લાઈફ સફારી~૬, પેજ ૩, વુમન્સ ગાર્ડિયન - ગુજરાત ગાર્ડિયન |
***
"ઓહ , હવે
સમજાયું ! " - મારી દેહ વિહીન આત્મા નો
આ અવાજ કોણ સંભાળશે?
***
ગઈ કાલે જ મને નવોઢાની પેઠે પૂરી
શણગારવામાં આવી હતી. એજ પાનેતર માં, જે મેં પુરા કોડથી આજથી ૧૦ વર્ષ પહેલા
લગ્ન દિવસે પહેર્યું હતું! ૧૬ શણગાર કરેલો મારો દેહ એટલોજ જાજરમાન લાગતો હતો
જેટલી હું લગ્ન ના દિવસે સુંદર લગતી હતી!
વિધિ વિધાન પૂર્વક મારા દેહ ને
"મારા" જ ઘર ને "મારા" જ સગા ઓ ની હાજરી માં "કાઢી"
જવાનો છે, એ વાત થી સહેજ દુખ તો થયું , પણ દેહ જવાનું કેવું દુખ, આત્મા રૂપે તો હું મારા
પ્રિયજનો પાસે જ છું ને, એ વિચાર થી મન
મનાવ્યું !
મારો પરિવાર મારી પાછળ જે આક્રંદ કરી
રહ્યો છે એ જોઇને દુખ ની સાથે થોડો સંતોષ પણ થયો કે મારી લાગણી એક તરફી તો નથી જ!
બધા જ સગા વ્હાલા અને ઓળખીતા, અજાણ્યા ની વચ્ચે દેહ વિહીન હું "એમને" શોધી રહી , "જેમનો" હાથ પકડીને હું આ કુટુંબ માં આવી અને "જેમના"
હાથ ના અગ્નિદાહ થી મને મોક્ષ મળવાનો છે!
જોકે મોક્ષ કે આલોક–પરલોક ની વાતો થી હું કાયમ જ પર રહી
છું, છતાં – જે જીવનસાથીને જિંદગીના 10 વર્ષો તડકે છાંયડે સાથ આપ્યો “એ” મને મારા
અંતિમ મુકામ સુધી તો સાથ આપશે જ એતો પાક્કી ખાતરી રહી જ!
ચારે તરફ નજર કરી . "એ" કેમ
નથી દેખાતા ?
કદાચ બૌ ઢીલા પડી ગયા હશે મારી અણધારી
વિદાયથી! અરે... પણ ના એ તો વિકટ સંજોગોમાં પણ ચટ્ટાન જેવું ધ્યેર્ય રાખે છે. તો પછી તબિયત તો નહિ લથડી હોય ને? એ વિચારથી મન વિચલિત થયું!
"અખંડ સૌભાગ્યવતી મૃત્યુ તો સદભાગી આત્મા ને જ નસીબ થાય! પતિના હાથે
અગ્નિદાહ માત્ર થી પરણીતા ને મોક્ષ પ્રાપ્તિ થાય છે! " - કર્મકાંડી બ્રાહ્મણના આ વિધાનો મારું અચેતન દેહ ભલે ના સાંભળી શકે , સચેતન હું એકધ્યાને
સાંભળી રહી.
આજ સુધી દરેક વિધિ-વિધાન, રીત-રસમ , પ્રસંગ, તહેવાર માં જેમનો
મેં એક પડછાયો બની ને સાથ આપ્યો છે, એમને હવે મને માત્ર સ્મશાન સુધી
"સાથ" આપવાનો છે! કેટલું વિચિત્ર છતાં કેટલું સત્ય!
"ચાલો જલ્દી "કાઢો" હવે... "
"હા ચાલો, હવે કોની રાહ જોવાય છે? "
મારા દેહ ને જતો જોઈ રહી..
માત્ર ૧૦ મિનીટ ના કોલાહલ પછી નીરવ
શાંતિ વ્યાપી ગઈ મારા ઘર માં..
એક વાર તો "મારા" ઘર માં
આંટો મારી આવું, ખૂણે ખૂણે મારી અને મારા પ્રિયજનોની યાદો સમેટી આવું!
ડ્રોઈંગ રૂમમાં હજુ સ્નેહીજનો
"રામ ધૂન" બોલાવી રહ્યા છે. પૂજાઘરમાં મમ્મીજી ઈશ્વરને મારું ધ્યાન
રાખવા કરગરી રહ્યા છે! રસોડા માં ભાભી સાંજ ભોજન અને બપોર ની ચા ની ગોઠવણ કરી
રહ્યા છે.
હાશ ... મારું ઘર, પતિ અને બાળકો
સચવાઈ જશે. એમ વિચારતા બેડ રૂમમાં આવી અને પગ એક દુખ ના ચિત્કાર સાથે અટકી ગયા..
જેમના હાથે મારા દેહ ને અગ્નિદાહ
દ્વારા “મોક્ષ પ્રાપ્તિ” થવાની હતી એ મારા "જીવનસાથી" સ્મશાનની વાટે
મારા દેહને સાથ આપવાના સમયે "ઘર માં"!
અને પાછળ થી મમ્મી અને ભાભી નો
વાર્તાલાપ સંભળાયો..
"મેં જ એને સમજાવ્યો કે ફરી લગ્ન કરવાના હોય એટલે સ્મશાનમાં ના
જવાય.. ક્રિયાકાંડ થી દૂર રહેવું પડે! આ પહાડ જેવી જીન્દગી અને બાળકોની જવાબદારી
એકલા પહોંચી વળવું અઘરું છે! બાઈ માણસ તો જીવી જાણે એકલા- પુરુષોનું એ કામ નહિ!"
"ઓહ, હવે
સમજાયું ..." - દિલ રડી ઉઠ્યું ...
હવે આ ઘર ને સાથી ની કોઈ યાદ નથી સમેટવી...
મન ને મક્કમ કર્યું... નાં , મને "એમના " બીજા લગ્ન સામે વાંધો નથી ...
દિલથી ખુશ છું કે- એમને ઝીંદગીની સફર માટે એક હમસફર મળશે અને મારા બાળકો ને માં!
પણ...
શું મારા દેહ ને અગ્નિ દાહ આપવાની
"એમની" ફરજ નથી ?
બીજા લગ્ન માટે મારી આ આખરી ઈચ્છા
અને મારો આખરી હક મારાથી કેમ ખૂંચવી લીધો ?
આ જ તમારા ૭ જનમ ના વાયદા!
અગ્નિ વગર મારો આત્મા બળવાની
વેદના અનુભવી રહ્યો!!
***
સમાજ ના બનાવેલા નીતિ નિયમો કોઈ
પણ લોજીક વગર
માનવા ને એનું અનુકરણ કરવું કેટલી હદે જરૂરી છે?
સમાજ પહેલો કે પ્રિયજન અને તેની લાગણીઓ?
Comments