Skip to main content

લાઈફ સફારી 107: માનવતાની મહેક



***

" આહે, ડર, ખુશી, રાસ્તે.. કચ્ચી બાતે, સચ્ચે વાસ્તે.. કહી પે ઇન સબ મેં, કહા હું મૈં?"-મારું ફેવરેટ સોંગ હેડફોનથી થઈને સીધું દિલમાં ઉતરી રહ્યું છે. અને મ્યુઝિકમાં ખોવાયેલી હું મશીન ની જેમ રોજના રોજીંદા રસ્તે દોરવાઈ રહી છું. અને અચાનક મારી અને મ્યુઝીકની જુગલબંધી તોડતો કોઈક અવાજ સંભળાયો.
"ક્યારની તમને બોલાવું છું. સાંભળો છો કે?"-સામે ઉભેલા મારા પાડોશીએ બુમ પાડી.
"હા, હવે સાંભળું છું, ફરમાવોને!"-મેં હેડફોન કાઢીને -સ્મિત વાતનો દોર લંબાવ્યો.
"આજે મારા ઉત્સવનો જન્મ-દિવસ છે એટલે અમે એક કાર્યક્રમ રાખ્યો છે. ચોમાસાની સીઝન ચાલે છે એટલે વરસાદ પડે બીકે પહેલેથી કોઈને જાણ નથી કરી બદલ માફી. આજે ઉત્સવનો જન્મદિવસ ઉજવવા નજીકના એક આશ્રમમાં જવાનું છે. આપણી ગલીમાં બધા આવે છે. તમે પણ જલ્દી તૈયાર થઈને આવી જાઓ."-એકદમ ઉત્સાહમાં શીતલબેન મને આજનો કાર્યકર્મ સમઝાવી રહ્યા.
"અરે વાહ, હું તો ચોક્કસ આવીશ ! પણ જવાનું ક્યાં છે? અનાથઆશ્રમ છે કે ઘરડાઘર?"-મેં પણ એક સારા કામમાં સહભાગી થવાની ઉત્સુકતાથી પ્રશ્ન પૂછ્યો.
"નાં અનાથઆશ્રમ પણ નથી અને ઘરડાઘર પણ નથી! કૈક અલગ આશ્રમ છે. તમે એક વાર આવો તો ખરા, પછી જાતે નામ આપજો!"-શીતલબેને હસતા-હસતા મારી જિજ્ઞાસા વધુ વધારી દીધી.
"ચાલો ત્યારે! જેમ તમે કહો!"-કહીને મેં ઘર તરફ પ્રયાણ કર્યું..
શીતલબેન એટલે અમારી ગલીની વસ્તી, આવતા-જતા-નાના-મોટા સૌને ભાવથી બોલાવે અને સામેથી બધાને મદદ પણ કરે .
અને આજે અમારી ગલીમાં ઉત્સવનાં જન્મદિવસ નિમિત્તે મોટા ઉત્સવ જેવો માહોલ છે. દરેક પરિવારે પોતાના ઘરમાંથી કપડા-રમકડા-નાસ્તો- સ્ટેશનરી, જેટલું શક્ય બધું એકઠું કર્યું છે. એક ટેમ્પો અને બીજી ગાડીઓ થઈને અમારો કાફલો આખરે શીતલબેનની ગાડીની પાછળ આશ્રમ તરફ રવાના થાય છે.
અંકલેશ્વરથી વાલિયા રોડ પર એકદમ નિર્જન રોડ પર ગાડીઓ આશ્રમની વાટમાં દોડી રહી છે અને દરેક વળાંક સાથે આંખો ઉંચી થઈને આશ્રમ આવ્યો કે નહિ જોવા ઉંચી નીચી થાય છે. વલિયા જતા રસ્તે "સીલુડી" - લખેલા એક જર્જરિત બોર્ડ પાસે આખો કાફલો ટર્ન લે છે. તૂટેલા, ઉબડ-ખાબડ રસ્તાઓ પર થઈને ક્યાંક જંગલ તો ક્યાંક ઉજ્જડ-વેરાન ભૂતળ વટાવતા અમે સૌ "દોદવાડા" લખેલા બોર્ડ તરફ દોરાયા. અને થોડા આગળ વધતા એક ખુબ ખુલ્લા, લીલોતરીવાળા અને હકારાત્મક ઉર્જા ધરાવતા પ્રાંગણમાં અમે સૌએ પ્રવેશ કર્યો.
સામે વિશાળ ખેતરમાં ખુબબધા નાના ટબુડાઓ રમી રહ્યા હતા. જેવી અમારી ગાડીઓ તેમની પાસેના રસ્તા પરથી પસાર થઇ- સૌ બાળકોએ ખુબ ભાવ પૂર્વક હાથ ઉંચો કરીને -"જય માતાજી"નો સાદ કર્યો.
શિસ્તબદ્ધ આનંદપૂર્વક રમી રહેલાઆ ભૂલકાઓને જોઇને અમે અનાયાસે કારણ વગર તોફાન-ધમાચોકડી મચાવતા અમારા બાળકોને જોઈ રહ્યા.
અંતે "શ્રી જય માતાજી વનવાસી વિદ્યાસંકુલ, દોદવાડા "નાં બોર્ડ પાસે નાનીસી સ્વચ્છ અને સુઘડ જગ્યાએ બધી ગાડીઓ પાર્ક થઇ અને એક વડીલ તથા થોડા શિક્ષકો ભાવપૂર્વક અમારા સૌનું સ્વાગત કરવા આવી પહોંચ્યા. એક ખુલ્લા મેદાનની બે તરફ બે અલગ અલગ સુઆયોજિત સુઘડ મકાન અને મેદાનની એક તરફ મધ્યમાં શાળા. ટેકનોલોજી અને ડેવલોપમેન્ટનાં યુગમાં કોન્ક્રીટનાં જંગલમાં રહેતા અમે સૌ પ્રકૃતિને આટલી નજીક અને ઉઘાડા સ્વરૂપે જોઇને જાણે અઢારમી સદીમાં આવી પહોચ્યા હોય એવો ટ્રાન્સ અનુભવાયો.
"જય માતાજી દીદી."-એક મીઠ્ઠા ટહુકાથી અમારા સૌનું ધ્યાનભંગ થયું. અગિયાર-બાર વર્ષની પાંચ- દીકરીઓ અમને પ્રેમભાવથી દોરવીને આશ્રમનાં મેદાન તરફ લઇ ગઈ કે જ્યાં ખુબ બધી દીકરીઓ ભેગી થઈને કિલ્લોલ કરી રહી હતી.
"શીતલ દીદી"-એકસાથે કેટલીયે કોયલો ટહુકી હોય એવા મીઠા અવાજે નાની-મોટી દીકરીઓ દોડી આવી અને અમારા આજના યજમાન શીતલબેનને ઘેરી વળી. પોતાના સ્વજન-આપ્તજન સાથે વાત કરતા હોય એમ સૌ દીકરીઓ પોતાની નવા-જૂની શીતલબેનને મોટીબહેન ગણીને કહી રહી અને અમે સૌ અનોખા સંબંધને જોઈ રહ્યા.
મેદાન પાસે બનાવેલી નાનીસી ઓટલી પર અમે સૌ મહેમાનો ગોઠવાયા એટલે જાણે અમારું સ્વાગત કરતી હોય એમ બધી દીકરીઓ પોતપોતાના ટોળામાં ગીતો ગણ-ગણીને સુંદર ગરબા-ગામઠી નૃત્ય કરવા લાગી. અલબત્ત અમને ખુશ કરવાના કે રીઝવવાનાં ઉદ્દેશ્યથી નહિ પરંતુ પોતાની ખુશી વ્યક્ત કરવા. વસ્તુ-ભોજન-નાણાકીય સહાયની આશાએ નહિ, પરંતુ દીકરીઓ પ્રેમ અને લાગણી મળવાથી ખીલી ઉઠી હતી. જોત-જોતામાં બાજુના કિશોર-આવાસમાંથી તેમની ઉમરના દીકરાઓ પણ ઉત્સવમાં જોડાઈ ગયા અને એકતા-સંપનું અભૂતપૂર્વ દ્રશ્ય સર્જાયું.
થોડી વારમાં સહિયારા-રસોડામાંથી એક ઘંટ વાગ્યો અને બાળકો એકદમ શિસ્ત પૂર્વક પોતપોતાની ઉમર પ્રમાણે લાઈનમાં ગોઠવાઈ ગયા. ઉત્સવના જન્મદિવસ માટે લાવેલા સમોસા બાળકોને પીરસવામાં આવ્યા. એકાગ્રતા અને શ્રદ્ધાપૂર્વક બધા બાળકોએ પહેલા પ્રાર્થના કરી અને ત્યાર બાદ શાંતિપૂર્વક વાળુ પતાવ્યું. એકદમ નીરવ શાંતિથી સંતોષપૂર્વક જમી રહેલા બાળકોને જોઇને અમને સહેજ વાર સાધન-સંપન્ન પરિવારોના પ્રસંગમાં જમણવારમાં સર્જાતી અફરા-તફરી, ફરિયાદો, ભોજનનો બગાડ અને મીઠાઈ ખૂટવાનાં ઉદાહરણો યાદ આવી ગયા. અમારા બાળકોની જમતી વખતની રો-કકળ, કોળીયે-કોળીયે એમને કરવી પડતી આજીજીઓ અને છતાં જમવામાં તેમના નખરાં અને સામે ચુપ-ચાપ સંતોષપૂર્વક જામી રહેલા લગભગ અઢીસોથી વધુ બાળકો- અમે સૌ નિશબ્દ થઈને જોઈ રહ્યા. જમ્યા બાદ બાળકોને બિસ્કીટ-નાશ્તાનાં પેકેટ-ચોકલેટ અને સ્કેચપેન-પેન-પેન્સિલ-સ્ટેશનરી વહેંચવામાં આવી ત્યારે પણ ખુબ સભ્યતા અને શાલીનતાપૂર્વકનું તેમનું વર્તન અમને અચંબામાં નાખી રહ્યું. આટલી નાની ઉમરે આટલી સમઝણ અને આટલા સારા સંસ્કાર! કૈક નવાઈ સાથે મેં આશ્રમનાં વ્યવસ્થાપક દેવુભા સાથે વાત લંબાવી અને મને જે જાણવા મળ્યું તે કૈક નવી કહાની હતી. મારી સામે બેઠેલા અઢીસોથી વધુ બાળકો કૈક અલગ પ્રકારના પરિવારમાંથી અહી ભણવા-રહેવા આવતા હતા. વાલિયા અને એની આસ-પાસના ગામડાઓમાં પુષ્કળ વનવાસી વસ્તી છે. દુર્ભાગ્યવસાત વિસ્તારોમાં હજુ સામાન્ય જરૂરિયાતની સુવિધાઓ સુદ્ધાં પહોંચી નથી અને મોટા ભાગના પરિવારોમાં માતા-પિતા દારુ-જુગાર જેવા વ્યાસનોથી બેહાલ છે. કોઈક પરિવારમાં માત્ર પિતા હયાત છે તો કોઈમાં માત્ર માતા, અને છતાં બાળકોની પરિસ્થિતિ અનાથ જેવી છે! આવા પરિવારના વનવાસી બાળકો કે જેમના નસીબમાં માં-બાપના દારુ-જુગાર માટે બાદ-મજુરી કરવાનું લખાયેલું છે તેમને આશ્રમશાળા દ્વારા મફત રહેવાની વ્યવસ્થા-શિક્ષણ અને સંસ્કારો આપવામાં આવે છે. એક સુસંકૃત પરિવારના વડીલો જેમ પ્રેમ-લાગણી-ધાક-સલાહ-સુચન થી પોતાના બાળકોનું ઘડતર કરે છે એમ બાળકોનું આશ્રમમાં ઉછેર કરવામાં આવે છે. આશ્રમમાં કેટલાક સમર્પિત શિક્ષકો ભણાવે છે અને ત્યાજ કન્યા-કિશોર છાત્રાલયમાં રહે પણ છે. ધોરણ આઠ સુધી સરકાર દ્વારા જુજ વિદ્યાર્થીઓ માટેની શાળાને ગ્રાન્ટ મળેલી છે પરંતુ ઉત્તરોત્તર વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. તદુપરાંત આશ્રમ દ્વારા આઠમાં ધોરણથી બારમાં ધોરણ સુધીનું શિક્ષણ પણ આજ શાળામાં મળી રહે તેની નજીવી વાર્ષિક ફી સાથેની વ્યવસ્થા કરવામાં આવી છે.
સમગ્ર અંકલેશ્વર પંથકનાં વનવાસી સમાજનાં ઉધાર અને વિકાસનાં બૃહદ હેતુ સાથે સંચાલિત "શ્રી જાય માતાજી વનવાસી વિદ્યાસંકુલ" દ્વારા માનવસેવાનો અભૂતપૂર્વ યજ્ઞ આરંભાયો છે અને ઈચ્છા-શક્તિ અનુસાર સૌ એમાં જોડાઈ શકે છે.
પોતાના બાળકો પરિવારજનોનાં જન્મદિવસ નિમિત્તે મોંઘી મિજબાની-ભેટ-સોગાદો અને ખોટા ખર્ચા કરવાની જગ્યાએ આશ્રમનાં બાળકોને જમાડવા અને તેમને જરૂરી સામગ્રી પહોંચાડવી એવો અમે સૌએ મનો-સંકલ્પ કર્યો.
"દીદી, તમારું નામ શું છે?"-અચાનક મારો હાથ પકડીને કોઈએ કહ્યું અને મેં નજર ફેરવી.
સ્વચ્છ-સુઘડ કપડા પહેરેલી એક -સાત વર્ષની મારી દીકરીની ઉમરની ટબુડી મને પૂછી રહી હતી.
"મારું નામ ભૂમિકા છે. તું મને માસી કે આંટી કહી શકે છે. તારું નામ શું છે?"-મેં પ્રેમથી એના માથે હાથ ફેરવતા પૂછ્યું.
"મારું નામ રેખા."- "અને મારું નામ કાજલ."-"મારું નામ નામ જીનલ."- એક પ્રશ્નનના ત્રણ જવાબ મળ્યા અને તુરંત પ્રતિપ્રશ્ન પણ આવ્યો-"તમને આમારુ નામ યાદ રહેશેને?"
એકદમ ભાવપૂર્વક બોલાયેલા શબ્દો મને નિશબ્દ કરી ગયા અલબત્ત મારી આંખો આંસુઓની ભાષામાં ઘણું બોલી ગઈ.
"ચાલોને તમને અમારી ચોપડીઓ બતાવીએ."-કહીને દીકરીઓ મને પ્રેમપૂર્વક તેમના રૂમમાં લઇ ગઈ. એક લાંબા સળંગ ડોરમીટરી જેવા રૂમમાં બધી દીકરીઓની એક સાથે રહેવા-સુવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. વ્યવસ્થા એટલે નીચે પાક્કું ચણતર, આસપાસ દીવાલો અને ઉપર પાકી છત- માત્ર એટલું . અને છતાં દીકરીઓ ખુબ આનંદ અને સંતોષ સાથે એક રૂમમાં સળંગ પથારીઓ કરીને રહે-ભણે.
હું ઘડીક દીકરીઓની નોટબુકમાં તેમના મોતી જેવા સુંદર અક્ષરો જોઈ રહી, તો ઘડીક છત પર એક પણ પંખો નાં હોવા છતાં ચુપ-ચાપ ભણી રહેલી અને એક-બીજાને ભણવામાં મદદ કરી રહેલી દીકરીઓને જોઈ રહી. અભાવ-અસંતોષ-ફરિયાદ-માંગણી જાણે કે એમના શબ્દકોશમાં નથી.
મેં આખા હોલની બધી દીકરીઓને ભેગી કરીને બે-ત્રણ વાર્તાઓ કીધી અને બધી ઢીંગલીઓ નાની-નાની સ્વપ્નીલ આંખો પટપટાવીને જાણે વાર્તાઓમાં ખોવાઈ ગઈ.
"ચાલો હવે ઘરે રવાના થવાનું છે!"-અચાનક પાછા ફરવાની હાકલ સંભળાઈ અને જાણે હજુ ઘણું રહેવું છે જગ્યાએ, ખુબ બધી વાતો કરવી છે બાળકો સાથે -એવા અધુરપનાં ભાવ સાથે હું પાછી ફરી.
"દીદી, તમે ફરી ક્યારે આવશો?"
"દીદી, ફરી આવો ત્યારે આખા દિવસ માટે આવજો અને ખુબ બધી વાર્તાઓ કહેજો."
"દીદી, દાદા કહેતા હતા કે તમે બૌ મોટી કોલેજમાં કોમ્પ્યુટર ભણાવો છો, અમને પણ એક દિવસ શીખવાડશો?"
હું તેમના પ્રેમ-લાગણીઓમાં તણાતી ગઈ, અલબત્ત હાજર સૌ કોઈ બાળકોની લાગણીઓથી વિભોર હતા.
અને જતા-જતા..
"દીદી, તમને મારું નામ યાદ રહ્યું?"-મારી આંગળી ખેંચીને નાનીસી દીકરીએ પ્રેમથી પૂછ્યું.
"દીકરા તારો ચહેરો કાયમ માટે મારા દિલમાં ઉતરી ગયો છે!"-મેં પ્રેમથી એના ગાલે ચૂમી કરતા કહ્યું
પાછા વળતા ક્યાય સુધી સૌએ મૌન ધારણ કર્યું, કદાચ લાગણીઓનાં પૂરમાં શબ્દો તણાઈ ગયા હતા..
"મમ્મા, આજ જેટલુ હેપ્પી મને કોઈ દિવસ ફિલ નથી થયું. મારે બધા ફ્રેન્ડસ સાથે બૌ બધું રમવું છે! તુ મને ફરી લઇ જઈશને? મમ્મા આજથી મારા બધા હેપ્પી બર્થડે આપણે અહિયાં સેલીબ્રેટ કરીશું. મારો-તારો-પાપાનો બધાનો બર્થડે આપણે ત્યાં સેલીબ્રેટ કરીશું. હેને?"-મારી મીઠ્ઠીએ એક સરસ વિચાર સાથે બધાના મોઢે સ્મિત રેલાવી દીધા.
અને મને આનંદ થયો કે ભૌતિકતા-સગવડ અને સ્વાર્થભર્યા આજના સંબંધોમાં આશ્રમની એક મુલાકાત માત્રથી હું, મારો પરિવાર અને દીકરી માનવતાનો એક નવો પાઠ ભણી શક્ય।.
***
પોતાના પરિવાર, સ્વજનો અને સ્નેહીઓ માટે પ્રેમ સ્વાભાવિક છે.
જરૂર છે -માનવમાત્ર માટે પ્રેમ, લાગણી, અનુકંપા અને જવાબદારીની ભાવનાની.
પોતાના પાપ ધોવા કે પુણ્ય કમાવવા નહિ, પરંતુ જરૂરતમંદને પોતાની ફરજ સમઝીને મદદ કરવી જરૂરી છે.
સમય સતત બદલાય છે, લક્ષ્મી ચંચળ છે, પરંતુ પ્રેમ-લાગણી માત્ર એવી મૂડી છે જે સમય સાથે વધે છે!
આવો વાવીએ માનવતા, દયા, પ્રેમ, અનુકંપાનાં છોડવા અને સિંચીએ એને જવાબદારી પૂર્વક.
***
ઉપર જણાવેલ સંસ્થાને દેવુભા કાઠી(9426431011) દ્વારા સંપર્ક કરી શકાશે.



Comments

Popular posts from this blog

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ. આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે. અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિ...

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સ...

"I dont want my daughter to be IDEAL ...."

" No bhumika... dont take it seriously... Its routine for me... He is keep on doing this since last 2 years.. He will just stare and follow... He just dnt understand any language!  " - trupti said in heavy tone! " WTF!! but why? why dont u just slap him... or let me do it for u! damm he s following you since last two years.. and u let him do it! do you know what harm he can do to you dear?" - trupti , my train friend was sharing her worries which made my anger blow! "I know bhumika, I tried all, my friends had fight with him, they threaten him...! we tried all ways... but he is the same he used to be since last 2 years.. he knows i am married... yet. .. and if  i will slap him all around[all commuters] will come to know about  the matter and will think i am not having good moral character... , or if i  will inform my husband/father, what they will think @ me? .. forget it! " - trupti explained the prob! { I wondered, if target was me, how many ...