***
“તે સામા પાંચમ કરી છે?” – પ્રશ્ન
“ના.”- જવાબ
“શું? તે સામા પાંચમ નથી કરી?”-પ્રતિપ્રશ્ન ૧.
“તે સાચ્ચે જ સામા પાંચમ નથી કરી?”-પ્રતિ પ્રશ્ન
૨.
“તે કેમ સામા પાંચમ નથી કરી?”- પ્રતિ પ્રશ્ન ૩.
“!@!#!$#$#%^%(*”-જવાબ.
૩૦ ઓગસ્ટ એટલેકે શનિવારે હાલમાં જ ઋષિ પંચમી ગઈ.
આપણી ધાર્મિક માન્યતાઓ પ્રમાણે આ દિવસે “સામા-પાંચમ”નું વ્રત પણ ઉજવાય છે. અને આગળ
ઉપર લખેલ સંવાદ લગભગ દર વર્ષે મારી સાથે રીપીટ થાય છે. અને દર વર્ષે મને કૈક અલગ
અને વિચિત્ર પ્રશ્નો થાય છે- જેનો જવાબ આખરે આ વર્ષે મારે જાતને અને મારા જેવા આવા
પ્રશ્નો વિચારતા સૌને જ આપવો છે! વાત અહી કોઈની ધાર્મિક માન્યતા દુભાવવાની કે
ધર્મ-રીતી-રીવાજનો વિરોધ કરવાની નથી! વાત છે માત્ર લોજીકલ-વૈજ્ઞાનિક-ધાર્મિક કારણ
શોધી એની આજના સમયમાં યોગ્યતા ચકાસવાની!
સૌથી પહેલા “સામા પાંચમ”ના વ્રત અંગે ગુગલદેવને
પૂછ્યું તો આવો જવાબ મળ્યો- પિરિઅડ્સ
દરમિયાન – પહેલા દિવસે છોકરી ચાંડાલીની, બીજા દિવસે ડાકણ, ત્રીજા દિવસે ધોબણ સમાન
છે અને ચોથા દિવસ પછી ન્હાયા અને માથું ધોયા પછી જ એ પવિત્ર થાય છે! અને આ અપવિત્ર દિવસોમાં પરિવારમાં કોઈને
અડવાથી, રસોઈ બનાવવાથી, પૂજા કે ધાર્મિક કામો કરવાથી-છોકરી જે પાપ કરે છે એનું
પ્રાયશ્ચિત કરવા “સામા પાંચમ”નું વ્રત કરવું જરૂરી છે. આ દિવસે માત્ર સામો ખાઈને
ઉપવાસ કરવાથી, નદીએ ન્હાઈને પવિત્ર થવાથી, વ્રત કથા કરીને ભગવાનની માફી માંગવાથી
પિરિઅડ્સ દરમ્યાન તમે કરેલા પાપોથી મુક્તિ મળી શકે છે.
અને આ વાંચીને મને ખુબ બધું ખટક્યું. તમને?
અને મને ખટકેલા મુદ્દાઓ પર બીજાના-વૈશ્વિક વિચારો
જાણવા મેં ફરી ગુગલદેવને પ્રશ્નો પૂછ્યા!
અને જવાબ શું મળ્યા?
***
“menstruation” અકા “માસિકસ્ત્રાવ”-પીરીઅડ્સ
જેવા ટેબુ ટોપિક પર ડાયેના ફેબીનોવાએ ડોક્યુમેન્ટરી મુવી બનાવી છે. આ
ડોક્યુમેન્ટરી દ્વારા ડાયેના પીરીઅડ્સને માત્ર સ્ત્રીઓનો નહી પણ પુરુષોને પણ
સ્પર્શતો મુદ્દો ગણાવે છે. ડાયેના કહે છે કે પીરીઅડ્સમાં હોવું એ અપવિત્ર બાબત નથી
પણ ખરેખર તો એ સ્ત્રીત્વની નિશાની છે! જ્યારે આપણે જ માની લઈએ છે કે પીરીઅડ્સમાં
હોવું ખરાબ છે, દુખદ છે – તો બીજા પણ એમજ માનશે ને? ડાયેના પૂછે છે કે આપણામાંથી
કેટલા પીરીઅડ્સ દરમિયાન છુપાવ્યા વગર સેનેટરી પેડ લઈને બાથરૂમમાં જાય છે?
આપણામાંથી કેટલા ટીવી પર સેનેટરી પેડની એડવરટાઇઝ આવતા ચેનલ બદલી નાખે છે કે વાત
બદલીને ધ્યાન બીજે દોરાય એમ પ્રયત્ન કરે છે? ડાયેના કહે છે કે-“પીરીઅડ્સમાં હોવું
અને સેનેટરી પેડ ખરીદવું કે બદલવું કે ક્યારેક કપડા પર હલકા ડાઘા પડી જવા-એમાં
શરમજનક બાબત સહેજ પણ નથી જ!” ડાયેના પોતાની ડોક્યુમેન્ટરી બનાવવા વિશ્વભરમાં જુદી
જુદી ઉમરની ઘણી મહિલાઓ-યુવતીઓ-બાળકીઓને મળે છે અને આ બધામાં આઘાતજનક રીતે સામાન્ય
વાત એ જણાય છે કે મોટેભાગે બધાને પોતાના પહેલા માસિકસ્ત્રાવ વખતે આઘાત અને દુખ
અનુભવાયો હોય છે! ડાયેના કહે છે કે- પહેલીવાર માસિકસ્ત્રાવ અનુભવનાર છોકરીને આઘાત
કે દુખની લાગણી નાં અનુભવાય એ માટે એને પહેલેથી સાચી અને વૈજ્ઞાનિક સમઝણ આપવી ખુબ
જ જરૂરી છે! ડાયનાની ડોક્યુમેન્ટરી મુવી- “ધ મુન ઈનસાઈડ યુ” આખા વિશ્વમાં ખુબ
વખણાય છે! પણ અમેરિકાના નેશનલ ટીવી પર એને બ્રોડકાસ્ટ કરવાની મંજૂરી નથી મળતી. ડાયેના
ખુબ રમુજ સાથે નેશનલ ટીવીના આ ડોક્યુમેન્ટરીના પ્રદર્શનનો વિરોધ કરવાના કારણો
ગણાવે છે. ડોક્યુમેન્ટરી મુવીના એક સીનમાં ફેમસ નોર્વેજિયન આર્ટીસ્ટ પોતાની દીકરી
સોફીનો હાથ પકડીને જાહેર રસ્તા પરથી પસાર થઇ રહી છે અને બંનેના કપડા પર
માસિકસ્ત્રાવના ડાઘા છે. આ સીન બતાવવાનો ઉદ્દેશ્ય એ છે માસિક-સ્ત્રાવ કોઈ પાપ કે
ચેપી-અસાધ રોગ નથી –એક સામાન્ય શારીરિક રૂટીન
છે અને એના કારણે કપડા પર પડતા સ્ટ્રેનને પણ સહજતાથી જ લેવું જોઈએ. પરંતુ
પોતાના ફેમીલી ટાઈમના પ્રોગ્રામમાં પણ મારધાડ અને વલ્ગારીટી બતાવતા નેશનલ ટીવીએ આ
સીન સામે વાંધો ઉઠાવ્યો. હિંસક દ્રશ્યમાં
વહેતા લોહી અને આ સીનમાં દેખાતા લોહીમાં ફર્ક છે, આ લોહી અપવિત્ર-ગંદુ છે-જે નાં
દેખાડી શકાય-એવી નેશનલ ટીવીના એક્ઝીક્યુટીવ્સની કમેન્ટથી ડાયેનાને ખરેખર આઘાત લાગે
છે! બીજું એક દ્રશ્ય જેની સામે ટીવી
સેન્સર બોર્ડે વાંધો ઉઠાવ્યો એમાં જાણીતા સ્પેનિશ ગાયનેકોલોજીસ્ટ માસિકસ્ત્રાવમાં
થતા દુખાવા અને પીડાના શમન માટે પેઈનકીલર દવા લેવાની જગ્યાએ શારીરક સમાગમ અને
હસ્તમૈથુનની સલાહ આપે છે. કિસિંગ અને બેડરૂમ સીનના ભરમાર દર્શાવતા ટીવીને
વૈજ્ઞાનિક સમઝુતી અને સલાહ આપતા આ દ્રાશમાં વલ્ગારીટી દેખાયા છે અને અમેરીકા સિવાય
અખા વિશ્વમાં, ફિલ્મ ફેસ્ટીવલ્સમાં આ મુવી જોવાય-વખાણાય છે!
ડાયેના પોતાની ડોક્યુમેન્ટરી મુવીમાં આદિકાળથી
માસિકસ્ત્રાવ અંગે બંધાયેલી ગેર-માન્યતાઓને વૈજ્ઞાનિક સમઝ્ણ સાથે રજુ કરે છે.
ડાયેના જણાવે છે કે આદિકાળથી અત્યાર સુધી વિશ્વના જુદા જુદા સમાજ અને સંસ્કૃતિઓમાં
માસિકસ્ત્રાવ અંગે તદ્દન નકારાત્મક માન્યતાઓ અને રીવાજો સંકળાયેલા છે. આદિકાળના
કેટલાક દાખલાઓ ટાંકતા ડાયેના જણાવે છે કે – ઓસ્ટ્રેલિયાની કેટલીક જાતિઓમાં
માસિકસ્ત્રાવમાં બેસતી છોકરીઓને માટી-રેતીમાં દબાવીને મારી નાખવામાં આવતી હતી, તો
અલાસ્કામાં તેઓને એક નાનીસી ઝુંપડીમાં વર્ષો સુધી કેદ રાખવામાં આવતી હતી!
એમેઝોનિયાના બોલિવિયા અને બ્રાઝિલિયામાં માસિકસ્ત્રાવમાં આવતી છોકરીઓને લાકડા અને
દોરડાઓના બનેલા ઉંચા ઝૂલો પર પાંચ દિવસ માટે પશ્ચાતાપ કરવા લટકાવી રાખવામાં આવતી
હતી. ડાયેના કહે છે કે આદિકાળથી ચાલી આવતી માન્યતાઓ તોડવાની જરૂર છે! ડાયેના જણાવે
છે કે માસીક્સ્ત્રાવમાં થતા દુખાવાને આપણે સૌ સામાન્ય અને સહજ ગણીને અવગણીએ છે!
અને આ માસિકસ્ત્રાવની પીડાને સામાન્ય ગણીને અવગણતા આપણે એન્ડોમેટ્રીઓસિસ જેવા ઘણા
મોટા રોગોનો અજાણતા ભોગ પણ બની શકીએ છે! ડાયેના કહે છે કે એક હદ કરતા વધ ઉદુખાવો
થાય તો એનું કારણ શોધવું જરૂરી છે અને સમાન્ય દુખાવાના શમન માટે પણ ઈલાજો કરવા
શક્ય છે! પોતાની ડોક્યુમેન્ટરી મુવીમાં ડાયેના માસિકસ્ત્રાવ અંગેની સદીઓ જૂની
ગેરમાન્યતાઓથી શરુ કરીને હાલની પરિસ્થિતિની સમીક્ષા, સામાજિક ખોટી સમઝણ, નકારાત્મક
પારિવારિક અભિગમ, સકારાત્મક સ્વીકારના ફાયદાઓ અને હેપ્પી-પીરીઅડ્સ અંગેના સુચનોનો
સમાવેશ કરે છે! માસિકસ્ત્રાવ સ્ત્રીના
શરીરને વધુ મજબુત અને સક્ષમ બનાવે છે! ડાયના કહે છે કે માસિકસ્ત્રાવ તમારા શરીરચક્રની
એક સામાન્ય પ્રક્રિયા છે- જે અંગે તમારો અભિગમ નહિ સુધરે તો બીજાનો પણ નહિ જ
બદલાય!
અને મને સમઝાય છે કે – ધીમા દબાયેલા અવાજે,
ગુનેગારની જેમ, પીડા ભર્યા એક્સપ્રેશન સાથે, શરમ અને સંકોચ સાથે- જોડાયલી
માસિકસ્ત્રાવની છબી બદલવાની જરૂર છે! હું મારો અભિગમ બદલીશ, મારી ગરીમા સાચવવા,
મારા શરીરની ગરીમા સાચવવા! અને તમે?
***
બ્રુકલીન-ન્યુયોર્કની ચેલ્લા ક્વિન્ટ હાસ્ય લેખક,
કલાકાર, શિક્ષણ સલાહકાર,ડિઝાઈનર અને બીજું ઘણું બધું છે! ચેલ્લા ક્વિન્ટ “પિરિઅડ
પોઝીટીવ” નામનું એક નવતર અભિયાન ચલાવે છે. ચેલ્લા પીરીઅડ્સ અંગેની ગેરમાન્યતાઓ દુર
કરવા “લીફટીંગ ધ લીડ” નામની એક એજ્યુકેશનલ મુવી પણ બનાવી ચુક્યા છે. ચેલ્લા પીરીઅડ્સ
અંગેના સામજિક અભિગમ અને સેનેટરી પેડની એડવરટાઇઝમેન્ટ અંગે હાસ્ય અને કાર્ટુનના કટાક્ષ
કરે છે. સેનેટરી પેડની શોધ બેન્ડેજ બનાવતી કંપનીએ કરી હતી અને એ પાછળ એ કંપનીનો ઉદ્દેશ્ય
સ્ત્રીઓની આ બીમારીને દુર કરીને સ્વાસ્થ્યની સુરક્ષા કરવાનું હોવાનું જણાવતા
ચેલ્લા ખડખડાટ હસી પડે છે. ચેલ્લા પૂછે છે કે મારી શારીરક સાયકલ-રીધમને તમે બીમારી
કઈ રીતે ગણી શકો? વર્ષોના ટાઈમફ્રેમમાં બનેલી વિવિધ સેનેટરી પેડની પ્રિન્ટ અને
ટીવી એડવરટાઇઝમેન્ટ સામે વિરોધ રજુ કરતા ચેલ્લા કહે છે કે- મોટે ભાગે એક કે બીજી
રીતે દરેક કંપની પીડા-બીમારી-એ દિવસોનું દુખ-મજબુરી દુર કરવાનો દાવો કરે છે!
ચેલ્લા પૂછે છે – કેમ પીરીઅડ્સ પીઝીટીવ અને હેપ્પી નાં હોઈ શકે? એક જાણીતી અમેરિકન
સેનેટરી પેડની જાહેરાત સ્ત્રીઓને એમના
પીરીઅડ્સથી કાયમ માટે આઝાદ-મુક્ત કરવાનું વચન આપે છે-જેનો સ-હાસ્ય ચેલ્લા ઉલ્લેખ
કરે છે. ચેલ્લા પૂછે છે કે કેમ પીરીઅડ્સને એક કેદ કે સજાની જેમ ગણવામાં આવે છે
જેમાંથી મુક્તિ મળવી જરૂરી છે? મોટાભાગની સેનેટરી પેડની એડવરટાઇઝમાં પેડમાં ભૂરા
રંગના ઘેરા લીક્વીડના ટીપા પડતા અને શોષાઈ જતા દેખાડવામાં આવે છે. ચેલ્લા
હસતા-હસતા પૂછે છે કે એડવરટાઈઝીંગ કંપનીઝ કયા ગ્રહ માટે આ જાહેરાત કરે છે કે જ્યાં
માસિકસ્ત્રાવ ભૂરા રંગમાં હોય છે! ચેલ્લા કહે છે કે આપણા સમજમાં આપણે સેનેટરી
પેડની જાહેરાતમાં લાલ રંગનું લોહી બતાવતા પણ છોછ અનુભવીએ છે, એવામાં સાચી અને
વૈજ્ઞાનિક સમઝણ ક્યાંથી વિકસશે? ચેલ્લા આજ સુધી બનેલી બધી સેનેટરી પેડની
જાહેરાતોને આડે હાથે લેતા ધારદાર પ્રશ્ન પૂછે
છે કે-“સેનેટરી પેડના નામે શર્મ-સંકોચ-ગેરમાન્યતાઓ-અંધશ્રદ્ધાનો વ્યાપાર
કેટલે અંશે વ્યાજબી છે?” એડવરટાઇઝમેન્ટસ દ્વારા ફેલાવતી આ ગેરમાન્યતાઓના વિરોધમાં
ચેલ્લા “સ્ટેઇનસ” નામનું એક રમુજી કેમ્પેઈન અને મેગેઝીન ચાલુ કરે છે! “સ્ટેઇનસ”
કેમ્પેઈનના સમર્થકો જાહેરમાં કુદરતી કે કૃત્રિમ લોહીના ડાઘાવાળા કપડા, લોહીના
ટીપા-ડાઘા જેવી બુટ્ટી, બ્રેસલેટ-ઘડિયાળ-એસેસરીઝ પહેરે છે. “સ્ટેઇનસ” કેમ્પેઈનનો ઉદ્દેશ્ય
માસિકસ્ત્રાવને બીમારી-કે ગંદી બાબત તરીકે નહિ પણ સ્ત્રી શરીરની એક સામાન્ય અને
ખુબ મહત્વની પ્રક્રિયા તરીકે પ્રસ્થાપિત કરવાનો છે! “સ્ટેઇન્સ” મેગેઝીનમાં અને
ટીનએજર રાઈટર દ્વારા પોઝીટીવ પીરીઅડ્સ માટે ટીપ્સ શેર કરવામાં આવે છે અને
વૈજ્ઞાનિક-સકારાત્મક અભિગમ દ્વારા માસિકસ્ત્રાવના સ્વીકારને પ્રોત્સાહિત કરવામાં
આવે છે.
મને તો ચેલ્લાનો આ “સ્ટેઇન્સ” દ્વારા ગેરમાન્યતાના
સ્ટેઇન્સ દુર કરવાનો આઈડિયા ગમી ગયો છે- તમને?
***
પિરિઅડ્સ-માસિકસ્ત્રાવ-મેનેસ્ત્રુંએશન.
એક છેલ્લી પરિકલ્પના – “જો સ્ત્રીઓ
માસિકસ્ત્રાવમાં આવતી બંધ થઇ જશે તો?”
એક છેલ્લો પ્રશ્ન-“ જો તમારી મમ્મી માસિકસ્ત્રાવમાં
નાં આવતી હોત તો?”
એક છેલ્લું સુચન-“આટલી કથા પછી પણ જો તમને
માસિકસ્ત્રાવ દરમિયાન સ્ત્રીઓ કોઈ પ્રકારનું પાપ કરે છે, એમ લાગતું હોય, તો... –
તમારા પરિવારની દીકરીઓને બાળપણથી જ ઓપરેટ કરી-ગર્ભાશય કાઢીને આ પાપથી મુક્ત કરી
દેવી હિતાવહ છે!”
Comments
મેન્સ્ટ્રુએશન માટે પણ આ જ રસ્તો અપનાવાયો છે. કમનસીબે આ મામલે ગણનાપાત્ર તો ઠીક, રેશનાલીઝમ જેવો અને જેટલો 'પોઝીટીવ' પવન પણ નથી ફુંકાયો. નેશનલ જ્યોગ્રફીક નોંધે છે એ મુજબ, પાપુઆ ન્યુ ગિની અને આસપાસના દ.પુ. એશિયા તથા પોલિનેશિયન દેશોમાં વસતી આદીવાસી પ્રજાઓમાં પણ 'ખુણો પાળવા' માટે અલાયદી ઝુંપડીઓની વ્યવસ્થા હોય છે. મતલબ કે આપણી આસપાસના મરજાદી લોકો પણ એટલા જ (વૈચારિક રીતે) વિકસિત માનવા રહ્યા ને! આ જ માનસિકતા ટીવી માંથી આપણા ઘરમાં પણ છલકાય છે.
ક્લોરોફિલ પર આ બાબતે અમે નાનો શો પ્રયાસ કરીએ છીએ (લીંક આપવા પાછળ પ્રચાર/વાહવાહી નો આશય નથી). આશા રાખીએ, ગમશે.
http://issuu.com/chlorophyll/docs/chlorophyll_v1-i3/c/sle3s7q