***
“ન્યુ યર રીઝોલ્યુશન”- એટલે દર વર્ષે ૩૧
ડીસેમ્બરની મોડી રાત્રે પોતાની જાત સાથે ગુફતેગુ કરીને તમે નવા વર્ષને આવકારતા એક
હુંફાળું કમીટમેન્ટ આપો છો. અને પછી તમારા લાઈબ્રેરી-રૂમની તમારી ગમતી બ્લેકવોલ પરએ
“ન્યુ યર રીઝોલ્યુશન”ને રંગબેરંગી કાગળ પર ઉતારીને એટલા જ પ્રેમથી ચિપકાવી દો છો,
જાણે અહી ચિપકાવેલું નસીબમાં પણ ચીપકી જ જવાનું છે! આજે પણ એક બહુ મોટ્ટું કામ
પતાવ્યું હોય એવા સંતોષ સાથે તમે ગ્રીન ટીનો કપ લઈને તમારી ઇઝી ચેરમાં ગોઠવાયા છો
અને સામેની દીવાલ પર લગાવેલા છેલ્લા દસ વર્ષના રીઝોલ્યુશન્સને જોઈ રહો છો.
રંગબેરંગી નીયોન કલરના પેપરમાં લખેલા એ જાત સાથેના કમિટમેન્ટસ્ છે-જે કૈક તો પુરા
થયા છે અને કૈક તો દસ વર્ષથી દરેક લીસ્ટમાં જાણે ફેવિકોલ લગાવીને ચોંટેલા રહ્યા
છે. તમે હસી રહ્યા એ વિચારીને કે આપણે જાણ્યે અજાણ્યે પોતાના પરિવાર-બાળકો-પ્રોફેશન-સમાજમાં
એટલા તો ગૂંથાઈ જઈએ છે કે પોતાની જાતને ગમતા કામ કરવા માટે એક વર્ષમાં એક દિવસ પણ
નથી કાઢી શકતા! અને કૈક વિચારીને તમે દસ વર્ષથી જે અધૂરા રાખ્યા છે એ રીઝોલ્યુશનને
આ વર્ષે પહેલા પુરા કરવા અલાયદુ લીસ્ટ તૈયાર કરો છો-ફ્લોરોસન્ટ યેલો પેપરમાં. અને
એ સ્પેશિયલ લીસ્ટમાં લખેલી બે એન્ટ્રી જોઈને તમે ખડખડાટ હસી પડો છો-પહેલી વજન
ઘટાડવું-બીજી પહેલી નોવેલ લખવી શરુ કરવી. લગભગ અશક્ય લાગે એવા બંને કામ આ વર્ષે તો
કરવા જ છે એ નિર્ધાર કરીને તમે એક નાના બાળકની જેમ એક્સાઈટેડ ફીલ કરો છો.
“ઓરે મનવા તું તો બાવરા હેં, તું હી જાણે તું
ક્યા સોચતા હેં બાવરે, કયું દિખાયે સપને તું સોતે જાગતે.. જો બરસે સપને બુંદ બુંદ,
નૈનો કો મુંદ-મુંદ, કૈસે મેં ચાલુ દેખના સકુ અનજાને રાસ્તે.. ગુંજાસા હેં કોઈ
ઇક્તારા..”-દિલને એકદમ નજીક ગીતને ગણગણતા તમે ‘કાલ કરે સો આજ કર’ના ન્યાયે નોટપેડ
અને પેન લઈને તમારી પહેલી ડ્રીમ નોવેલનો પ્લોટ પ્લાન કરવા બેસો છો. “વર્ષોથી અધૂરા
રહેલા સપનાઓને ઉજવવા”-એથી વધુ સારી ૩૧ ડીસેમ્બરની ઉજવણી બીજી શું હોઈ શકે?
“થીમ ઓફ ધ નોવેલ”- શું રાખવું? આમતો ફિક્શનમાં પણ
જાણે-અજાણ્યે તમે તમારી જિંદગીના કેટલાય પાત્રો-ઘટનાઓ અને યાદોને લખી ચુક્યા છો
એટલે થીમ પણ કૈક જીવેલી હોય એવી સત્ય ઘટના જેવી જ રાખવી એમ તમે નક્કી કરો છો. અને
દિલ અને દિમાગ બંને ઓવરટાઈમમાં-આર્ગ્યુમેન્ટમાં લાગી જાય છે.
દિલ એકદમ ઉત્સાહમાં સજેસ્ટ કરે છે-“લવ સ્ટોરી-શરૂઆત
એક હલકી-ફુલકી લવ સ્ટોરીથી કરી શકાય. એમ પણ પોતાની લવ સ્ટોરીમાં એટલા ટ્વિસ્ટ છે
કે એક ફૂલ ફ્લેજ્ડ નોવેલ તો એના પર જ લખાઈ જાય.”
દિમાગ ડચકારો કરીને કહે છે-“એકદમ ડમ્બ આઈડિયા છે.
આઈઆઈટી અને આઇઆઇએમવાળાઓની લવ-સ્ટોરીની ભીડમાં તારી રૂખી-સુખી સ્ટોરીમાં કોઈને રસ નહિ
પડે!”
દિલ સહેજ પણ નિરાશ થયા વગર દિમાગને સમઝાવે છે-“હોય
કઈ? સત્ય હમેશા જ કાલ્પનિક મસાલા કરતા વધુ ઈન્ટરેસ્ટીંગ હોય. મેં દુનિયાનાં જે
રંગો જોયા-જીવ્યા-અનુભવ્યા છે એ જ હું લખીશ.”
અને દિમાગ અટ્ટહાસ્ય કરતા કહે છે-“અચ્છા એટલે તું
એક વાસ્તવિક બોલ્ડ નોવેલ લખીશ. અને એમાં પ્રેમ-પેશન-સેક્સ-ચીટીંગ-એક્સ્ટ્રા મેરીટલ
એફેર-જેન્ડર પોલીટીક્સ-ચાઈલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ સારું-ખરાબ બધું જ આવી જશે. અને
આવા બોલ્ડ સત્યને લખવા બદલ થશે ઢગલો કોનટ્રોવર્સીઝ અને કોર્ટ કેસીસ. સત્ય વાંચીને
જે-તે મિત્રો-સ્નેહીઓની લાગણી દુભાશે. સેક્સ-એબ્યુઝ આવશે તો ભારતીય સંસ્કૃતિની
ગરીમા જોખમાશે અને જેન્ડર પોલીટીક્સ અંગે
લખવા બદલ સમાજના ઠેકેદારો તને ફેમીનીસ્ટનું લેબલ પહેરાવીને હાંસિયામાં ધકેલી દેશે.
અને સામાજિક-સાંસ્કૃતિક લાગણીઓને દુભાવવા બદલ તારી નોવેલને અને તને સુદ્ધાં “બેન”
કરી દેવામાં આવશે!”.
“હોય કઈ? આજકાલ જમાનો ફોરવર્ડ થઇ ગયો છે. સોશિયલ
મીડિયા અને ઈન્ટરનેટથી એજ્યુકેટેડ સોસાયટી માટે હવે સેક્સ કે લવ અફેર્સ ટેબુ નથી રહ્યા.
વોટ્સએપ-ફેસબુક-સ્નેપચેટના આ જમાનામાં લોકો બધું જ જાણે અને માણે છે. હું તો માત્ર
જે જીવું કે જોવું છું એ જ લખવાની વાત કરું છું.”-દિલ નિર્દોષતા પૂર્વક કહી
રહ્યું.
તો પણ દિમાગની પીન ના પર જ ચોંટી રહી-“ના, આપણે
કરીએ-જીવીએ- કહીએ-લખીએ એ બધું જ જુદું હોય. જે વાસ્તવિકતામાં જીવીએ એ કહેવાનું નહિ
અને લખવાનું તો બિલકુલ જ નહિ! જે બધાને ગમે એવું સુષ્ઠુ-સુષ્ઠુ જ લખવાનું પણ જે
દિલને ગમે એ બધું સારું-ખરાબ ખાનગીમાં જીવી-માણી પણ લેવાનું. સમાજ-આપણે સૌ ડબલ
સ્ટાન્ડર્ડસ્ જીવીએ છે! એટલે જ તો જયારે કોઈ અરીસો-સત્ય બતાવી દે તો ચચરી ઉઠે અને
પોતાની બદસુરત વાસ્તવિકતા છુપાવવા પણ વિરોધ કરવો રહ્યો! અપના અસત્ય-દંભ-છળને
છુપાવવા સત્યને તો બેન કરવું જ પડે ને?“
“તો શું કરું, શું લખું?”-દિલે કન્ફયુઝ થઈને
પૂછ્યું.
“થીમ ચેન્જ કર!”-દિમાગે તરત આઈડિયા આપ્યો.
“હા, એજ સારો રસ્તો છે. ઓકે તો હું એક પોલીટીકલ
ફિક્શન લખું તો કેવું રહે?”-દિલે સહેજ વિચારીને દિમાગને પૂછ્યું.
“ટચ, ટચ, ટચ. પોલીટીકલ થીમ હશે એટલે કરપ્શન-શોષણ-સેક્સ-બ્લેકમની-સ્કેન્ડલ-પાવર
અને બીજું ઘણું બધું આવશે. પોલીટીકલ પાર્ટીના સમર્થકોની “રાજનીતિક
માન્યતાઓ/સંવેદનાઓ” દુભાશે! કોઈને કોઈ પોલીટીકલ પાર્ટી કે નેતા એમાં બંધ બેસતી
પાઘડી પહેરી લેશે અને મંડી પડશે વિરોધ કરવા. એટલે સરવાળે બુક છપાય એ પહેલા બેન થઇ
જશે. વેરી બેડ આઈડિયા! ચેન્જ થીમ!”-દિમાગે દિલના સજેશનને એક ઝાટકે કેન્સલ કરી
દીધું.
“અચ્છા તો બીજો આઈડિયા વિચારું... મર્ડર મિસ્ટ્રી
કે સાયકોકિલર બેઝ્ડ થ્રીલર ઇન્ટરેસ્ટીંગ આઈડિયા છે, હેં ને?”-દિલ જાણે બોઘલાઈ
ગયું.
“હમમ, આઈડિયા છે તો ઈન્ટરેસ્ટીંગ પણ અહિયા પણ લોચો
જ થશે! મર્ડર મિસ્ટ્રી કે સાયકો કિલરની સત્યકથા લખશે તો એ ઘટના સાથે સંકળાયેલા
લોકો પોતાના રહસ્યો છતાં થવાની બીકે-પુસ્તકનો વિરોધ કરશે અને જો કાલ્પનિક હશે તો
એના હિંસાત્મક-બીભીત્સ્ક-ઉશ્કેરણીજનક-ગેરમાર્ગે દોરનારા લખાણ બદલ એનો વિરોધ થશે.
સંવેદનશીલ અને લાગણીશીલ સમાજ દુભાશે! બેડ આઈડિયા- ચેન્જ!”-દિમાગે ફરી યુ ટર્ન
લીધો!
“હમમ, હોરર થીમ કેવી રહેશે?”-દિલનો ઉત્સાહ ધીમે
ધીમે ઓછો થતો ગયો.
“થીમ તો સારી છે પણ.. પોબ્લેમ તો છે જ! સમાજમાં ભૂત-પ્રેત
અંગેની વાતો થકી અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાઓ ફેલાવવા બદલ નોવેલનો વિરોધ થશે.
સમાજની વૈજ્ઞાનિક લાગણી દુભાશે!”-દિમાગે ફરી રેડ સિગ્નલ આપ્યું.
“હદ છે યાર- લવ સ્ટોરી ના લખાય, પોલીટીકલ થીમ ના
લેવાય, મર્ડર મિસ્ટ્રી પર કે ભૂત-પ્રેતના વિષય પર પણ ના લખાય! અભિવ્યક્તિ
સ્વાતંત્ર જેવું કઈ અસ્તિત્વમાં છે કે નહિ? ગાંધીજીના દેશમાં પણ સત્ય બોલતા કે
લખતા ડરવું પડે? અને લેખન તો એક કળા છે- પોતાના વિચારોની અભિવ્યક્તિ છે- જે દરેક
વ્યક્તિની અલગ હોઈ શકે. એમાં વળી અસંમત હોવા-અણગમા બદલ કેવો વિરોધ કે બેન?”-દિલ
સહેજ તો ડરી ગયું છે છતાં મક્કમતાથી પોતાનો પક્ષ રજુ કર્યો.
“ફ્રીડમ ઓફ એક્સપ્રેશન શબ્દ માત્ર આપણા
સંવિધાનમાં જ શોભે છે. વાસ્તવિકતા કૈક અલગ છે. અરુંધતી રોયની “ધ ગોડ ઓફ સ્મોલ
થીંગ્સ”, જેવીઅર મોરોની “ફાઈવ પાસ્ટ મીડનાઈટ”, જેવીઅર મોરોની “ધ રેડ સારી”,
રોહીન્તોન મિસ્ત્રીની “સચ અ લોંગ જર્ની”, તમલ બંધોપાધ્યાયની “સહારા- ધ અનટોલ્ડ
સ્ટોરી”, હમિશ મેકડોનાલ્ડની “ધ પોલીએસ્ટર પ્રિન્સ- ધ રાઈઝ ઓફ ધીરુભાઈ અંબાની” –
જુજ ભારતીય વિવાદાસ્પદ પુસ્તકો છે જેમને વિવાદ-વિરોધ સહન કરવો પડ્યો છે. અને વાત
માત્ર લેખન કળા સુધીજ સીમિત નથી. નાટક-ફિલ્મો પણ કળા છે- અભિવ્યક્તિનો જ એક
પ્રકાર. ૧૯૩૦ના કલકત્તાના બેકગ્રાઉન્ડમાં બનેલી ‘નીલ આકાશેર નીચે’, નથુરામ ગોડસે
વિષે બનેલી ‘ગોકુલ શંકર’, ભારતના ભાગલા સમયના મુસ્લિમ પરિવારની વાર્તા માંડતી ‘ગરમ
હવા’, કથિત રીતે ઇન્દીરા ગાંધીના જીવન સાથે સામ્ય ધરાવતી ‘આંધી’, ઈમરજન્સી સમય
દરમ્યાન કોંગ્રેસ પાર્ટીની વાતો કહેતી ‘કિસ્સા કુર્સીકા’, લેસ્બિયન સંબંધોના તાર
છેડતી ‘ફાયર’, ૧૯૯૩ના મુંબઈ બોમ્બવિસ્ફોટની વાર્તા માંડતી ‘બ્લેક ફ્રાઈડે’,
૧૯૮૪નાં શીખ-વિરોધી રમખાણ વિષય પર બનેલી ‘અમુ’, અરે હાલમાંજ રીલીઝ થયેલી આમીરખાનની
‘પીકે’ વિગેરે ફિલ્મો પણ એક યા બીજા કારણે,
સામાજિક-ધાર્મિક-રાજનીતિક-વ્યાક્તિક-સાંસ્કૃતિક લાગણીઓ દુભાવવા બદલ વિરોધ સહન કરી
ચુકી છે. અરે ચિત્રકળામાં પણ એમેફહુસેનના ચિત્રો અંગે થયેલા વિવાદો અને વિરોધ જગપ્રસિદ્ધ
છે. ટૂંકમાં કળાના કોઈ પણ માધ્યમ દ્વારા પોતાના વિચારો-કલ્પનાની અભિવ્યક્તિ કરો,
સમાજના કઠોર માપદંડ અને પરીક્ષાઓમાં એ ફેઈલ જ થશે!”-દિમાગ ખુબ ઠાવકાઈ સાથે દિલને
કઠોર વાસ્તવિકતા સમઝાવી રહ્યું.
“હમમમ. સમઝાઈ ગયું.”-દિલ ધીરેથી બોલ્યું.
“શું સમઝાયુ?”-દિમાગે સહેજ મસ્તીભર્યા ટોનમાં
દિલને છેડતા પૂછ્યું.
“એજ કે પુસ્તક-ફિલ્મ-ચિત્ર ભલે બેન થઇ જાય,
કળાકારના વિચારો-લાગણીઓ-અભિવ્યક્તિને કોઈ કોર્ટ કે સમાજ બેન કરી શકતું નથી! પોતાના
અલગ સ્વતંત્ર વિચારો-મંતવ્યો અભિવ્યક્ત કરવા હિંમત જોઈશે. સમાજ-સ્નેહી-સ્વજનો
વિરોધ કરી શકે, નકારી શકે, એ સહન કરવા અને એની સામે લડીને પણ અડીખમ રહીને પોતાની
અભિવ્યક્તિની ગરીમા જાળવવા એક ખુમારી જોઈશે. અને મારામાં પણ જો એ મિજાજ અને સાહસ ના
હોય તો હું નોવેલ નહિ પણ બાળકો માટે ‘દેશી-હિસાબ’ જ લખું એ મારા અને સમાજ માટે
હિતાવહ છે!”
અને તમે થીમ ઓફ ધ નોવેલ ફાયનલ કરી-“ધ ફર્સ્ટ
વાઇલ્ડ ડ્રીમ”. સામેની “રીઝોલ્યુશન વોલ” પરના સ્પેશિયલ ફ્લોરોસન્ટ યેલો લીસ્ટમાં
‘પહેલી નોવેલ લખવી શરુ કરવી’-ની સામે ડન માર્ક કર્યું. અને દિલ અને દિમાગ જાણે એકસાથે ગઈ ઉઠ્યા.. “દિલ હેં
છોટા સા, છોટી સી આશા, ચાંદ-તારોકો છુને કી આશા, આસમાનોમે ઉડને કી આશા!”
***
પીક્સેલ:
જો વારંવાર તમારી
સામાજિક-ધાર્મિક-રાજનીતિક-સાંસ્કૃતિક-‘આ’તિક-‘પેલી’તિક લાગણીઓ દુભાઈ જતી હોય તો
મદદની અને બદલાવની જરૂર તમને છે! બીજાની અભિવ્યક્તિને નકારવા કરતા ‘નાં ગમે’ એને
અવગણી- ‘ગમે’ એ તરફ આગળ વધવું હિતાવહ છે!
Comments