાંક આપણે આપણા સ્વજન ને "ટેક્ન ફોર
ગ્રાન્ટેડ" લઇ લઈએ છે. એ સ્વ-જનનું આપણી જિંદગી માં મહત્વ ભૂલી જઈએ છે.
કદાચ એ સ્વ-જન આપણા નસીબ માં સહજતાથી
આવી ગયું છે, એથી એનું મહત્વનાં સમઝી શકનાર આપણે, એ નથી જાણતા કદાચ ... કે...
એ સ્વ-જન નું મહત્વ
એને ગુમાવી ચુકેલા “કોઈક” ને વધુ છે , કદાચ એને પામી
ચુકેલા અને છતાં કદર નાં કરી શકનાર આપણા કરતા!
કાલ્પનિક કેનવાસ પર વાસ્તવિકતાના આ
શેડસ કદાચ મદદ કરે આપણી, જે ખોવાઈ ગયું છે એ શોધવા કે પછી જે ખોવાઈ જવાની તૈયારી માં છે એને
સહેજવા!
આમીન !
***
ટાક.. ટીક.. ટાક .. ટીક ..
ફરી એજ અવાજ .. થોડો પરિચિત.. છતાં
અજાણ્યો..
વર્ષો પહેલા દિલ ને ધબકાર ચુકાવી
દેનાર..
એ હાઈ હિલ ના સેન્ડલ .. અને
સેન્ડલ પર ચાલી આવતી મારી મુસ્કુરાતી સવાર, શરારતી સાંજ ને શમણાઓ ભરેલી રાત!
અને એક બેફિકરાઈ ભર્યું સ્મિત..
કાશ કહી શકાત તને -
તું હાઈ હિલ પહેરે ત્યારે સહેજ પણ જાડી નથી લાગતી! અને લાગે તો પણ શું ફર્ક પડે છે? મારી નજરો તો તારી નિર્દોષ , રમતિયાળ આંખો થી
નીચે પહોંચી જ શકતી નથી!
***
"સાહેબ, મેમસાહેબ માટે ગુલાબ લઈ જાવ ને.. આજે બિલકુલ વકરો નથી થયો સાહેબ..
મેમસાહેબ રાજી થઇ જશે! "- નાનો મેલોઘેલો છોકરો મોંઘા- મૂલની, સ્મરણોની જાહોજલાલીભરી જર્ની ખોટ્કાવે છે!
અને તો પણ એ બેફિકરાઈ ભર્યું સ્મિત
ફરી તરવરે છે..
"ગુલાબ નહિ, સનફલાવર આપ ... "- અનાયાસે કહેવાઈ ગયું અને અચરજ સાથે ફૂલ
વેચવાવાળો બીજા ફૂલ [ FOOL] ને જોઈ રહ્યો!
"સાહેબ આ રેડ રોઝ સરસ છે, વિલાયતી અને સુગંધ પણ સરસ આવે છે, આ લઇ જાવ ને!
સુર્યમુખી તો કોઈ નથી લેતું,
એમાં તો કઈ સુવાસ પણ નાં આવે સાહેબ! નાં તો
કોઈ સુંદર રંગો છે એના! "- વિલાયતી રેડ રોઝ વેચીને વધુ નફો કરવાની
ગણતરી સમઝાઈ .... પણ મારી સન્ફ્લાવારી ગણતરી સમઝવા મનેય જાણે કેટલા વર્ષો
લાગ્યા!
એકદમ લડાયક અને તીખી તું, કદાચ આ સનફ્લાવરની જેમ હંમેશા મજબુરીઓ અને પરિસ્થિતિઓની સામે લડતી , મથતી .. સામે પડતી , કદાચ એટલે જ તને આ
સુવાસ-હીન સનફલાવર જ પ્રિય હતું ...
અને તને રોઝ આપવાની ભૂલ કરી બેઠો હું...
કાશ તને સમઝાવી શકત
કે તારી સન-ફ્લાવરી ખુમારી અને તીખાશને હું દિલો-જાનથી ચાહું છું, માત્ર એમાં મારી લાગણીઓ અને પ્રેમની ગુલાબી સુવાસ ખૂંટે છે , મને ઉમેરવા દઈશ?
***
"જ્યારે ટેન્શન હોય ત્યારે ચોકલેટ ખાવાની ... "- તારા આ શબ્દો,
જ્યારે જ્યારે મારું બી.પી હાઈ થાય ત્યારે મારી આસ-પાસ ઘુમરાય છે!
અને કોલેજની એકઝામ્સના ટેન્શનમાં, મિત્રો સાથેની
બબાલના ટેન્શનમાં કે ઘરની કોઈ પર્સનલ પળોજણમાં- માત્ર એક નાની ફાઈવ-સ્ટાર ખાઈને
તરો-તાઝા થઇ જતી તું, તારી સ્મૃતિ ... કદાચ મારું બી.પી અનાયાસે જ વધારે છે!
કાશ તને મહેસુસ
કરાવી શકત કે તું હોય આસ-પાસ તો ટેન્શન ક્યાંથી હોય? તારા નાં હોવાની તો આ બધી ઉપાધી છે!
***
"બ્લુ કલરનું પર્સ મંગાવ્યું હતું ને ... આ કયો શેડ લાવ્યા બ્લુ નો? " - જ્યારે મારી જીવનસંગીની પ્રેમપૂર્વક પૂછે છે તો...કઈ રીતે સમઝાવું
એને કે.... મારા બધા જ રંગો પરાયા છે..
અને જે રંગો મારા છે, મારી યાદમાં
છે ..., યાદ-દાસ્ત માં છે .. એ બધા જ "તારા" જ રંગો છે ..
તારા કોટન ડ્રેસ નો બ્લુ કલર ..
ને તારા પર્સ નો ઓફ વ્હાઈટ કલર..
તારો ઓલ ટાઈમ ફેવરીટ બ્લેક કલર..
તારી આંખો નો બ્રાઉન કલર..
તારા ગાલો પર નો શરારતી
ગુલાબી કલર..
તારા ગુસ્સા નો લાલાશ પડતો કેસરી
કલર...
અને ....
સફેદ કલર તારી "ના" નો!
અને એ "ના" પાડતા તારા
દિલમાં ઘુમરાતી ઉદાસી અને લાચારી નો - "ગ્રે" કલર..
મને જોઇને ફંટાઈ જતા તારા દિલ માં
ઉઠતી ટીસ નો લોહી જેવો "લાલ" કલર ...
અને નદી ના કિનારાની જેમ સામ સામે, છતાં દુર, કાયમ જુદા વહી
જવાની રીયાલીટી સ્વીકારી જીવી જવાનો - "લીલો" કલર..
કભી કભી મેરે દિલ
મેં ખયાલ આતા હે ...
કે જિંદગી તેરી
ઝુલ્ફો કી નરમ છાઓન મેં ગુઝરને પાતી તો શાદાબ હો ભી સકતી થી!
***
પોતાના પ્રેમથી તમારી જીન્દગીને હરી-ભરી કરી દેનાર સ્વ-જનને કહેવા કેમ
પ્રેમ અને હુંફ ભર્યા શબ્દો ખૂટી પડે છે?
ક્લાયન્ટ, બોસ કે મિત્રો સાથે કલાકો ગપ્પા-ગોષ્ઠી કે મીટીંગ થઇ શકે છે
પરંતુ... હર હમેશ પાસે અને સાથેજ રહેનાર પ્રિયજન સાથે ગાળવા જ કેમ સમયનો અભાવ રહે
છે?
કેમ વ્યક્તિ કે વસ્તુનું મહત્વ એને ગુમાવ્યા પછીજ સમઝવું જરૂરી છે?
આવો સહેજી લઈએ આપણા અમુલ્ય સંબંધો અને લાગણીઓને સમયસર!
Comments