લાઈફ સફારી, પેજ ૩, વુમન્સ ગાર્ડિયન, ગુજરાત ગાર્ડિયન ન્યુઝ પેપર |
***
આજે સવારથી એક અજબ ખુશી અને ઉત્સાહ વર્તાય છે. બસ
હવે ગણતરીના મહિના બાકી છે અને ... અને મારો નવો જન્મ થવાનો છે, એક માં તરીકે. અરીસામાં
હું જાણે એક અલગ જ “હું” ને જોઈ રહી, જેને વધતા વજનથી ચિંતા નહિ પણ ખુશી થાય છે,
જે પગના સોજાને પણ મહેંદી લગાવી હોય એમ તાકી રહે છે.
હળવેકથી હું સહેજ ઉપસેલા પેટ પર હાથ ફેરવી,
ધીરેકથી કાલી-ઘેલી ભાષામાં વાત કરું છું મારા ગર્ભસ્થ બાળક સાથે, રોજની જેમ જ. અને
અચાનક આજે જાણે મારી વાતોનો પ્રત્યુત્તર આપતું હોય એમ, પ્યારીસી હિલચાલ અને નાનીસી
લાતોથી, મારું બાળ એના અસ્તિત્વની હાજરી પુરાવે છે.
ચાની ચુસ્કીઓ આજે નવી તાજગી આપી રહી છે તો રેડીઓ
પર વાગતા એજ રૂટીન ગીતો આજે વધુ પડતા રોકિંગ લાગી રહ્યા છે.
“મુંબઈમાં વધુ એક ગેંગ રેપ. શું દીકરીઓ માટે
અસુરક્ષિત બની રહ્યો છે આપણો દેશ?” –ન્યૂઝપેપરની હેડલાઈન્સ એક પળમાં વિચારયાત્રા
વેરવિખેર કરી ગઈ.
મુડ ખરાબ નથી કરવો એવા સ્વાર્થી વિચાર સાથે
ન્યુઝપેપરનો ઘા કરીને મેં ટીવી ચાલુ કર્યું.
રિમોટના ટીક-ટાક દબાતા બટન્સ સાથે એકજ ન્યુઝ, એજ
ચાર નરાધમોના સ્કેચ અને એજ જન-આક્રોશ. જાણે બધું સ્ટીરીઓ-ટાઈપ.
“બિચારી. ભગવાન સૌનું સારું કરશે.”- ભગવાનને
પ્રાર્થના કરીને જાણે મારી ફરજ પૂરી કરી, ફરી હું મારી અને માત્ર મારી દુનિયામાં
પાછી આવવા ઉતાવળી થઇ. ખુશી અને હકારાત્મક ઉર્જા મળે એવું વાતાવરણ મારા બાળકને
આપવાના નિર્ધાર સાથે ભગવત ગીતા લઈને હું સોફા પર આડે પડખે થઇ.
“માત્ર અન્યાય કરવો જ નહિ, અન્યાય સહન કરવો પણ
પાપ છે.”- એકનું એક વાક્ય હું દસ વાર વાંચી ગઈ. આંખો જાણે એ વાક્ય, એ શબ્દો પર
ચોંટી ગઈ. અને જેટલી વાર એ વાક્ય વાંચ્યુ કૈક નવો અર્થ સમઝાયો. દરેક અર્થ સાથે
અંદરથી જાણે કૈક સળવળાટ અને પમરાટ અનુભવાયો. જાણે કોઈ ધીમો, સૌમ્ય અને કુમળો અવાજ
ક્યાંકથી મારા સુધી પહોંચવા અટવાઈ રહ્યો. કાન દઈને હું સાંભળવા માંથી રહી એ
ટહુકાસા અવાજને..
“કોણ?”- મેં શક્ય એટલા સૌમ્ય ટોનમાં પૂછ્યું.
“હું... હું એજ - જે તારી સાથે ચાર મહિનાથી એક-એક
પળ દિલથી જીવે છે, જે તારી નજરથી આ દુનિયાને જુવે છે, જે તારી લાગણીઓથી બધું
અનુભવે છે. હું એજ – જેની સાથે તું રોજ વાતો કરે છે, જેના સ્વાસ્થ્ય માટે તું, તને
નાં ભાવતી વાનગીઓ પણ હોંશે હોંશે ખાય છે. હું એજ- જેને સંસ્કાર સીંચવા તું જાતને
બદલે છે, ના ગમતા પુસ્તકો વાંચે છે કે જેમાં નથી માનતી એ ધાર્મિક આખ્યાનો પણ સાંભળે
છે.. હું એ જ- જેને આ દુનિયાની બદીઓથી બચાવવા તું આજે પોતાના સ્વભાવથી વિપરીત કાયર
બની રહી છે- આંખ આડા કાન કરી વાસ્તવિકતાથી છેડો ફાડવાનો વ્યર્થ પ્રયાસ કરી રહી છે.માં-
એ હું છું – તારી દીકરી! “- અને એ કોમળ અવાજ સ્પષ્ટ બન્યો.
“બેટા, હું કાયર નથી. હું માત્ર તારા ક્ષેમ-કુશળ
માટે, તારામાં હકારાત્મક ઉર્જા સિંચવા, પોતાની જાતને બીજે વાળી રહી છું. હું નથી
ઇચ્છતી કે આ દુનિયામાં આવતા પહેલાજ તારે એની બદીઓ અને કડવાશ ફેસ
કરવી પડે. મારે તને માત્ર સારું અને શ્રેષ્ઠ જ આપવું છે બેટા.”- એક માં બનવાની
જવાબદારી કદાચ કોઈ અભ્યાસક્રમમાં ભણાવાતી નથી છતાં દરેક સ્ત્રી સુપેરે સમઝે છે.
“જાણું છું માં. અને એથી જ તને એક વિનંતી કરું
છું. માં આજે તું ડોક્ટર પાસે જવાની છે ને? જો સાચે જ તું મને શ્રેષ્ટ કૈક આપવા
માંગતી હોય તો મને મુક્તિ આપ. ડોક્ટરઅંકલને કહી મને જન્મ લેતા પહેલા જ મારી નાખ.
મને ખબર છે તું અને પપ્પા મને ખુબ પ્રેમ કરો છો અને આ પ્રેમ મારા દીકરી હોવાથી ઓર
વધી જવાનો છે. પરંતુ છેલ્લા ચાર મહિનામાં તારી સાથે રહીને, તારામાં રહીને, તારી
નજરથી જે દુનિયા જોઈ છે, તારી લાગણીઓથી જે દુનિયા અનુભવી છે.. એ દુનિયા દીકરીઓ
માટે નથી બની. માં, અબોર્શન કરાવી દે. આટલું નહિ કરે મારા માટે?”- એ કોમળ અવાજમાં
રહેલા લાગણીના અને વેદનાના કંપનો મને ધ્રુજાવી ગયા.
“બેટા, આ તે કેવી વાત કરી ગઈ તું? હું સપનામાં પણ
તું કહે છે એ ના જ કરી શકું દીકરા. પણ એક વાતની ખાતરી આપી શકું કે આ દુનિયાની બધી
બદીઓ અને કડવાશથી તને સાચવીશ. તને તારી માં પર ભરોસો નથી બેટા?”- મારી લાગણીઓ
દ્વારા હું મારા ગર્ભસ્થ બાળકને નિશ્ચિત કરવા મથી રહી, પરંતુ શું હું પોતે જ
ચિંતાતુર નથી?
“માં, હું જાણું છું અને મને પુરો વિશ્વાસ છે કે
તમે અને પાપા મારી માવજત અને લાલન-પાલનમાં કોઈ કસર નહિ છોડો પરંતુ... મારો નિર્ધાર
પાક્કો છે- મને દીકરી તરીકે આ દુનિયામાં આવવું મંજુર નથી. ડગલે ને પગલે
માનસિક-શારીરિક-સામાજિક બળાત્કાર સહન કરવા કરતા એક વારમાં તારા હાથે મરવું મને વધુ
ગમશે માં.”-મારી દીકરીના શબ્દો મને નિઃશબ્દ કરી ગયા.
“બેટા, આ દુનિયામાં સારા લોકો પણ વસે છે. આ
દુનિયા ખુબ સુંદર છે. ઘણી બધું જાણવા અને માણવા જેવું છે અહી. કેટ-કેટલી વૈવિધ્ય
સભર લાગણીઓ અને સપનાઓ જીવે છે અહી. તું પણ અમારું સપનું છે. અને તને નવા નવા સપનાઓ
અને ઇમોશન્સના રંગે આ દુનિયા જરૂરથી જીવવા જેવી લાગશે. બેટા, બળાત્કાર જેવા
અમાનવીય ગુનાઓ આ દુનિયામાં સામાન્ય નથી, એ માત્ર કેટલાક માનસિક વિકૃત લોકો દ્વારા
ક્યારેક જ આચરતા પાપ છે.”-હું શબ્દો ગોઠવી ગોઠવીને એ વાત કહી રહી જે વાતમાં હું
પોતે જ સંમત નથી.
“માં, શું બળાત્કાર આ સમાજમાં સામાન્ય નથી? શું
માનસિક વિકૃત લોકો જ આવા અમાનવીય કામ કરે છે? યાદ કરાવું તને? વાત માત્ર દિલ્હી કે
મુંબઈ જેવી મોટી સીટીમાં વર્ષે એક વાર બનતા છુટક બનાવની નથી! વાત આપણી આસ-પાસ રોજ
થતા એવા બળાત્કારોની છે જેમને આપણે કાયરતાથી સંસ્કારના વાઘા પહેરીને, સ્વીકારી
લીધા છે. જેમકે ... કાલે તું શાકમાર્કેટમાં ગઈ ત્યારે ગલ્લા પર ઉભા રહી ચીપ
કમેન્ટ્સ કરનારા અને આરપાર ઉતરી જાય એવી ગંદી નજરે જોનારા- શું બીજા ગ્રહ પરથી
આવેલા એલિયનસ હતા? અને શું એ શાબ્દિક બળાત્કાર નાં કહેવાય? બાજુવાળા રાધામાસીના
રોજ રાતે સંભળાતા હિબકા અને દર્દભર્યા ઉન્હ્કારા તારી સાથે મેં પણ સાંભળ્યા છે.
એમના પતિ તો ગવર્નમેન્ટમાં કલાસવન ઓફિસર છે ને? પોતાની પત્ની સાથે, એની મરજી
વિરુદ્ધ, શારીરિક જબરદસ્તી કરવી એ પણ એક બળાત્કાર છે- એ શું એમના પતિ, તું અને હું
નથી જાણતા? તો કેટલા કેસ થાય છે પોતાના પતિ દ્વારા કરતા રેપ માટે અને કેટલી
પત્નીઓને મુક્તિ કે સહાય મળે છે આ વિષચક્રમાંથી બહાર નીકળવા? આપણી કામવાળીનો
દારુડીયો પતિ એની નાની માસુમ બહેનનું બળ-જબરીથી શારીરિક શોષણ કરે છે- શું એ
બળાત્કાર નથી? આપણી આસ-પાસ કે આપણા ઘરોમાં, કેટ-કેટલા બાળકો જાણે-અજાણે પોતાના
કહેવાતા સ્વજનોની હવસનો ભોગ બની પોતાનું માસુમ બાળપણ ગુમાવે છે- શું કરે છે સમાજ
એને બચાવવા? સામે-આજુ બાજુ કે આપણા પરિવારમાં જ એવા કેટલા બધા ઉદાહરણો છે જ્યાં
પતિ અને પરિવાર દ્વારા ઘરની સ્ત્રીને નાની-મોટી વાતોમાં માનસિક ત્રાસ આપવો રોજીંદી
ઘટના છે. સ્ત્રીને એના લુકસથી લઈને કુકિંગ સુધી જુદા જુદા માપદંડોમાં તોલી- કોઈ પણ
રબીશ/ચાઈલ્ડીશ બહાનું બતાવી, એને નીચી પાડવી અને માનસિક પીડા આપવી- શું એ માનસિક
બળાત્કાર નથી? શું મદદ મળે છે આવી પીડિતોને – જે આ બળાત્કારને સંસ્કાર અને
સહનશક્તિના ઓઠા હેઠળ આજીન્દગી વેંઢરતી રહે છે? માં, પોતે સક્ષમ અને બુદ્ધિશાળી
હોવા છતાં એક દીકરી ભણી નથી શકતી કેમકે એના જીવનનું સાર્થક્ય પરણીને સાસરે જવાનું
છે. શિક્ષિત અને સુયોગ્ય હોવા છતાં એક દીકરી પોતાનું ગમતું કેરિયર નથી બનાવી શકતી
કેમકે એની પ્રાથમિક ફરજ પરિવાર છે અને કેરીયર ગૌણ છે – શું આ એના સપનાઓનો બળાત્કાર
નથી? સમાજ દરેક પાબંદી અને નિયમો માત્ર સ્ત્રીઓને દબાવવા, કાબુમાં રાખવા અને
પુરુષોને આધીન રાખવા જ બનાવે છે- શું એ સામાજિક બળાત્કાર નથી? શું સજા કરી શકીએ
આપણે આવા બળાત્કારો કરનારા સો કોલ્ડ સભ્ય સમાજના જ આગેવાનોને? માં, તારો આ સભ્ય,
સુસંસ્કૃત અને શાલીન સમાજ તને મુબારક. હું તને ખુબ ચાહું છું પરંતુ દીકરી રૂપે આ
દુનિયામાં અવતરી હું તારી નબળાઈ માત્ર બની રહીશ- જે મને મંજુર નથી! માં, હું ફરી
અવતરીશ, તારી જ કુખે પરંતુ એવી દુનિયામાં જ્યાં દીકરીને માનસિક અને શારીરિક સન્માન
જાળવવા ભીખ ના માંગવી પડે અને જ્યાં બળાત્કાર શબ્દ માત્ર ડીક્ષનરીમાં જ હોય-
સમાજના વાણી-વ્યહવારમાં નહિ!”
***
શું આજ પરિસ્થિતિ સર્જવી છે આપણે, કે માતાના
ગર્ભમાં જ આપણી દીકરીઓ સહેમી જાય?
જો નાં, તો – આવો સ્વસ્થ સમાજનું ઘડતર કરીએ.
કેવી રીતે? – આપણે સૌ સુપેરે જાણીએ જ છે!
જસ્ટ ફોર અ ચેન્જ આપણા ઈ.કયું લેવલ – ઈમોશનલ
કવોશન્ટને પણ ઉંચો લાવીએ અને દીકરીઓની લાગણીઓ, સપનાઓ અને ગરિમાને સંભાળીએ!
દીકરી અને દીકરા બંનેને યોગ્ય સમઝણ સાથે સંસ્કાર
આપીએ, માણસ માત્રનું સન્માન જાળવવા.
આપણા પરિવારથી શરૂઆત કરીએ, પ્રેમ અને સમઝદારી વાવવાની-
જે જાકારો આપી શકે તમામ પ્રકારની જબરદસ્તીને-બળાત્કારને.
Comments