લાઈફ સફારી : પેજ-૩ , વુમન્સ ગાર્ડિયન , ગુજરાત ગાર્ડિયન |
એક જ નજર માં મેં “મારી
દુનિયા “ સમેટી લેવાનો છેલ્લો પ્રયાસ કર્યો...
“બસ બહુ થયું , હવે નથી જ જીવવું. હવે સહન નહી જ
થાય!” – ના એક વિચાર સાથે, ડાબા હાથ ની નસ માં એક ઊંડો કાપો અને...
અચાનક અંધારું. નીરવ શાંતિ!
***
સ્થળ , સમય અને સંજોગો નું
ભાન જ જાણે નાં રહ્યું.
અચાનક જાણે ડાબા હાથમાંથી
લોહી ની ટશરો ફૂટી અને ...
“કેટલી વાર કીધું તને બેબુ
, એપ્પલ સમારતી વખતે ધારદાર ચપ્પુ નાં વાપરીશ.” – પપ્પાએ તરત હાથરૂમાલ ની પટ્ટી
બનાવી મારા ઘા પર બાંધી અને ... જાણે દર્દ ની સાથે ટશર બની ફૂટી રહેલું લોહી પણ
થંભી ગયું.
“ચાલ , હવે જરાક અમથું
વાગ્યું છે એને પંપાળ-પંપાળ ના કરીશ. ઘા નું નિશાન રહી જશે પણ દર્દ શમી જશે.“-
પપ્પાએ માથા પર હાથ ફેરવતા હળવેક થી કહ્યું.
પપ્પા થી ડાબા હાથે કરેલા
ઘાને છુપવવા જ જાણે નજરો નીચી જ રહી, રસ્તા ના કાળા ડામર તરફ કે ડાબા હાથ ના રૂમાલ
પર ઉપસેલા લોહી ના લાલ ડાઘા તરફ.. તો પણ પપ્પા એ ઘા અને એના કારણો પકડી જ પાડ્યા
કદાચ!
“બેબુ , જો આ મારા કપાળ પર
દેખાય છે આ ઘા? હું જ્યારે સ્કુલમાં હતો ને ત્યારનો નિશાન છે. નાં , તારી જેમ હાથે
કરીને લગાવેલા ઘા નથી. સ્કુલમાં ભણતા પણ ધરાર ખોટું ના જ ચલાવી લેવાના મુદ્દે
શિક્ષક સામે થઇ જવાની ટણીનો પ્રસાદ છે - આદર્શવાદી અને એજ સ્કુલમાં પ્રિન્સીપાલ
એવા પપ્પા તરફથી. ગર્વ છે મને આં નિશાન ઉપર અને મારા ખોટું સહન નાં જ કરી, ખુમારીથી
સામે પડવાના લડાયક મિજાજ ઉપર. એજ મિજાજ, તેવર અને ટણી મેં તારા માં પણ રોપી અને
પોષી છે. તો પણ આજે તુ .... “ – પપ્પા ની ભીની નજરો ડાબા હાથ ના ઘા ને છેદી આર-પાર
નીકળી ગઈ.. મારા કહ્યા વગર એ જાણી ગયા, કે આજે હું હારી ગઈ – જિંદગી સામે ની રમતમાં.
સાંજની ઓફિસી ભીડ ના કોલાહલ
ને ચીરતા હું અને પપ્પા રસ્તા ની કોરે કોરે આગળ વધી રહ્યા ઘર તરફ , કે પછી ભૂલા
પડેલા ત્યાંથી પાછા વળી રહ્યા.. સ્વ-તરફ!
“પપ્પા , આજે અહી બગીચામાં જ બેસીએ ? મારા આ
સુરજમુખી નાં છોડની પાસે ?” - ઘરનો એ જાણીતો માહોલ આજે કૈક જાણે બદલાયો છે. એક
અજીબ બેચેની અને કોલાહલ વર્તાય છે. ઈચ્છા જ નથી એ ઘરની અંદર જવાની જાણે.
આ મારો નાનો બગીચો, મારું
બીજું ઘર. મારા બધા ફૂલ-છોડ મારા મિત્રો.
“બેબુ , આ સુરજમુખી તને બૌ
વ્હાલું છે નઈ?” – પપ્પાથી વધુ કોણ જાણે મારી લાગણીઓ.
“હા પપ્પા, એ અદ્દલ મારા
જેવું છે ને એટલે. સુરજ ની સામે શેહ-શરમ રાખ્યા વગર ખુમારીથી તાકી રહે. જેમ મારાથી
ખોટું સહેજે સહન નાં થાય એમ જ તો. જ્યાં સુધી સુરજ વર્તાય – આ સુરજમુખીની ચરબી
ચાલુ. અને જેવો સુરજ ગાયબ. મારી જેમ જ મીંદડી. “ – ઘડીભર માટે ઘાવ અને દર્દ બધું
વિસરાઈ ગયું.
“કોઈ દિવસ વાવાઝોડા માં,
પુરમાં કે બીજા કોઈ કારણ થી ,આ સુરજમુખી નો છોડ ઉખડી જાય તો?“ – પપ્પાએ જાણે મને
ઊંધા હાથે કાન પકડાવાની કવાયત શરુ કરી..
“હોય કંઈ? મારો સુરજમુખી નો
છોડ એકદમ મજબુત. મેં એને ભરપુર ખાતર ને પાણી આપ્યા છે. એમ કંઈ વાવાઝોડા માં કે બીજી
કોઈ કુદરતી આફતથી ના ઉખડે. એની માવજત અને પોષણ માં મેં કોઈ કમી નથી રાખી એટલે જ તો
એ લડશે , બધી આફતો સામે – ખુમારીથી! ”- સમઝાઈ રહ્યા પપ્પા ના પ્રશ્નો મને હવે,
મોડે મોડે..
“જેમ તારા નિયમિત પાણી અને
ખાતર ના સિંચનથી આ સુરજમુખી સ્વસ્થ, સુંદર અને મજબુત બન્યું છે. મેં પણ મારા પ્રેમ,
લાગણીઓ,સંસ્કાર રૂપી પાણી અને ઉચ્ચ ભણતર,સફળ કારકિર્દી સમું ખાતર સીંચ્યું છે- તને
મજબુત અને દરેક પરિસ્થિતિ નો સામનો કરવા સક્ષમ બનાવવા. શું કસર રહી બેબુ મારી
માવજતમાં કે તારે હવે વિપરીત સંજોગો અને કપરા સમય સામે લડવું નથી અને ઉખડી જ જવું
છે ? સાચા અને ખોટા માં સાચું શું એ તો
બધા જ સમઝે, એને સ્વીકારવાની હિંમત મેં તો તારા માં રોપી છે, તું ક્યા ખોઈ આવી? “ –
પપ્પા ની ભીની આંખો થી મારી માનસિક નિર્બળતા જાણે ધોવાઈ ગઈ..
***
“પપ્પા , પપ્પા ...
મને બચાવી લો.. મારે જીવવું છે ... હજુ લડવું છે ... જીતવું છે ...”- મારી બુમો થી
ક્યારનાં શાંત રૂમ માં જાણે જીવ આવ્યો...
જાણે એક સપનું – એક સંવાદ
, અને જીજીવિષા જીતી ગઈ..
***
“આત્મ-હત્યા” –
ખરેખર “સ્વજન-હત્યા” છે!
આત્મ-હત્યા કરીને
દેહ ત્યાગ કરનાર તો કદાચ પરિસ્થિતિ અને સંજોગો થી આબાદ છટકી જાય છે, પણ એના
સ્વ-જનો આજીન્દગી એની આ કાયરતા અને ભાગેડુવૃત્તિ ની સજારૂપે સંવેદનાની કોર્ટ માં
દંડાતા રહે છે. હજારો પ્રશ્નો ની એરણ પર પીડાતા રહે છે, અકારણ!
સંવેદના કે સંબંધ ,
અપેક્ષાઓ કે સપના , પ્રેમ કે પેશન- ગુમાવવાના કે તૂટવાના દુખ માં આત્મ-હત્યા
કરવાનો કુ-વિચાર એક પળ માટે મને-તમને કોઈને પણ આવી શકે છે.
જરૂર છે એ નબળી પળ
ને સ્વસ્થતા થી ખાળી જવાની. મારવાનાં ૧૦૦૦ લોજીકલ કારણો દિમાગ આપે ત્યારે દિલથી
જીવવા નું માત્ર એકજ ઈલ્લોજીકલ અને ઇડીઓટિક છતાં નિર્દોષ કારણ શોધી લેવાની!
જરૂર છે માત્ર એક
વિચારની કે જો પ્રશ્નો કે પરિસ્થિતિ કાબુ બહાર લાગે તો આત્મ-હત્યા કરવા કરતા સરળ
ઉપાય છે – પ્રશ્ન અને પરિસ્થિતિ જ બદલી નાખવાનો , એટલે કે નવેસરથી , નવા જુસ્સાથી
જીવવાનો!
આત્મ-હત્યા કોઈ ઉકેલ
નથી – અઘરા પ્રશ્નો કે કપરી પરિસ્થિતિઓનો.
ચાલો “આત્મ-હત્યા” ની સામે
નવો ઉકેલ અનુસરીએ – “આત્મ ખોજ” દ્વારા “આત્મ-મૌજ” પામવાનો!
Comments