***
“આજકાલના
છોકરાઓ સહેજ પણ સંભાળતા નથી. એમને કઈ પણ સલાહ આપો એટલે ભેંસ આગળ ભાગવત જેવું છે!
ડોરેમોન-છોટા ભીમ-શીનચેન અને બીજા ફાલતું કાર્ટુન જોઈ જોઈને જ એમના મગજ સાવ બગડી
ગયા છે!”
“એકદમ સાચી વાત. ક્યા આજના બાળકો અને ક્યાં આપણા
જમાનાના બાળકો! ધીરજ, સહન શક્તિ, ટીમ સ્પીરીટ જેવી ભાવનાઓ તો આજની પેઢીમાં છે જ
નહિ!”
“બિલકુલ
સાચું! બીજાને શું કહું, મારી ટેણી પણ આખો દિવસ ટેબ્લેટ પર કેન્ડીક્રશ રમ્યા કરે
છે. આટલી નાની ઉમરે કેટલા મોટા જાડા કાચના ચશ્માં આવી ગયા છે તો પણ સુધરતી નથી!
હું તો થાકી એના પર બુમો પાડીને!”
“મારે ઘેર બી ડીટ્ટો આજ સીન છે! પણ આપણે તો હવે
કહેવાનું છોડી જ દીધું છે! અમારા એ જ આખો દિવસ ફેસબુક-વોટ્સએપ ને ગેમ્સ ટીચે રાખે
છે તો છોકરાઓ તો કરવાના જ ને! આપ સુધરો તો જગ સુધરે!”
તમે સ્કુલ પીકનીકમાં ગયેલી દીકરીને લેવા આવ્યા
છો. પીકનીક પર ગયેલી સ્કૂલબસ નિયત સમય કરતા સહેજ મોડી આવવાની હોવાથી વાલીઓ
નવરાશમાં પોતાના સુખ-દુખના ગામ ગપાટા મારી રહ્યા છે. અને તમે રસપૂર્વક એમના અનુભવો
સાંભળી રહ્યા છો. અને તમને આજે સવારે જ પતિદેવ સાથે થયેલો સંવાદ અચાનક યાદ આવી જાય
છે.
***
“તું મીઠ્ઠી પર સહેજ પણ ધ્યાન આપતી નથી. દિવસે ને
દિવસે બગડતી જાય છે. આજુ-બાજુમાં એના જેટલા કેટલા નાના છોકરા છે, પણ આપણી
રાજકુંવરીને કોઈની સાથે રમવાનું ફાવતું નથી. પાંચ મીનીટથી વધુ કોઈની સાથે ટકતી જ
નથી. કઈ કહો એટલે તરત મોઢું ફુગ્ગો બનીને ફૂલી જાય છે. સમાજિક પ્રસંગે ગયા હોઈએ કે
ઘેર મહેમાન આવ્યા હોય, કોની સાથે કેમ વાત કરવી અને મોટેરાઓને કેમ માન આપવું એની તો
જાણે એનામાં સમઝ જ નથી. મને તો હવે એક જ રસ્તો દેખાય છે- એક-બે વર્ષ એને હોસ્ટેલમાં
મૂકી દઈએ તો શાન ઠેકાણે આવી જશે. એકલી રહેશે અને બધા કામ જાતે કરશે એટલે
સંપીને-હળીમળીને રહેવાની ખબર પડતી જશે.“-પતિદેવે સવાર સવારમાં ગુસ્સેલ અવાજમાં
લેક્ચર ચાલુ કર્યું.
“આઈ નો. મને પણ એની એટલી જ ચિંતા છે. પણ એના પર
બુમો પાડવી કે એને હોસ્ટેલમાં મુકવી કઈ સોલ્યુશન નથી. આજકાલના નાના ફેમિલીઝ જેમાં
એક જ બાળક હોય છે, લગભગ દરેકને આવા પ્રોબ્લેમ આવે છે..”-તમે ખુબ પ્રેમથી પોતાની
વાત રજુ કરો છો.
“પ્રિન્સેસ પ્રિન્સેસ કહીને તે જ એનું મગજ બગડી દીધું છે. એ કહે એમ જ થવું જોઈએ નહિ
તો મેડમનું મોઢું ચઢી જાય. સમાજમાં સર્વાઈ કરવા ભળી જવું પડે, આમ ચરબી કરે એ ના
ચાલે.”-પતિદેવ આજે જાણે સંભાળવા ના મુડમાં જ નથી.
“હમમમ.”-તમે પણ હવે જાણે વધુ વાદ-વિવાદમાં ઉતારવા
નથી માંગતા.
“શું હમમમ? ખાલી જન્મ આપીને માં નથી બની જવાતું!
સંસ્કાર પણ આપવા પડે છે. હજુ નાની છે ત્યાં સુધરી જાય તો સારું નહિ તો...”-પતિદેવ
અકળાઈને તમારા ઘેરાયેલા મનને વધુ વ્યથિત કરીને ચાલ્યા જાય છે.
અને તમે તમારા બાળપણને મીઠ્ઠીના બાળપણ સાથે
સરખાવીને સમસ્યા સમઝવા પ્રયત્ન કરો છો.
અને તમને અચાનક એક સ્પાર્ક થાય છે.
યાદ આવે છે કૈક કેટલાય વિસરાઈ ગયેલા શબ્દો- જે
તમે અને કેટલીયે પેઢીઓ એ દિલથી જીવ્યા છે. ક્યા શબ્દો?- લખોટી, પકડદાવ,ગીલ્લી
દંડા, લંગડી, બેડમિન્ટન, કબડ્ડી, સંતાકુકડી, ખો-ખો, ઉભી-ખો, નદી કે પર્વત, કલર
કલર, ગેંડો, સતોડિયું, આઈસ એન્ડ વોટર- કેટ કેટલા ગામઠી નામો- રમત સ્વરૂપે તમે
જીવી-રમી ગયા છો. સ્કુલેથી આવીને ફટાફટ હોમવર્ક પતાવીને મિત્રો સાથે રમવા જવાની એક
તાલાવેલી રહેતી. બાળપણમાં રમેલી એ રમતના કૈક કેટલાય સાથીઓ આજે પણ એટલા જ ગાઢ દોસ્ત
છે, એ દરેક સાંઝમાં સીંચેલી લાગણીઓને કારણે જ કદાચ!
અને ધીમે ધીમે સમસ્યાનો જવાબ જાતે જાતે જ ઉકેલાતો
ચાલ્યો.
શબ્દો, સલાહ-સુચનો અને પનીશમેન્ટથી એ સમાજ અને
સુઝ નથી વિકસી શકતી જે મિત્રો સાથે ગાંડી-ઘેલી રમતો રમીને સહજ રીતે જ આવી જાય છે.
સંપીને-હળીમળીને રમવાની ભાવના, એકાગ્રતા, ટીમ સ્પીરીટ, જીતવાનું પેશન, હારને
પચાવવાની ખેલદિલી, બધા મિત્રોમાં-જાણ્યા અજાણ્યામાં ભળી જવાનો સ્વભાવ, દિમાગની
કસરત, શારીરક ફુર્તી - કૈક કેટલીયે ભાવનાઓ-ક્ષમતાઓ રમત રમવાથી ખીલી છે.
***
“તમારે ઘેર આવી કોઈ જફા હોય એમ લાગતું નથી!”-એક
વાલીએ તમને ચુપચાપ બેઠેલા જોઈને હળવેકથી પ્રશ્ન પૂછ્યો.
“બાળકો તો બધા સરખા, એટલે પ્રશ્નો પણ બધે સરખા જ
ને? મારે પણ આ જ બધી મોંકાણ છે!”-તમે ધીમેથી એમની વાતમાં સુર પુરાવ્વ્યો અને કૈક
વિચારીને પોતાના સવારના નિષ્કર્ષને પારખવાનો પ્રયાસ શરુ કર્યો.
“તમે તમારા બાળકોને સ્કુલ સિવાય કોઈ એક્ટીવીટી
કરાવો છો?”-તમે હળવેથી પોતાના નિચોડને ચકાસવા પ્રશ્નોત્તરી શરુ કરી.
“હાસ્તો, આ હરીફાઈના જમાનામાં બાળકોને આગળ રાખવા
માં-બાપને પણ ખડે પગે રહેવું પડે છે. અમે તો દીકરાને ડાન્સ ક્લાસમાં અને કરાટેમાં પણ
મુક્યો છે.”-એક વાલીએ ઉત્સાહમાં જવાબ આપ્યો.
“મારી ઢીંગલી તો મ્યુઝિક શીખે છે. પર્સનલ મ્યુઝિક
ટીચર રાખ્યા છે અમે એના માટે.”-બીજા વાલીએ હરખથી જવાબ આપ્યો.
“મારે તો બંને દીકરીઓ ડ્રોઈંગ અને હોબી ક્લાસમાં
જાય છે. એવા સરસ મઝાના ક્રાફ્ટસ્ બનાવે કે દિલ ખુશ થઇ જાય!”-ત્રીજા વાલીએ પોતાની દીકરીઓની
વાર્તા માંડી.
“મારો દીકરો તો બહુ તોફાની છે. સ્કૂલનું હોમવર્ક
પણ જેમતેમ ફિનિશ કરે, એટલે મેં તો એને સાંજે ૨ કલાક ટ્યુશન બંધાવ્યું છે. ભણે એટલો
ટાઈમ સખણો રહે અને મારે પણ શાંતિ!”-ચોથા વાલીએ એમનું રહસ્ય ખોલ્યું.
અને તમે કૈક ગૂંચવાઈને પૂછ્યું-“તો તમારા બાળકોને
રમવાનો ટાઈમ ક્યારે મળે?”
“અરે ડ્રોઈંગ, ડાન્સ, કરતે, મ્યુઝિક- એ બધું પણ
એક્ટીવીટી જ કેવાય ને? કૈક સારું સીખે તો એને લેખે લાગે, રમીને કોનો ઉદ્ધાર થયો
છે?”-લગભગ બધા વાલીઓ એક સુરમાં કહી ઉઠ્યા.
“હમમમ.”-તમે પરાણે પોતાના પ્રશ્નો અને ઉચાટને
વાર્યા.
“આનંદ મળવાથી કઈ થોડો ઉદ્ધાર થાય છે? અને આનંદ
સિવાય રમવાથી બીજું શું મળે છે?”-તમે તમારા દિલ અને દિમાગને પૂછી રહ્યા.
અને દિમાગે એક વાર્તા માંડી.
***
એક નાનકડો માસુમ બાળક, રાહુલ એનું નામ. રાહુલ પોલ
મુંબઈમાં ધારાવીમાં પરિવાર સાથે સુખે-દુખે જીવન વિતાવે છે. નાનકડા રાહુલને મોટા
થઈને ડોક્ટર બનવું છે. ભણવામાં હોંશિયાર એવા રાહુલ પર એના માતા-પિતાની ઢગલો આશાઓ
છે. પરંતુ પારિવારિક આર્થિક મંદીમાં સપડાયેલો રાહુલ પોતાના નાના ભાઈ-બહેનોને
ભણાવવા પોતાનો અભ્યાસ છોડીને કામ-ધંધે લાગી જાય છે. ધારાવીની ઝુંપડપટ્ટીમાં રહીને
મોટો થયેલો રાહુલ જિંદગીની આકરી ભીંસમાં, પરિવાર માટેની જવાબદારીઓ પૂરી કરતા કરતા
જાણે-અજાણ્યે ડ્રગ્સના ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે. એક વખતનો ક્રિકેટટીમનો કેપ્ટન
એવો રાહુલ શારીરિક, માનસિક, નાણાકીય બધી જ રીતે બેહાલ થઇ જાય છે. ડ્રગ્સનો દૈત્ય
રાહુલને આત્મહત્યાના રસ્તે ફંગોળી દે છે ત્યારે, રાહુલનો પરિવાર એને નવી દિશા અને
વાતાવરણ મળે એ માટે દુર ગામડે એના માસીના ઘેર મોકલી દે છે. દ્રગ્સથી દુર હોવા છતાં
એની તલપમાં રાહુલ સુકાતો જાય છે અને કોઈ પણ ભોગે નશો કરવા મરણિયો થાય છે. દવા-દુવા
અને પ્રેમ જે નથી કરી શકતા એ ચમત્કાર કરે છે “રમત”. નશાથી ખોખલા-નક્કામાં અને
બેહાલ થઇ ગયેલા રાહુલને નવરાશમાં ગામના છોકરાઓ સાથે ક્રિકેટ રમતા અનુભવાય છે કે
જ્યારે તે રમતમાં તલ્લીન હોય છે ત્યારે તેને જે અનુભૂતિ થાય છે તે ડ્રગ્સ કરતા વધુ
આનંદદાયક છે. અને રાહુલને પોતાની જાતને ડ્રગ્સના પંજામાંથી મુક્ત કરાવવાનો રસ્તો
મળી જાય છે. રાહુલ પોતાની જાતને ક્રિકેટ રમવામાં ઓતપ્રોત કરીને ધીમે ધીમે નશાના ચુંગલમાંથી
છૂટતો જાય છે. રાહુલ મુંબઈ પાછો આવી પોતાની જેમ જ ડ્રગ્સનો શિકાર બનેલા ધારાવીના
યુવાનો અને બાળકો સાથે મળીને “યુનિટી ફાઉન્ડેશન”ની શરૂઆત કરે છે. યુનિટી ફાઉન્ડેશન
સ્વરૂપે રાહુલ ડ્રગ્સ એડીક્ટસ્ને વિવિધ રમતો રમતા કરીને એમાં એકાકાર થઈને ધીમે
ધીમે વ્યસન મુક્ત થવામાં મદદ કરે છે. ડ્રગ્સ અને ક્રાઈમના કેપિટલ એવા ધારાવીમાં
યુવાનોને ક્રિકેટ-ફૂટબોલ અને કરાટેનો ચસ્કો લગાડીને રાહુલ એ સિદ્ધ કરે છે કે રમત
રમીને મળતો આનંદ અને નશો કોઈ પણ ડ્રગ્સ કરતા ચઢિયાતો-સકારાત્મક-ઉર્જાત્મ્ક છે!
રાહુલ એ પુરવાર કરે છે કે રમત કોઈ પણ હોય, રમવાથી દિમાગને-શરીરને કસરત મળે છે,
એકાગ્રતા, ચપળતા, ટીમ સ્પીરીટ અને ખેલદિલી આપોઆપ કેળવાય છે. ટૂંકમાં ખેલાડી બનવાથી
વ્યક્તિ એક ઉમદા માનવી આસાનીથી બની શકે છે.
***
પિક્સેલ:
રમવું એ દરેક બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે. જે પાઠ
પ્રકૃતિ, મેદાન, છોલાયેલા ઘૂંટણ, મેલાઘેલા કપડા, કિટ્ટા-બુચ્ચા, ગાંડી-ઘેલી રમતો
રમવાથી શીખાય છે એ જીવનમાં ક્યારેય ભૂલતા નથી!
કેન્ડી ક્રશ રમતા રમતા તમારે મિત્રો પાસે
લાઈફલાઈનની ભીખ માંગવી પડશે, પણ બહાર નીકળીને ક્રિકેટ-વોલીબોલ-ફૂટબોલ-સતોડિયું-કોઈ
પણ રમત રમશો તો ઓટોમેટીકલી મિત્રો અને લાઈફ ફૂલ થઇ જ જશે!
Comments