Skip to main content

લાઈફ સફારી~૬૯: ચુંટણી: વિકાસ-ઉત્સવ કે રકાસ-ઉત્સવ!

****

બેન થોડું જલ્દી કરોને!”
અડધો કલાકથી લાઈનમાં ઉભા છીએ. બહુ આકરી ગરમી છે આ વખતે!”
કહું છું બેન થોડો ઝપાટો મારો ને! લાઈન વધતી જાય છે!”
એપ્રિલનાં છેલ્લા દિવસનો આકરો તડકો અને એમાં વળી ચૂંટણીની ગરમી! તમે સવારે સાત વાગ્યાના એકધારી ઝડપથી શક્ય એટલું નમ્ર રહીને તમારી કામગીરી કરી રહ્યા છો.
બે લેડીઝ અને એક જેન્ટ્સ"- બહાર લાંબી લાઈન જોઈને તમે મિકેનિકલી રુલ એનાઉન્સ કર્યો.
બેન, અમે ક્યારના લાઈનમાં ઉભા છે! અને..”- એક સહેજ વયસ્ક કાકા તમારી સામે ઉગ્રતાથી રજૂઆત કરવા ગયા પરંતુ જવાબમાં તમે આપેલું હુંફાળું સ્મિત જોઈને નરમ પણ પડી ગયા!
કાકા માટે ઠંડું પાણી લાવો! કાકા, તમે એકલા જ વોટ કરવા આવ્યા? કાકીને નથી લાવ્યા?” - તમે ફટાફટ હાથ ચલાવતા કાકાની સાથે સંવાદ ચલાવ્યો!
કાકી સવારમાં અહી આવીને લાઈનમાં ઉભા રહે તો ઘરે રસોઈ કોણ બનાવશે બેન?”- કાકા હવે થોડા રમુજમાં આવ્યા એમ લાગ્યું!
એજ તો સરકાર પણ કહે છે! મત આપવો પુરુષ અને મહિલા બંનેનો મૂળભૂત અધિકાર છે. પણ મહિલાઓને રસોઈ, ઘર અને બાળકો જેવા કારણોથી અગ્રીમતા આપવી. કાકા, સરકારનો નિયમ છે- મારા ખિસ્સામાંથી નથી કહેતી!” - તમે કાકાની મતદાર સ્લીપ હાથમાં લઇ, એમનું નામ મતદાર યાદીમાં ટીક કરી એમના ડાબા હાથની આંગળીએ અવિલોપ્ય સાહી લગાવતા કહ્યું.
પણ બેન, આ તો ખોટું જ ને! તમે પણ આજે સવારે મહિલા-સશક્તિકરણની વાતો કરતા હતા. તો આમ લેડીઝ ફર્સ્ટ અને મતદાનમાં અગ્રીમતા -એવું બધું ખોટું ના કહેવાય? અત્યારે તો મેન-એમ્પાવરમેન્ટના ક્લાસ ચાલુ કરવા પડે એટલી હદે સ્ત્રીઓ જાગૃત અને સશક્ત છે! શું કહો છો?”- તમારી બાજુમાં બેસીને મતદાર લીસ્ટ વેરીફાય કરી રહેલા ભાઈએ હસતા હસતા ટકોર કરી.
સાચું કહ્યું તમે, પહેલાના સમય કરતા સ્ત્રીઓની પરિસ્થિતિ ઘણી સુધરી તો છે પણ...”- તમે આગળ બોલી જ ના શક્યા.. શબ્દો હવામાં ખોવાઈ ગયા. અને પ્રશ્ન પૂછવાવાળા ભાઈને પણ કદાચ તમે નહિ બોલી શક્યા એ જવાબ સાક્ષાત મળી ગયો.
***
વન ટુ થ્રી સેવન, પ્રૂફ- વોટર્સ આઈડી."- હમણાજ તમને સ્ત્રીસશક્તિકરણના મુદ્દે ચીઢવી રહેલા બાજુમાં ડોક્યુમેન્ટસ વેરીફાય કરી રહેલા ભાઈ, આંખો નીચી કરીને બોલી રહ્યા.
તમે મિકેનિકલી તમારા ભાગની પ્રોસીજર પતાવી અને સામે બેઠેલા આ વિસ્તારના ઇલેક્શન એજન્ટને ઉમર-વાંધાનો ઈશારો કર્યો.
બેન, મેં ચેક કરી રાખ્યું છે! બે મહિના પહેલા જ અઢાર પુરા થયા છે! આ રહ્યું એલ.સી.. વાંધો પડે એવા બધા કેસમાં મેં પ્રૂફ સાથે જ રાખ્યા છે!”-મધમાં ઝબોળીને બોલતો હોય એમ મધ-મીઠ્ઠા અવાજે એજન્ટ તમને સમઝાવી રહ્યો.
ખુબ ધ્યાન રાખો છો પોતાના વિસ્તારનું તમે!”- તમે વખાણ કરતા શબ્દોમાં ટીકા કરતા કહ્યું!
રાખવું જ પડે ને બેન. એમના વિકાસ અને પ્રગતિ માટે તો જાત ઘસી નાખી છે! ખુબ માન છે આપણું અહી! પરસ્પર છે બધો વ્યહવાર! પાંચ વર્ષ અમે એમને સાચવીએ એટલે એક દિવસ એ અમને!”- અને ગર્વ સાથે એજન્ટભાઈ પોતાની વખાણગાથા ગાઈ રહ્યા!
તમે એ દીકરીનું એજ પ્રૂફ ઇલેક્શન માટે વાંધો પડશે એ સમઝીને ધ્યાનમાં રાખ્યું, તો એના લગ્નના દિવસે ક્યાં ખોવાઈ ગયા હતા?”- તમે સીધો કટાક્ષ કર્યો.
બેન સમઝ ના પડી! ચુંટણીના નિયમમાં એના લગ્નને લઈને કઈ વાંધો પડ્યો કે શું?”- એજન્ટશ્રી જાણી જોઈને અજાણ્યા થવા મથી રહ્યા!
એ દીકરી ના હજી બે મહિના પહેલા જ અઢાર પુરા થયા એનું પ્રૂફ તમે મને બતાવ્યું...પણ એણે કેડમાં તેડેલા બે-ત્રણ મહિનાના બાળક અને એના લગ્ન સમયની ઉમરનો- એ બે મહિનામાં હું કેમ કરીને તાળો બેસાડું?”-તમે હવે પેન, મતદાર યાદી અને અવિલોપ્ય સાહી બધું સાઈડમાં મુકીને ઉગ્રતાથી સીધો સવાલ કર્યો!
બેન, છોડોને એ બધું! અમુક જ્ઞાતિ-સમાજમાં થાય છે! અમારાથી એમાં ના પડાય! પોલીટીક્સ અને સમાજ સુધાર બંને અલગ વાતો છે! ”- છેલ્લા અડધા કલાકથી પોતાની યશગાથા ગઈ રહેલા પોલીટીકલ એજન્ટે આખરે અઠંગ પોલીટીશયનની જેમ રંગ બદલ્યો!
હા સાહેબ! બાળ-વિવાહ, બાળ-મજુરી, વિધવા-વિવાહ, કન્યા ભ્રુણ હત્યા,દીકરીનું શિક્ષણ, કુપ્રથા વિરોધ- એ બધા સામાજિક મુદ્દાઓ પર ચુંટણી લડાય. રીયલમાં તમે મહાન નેતાઓ આ સામાજિક મુદ્દાઓ પર કામ કરો તો ગંદુ પોલીટીક્સ કોણ રમશે? અને એમ સમાજ સુધારાના નામે ભલે મત મળે, સમાજ સુધારો કરવા જાઓ, તો લોક-રોષ સહન કરવો પડે, વોટ ગુમાવવા પડે.. એ તો તમારા જેવા કેલ્ક્યુલેટીવ અને સીઝન્ડ પોલીટીશિયન્સને કેમ પોસાય?”-તમે ફરીથી રોષપૂર્વક કહી ગયા..

***

એકધારું સવારથી કામ કરી રહેલું તમારું મશીન થોડી થોડી વારે કૈક એરર આપી રહ્યું. અલબત્ત જુદા જુદા કારણોથી!
જી પ્રૂફમાં શું છે?”- સામે માથે ઓઢીને ઉભેલી, પાંત્રીસેક વર્ષની જાજરમાન મહિલાને તમે પ્રશ્ન કર્યો. પ્રશ્ન અને જવાબ વચ્ચેની સ્પેસમાં, આગળ તમે જે બીજો પ્રશ્ન પૂછવાના છો એનો જવાબ પહેલેથી ગણી રહ્યા!
સામે ઉભેલી સુંદર મહિલાએ ખુબ જ ખચકાતા વોટર્સ આઈડી તમને ધર્યું, અલબત્ત એક પણ શબ્દ બોલ્યા વગર. કાળજીથી પહેરેલી મોંઘી સાળી ઉપર સોનાના નવી કારીગરીના ઘરેણાં ચમકી રહ્યા હતા, જાણે વોટિંગ માટે આવવું પણ સ્નેહીના લગ્નમાં જાવા જેવી સુંદરતા-સંપત્તિ શો-ઓફની બાબત હશે! પણ સુંદરતા, સંપત્તિ કે સમૃદ્ધી લઈને ફરી રહેલા એ જાજરમાન મહિલામાં તમને સંકોચ, ક્ષોભ, આત્મવિશ્વાસની ઉણપ સાફ દેખાઈ..
અહી આ ખાનામાં તમારી સહી કરવાની છે.”-સામે ઉભેલી મહિલાને પેન ધરી અને તમે તમારું ગણિત અને ધારણા ખોટી પડે એ માટે પ્રાર્થના કરી રહ્યા.
સામે ઉભેલી મહિલાની નજરો હજુ નીચેજ મંડાયેલી રહી, તમારા સૂચનનો અમલ કરવા પેન પકડવા હાથ સહેજ આગળ વધ્યો અને ફરી માથે ઓઢેલા પાલવને સંકોરી એમાં લપાઈ ગયો.
જી અહી સિગ્નેચર કરવાની છે. આમ ઉંધી જ !”-તમે ઉપરની સહી બતાવીને સામેની મહિલાને ફરી નમ્રતાપૂર્વક સુચન કર્યું.
અને.. પાછળથી લાઈન તોડીને એક ભાઈ મોઢામાં મસાલો ચગળતા આગળ આવ્યા. અને તમારી સામે ઉભેલ જાજરમાન મહિલાનો ડાબો હાથ ઉંચો કરી એમનો અંગુઠો તમારી સામે ધર્યો.
તમે હળવેકથી એમના ડાબા હાથના અંગુઠાની છાપ લેવા અંગુઠો પકડ્યો અને... લાજમાં ઢંકાયેલા એ અજાણ્યા ચહેરાની આંખોની ભીનાશ અંગુઠાથી થઈને તમારી આંખોમાં ફેલાઈ ગઈ...
બેન ચા પી લો. બહુ રશ છે. ચા પીધા પછી કામ સારું થશે!”- બાજુમાં કામ કરી રહેલા ભાઈએ ચા ધરી અને તમને બીજે વાળવા પ્રયાસ કર્યો.
સવારથી સુંદર સાળીમાં સજીને, લાજ કાઢતા ઘૂમટા ઓઢીને, સોનાના ઘરેણાઓમાં શોભીને- એક પુરુષની સુરક્ષા-દેખરેક હેઠળ આવનાર...ત્રીસથી નેવું વર્ષ સુધીની જાજરમાન મહિલાઓ- અજાણ્યે એમના ડાબા હાથના અંગુઠાની એ ભૂરી છાપ તમારી અંદર ક્યાંક ડાબી બાજુ લગાવતી ગઈ છે- ઊંડે.. ખુબ જ ઊંડે!
આ વખતે ૭૦% થી ઓછુ મતદાન થાય તો સાહેબ મૂછો મુંડાવી દઈશ!”- એજન્ટસાહેબ ફોન પર એમના મોટા"સાહેબ"ને મતદાન ટકાવારીનો હિસાબ આપી રહ્યા!
અને તમે મનોમન એમના વાક્યમાં "મતદાન" શબ્દને "શિક્ષણ" શબ્દથી સ્વેપ કરીને, નીચા શિક્ષણદર માટે એમને પણ એક કારણ ગણીને... એમની મૂછો મુંડાવી, માથે ટકો કરાવી, મોઢું કાળું કરાવી, ગધેડે ઉંધા બેસાડી ફેરવવાની કલ્પના કરી રહ્યા!
***
ચુંટણી આપણા લોકશાહી દેશ માટે સૌથી મોટો લોક-ઉત્સવ છે!
પરંતુ આ ઉત્સવની ઝાકમઝોળનાં હાંસિયામાં, સ્વર્ણિમ ઉજવણીઓની પરે અને અકલ્પ્ય વિકાસની ગાથાઓના ખૂણે-ખાંચરે... કેટલાયે ડાબા હાથના ભૂરા થયેલા અંગુઠાઓને પેન પકડાવાની અને પુરા-અધૂરા અઢાર વર્ષની "વયસ્ક"-માંઓને ઉંમરસહજ જીવન જીવવાની- “આઝાદી"નો અધિકાર હજુ મળ્યો નથી તો "મતાધિકાર" શું કામનો?

ઇલેક્શન એટલેકે ચુંટણી પાંચ વર્ષે એક વાર નહિ પણ.. આ પાંચ વર્ષોમાં દિવસે દિવસે જવાબદારી પૂર્વક ઉજવાય એ ખુબ જરૂરી છે!

Comments

Popular posts from this blog

લાઈફ સફારી~૧૯: શ્રદ્ધા અને અંધશ્રદ્ધા:ઓળખો સુક્ષ્મ ભેદ!

“નવરાત્રીમાં હું તો પુરા નવ દિવસ ઉપવાસ કરું,એકદમ શ્રદ્ધાપૂર્વક અને માતાજીનું મારા પર એટલું બધું સત્ છે કે નવરાત્રીમાં તો માતાજી મારા શરીરમાં આવે જ!" – એક હ્યુમન જેવા જ દેખાતા માતાજી કહી રહ્યા અને શ્રોતાઓ આહોભાવથી જોઈ રહ્યા. મારું ફ્યુઝડ અને કન્ફ્યુઝ્ડ દિમાગ વિચારી રહ્યું કે - એક માણસ બીમારની જેમ ધ્રુજે , બુમો પડે, આંખો કાઢે, જાતજાતની ફરમાઈશો કરે- અને બધા એને પગે લાગેઅને એના આશીર્વાદ લે! - અને કહેવાય એમ કે એમને માતાજી આવ્યા છે! દિમાગ એ વિચારીને શોર્ટ થઇ જાય છે કે - માતાજી શું સાચે એટલા ફ્રી રહેતા હશે કે નવરાત્રીમાં  આમ બધાના શરીરોમાં ફરવા નીકળે? સીન-૨:
"હું તો ગયા વર્ષે એટલી બીમાર થઇ ગઈ હતી. કોઈ દવા અસર જ ના કરે... કેટલા ડોક્ટરોને બતાવ્યું, પણ કોઈ ફર્ક જ નહિ.. પછી મને કોઈએ પેલા XXX/YYY બાબા/માતાજી/ભુવા/ ઓઝાનો ઉપાય બતાવ્યો.. હું એમને મળી. એમણે મને તરત કહ્યું કે, તમને તો ફલાણાએ મૂઠ મારી છે! તમારા પર કાળો જાદુ કરાવ્યું છે. જો તમે એને નહિ  તોડવો તો ૧ વર્ષમાં તમે બરબાદ થઇ જશો! મેં એમણે કીધેલી વિધિ કરાવી, ખાલી ૧૦,૦૦૦ રૂપિયા થયા પણ આ જુઓ હું ચાલતી ફરતી થઇ ગઈ!"
મારા દિમાગને જાણે ક…

લાઈફ સફારી~૪૮: “સંબંધ એટલે શું?”

“મોટી, યુ શુડ સ્ટોપ રાઈટીંગ. રાઈટીંગ શુડ બી ડન બાય વાઈસ એન્ડ બોલ્ડ પર્સન. તારા જેવા સેન્ટી-મેન્ટલ અને મેસ્ડઅપ આત્માઓએ લખવું ના જ જોઈએ. સંબંધોમાં ઓલમોસ્ટ સિફર રહેલી તું, સાચા સંબંધ કે એ સાચવવાની સલાહ કઈ રીતે આપી શકે રીડર્સને?”-મારા રૂટીન ગુસ્સા અને અકળામણના રિએક્શનમાં મારા દિલોજાન દોસ્તએ ફ્રીની એડવાઈઝ આપી. “આઈ ડીફર. મારા જેવા ઇમોશનલ ફુલ અને દિલથી ડફર લોકોજ લાગણીઓના લોચા અને સંબંધોના સાંધા સહેલાઈથી સમઝી અને સહેજી શકે. જ્યાં સુધી જાતે જોયુ, અનુભવ્યું કે મહેસુસ કર્યું ના હોય ત્યાં સુધી કઈ લખવું શક્ય જ નથી! મારા માટે લખવું એટલે જાત સાથે પ્રમાણિક પણે વાત કરવી છે- ભલે વાત પોતે જોયેલી સ્નેહી-સ્વજનના દર્દની હોય કે જાતે નોતરેલા કોઈ પ્રોબ્લેમની! હા, હું ઘણા સંબંધોમાં લાગણીઓ ઉકેલવામાં નિષ્ફળ રહી છું, પરંતુ આ નિષ્ફળતા એ જ મને સંબંધોના એ પાઠ શીખવ્યા છે જે કોઈ સુફિયાણી રીલેશનશીપ-મેનેજમેન્ટની વર્કશોપ કે સો કોલ્ડ બેસ્ટ સેલર સંબંધ બચાવ-બુક વડે મળવા શક્ય નથી! લખવા માટે વાઈસ હોવું નહિ, થોડું ક્રેક- ક્રેઝી હોવું જરૂરી છે, તો જ એ પારદર્શકતા અને ઓનેસ્ટી આવે લખાણમાં જે સત્ય કહેવા અને સ્વીકારવા જરૂરી છે!”- મ…

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ.
આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે.
અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિત્રો સાથે ગાર્ડનમાં રમી…