લાઈફ સફારી, પેજ ૩, વુમન્સ ગાર્ડિયન, ગુજરાત ગાર્ડિયન [ ૧૭, સપ્ટેમ્બર, ૨૦૧૩] લીંક: http://gujaratguardian.in/E-Paper/09-17-2013Suppliment/pdf/09-17-2013gujaratguardiansuppliment.pdf |
***
“મમ્મા, તારા ફેવરેટ ભગવાન કયા?”-હોમવર્ક કરતા
કરતા બેબુ અચાનક મને પૂછી રહી.
અને હું વિચારમાં પડી ગઈ.. આજ સુધી કદાચ આ વિષય
પર કોઈ દિવસ વિચાર જ નથી કર્યો! રોજ મંદિરમાં દર્શન કરવા જવું કે ઘેર રોજીંદા
પૂજાપાઠ કરવા જેટલી આસ્તિક કદાચ હું હજુ નથી બની શકી, પરંતુ પ્રભુના અસ્તિત્વ પર
પ્રશ્ન કરવા જેટલી નાસ્તિક પણ નથી જ!
“બેટા, તારા ફેવરેટ ભગવાન કયા?”- બેબુના
કન્ફ્યુંઝીંગ પ્રશ્નોને એવોઈડ કરવાનો મેં શોધેલો સૌથી સીધો અને સરળ રસ્તો એટલે એને
સામે પ્રશ્ન પૂછવાનો!
“મને છે ને.. મને ગનુદાદા બૌ ગમે.”- નાની નાની
આંખોને ચકળ-વકળ ફેરવતી બેબુ આહોભાવથી સામે ટીવી પાસે રાખેલી ગણપતિદાદાની મૂર્તિને
વંદન કરી રહી.
“અચ્છા, એમ? તો તારા હનુદાદા અને ક્રિશ્નાને
ખોટું નહિ લાગે? એ પણ તો તારા ખાસ ફ્રેન્ડ છે ને?”- મારા પૂછેલા સેન્સીટીવ
ક્વેશ્ચનથી એઝ એક્સ્પેકટેડ બેબુ અટવાઈ ગઈ..
“એ તો છે ને... આમ તો મને બધા ભગવાનજી ગમે- પણ
ગનુદાદા સહેજ, થોડાક વધારે ગમે. છેને.. એમનું ટમ્મી પણ મરી જેમ ગોલ-ગોલ છે અને
એમને બી મારી જેમ લડ્ડુ બૌ ભાવે.”- અંગુઠા અને પહેલી આંગળીથી થોડા-થોડાકની માત્રા
સમઝાવતા, ફ્રોકની કિનારી પકડીને બ્લશ કરતા કરતા બેબુ બોલી.
કદાચ ગમવા માટે કોઈ રીઝન હોતા જ નથી છતાં બેબુના
ગનુદાદા ગમવા પાછળના રીઝન મને પણ બૌ ગમ્યા.
“મમ્મા, ગનુદાદા સૌથી રીચ ભગવાન છે.. હેને?”-
બેબુએ એકદમ અનએક્સપેકટેડ ક્વેશ્ચન પૂછ્યો.
“તને કેમ એવું લાગ્યું બેટા?”- બેબુના દરેક સવાલ
પાછળ કૈક સહજ લોજીક કાયમ હોય જ છે, મને ઉત્સુકતા થઇ આ નવતર સવાલનો જવાબ મેળવવાની.
“જોને મમ્મા, હનુદાદા, ક્રિશ્ના અને બીજા કેટલા
બધા ભગવાનજીઓ , ગનુદાદા સાથે મંદિરમાં રહે- બરાબરને?”- બેબુએ વાત લંબાવતા પૂછ્યું.
“હા બેટા, બધા ભગવાન એક સાથે જ મંદિરમાં
રહે.”-મેં શક્ય એટલો સરળ જવાબ આપવા પ્રયાસ કર્યો.
“મમ્મા, જો ક્રિશ્ના કે હનુદાદાનો બર્થડે હોઈ તો
મંદિરમાં રોશની કરે અને પ્રસાદ આપે અને એક દિવસમાં સેલીબ્રેશન પૂરું થઇ જાય, હેને?
ગનુદાદાના બર્થડે પર દસ દિવસ સુધી રોશની થાય. પાછું આ દસ દિવસ મંદિર સિવાય બધ્ધી
સોસાયટીઓમાં બી મોટા મોટા રોશનીવાળા ગનુદાદાનાં ઘર બનાવે. અને પાછું એ રોશનીવાળા
ઘરમાં એ મોટ્ટી-મોટ્ટી , જાત-જાતની ગનુદાદાની મૂર્તિઓ હોય. તો થયાને ગનુદાદા સૌથી
વધુ રીચ?”- બેબુએ એનું લોજીક સમઝાવ્યું.
બેબુની વાતમાં ખરેખર લોજીક લાગ્યું. મને યાદ
આવ્યા મારા બાળપણના દિવસો..અમે તો ઈતિહાસની બુકમાં વાંચેલું કે ગણેશ-ચતુર્થીની
ઉજવણીની શરૂઆત ભારતના સ્વતંત્ર-સંગ્રામને વેગ આપવા બાલ-ગંગાધર તિલકે કરી હતી.
હળી-મળીને ભાઈચારાથી ગણેશજીની સ્થાપના કરવા અને દસ દિવસ સાથે મળીને પૂજા-અર્ચના
કરવા પાછળ એકતા અને ભાઈચારો વધારવાની ભાવના હતી. હવે કોણ જાણે કેમ શ્રેષ્ટ ગણપતિ
કે હટકે સજાવટ અને બનાવટના વટમાં ઘુસી ગયેલી આ સ્પર્ધાએ એ ભાઈચારાનાં વિચારને
જોજનો દુર ધકેલી દીધો છે. ગણેશજીની સ્થાપના-પૂજા, શ્રદ્ધા અને ભક્તિથી નહિ પણ જાણે
સામર્થ્ય અને ફાયનાન્શિયલ સ્ટેટ્સ શો ઓફ કરવા કરવામાં આવે છે.
“હશે, એ બહાને કે કારણે પણ ભગવાનને યાદ કરીએ છે એ
ઘણું છે!”- એમ વિચારી મનને આશ્વાશન આપ્યું.
“મમ્મા શું વિચારે છે? તને તો છેને કૈજ ખબર નથી
હોતી. ખબર છે અમારા ટીચર કહેતા હતા કે- ગનુદાદાની મૂર્તિ સુંદર દેખાય એટલે જ સુંદર
ના કહેવાય, જો મૂર્તિ માટીની બનાવેલી હોય તો જ સુંદર કહેવાય... હે મમ્મા એવું કેમ
હોય?”- બેબુના ક્વેશ્ચન ઘણી વાર મને નવાઈ પમાડે આજની જનરેશનની બુદ્ધી માટે.
“બેટા, એક પુરાની સ્ટોરી પ્રમાણે ગનુદાદાનો જન્મ
એમના મમ્મી પાર્વતીજીના મેલમાંથી એટલેકે માટીમાંથી થયો હતો. અને આમ પણ દેવી
પાર્વતીજી એટલેકે ગનુદાદાના મમ્મી એ ધરતીમાતાનું સ્વરૂપ કહેવાય, અને ગનુદાદા એમના
જ અંશ.. એટલે એમ કહેવાય કે જે માટીમાંથી જન્મ્યા એમની મૂર્તિ માટીમાંથી જ સર્જવી
જોઈએ! અને દસ દિવસ આપણે ગનુદાદાની પૂજા કરીએ પછી એમનું નદીમાં વિસર્જન કરવાનું હોય
ને? જો માટીની મૂર્તિ હોયને તો નદીના પાણીમાં ભળી જાય. પ્લાસ્ટર ઓફ પેરીસ કે બીજા
કોઈ મટીરીયલની મૂર્તિ આપણે નદીમાં પધરાવીએ તો એ કેટલાય દિવસો સુધી ખંડિત અવસ્થામાં
નદીમાં એમજ રહે. બેટા, આપણે જેમને આટલો બધો પ્રેમ કરીએ છે એ ગનુદાદાની મૂર્તિ આમ
નદીમાં તૂટેલી-ખંડિત વહેતી હોય તો તને ગમે?“ – ખૂબ જરૂરી લાગ્યું મને બેબુને થોડું
અઘરું હોવા છતાં આ સમઝાવવું.
“ના મમ્મા, એમને તૂટી જાયતો કેટલી ચોટ લાગે.
પાણીમાં તો એમને ચોટ પર કોણ પટ્ટી લગાવી આપે? મને તો મીટ્ટીવાળી મુર્તીજ ગમશે
મમ્મા.”- બેબુની નાની નાની આંખોમાં મોટા મોટા ઝબકારા દેખાયા.
“હે મમ્મા, આ વિસર્જન શું હોય?”- બેબુએ મારાજ
જવાબમાંથી નવો પ્રશ્ન રજુ કર્યો.
“બેટા, વિસર્જન એટલે નદીમાં, પાણીમાં વહેવડાવી
દેવું- અર્પણ કરવું. કેવી રીતે સમઝાવું તને? જો આ સામે ગુલાબનો છોડ છે ને? એના
ગુલાબ જયારે કરમાઈ જાય છે ત્યારે કેવા જાતે ખરી પડે છે અને એની પત્તીઓ જમીનમાં ભળી
જાય છે. આ ધરતીમાંથી એ સર્જાયું છે અને છેલ્લે
એમાંજ ભળી જાય છે.. ગનુદાદાના વિસર્જનનું પણ એવું જ છે બેટા. તેઓ પણ દસ
દિવસ આપણી સાથે રહીને છેલ્લે પોતાની માતા-પાર્વતીજી-ધરતીના ખોળામાં સમાઈ જાય છે-
એટલે આપણે એમનું નદીમાં વિસર્જન કરીએ છે.”- જન્મ અને મૃત્યુને સીમ્બોલાઈઝ કરતો
વિસર્જનનો કન્સેપ્ટ બેબુને આ ઉમરે સમઝાવવો અઘરો લાગ્યો, છતાં મેં ટ્રાય કર્યો.
“મમ્મા, ગનુદાદા કેમ દસ દિવસ પછી પાછા જતા રહે?
આપણે કેમ એમને કાયમ આપણી સાથે નાં રાખી શકીએ? હું આ વખતે ગનુદાદાનું વિસર્જન નહિ જ
કરવા દઉં, હું એમને બૌ લવ કરું છું – એ મારા ફેવરેટ છે!”- બેબુનું પ્રશ્નોપનિષદ કન્ટીન્યુ
થયું.
“બેટા, કાયમ આપણે ગનુદાદાને નાં જ રાખી શકીએ. જો
બેટા, નાનાને મમ્મા કેટલો બધો લવ કરે છે, હે ને? તો પણ નાના મમ્માને છોડીને ગયા
ને? બેટા, આ ગણેશોત્સવ પણ આડકતરી રીતે જન્મ અને મૃત્યુનું સત્ય સમઝાવે છે. જે
જન્મે છે એ એક દિવસ વિસર્જિત થાય છે, ફરી બીજે ક્યાંક, બીજા કોઈ સ્વરૂપે જન્મે
છે...- અને ભગવાન પણ એમાંથી બાકાત નથી. એટલે જ ગનુદાદા પણ દસ દિવસ આપણા પરિવારની
મહેમાનગતિ માણીને વિદાય લે છે, બીજા વર્ષે નવા રૂપ-રંગમાં ફરી જન્મ લેવા. એટલે
ગનુદાદાને હસીખુશી દસ દિવસ વધાવવાના અને પ્રેમપૂર્વક એમનું વિસર્જન પણ કરી
દેવાનું, એ આસ્થા સાથે કે આપણા પ્રેમમાં બંધાયેલા ગનુદાદાને આવતા વર્ષે પાછા આવ્યે
ક્યાં છુટકો છે?” – હું બેબુને સમઝાવી રહી કે ખુદને, એ વિચારમાત્રથી હસી પડી..
હોમવર્કની નોટમાં એકાગ્ર થઈને લખી રહેલી બેબુને
હું જોઈ રહી અને વિચાર્યું- “હાશ, હવે વાઈવા પત્યા લાગે છે.”
પાંચ મીનીટ માટે નોટબુકમાં પરોવાઈ રહેલી બેબુને,
જાણે એણે હમણાજ લખેલા આલ્ફબેટ્સમાંથી કઈ સુઝ્યું અને એ ફરી ક્વેશ્ચનમાર્કભરી નજરે
મારી સામે જોઈ રહી.
“મમ્મા, વિસર્જન કરીએ એ બધું જ રીવરમાં જતું રહે?
એટલેકે પાણી સાથે વહી જાય અને ધરતીમાતા પાસે જતું રહે?”- બેબુએ જાણે વિસર્જન ટોપિક
પર પીએચડી કરવાનું વિચાર્યું હોય એમ પૂછી રહી.
“હા બેટા, આપણે સત્યનારાયણદેવની પૂજા કરીએ છે,
પછી એનો પૂજાપો અને ફૂલો પણ રીવરમાં વિસર્જિત કરીએ છે ને? રીવર પણ આપણા રિલીજિયન
પ્રમાણે મમ્મી ગણાય. જેમ મમ્મીને તું કઈ પણ બોલે- લડે, તોફાન કરે તો પણ મમ્મી તને
લવ કરે જ.. એમ રીવર પણ આપણે જે એને આપીએ- જે એમાં વિસર્જિત કરીએ બધું સ્વીકારી લે.
અને એટલેજ આપણે માટીની ગનુદાદાની મૂર્તિ લાવવી જોઈએ જેથી આસાનીથી મૂર્તિ રીવારના
પાણીમાં ભળી જાય અને આપણી મમ્મી જેવી રીવરનું પાણી પણ ચોક્ખું રહે.. હવે પડી ખબર
કે હજુ કોઈ ક્વેશ્ચન બાકી છે?”-મેં ક્વેશ્ચનબેંક બંધ કરવાના આશયથી પૂછ્યું.
“મમ્મા, તો આ વખતે આપણે ગનુદાદાનું વિસર્જન કરવા
જઈએ ત્યારે તું તારી બધી ચિંતાઓ ,ટેન્શન અને પ્રોબ્લેમ્સ પણ રીવરમાં વિસર્જિત કરી
દેજે. જો મને કોઈ પ્રોબ્લેમ હોય તો તું મને હેલ્પ કરે છેને? એમ રીવર આપણી મમ્મા
જેવી હોય એટલે તારા બધા પ્રોબ્લેમ્સ અને ટેન્શન લઇ લેશે, હેને?”- બેબુની વાત દિલને
મસ્ત ઠંડક આપી ગઈ. કેટલી સાહજીક વાત, કેટલા સરળ શબ્દોમાં!
***
ગણેશોત્સવ- આવો વધાવીએ પ્રેમ અને આસ્થાથી. આપણા
મિત્ર, સ્નેહી, સ્વજન સમાન ગણપતિદાદાને આવકારીએ માત્ર અને માત્ર નિર્ભેળ
પ્રેમથી... દેખાડા, સ્પર્ધા અને હુંસાતુંસીથી જોજનો દુર રહીને!
ગણપતિદાદાની માટીની મૂર્તિઓ અપનાવીએ અને આપણી
પ્રકૃતિની સાથે આપણા વ્હાલા ગનુદાદાનું પણ સન્માન અને માવજત કરીએ.
આવો ગણેશોત્સવને ઉજવીએ પ્રેમ પર્વ તરીકે અને
વિસર્જિત કરી દઈએ આપણા સંતાપ, દુખો, પ્રોબ્લેમ્સ, ટેન્શન અને નેગેટીવીટીને!
Comments