***
“શું કહ્યું? તમને શું જોઈએ છે?”-જાણે ભૂકંપનો આંચકો આવ્યો હોય એમ અચાનક ઝબકીને સામે બેઠેલા કલાર્કે મને પૂછ્યું.
જરીપુરાણા ખંડેર જેવી ઈમારત, લગભગ કટાઈ ગયેલું કે ખવાઈ ગયેલું ફર્નીચર અને બગાસા ખાતા કર્મચારીઓ જાણે બધા મારા એક સવાલથી જડમાંથી ચેતન
થઇ ગયા.
“જી મને દસ
પોસ્ટ કાર્ડ જોઈએ છે.”-મેં શક્ય એટલી નમ્રતાથી કહ્યું.
“કેમ?”-આંખો પહોળી કરીને
સામે બેઠેલા કલાર્કે મને પૂછ્યું.
“જી, લેટર લખવા, બીજા કયા પર્પઝ માટે
પોસ્ટકાર્ડ વપરાય છે?”-મેં હસીને જવાબ આપ્યો. જોકે
દિમાગ
તો હજુ એમ પણ પૂછવા ઇચ્છતું હતું કે આજકાલ વિસ્ફોટક કે નશીલા પદાર્થો બનાવવામાં પોસ્ટકાર્ડ વપરાય છે શું?- કે આમ તમે પૂછપરછ કરી રહ્યા છો. પરંતુ સભ્યતા જાળવીને દિલે દિમાગને
ચુપ કરાવી દીધું.
“કેમ લેટર? તમારી પાસે મોબાઈલ
કે કમ્પ્યુટર નથી?”-બાજુના ટેબલ પરના એક કલાર્કે મારી
ફેર-તપાસ ચાલુ રાખી.
“ના હું મંગળ
ગ્રહની રહેવાસી છું એટલે મારી પાસે મોબાઈલ કે લેપટોપ નથી!”-એમ જવાબ આપવાની અદમ્ય ઈચ્છાને પરને રોકી રાખીને મેં કહ્યું-“જી,મોબાઈલ અને લેપટોપ
બંને મારી પાસે છે અને બંને ચાલુ અવસ્થામાં પણ છે.મારે લેટર લખવા માટે જોઈએ છે. આઈ
હોપ લેટર લખવું ગુનો છે એવો કોઈ કાયદો હાલમાં નથી બન્યો..”-મેં સ્વસ્થતા પૂર્વક
સ્માઈલ આપતા આપતા જવાબ આપ્યો.
“આજકાલ મેઈલ
અને ચેટીંગના જમાનામાં કાગળ આઈ મીન લેટર કોણ લખે છે બેન? જુઓને એક જમાનામાં અમને
શ્વાસ લેવાની ફુરસત પણ નહોતી મળતી અને હવે અમે મચ્છર મારવા જેટલા નવરા છે. આજકાલ
અહી બહુ બહુતો પોસ્ટલ પાર્સલ કે કુરિયર માટે ગ્રાહક આવે એમ બને, બાકી પોસ્ટ કાર્ડ કે
આંતરદેશીય પત્ર આજકાલ કોણ લખે છે બેન?”-એક હળવી મુસ્કાન સાથે લગભગ મારા પિતાની
ઉમરના કલાર્કે જવાબ
આપ્યો.
“આવશે, ફરી લોકો
પત્રવ્યહવાર સજીવન કરશે! લેટર લખવાનું મહત્વ સમઝાશે એટલે જરૂરથી લખશે, જેમ આજે હું જાગી
છું એમ બધા જાગશે. અને એમ પણ હાથે લખેલા પત્રમાં લખનારના અક્ષરોના વળાંકો, લાગણીની ઉષ્મા અને
પોતાનાપણાનો અહેસાસ હોય છે. મેઈલ કે ચેટમાં એ સમવેદના ક્યાંથી મળવાની?”-મેં મને મોડે મોડે સમઝાયેલી
વાત રજુ કરી.
“બેન એમ થશે તો
તમને તામ્ર ઘેર આવીને કાજુ કતરી ખવડાવીશ. એક જમાનો હતો, એક માન-મરતબો હતો અમારો. શહેર કે ગામમાં અમારા પગલા સાથે આનંદ
અને ચહેલ પહેલ વર્તાઈ જતી. પોસ્ટ ઓફીસમાં કાયમ મેળો લાગ્યો હોય એવી ભીડ રહેતી. અને
અમને પણ સમાજ માટે કૈક કર્યાનો આનંદ મળતો. ટપાલ-સ્પીડપોસ્ટ સાથે અમે કેટલાય
પરિવારોમાં આનંદ રેલાવ્યો છે અને કેટલાયને દુઃખમાં ખભો પણ આપ્યો છે. બળ્યું આ
ઇન્ટરનેટ અને મોબાઈલ! કોઈની પાસે ટાઈમ જ નથી અને તો ય હંધાય મોબાઈલમાં ઘુસેલા હોય
છે- એમાં કાગળ કોણ લખે?”-કૈક
લાગણીશીલ અવાજમાં ક્લાર્ક બોલ્યા.
“અચ્છા તો એક
કામ કરો મને દસ નહિ, ૨૫ પોસ્ટ કાર્ડ આપી દો. બધા જ મિત્રો અને સ્નેહીઓને લખીશ, કદાચ એમને પણ મારો
ચેપ લાગે!”-મેં હસીને
પોસ્ટકાર્ડ કલેક્ટ કરીને રૂપિયા આપ્યા.
એક સ્માઈલ આપીને હું પોસ્ટ ઓફિસમાંથી રવાના થઇ. પણ અંદરખાને હું
હજી જાણે એજ વાતાવરણમાં ખોવાયેલી હતી. અને યાદ આવી મને ફ્રોક પહેરીને, ફાઉન્ટેન ચોટી વાળીને,પાપાની આંગળી પકડીને
પોસ્ટ ઓફીસમાં જતી નાનીસી બાળકી. અને ઘણી બધી યાદો તરવરી ઉઠી- એ પોસ્ટકાર્ડ
ખરીદીને સ્નેહી-મિત્રોને લખીને પોસ્ટ કરવાની તાલાવેલી, લખેલા કાગળના જવાબની
રાહમાં ભરબપોરે પોસ્ટમેનકાકાની રાહ જોવાની મઝા અને બધાજ પત્રો-કાર્ડ્સને સાચવીને
ચીવટથી રાખવાની આદત! કેટ કેટલું ગુમાવ્યું છે આ ફાસ્ટ-જનરેશને, હું અંદરખાને વિચારી
રહી.
અને ચાનો કપ લઈને હિંચકે બેસીને હું એ પત્રોને જોઈ રહી.
અને કૈક વિચારીને મેં બાજુમાં પડેલા મોબાઈલને હાથમાં લઈને ગુગલ
પર સર્ચ કર્યુ-“રાઈટીંગ લેટર્સ”.
અને મારા પરમ મિત્ર ગુગલે મને એક મૌજ કરાવે એવી વાર્તા સંભળાવી, કૈક મારા જેવી જ
પાગલ છોકરીની.
***
વાત છે હેન્નાહ બ્રેન્ચર નાની એક અલ્લડ-માસુમ છોકરીની.
ન્યુયોર્કસીટીમાં ભણતી હેન્નાહ એની જનરેશનની સેંકડો છોકરીઓ જેવીજ છે, છતાં એનામાં કૈક જુદું
છે. એની આસપાસના યુવાનો જ્યારે મોબાઈલ-કોમ્પ્યુટરમાં ખોવાયેલા હોય છે ત્યારે
હેન્નાહ હાથે લખેલા પત્રોની દુનિયામાં મ્હાલતી હોય છે. બાળપણથી હેન્નાહની માતા એને
નાની-મોટી બાબતો માટે પત્રો લખવા પ્રોત્સાહિત કરતી રહે છે. સ્નેહી-સ્વજનને કોઈ
નાની-મોટી ફેવર માટે થેન્ક્સ કહેવાનું હોય, કોઈ વડીલની તબિયત પૂછવાની હોય, મિત્રો સાથે
વેકેશનના ગોસીપની વાતો શેર કરવાની હોય- હેન્નાહ બીબીએમ, વોટ્સએપ, મેઈલ કે ચેટ નહિ – પત્રો દ્વારા કરતી
હતી અને કરે છે. જ્યારે એના મિત્રો અને કલાસમેટસ શોર્ટફોર્મમાં મેસેજ કરી, ઉતાવળે જવાબ
આપી-દરેક સંવાદને ટૂંકમાં-ઝડપથી પતાવી દે છે ત્યારે હેન્નાહ પોતાના પોસ્ટ
બોક્સ(પી.ઓ.બોક્સ)માંથી મિત્રો-સ્નેહીઓના લેટર્સ મેળવીને ફુરસદે-વિગતમાં-લાગણી
પૂર્વક જવાબ અપાતી હોય છે.
હેન્નાહને રોજ પોતાના પી.ઓ.બોક્સમાંથી મળતા પત્રોમાં માતા-પિતા-પરિવાર-સ્નેહીઓના
અક્ષરોના વળાંકોમાં એમની હાજરી વાર્તાની, એમની ઉષ્મા અનુભવાતી અને હેન્નાહ વિચારતી
કે એની આસપાસના લોકો કેટલું બધું ગુમાવે છે! હેન્નાહ કોઈક રીતે પોતાની આસપાસના
લોકોને-દુનિયાને પત્રોના પ્રેમમાં પાડવા માંગતી હતી અને જાતે લખેલા પત્રોના જાદુને
મહેસુસ કરાવવા માંગતી હતી.
અને હેન્નાહ કૈક પાગલપન કરવાનું શરુ કરે છે. હેન્નાહ પોતાના
મરોડદાર અક્ષરોમાં ખુબ બધા પત્રો લખે છે. આ દરેક પત્રોમાં હેન્નાહ લખે છે-“શું
તમે ઈચ્છો છો કે તમને પણ કોઈક હાથેથી પત્ર લખે? તો મને જણાવો.” અને હેન્નાહ એ દરેક
પત્ર સાથે પોતાના પી.ઓ.બોક્સનું એડ્રેસ લખે છે.
હેન્નાહ પોતાના આ પાગલપણાને ચાલુ રાખે છે અને આ ઢગલો પત્રોને –કેફેના મેનુમાં, લાઈબ્રેરીની રેન્ડમ
બુક્સમાં, મોલ્સમાં, બસસ્ટેશનના વેઈટીંગ
લોન્જમાં, સ્કુલબસમાં, બેંકમાં, એટીએમમાં – શક્ય એવી બધી પબ્લિક પ્લેસ પર મુકે છે, અજાણ્યા લોકોને
માટે- જાણે પત્રો વાવે છે! અને હેન્નાહ સપના જુવે છે કે એક દિવસ આમ જ બીજા બધા પણ
પત્રો વાવતા-ઉગાડતા થઇ જશે. હેન્નાહ જાણે છે કે ફાસ્ટ-સ્પીડના આ જમાનામાં એના આ
પત્રોને કદાચ ઘણાખરા સીરીયસલી નહિ જ લે. છતાં હેન્નાહ લખતી રહે છે અને અજાણ્યા
લોકો માટે-જાણીઅજાણી જગ્યાઓએ આ પત્રોને મુકતી-વાવતી રહે છે.
હેન્નાહને પોતાના લખેલા એ ઢગલો પત્રોથી કોઈ ખુબ મોટી આશાઓ તો
નાં જ હતી, છતાં હેન્નાહ પોતાના પી.ઓ.બોક્સનંબરને રોજ ચેક કરીને રાહ જોતી
રહે છે. અને ધીરે ધીરે હેન્નાહને એના વાવેલા પત્રોના ફળ મળે છે. હેન્નાહનું પી.ઓ.બોક્સ
લગભગ ઉભરાઈ જાય છે. એકલવાયી છતાં જિંદગી સામે ઝઝુમતી સિંગલ મધર, ગ્રામીણ
વિસ્તારની એક કોલેજમાં ભણતી અને સાથી વિદ્યાર્થીઓના બુલીંગનો શિકાર એવી છોકરી, નિરાશામાં ખોવાયી
ગયેલો ટીનેજર યુવાન, પરિવાર માટે દોડીને હાંફી ગયેલો મધ્યમવર્ગીય પિતા - કેટલાય
અજાણ્યા લોકોએ હેન્નાહને જવાબ આપ્યો , અને હેન્નાહને પોતાને પત્ર લખવા વિનંતી કરી
કે જેથી તેઓ પણ પોતાના સરનામે કે પી.ઓ.બોક્સ પાસે લાગણીઓ-પ્રેમની રાહમાં ઉભા રહી
શકે.
માત્ર બાવીસ વર્ષની યુવતી અજાણ્યા લોકોને ખોબે ખોબે પ્રેમ-લાગણી
અને આશાઓ વહેંચી રહી હતી.
હેન્નાહનાં આ પ્રયાસને વખાણી ઘણા એને સલાહ આપતા કે તેને સોશિયલ
મીડિયાનો પણ આ હેતુ માટે ઉપયોગ કરવો જોઈએ. અને હેન્નાહ તેમને હસીને જવાબ આપતી કે જે
લાગણી, પોતીકાપણું અને
કાળજી હાથે લખેલા પત્ર દ્વારા મોકલી શકાય છે એની બરાબરી કોઈ મેઈલ કે મેસેજ સાથે
નાં જ થઇ શકે.
હેન્નાહ હાલ માં "ધ વર્લ્ડ નીડ્સ મોર લવ લેટર્સ "
(અર્થાત "દુનિયાને વધુને વધુ પ્રેમ પત્રોની જરૂરત છે") નામની એક સંસ્થા
ચલાવે છે જેમાં એની
સાથે જોડાયેલા લગભગ પંદરેક બીજા વોલેન્ટીયર્સ અજાણ્યા લોકોને
પ્રેમ પત્રો લખીને લાગણીઓ અને વ્હાલ વહેંચી રહ્યા છે. હેન્નાહ હાલમાં એક બુક લખી
રહી છે- "ઇફ યુ ફાઈન્ડ ધીસ લેટર" જે માર્ચ 2015 સુધીમાં
વાચકોના હાથમાં હશે. જેમાં હેન્નાહએ ન્યુયોર્ક સીટીમાં તેણે શરુ કરેલ પત્રોની
સફર અને સાથે સાથે ડીપ્રેશન-ડાઉનફોલમાં એના થાકી એને લડેલી લડતની રોમાંચક વાતો વણી
લીધી છે.
હેન્નાહ
પોતાનો એક યાદગાર અનુભવ વહેંચતા કહે છે કે -2013 માં વેલેન્ટાઇન્સ ડે થી લગભગ 14 દિવસ પહેલા હેન્નાહે
યુએસમાં વિવિધ જગાઓએ "લવ-લેટર રાઈટીંગ" પાર્ટીઝનું આયોજન કર્યું હતું.
જેમાં પાર્ટીમાં શામેલ દરેકે પોતાના દેશ માટે સરહદ પર ફરજ બજાવતા અજાણ્યા સૈનિક સ્ત્રી-પુરુષોને
લવલેટર્સ લખ્યા હતા.અને યુએસ પોસ્ટલ ઓફિસે આ યાદગાર પહેલ સાથે એક નવતર ટપાલ
ટીકીટની શરૂઆત કરી જેને -"સીલ્ડ વિથ લવ" એવું નામ આપવામાં આવ્યું હતું.
હેન્નાહ એની સંસ્થા અને "મોર લવ લેટર્સ" નામની એની
વેબસાઈટ દ્વારા વધુ ને વધુ લોકોને પત્રો દ્વારા પહોંચવા ઈચ્છે છે અને પહોચી પણ રહી
છે.
શું તમે પણ હાથે લખેલા પત્રોના પેશન ને પમરાટને મહેસુસ કરી શકો
છો?
***
પિક્સેલ :
મારા બાળપણની યાદોમાં મને "પેનફ્રેન્ડસ" જેવું એક સંભારણું-સંબંધ
યાદ છે. જેમાં અજાણ્યા છતાં એક બીજા જેવા શોખ સપના ધરાવતા બે વ્યક્તિઓ માત્ર પત્ર દ્વારા
એકબીજાને પહોંચી શકતા. આજના વર્ચ્યુઅલ મિત્રોની જેમ – રીયલમાં મળવાની કે કોઈ ખાસ
પ્રકારનો શારીરિક-આર્થિક-માનસિક લાભ મેળવવાની ગણતરી કાર્ય વિના માત્ર અને માત્ર
શબ્દો દ્વારા લાગણીઓને સીંચવાનો સંબંધ હોઈ શકતો હતો!
દિલ પર હાથ મુકીને કહો- હજુ તમારી કોઈ ખાસ ખાનગી જગ્યાએ તમે
કેટલાક ખાસ વ્યક્તિઓના પત્રોને લાગણીઓની જેમજ સાચવીને રાખ્યા છેને?
જે રીતે પત્રોને સહેજી-સાચવી-માની-અનુભવી
શકીએ છે વર્ષો પછી પણ- એજ તીવ્રતાથી... શું ઈ-મેઈલ, એસએમએસ કે ચેટમાં એ શક્ય છે?
લખતા રહો-જોડાયેલા રહો!
Comments