***
"તું ઊંચા આકાશમાંથી ઉતારી છે
કે ઊંડા પાતાળમાંથી પ્રગટી છે?
તારી દ્રષ્ટિ, કેવળ શરાબ,
શેતાન પણ, ભગવાન પણ,
તારી આંખોમાં
સાંજ પણ, સવાર પણ,
તારી સુગંધ, જાણે સાંજની આંધી,
તારા હોઠ, શરાબનો એક ઘૂંટ
તારું મુખ એક જામ
તું કોઈ ખાઈ-ખીણમાંથી ઉભરાઈ છે
કે તારાઓમાંથી ઊતરી છે?
તું એક હાથે ખુશી વાવે છે
બીજે હાથે વિનાશ...
તારા અલંકારોની છટા કેવી ભયાનક!
તારું આલિંગન
જાણે કોઈ કબરમાં ઉતરતું જાય..."
જસ્ટ ઈમેજીન કે કોઈ તમારું પ્રિય-અતિ
પ્રિય તમારા માટે આ કવિતા સંબોધે તો?
કેટ કેટલી લાગણીઓ એકજ કવિતામાં વણી
લીધી છે.. સુંદરતાના વખાણથી પ્રેમની વેદના સુધી.
શું તમારું હૃદય એક ધબકારો ચુકી જાય કે
નહિ? અને ભલેને આ કવિતા લખનાર તદ્દન અજાણ્યું હોય તો
પણ એક પળ માટે તો એના પ્રેમમાં પડીને આ કવિતા જીવી જવાનું મન થાય કે નહિ?
નાં આપણે વેલેન્ટાઈનસ ડે આવે છે એટલે
પ્રેમની એજ હજારો વાર વગાડેલી ટેપ નથી વગાડવી. પણ પ્રેમના એક નવા પરિમાણને સમઝવું
છે.
"પ્રેમ શાશ્વત છે!"-એવી કોઈ
ફિલોસોફી આપણે નથી ઝાળવી.
"હમ જીતે હેં એક બાર, મરતે હેં એક બાર, શાદી ભી એક બાર કરતે હેં , ઔર પ્યાર .. પ્યારભી એક હી બાર હોતા હૈ..."- એવો ટીપીકલ ડાયલોગ
પણ નથી મારવો.
નાં તો આપણે "જબ પ્યાર કિયા તો
ડરના ક્યાં। .."-જેવા ગીતો લલકારવા છે.
પ્રેમ એક એવી લાગણી છે જેના પર
હજારો-લાખો પુસ્તકો-કવિતાઓ-ફિલ્મો ભલે લખાય-બને પરંતુ એનો સાચા અર્થમાં
સાક્ષાત્કાર ખુબ ઓછા કરી શકે છે.
મોટેભાગે "પ્રેમ" શબ્દ
પરફ્યુમની જેમ જ ઝડપથી વિસ્તરે છે અને ગાયબ પણ થઇ જાય છે અને અંતે રહી જાય છે એનો
કેફ-ફેક દેખાડો માત્ર.
ખુબ ઉમળકાથી, રાતોની રાતો જાગીને, પરિવારની વિરુદ્ધમાં જઈને, પોતાની જાતને ખુવાર કરીને કરેલો એ બેફામ પ્રેમ સાથે રહેતા રહેતા
ક્યાંક ગાયબ થઇ જાય છે અને રહી જાય છે એક જુઠ્ઠાણું- પ્રેમમાં હોવાનુ, પ્રેમ હોવાનું.
અચ્છા માનવામાં નથી આવતું? દિલ પર હાથ મુકીને કહો, પોતાની જાતને જ
પૂછો અને પોતાની જાતને જ એનો સાચો જવાબ આપો-શું ખરેખર એ પ્રેમ જ હતો અને છે? શું તમારો પ્રેમ તમને બાંધે છે કે આઝાદી આપે છે? શું તમારો પ્રેમ તમને ઈર્ષ્યા, પઝેસીવનેસ, સ્વાર્થી બનાવે છે?
ચાલો એક વાર્તા માંડીએ, એ પછી તમારી જાતને મુલવજો.
***
વાત છે આશરે 1919ના હાલમાં પાકિસ્તાનનો ભાગ છે એવા પંજાબ પ્રાંતની. વાત છે -સ્કુલ
શિક્ષક, શીખ ધર્મના પ્રચારક, કવિ- એવા કરતાર સિંહ હિતકારીની એકમાત્ર દીકરી અમૃતાની. જી હા, આપણે વાત માંડી
રહ્યા છે ખ્યાતનામ લેખિકા, કવિયત્રી અને ભારત-પાકિસ્તાનમાં
અભૂતપૂર્વ લોકચાહના પામેલા અમૃતા
પ્રીતમજીની.
આપણે વાત અમૃતાજીને મળેલા ઢગલો
એવોર્ડ્સની કે તેમના સાહિત્યિક યોગદાનની નથી
માંડવી. આપણે અમૃતા પ્રીતમજીના ભાવ-વિશ્વમાં ડોકિયું કરીને એમની પ્રેમની પરિભાષા
જાણવી છે.
અગિયાર વર્ષની નાની ઉમરે માતાની
છત્રછાયા ગુમાવી દેનાર અમૃતાજીના જીવન પર એમના પિતાના લેખનનો અને સંવેદનશીલતાનો
ઘેરો પ્રભાવ હતો જે થકી ખુબ નાની ઉમરમાં તેઓએ કવિતાઓ દ્વારા પોતાની લાગણીઓ વ્યક્ત
કરવાની શરૂઆત કરી હતી. માતાના દેહાંત બાદ નાનીસી અમૃતા પિતા સાથે લાહોરમાં આવીને વસે છે. ૧૯૩૬માં ૧૬ વર્ષની નાજુક ઉમરે જ અમૃતાની
કવિતાઓનું પ્રથમ પુસ્તક "અમૃત લહેરે" પ્રગટ થાય છે અને એજ વર્ષે લાહોરના વિખ્યાત વ્યાપારી પુત્ર પ્રીતમ સિંઘ
સાથે એમના વિવાહ પણ યોજાય છે. અમૃતાની જેમની સાથે બાળપણમાં જ સગાઈ થઇ ગઈ હોય છે એ
પ્રીતમ સિંઘ જ એમના પ્રથમ પુસ્તકના એડિટર પણ હોય- એ કદાચ સંજોગ પણ હોય અને ગોઠવણ
પણ. લાહોરમાં જેનો આત્મા વસેલો છે એવી અમૃતા ૧૯૪૭ બાદ ભારે હૃદય સાથે ભારતના
ભાગલાનું દર્દ દિલમાં સમેટીને દિલ્હી આવીને વસે છે. પરંતુ સ્વભાવે અતિ લાગણીશીલ
એવી અમૃતા લગ્ન બાદ સામાજિક રીવાજો અને પારિવારિક ઘરેડમાં ગોઠવાવાના પ્રયાસોમાં નિષ્ફળ
રહે છે. રોમેન્ટિક કવિતાઓથી લેખન સફર શરુ કરનાર અમૃતા અનુભવોથી ઘડાતા સામાજિક
પ્રશ્નો, સ્ત્રી વિષયક સમસ્યાઓ અને
યુદ્ધા-ભાગલા-શાંતિ જેવા પોતાના જીવનપટલ પર અંકિત થયેલા સઘળા અનુભવોને લખતા જાય
છે. સત્યને અમૃતા સાક્ષાત લખી જાણે છે. કદાચ સત્ય બોલી-સાંભળી અને જીવી જવાનું
મનોબળ રાખનાર અમૃતા જેવા જુજ લોકો નામ માત્રના સંબંધો આખી જિંદગી સમાજની બીકથી
વેંઢરીને જીવી શકતા જ નથી. અને એક પત્ની-માતા-કવિયત્રી-લેખિકા સમાજની ઉપર પોતાની
લાગણીઓના સત્યને સ્વીકારીને ૧૯૬૦માં પ્રીતમ સિંઘથી છુટા પડે છે.
અને અમૃતા કૈક હૃદય સ્પર્શી લખે છે જે
આપણા "મારું ઘર"-ના જડ વિચારોને પણ ચેતન કરી જાય.
" આજે મેં મારા ઘરનો નંબર ભૂંસી નાખ્યો
છે.
અને ગલીને નાકે લગાડેલું પાટિયું દુર
કર્યું છે.
અને સડક પરનાં દિશાસૂચનો ભૂંસી નાખ્યા
છે.
પણ જો તમારે મને મળવું જ હોય,
તો દરેક દેશના દરેક શહેરની દરેક ગલીનું
બારણું ખખડાવો.
આ એક શાપ છે, એક વરદાન છે,
અને જ્યાં એક સ્વતંત્ર આત્માની ઝલક
દેખાય,
- સમજી જજો એ મારું ઘર છે...”
અમૃતા લગ્ન બાદ બીજી હજારો લાખો યુવતીઓની જેમ સ્થૂળ ઘર અને નામના
સ્નેહીઓ સાથે નહિ પરંતુ સત્ય અને શબ્દો સાથે જીવે છે. પ્રીતમ સિંઘ સાથે લગ્ન સંબંધ
દરમ્યાન એક પુત્ર અને એક પુત્રીની માતા બની ચુકેલી અમૃતા વર્ષો-સંબંધો અને લાગણીઓ
સાથે આજીવન પ્રમાણિક રહે છે. બાળકોના જન્મ બાદ પડ્યું પાનું નિભાવી લેવાની રૂઢિગત
માનસિકતાથી વિપરીત અમૃતા પોતાના દિલનો અવાજ અનુસરીને આશરે બે દાયકાના લગ્ન જીવન
બાદ બાળકો સહીત છૂટી પડે છે. છતાં કાયદાકીય રીતે તેઓ આજીવન પ્રીતમ સિંઘના જ પત્ની
રહે છે- કદાચ સંબંધના તૂટી જવાના કાગળિયા કરી એના પર કાયદાની મહોર લગાવવાની કોઈ
જરૂરીયાત અમૃતાએ અનુભવી નહિ હોય. સામાજિક સંબંધો અને રૂઢિઓથી પરે રહી માત્ર
પ્રેમના જ સંબંધને જીવનાર અમૃતા પોતાના ખારાશભર્યા લગ્ન જીવન દરમ્યાન, લાહોર
ખાતેના વસવાટ દરમ્યાન જ, વિખ્યાત કવિ સાહિર લુધિયાનવીના પ્રેમમાં પડે છે. સાહિર
લુધિયાનવી સાથેના એમના સંબંધોના કારણે અંગત અને જાહેર જીવનમાં ઘણા વમળો સર્જાયા
બાદ પણ અમૃતા એમના સાહિર માટેના પ્રેમનું સત્ય છુપાવતા નથી. પ્રેમ કરવો એક વાત છે
અને જાહેરમાં એનો સ્વીકાર કરી એની ગરિમા જાળવવી બીજી વાત છે, ઘણું ખરું આજકાલ આપણે
માત્ર પ્રેમ કરી જ જાણીએ છે! અમૃતા અને સાહિરનો એક બીજા માટેનો પ્રેમ આજકાલના
ક્રશ-લસ્ટ-એટરેકશનવાળા ઈશ્ક્વાલા લવથી ઘણો આગળ હતો- આત્માથી આત્માને કરતો પ્રેમ.
અમૃતા અને સાહિર પત્રો દ્વારા જ મળતા-વાતો કરતા-લાગણીઓ વ્યક્ત કરતા. અને લાહોર
ખાતેના વસવાટ દરમ્યાન જયારે એકબીજાને મળવાનું થાય ત્યારે પણ પોતાના શબ્દો દ્વારા
લોકોના દિલો પર રાજ કરનાર અમૃતા અને સાહિર માત્ર અને માત્ર મૌન દ્વારા સંવાદ કરતા.
અમૃતના શબ્દોમાં કહીએ તો સાહિર સામે બેસીને સિગરેટમાં ખોવાયેલા રહે અને તેઓ
સાહિરમાં. પ્રીતમ સિંઘનું ઘર છોડ્યા બાદ સાહિર સાથે રહેવું, લગ્ન કરવું અમૃતા
ઇચ્છતા હતા.પરંતુ એક આઝાદ હસ્તી એવા સાહિર લગ્નના સંબંધ માટે કયારેય રાજી નાં થયા.
અમૃતાએ પોતાની સાહિર સાથે જીવવાની અપેક્ષાઓને ક્યારેય પોતાના સાહિર માટેના પ્રેમ
પર હાવી પણ ના જ થવા દીધી. અમૃતા સુપેરે સમઝતા હતા કે સાહિરના એમની માતા સાથેના
અનેરા-જઝ્બાતી સંબંધોના કારણે સાહિર પોતાના જીવનમાં કોઈ અન્ય સ્ત્રીને સ્થાન આપી
શકતા નથી, અને અમૃતાએ સાહિરની આ લાગણીઓનું દિલથી સન્માન પણ કર્યું-આજીવન. સાહિર
અમૃતાને કેટલો પ્રેમ કરતા એ સમઝવા અમૃતા એક પ્રસંગ ટાંકે છે કે – સાહિરની માતાની
હાજરીમાં કોઈક પ્રસંગે અમૃતાને મળતા સાહિરે ખુબ સંવેદના સાથે ઓળખાણ કરાવી હતી કે-
માં આ તારી વહુ બની શકતી હતી. અમૃતના
પિતાને સાહિરના મુસલમાન હોવાના કારણે તેમના સંબંધોથી નારાજગી હતી અને એથી... અમૃતના
ઘરની સામે પોતાનું ઘર બાંધીને સાહિર પોતાના પ્રેમને ઈંટ-સિમેન્ટથી સુદ્ધાં ચણી ગયા
અને શબ્દોમાં પણ લખી ગયા કે- “એક ઘર બનાઉંગા તેરે ઘર કે સામને!”. અમૃતા સાથે
જોડાયેલી પોતાની લાગણીઓને સાહિર બોલીવુડ ફિલ્મોના ગીતોમાં કંડારતા રહ્યા અને અમૃતા
કવિતાઓ અને વાર્તાઓ સ્વરૂપે શબ્દોને શરીર આપતા રહ્યા. સાહિરના પ્રેમમાં અમૃતા,
આકાશની ચાહમાં નાના સા બાળકની જેમ કાયમ ઇન્તેઝારમાં તપતા રહ્યા.
અને પોતાની લાગણીઓ, સાહિરના અલ્લડ સ્વભાવ અને બંનેના નિર્મળ પ્રેમ
માટે કૈક દિલને અડી જાય એવા શબ્દો કહી ગયા- “પડછાયાને પકડવાવાળા! છાતીમાં બળતી
આગનો પડછાયો નથી હોતો.”
સાહિર સાથેના પ્રેમમાંથી અમૃતા ક્યારેય બહાર નાં જ આવી શક્ય પરંતુ
કહેવાય છે કે સાહિર જતા વર્ષોમાં સુધા મલ્હોત્રા નામક ગાયિકા અને અભિનેત્રી સાથે
જોડાયા હતા. સાહિરના પ્રેમ-અલ્લડતા-અલગાવથી પરે રહીને પર અમૃતા એમને આજીવન પ્રેમ
કરતા રહ્યા- એ અમૃતના પ્રેમની ઊંચાઈ જ કહી શકાય ને?
પ્રીતમથી જુદા રહેતા, સાહિર સાથે ગળાડૂબ પ્રેમમાં એવા અમૃતા ભલે
પોતાના પ્રેમને ના મેળવી શક્યા, પરંતુ મિત્ર સ્વરૂપે એમના મળ્યા – ઈમરોઝ. વિખ્યાત
ચિત્રકાર એવા ઈમરોઝ સાથે અમૃતા અને એના બાળકોએ દિલ્હીના ઘરમાં દાયકાઓ એક પરિવારની
જેમ જીવ્યા છે. અમૃતના બાળકોને શાળાએ લેવા મુકવા જવું, પિતાની જેમ-પિતાની જવાબદારી
અને પ્રેમથી મોટા કરવા, અમૃતાના મિત્ર બનીને પણ એમને ઉત્કટ પ્રેમ કરતા રહેવું- કદાચ
ઈમરોઝ જ કરી શક્ય હશે. ઈમરોઝ ક્યારેય અમૃતા અને સાહિરના સંબંધો, લાગણીઓ કે પત્ર
વ્યહવાર આડે આવ્યા નહિ. ઉલટાનું અમૃતાને એ જેવી છે, જેટલી છે-એમ જ આજીવન ચાહતા
રહ્યા. ઈમરોઝની પીઠ પાછળ ઘણી વાર ભાવાવેશે અમૃતા સાહિરનું નામ આંગળીઓથી લખતી-
ત્યારે પણ ઈમરોઝ કોઈ દ્વેષ નાં અનુભવતા. ઈમરોઝ હસીને કહેતા- શું કરવા મને ઈર્ષ્યા કે
વાંધો હોય- સાહિર અમૃતના છે તો મારી પીઠ પણ અમૃતની જ છે- એને ગમે એ લખે! અમૃતા ભલે
સાહિર સાથે પ્રેમમાં હતા છતાં ઇમરોઝને પણ એક અલગ વેવ લેન્થ પર પ્રેમ કરતા. ઈમરોઝ
સાથે અમૃતા જેવા છે, જે છે –એ જ બની ને રહી શકતા-જીવી શકતા-પ્રેમ કરી શકતા-લખી
શકતા.
અમૃતા ૮૫ વર્ષની ઉમરે ૩૧, ડીસેમ્બર ૨૦૦૫ના રોજ લાંબી બીમારી બાદ
મૃત્યુ પામ્યા ત્યારે પણ ઈમરોઝ અડીખમ એમની સાથે જ હતા. અમૃતાના મૃત્યુના શોક કરતા
ઈમરોઝને અમૃતના શારીરિક પીડામાંથી મુક્તિ મળવાનો આનંદ હતો! ઈમરોઝ અમૃતાને કરતા એ
પ્રેમ, અમૃતાને ઈમરોઝ માટે હતી એ ચાહત, સાહિર અને અમૃતા વચ્ચેની મહોબ્બત- કદાચ
આપને સૌ નહિ સમઝી શકીએ. અને ખરા અર્થમાં કહું તો સમઝી શકીએ તો સ્વીકાર કરવાની
હિંમત નહિ દાખવી શકીએ.
પિક્સેલ:
જે બાંધતો નથી પણ મુક્ત કરે છે, આનંદ આપે છે, સમઝે છે, અપેક્ષા વગર
અસ્તિત્વ ધરાવે છે એ જ પ્રેમ છે!
એકજ વ્યક્તિ એક જ સમયે એક કરતા વધુ વ્યક્તિને પણ ચાહી જ શકે છે, જે
અનૈતિક નથી જ. દ્રૌપદી અને અમૃતજી એના ઉદાહરણ છે.
Comments