૫મી
સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ. એક દિવસ માટે
આખા દેશમાં માસ્તર-શિક્ષક એટલેકે ટીચરનો મહિગાન કરવાનો દિવસ એટલે શિક્ષક દિન.
હવા,પાણી,ખોરાક જેટલી જ આપણી મૂળભૂત જરૂરીયાત છે એજ્યુકેશન એટલેકે શિક્ષણ. અને આ
મૂળભૂત જરૂરીયાત મોટે ભાગે આપણને સરળતાથી મળી રહી છે એટલે આપણે એનું મહત્વ સમઝતા જ
નથી! પરંતુ વિશ્વમાં એક બહોળો વર્ગ એવો છે જેમને શિક્ષણ નસીબ નથી! હું તમને શિક્ષક
કે શિક્ષણના મહત્વ પર કોઈ પ્રકારનું ભાષણ નહિ જ આપું. મારે તો આજે તમને ત્રણ
વાર્તાઓ કહેવી છે. શિક્ષક દિન અને શિક્ષણની યથાર્થતા ઉજાગર કરતી વાર્તાઓ.
***
પહેલી
વાત છે પાકિસ્તાનના સ્વાત જીલ્લાની. ઇસ્લામિક રૂઢીચુસ્ત એવા આ વિસ્તારના સુન્ની
મુસલમાન પરિવારમાં ૧૨ જુલાઈ, ૧૯૯૭ના રોજ એક દીકરીનો જન્મ થાય છે. જે રૂઢીચુસ્ત
પરિવારોમાં દીકરીનો જન્મ અભિશાપ ગણવામાં આવે છે ત્યાં પિતા ઝીયાઉદ્દીન યુસુફ્ઝાઈ
ખુબ લાડકોડ અને પ્રેમથી દીકરીને મોટી કરે છે. રૂઢીચુસ્ત મુસ્લિમ પરિવારોમાં જ્યાં
દીકરીને બોલવા,ભણવા કે સપના જોવા સુધ્ધાની નથી ત્યાં ઝીયાઉદ્દીન પોતાની દીકરીને
દીકરાની જેમજ ઉછેરે છે. ઝીયાઉદ્દીન પોતાની દીકરીને સંસ્કારની સાથે શિક્ષણ અને
અન્યાય-અસત્ય સામે લાગવાની હિમ્મત પણ સીંચે છે.
સપ્ટેમ્બર
૨૦૦૮માં ઝીયાઉદ્દીન પોતાની દીકરી સાથે પેશાવરમાં એક પ્રેસ ક્લબની મીટીંગમાં જાય
છે. અને માંડ અગિયારેક વર્ષની એ નાનીસી દીકરી મોટેરાઓને ચકરાવામાં પાડી દે એવા
પ્રશ્નો પૂછે છે. “શિક્ષણ મારો જન્મસિદ્ધ અધિકાર છે. તાલીબાનો કઈ રીતે મારી પાસે
મારો આ હક છીનવી શકે?”-ઝીયાઉદ્દીનની દીકરીના આ વેધક પ્રશ્નને સમગ્ર પ્રાંતના
પ્રિન્ટ અને ટીવી મીડિયામાં રજુ કરવામાં આવે છે.
ફરજીયાત
બુરખામાં રહેતી, પરિવારની આમન્યા જાળવવા ચુપ રહેતી, પોતાના સપનાઓ અને ઇચ્છાઓને
મારીને પોતાની જિંદગીને મશીનની જેમ પૂરી કરતી અસંખ્ય દીકરીઓની વચ્ચે –એક વિચારતી,
વાંચતી, અન્યાય સામે અવાજ ઉઠાવતી અને પોતાની તથા બીજાઓની જિંદગી બહેતર બનાવવાના
સપનાઓ જોતી એક દીકરી એટલે ઝીયાઉદ્દીન યુસુફ્ઝાઈની દીકરી “મલાલા”.
રૂઢીચુસ્ત
ઇસ્લામિક દેશોમાં કન્યા-શિક્ષણ પર પ્રતિબંધના કારણે અકળાતી અને એની સામે અવાજ
ઉઠાવવા મક્કમ નાનીસી દીકરી એટલે મલાલા. પણ એક સામાન્ય મુસ્લિમ પરિવારની દીકરી
તાલીબાની શાસન સામે કઈ રીતે ઝઝૂમી શકે?
૨૦૦૮નાં
અંતમાં બીબીસી ઉર્દુ ઇસ્લામિક સ્વાતની ઘાટીઓમાં વધતા જતા તાલીબાનોના વર્ચસ્વને
ખુલ્લું કરવા એક નવતર વિચાર કરે છે. સ્વાતની ઘાટીઓમાં જ રહેતી અને રોજબરોજના
જીવનમાં તાલીબાનોની બર્બરતા અને અન્યાયનો ભોગ બનતી કોઈ સ્થાનિક સ્કુલગર્લ પાસે પોતાની
આપવીતી ડાયરી સ્વરૂપે લખાવવા બીબીસી ઉર્દુ પ્રયાસો કરે છે. તાલીબાનોના રોષનો ભોગ
બનવા જયારે કોઈ છોકરી તૈયાર નથી જ થતી ત્યારે ઝીયાઉદ્દીન પોતાની દીકરીને આ પહેલ
માટે આગળ ધરે છે. અને મલાલા બ્લોગ સ્વરૂપે આ ડાયરી લખવાનું શરુ કરે છે. તાલીબાનો
ફાલતું ફતવાઓ અને બેહિસાબ બર્બરતાની કથની મલાલા પોતાના બ્લોગ પર નીડરપણે લખે છે,
અલબત્ત “ગુલ-મકાઈ” એવા તખલ્લુસથી. પાકિસ્તાનના પ્રિન્ટ અને ટીવી મીડિયામાં એક
છોકરીની આ સાહસિકતા અને સત્યની નોંધ લેવામાં આવે છે. અને એ સાથેજ તાલિબાનોની નજર
પણ આ પહેલ અને બ્લોગર પર મંડાય છે.તાલીબાનો ૧૫ જાન્યુઆરી, ૨૦૦૯ના દિવસથી કન્યા
શિક્ષણને પ્રતિબંધિત જાહેર કરે છે. શાળાઓ સળગાવી દેવામાં આવે છે, નિર્દોષોને
જાહેરમાં મારી દેવામાં આવે છે- છતાં ભણવાની મલાલાની કસક અકબંધ રહે છે.

બીબીસી
ડાયરીનો પ્રોજેક્ટ પત્યા બાદ, ન્યુયોર્ક ટાઈમ્સ મલાલા અને ઝીયાઉદ્દીનનો એક
ડોક્યુમેન્ટ્રી માટે સંપર્ક કરે છે. ડોક્યુમેન્ટ્રી દ્વારા મલાલા તાલીબાનોનાં આતંક
અને યુદ્ધના કારણે સભ્યતા, સંસ્કૃતિ અને શિક્ષણને થતા કાયમી નુકસાનને સ્પષ્ટ અને
નીડર પણે રજુ કરે છે.
મલાલાની
વધતી જતી પ્રસિદ્ધિના કારણે તાલીબાનોનો રોષ વધતો જાય છે. ૯ ઓક્ટોબર ૨૦૧૨ના રોજ
સ્કુલેથી પરીક્ષા આપીને સ્કૂલબસમાં પાછી આવી રહેલી મલાલાને તાલીબાની આતંકીઓ
ગોળીઓથી વીંધી નાખે છે. પેશાવરથી રાવલપીંડી થઈને બર્મિંગહામ સુધી મલાલાની મૌત
સામેની લડત ચાલે છે. અને આખરે બર્મિંગહામની ક્વીન એલીઝાબેથ હોસ્પીટલમાં મલાલાના
સપનાઓ, સાહસ અને સત્ય તાલીબાનોની જંગલીયાત સામે જીતી જાય છે.
મલાલાને
આખા વિશ્વમાંથી શિક્ષણ માટે આપેલા અભૂતપૂર્વ પ્રદાન બદલ મળેલા એવોર્ડ્સ માટે એક
અલગથી વાત માંડવી પડે એમ છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા પણ મલાલાના શિક્ષણ ક્ષેત્રના
પ્રદાન બદલ ૧૨ જુલાઈ ૨૦૧૩ના દિવસથી “મલાલા દિવસ”ની જાહેરાત કરવામાં આવે છે.
એક
સામાન્ય છોકરી શિક્ષણના પોતાના અધિકારને પામવા લાખો છોકરીઓ માટે મશાલ અને મિસાલ
બની રહે છે.
***
બીજી
વાત છે કેન્યાની.
ક્કેન્યા
નતૈયા મસાઈ સંપ્રદાયની છોકરી છે. મસાઈ સંપ્રદાયમાં છોકરાઓનો ઉછેર યોદ્ધા બનવા
કરવામાં આવે છે અને છોકરીઓને માતા બનવાની તાલીમ આપવામાં આવે છે. માંડ પાંચ વર્ષીય
ક્કેન્યાની સગાઇ કરી દેવામાં આવે છે, અલબત્ત લગ્ન બાર વર્ષની ઉમર સુધી ઠેલાય છે.
નાનીસી ક્કેન્યાનો દિવસ સવારે પાંચ વાગે શરુ થાય છે, આદર્શ માં બનવાના ઉદ્દેશ્ય
અને કામના લીસ્ટ સાથે- ઘરની સફાઈ, ગાય-ભેંસ દોહવા, નદી-કુવામાંથી પાણી ભરી લાવવું,
રસોઈ બનાવવી, ભાઈ-બહેનોની કાળજી લેવી વિગેરે.
નાનપણથી
ક્કેન્યા પોતાના પરિવારમાં પુરુષોના ખોટા અને મોટા વર્ચસ્વનો અનુભવ કરે છે. પોતાના
પોલીસમાં કામ કરતા પિતાને પોતાની માતા સાથે દુર્વ્યવ્હાર કરતા, દારુ પીવામાં ઘરની
બચત ઉડાવતા અને મિત્રો સાથે મૌજ કરવામાં પરિવાર માટેની જવાબદારીઓમાં છટકી જતા જુવે
છે. પોતાના જેવી પરાવલંબી અને પીડાભરી જિંદગી પોતાના સંતાનોને નાં જીવવી પડે એ
માટે ક્કેન્યાની માતા પોતાના બાળકોને ભણાવી-ગણાવીને પગભર બનાવવા મક્કમ બને છે. અને
શાળામાં એડમીશન સાથે નાનીસી કકેન્યાની સફર
શરુ થાય છે-નવી દુનિયામાં, નવા સપનાઓ સાથે.
નાનકડી
ક્કેન્યા મોટી થઈને ટીચર બનવાનું સપનું જુવે છે. કેમ? સારા કપડા, હિલ વાળા ચપ્પલ
પહેરીને ફરવાનું અને કામ શું કરવાનું? ખાલી બોર્ડ પર લખવાનું- ખેતરમાં કરવાના મજુરીવાળા
કામ કરતા તો હજાર દરજ્જે સુવિધાવાળું કામ! ક્કેન્યા દિલ અને દિમાગ બંને લગાવીને
જોમ અને જોશથી ભણતી રહે છે. આઠમાં ધોરણમાં આવતાજ કકેન્યાની જીંદગીમાં એક ખુબ
મહત્વનો વળાંક આવે છે. તેઓની સંસ્કૃતિ અને રીતી રીવાજ મુજબ દરેક છોકરીને સ્ત્રી
બનવા એક ખાસ વિધિમાંથી પસાર થવું પડે છે. અને આ વિધિમાંથી પસાર થઈને સ્ત્રી બનેલી
એ છોકરીને દામ્પત્ય જીવનની પણ શરૂઆત કરવી જ પડે છે. ટીચર બનવાનું સપનું જોતી
ક્કેન્યા પોતાના માતા-પિતા આગળ શરત મુકે છે- કે જો એને આ વિધિ બાદ આગળ ભણવાની છૂટ
આપવામાં આવશે તો જ એ આ વિધિ-વિધાનનું પાલન કરશે! માતા-પિતા ક્કેન્યાની વાત સાથે
સંમત થાય છે.
એક
અઠવાડિયા સુધી આ ઉત્સવ ચાલે છે. નાચ-ગાન અને ખાણી-પીણી સાથે ક્કેન્યાના
સ્ત્રીત્વમાં પ્રવેશની ઉજવણી કરવામાં આવે છે. અને આખરે એ દિવસ આવે છે. ક્કેન્યાને
નાચતા ગાતા પરિવાર સાથે ગામની બહાર એક ચોક્કસ જગ્યાએ લઇ જવામાં આવે છે. ગોળ
કુંડાળું કરીને નાચી-ગઈ રહેલા સમુહની વચ્ચે ક્કેન્યાને બેસાડવામાં આવે છે. એક
સ્ત્રી મંત્રોચ્ચાર કરતા કરતા એક કટાયેલું ચપ્પુ લઈને એની પાસે આવે છે, એના બે પગ
પહોળા કરવામાં આવે છે અને....
અને
ક્કેન્યા ચીખે છે, રડે છે- છતાં નાચ-ગાન-ઉજવણી ચાલુ જ રહે છે. ક્કેન્યાના
શરીરમાંથી લોહીની ધારો વહે છે પણ સ્નેહી-સ્વજનો માટે આ સામાન્ય છે. અલબત્ત
ક્કેન્યા નસીબદાર છે કેમકે એ જીવિત છે, આ વિધિમાંથી પસાર થનાર કેટલીયે છોકરીઓ મૃત્યુ
પામે છે. ક્કેન્યા આઘાત અને વેદનાથી ગુમસુમ થઇ જાય છે. પણ ક્કેન્યા નસીબદાર છે
કેમકે એની મમ્મી એની વેદના અને આક્રોશ સમઝે છે, કેમકે એની મમ્મી સ્થાનિક નર્સને
બોલાવીને ખાનગીમાં ક્કેન્યાની સારવાર કરાવે છે. અને આ અમાનવીય રૂઢી-રીતીનો ભોગ બન્યા
બાદ ટીચર બનવાનું ક્કેન્યાનું સપનું વધુ બળવાન બને છે.
હાઈસ્કુલમાં
ભણતી ક્કેન્યા પોતાના કસ્બામાં એક અલગ પ્રકારના પુરુષને જુવે છે. જે સભ્ય અને
સુસંસ્કૃત કપડા પહેરે છે અને બદલાવની-નવી વિચારધારાની વાતો કરે છે. એને મળીને, એનો
અનુભવ સાંભળીને ક્કેન્યા યુનીવર્સીટીમાં આગળનું ભણતર પૂરું કરવા જવાનો નિશ્ચય કરે
છે. આ નવા સપના માટે કુટુંબ-કબીલા સમક્ષ રજૂઆત કરતા- આવી આગળ ભણવાની તક અને
પ્રોત્સાહન તો પુરુષને જ અપાય, સ્ત્રીને તો માત્ર ઘર સંભાળવાનું છે- જેવી વાહિયાત
દલીલ તેને સાંભળવા મળે છે! છતાં મન મક્કમ કરી ચુકેલી ક્કેન્યા સ્કોલરશીપ મેળવીને
રેન્ડોલ્ફ-મેકોન વુમન્સ કોલેજ, વર્જિનિયામાં એડમીશન મેળવે છે. અમેરિકામાં ક્કેન્યા
ઘણું બધું જુવે-શીખે છે. સાંસ્કુતિ-રીતી-ભાષા-સમાજના બદલાવને ઓળખીને ક્કેન્યા
પોતાના સમાજ અને સંસ્કૃતિને વધુ સારી રીતે સમઝી શકે છે. અને ખુબ જલ્દી ક્કેન્યાને
ખબર પડે છે કે જે જીવલેણ વિધિ-રીવાજમાંથી તેને અને બીજી લાખો આફ્રિકન બાળકીઓને
ફરજીયાત પસાર થવું જ પડે છે- એને ફીમેલ જેનીટલ મ્યુટીલેશન કહે છે અને કેન્યાના
કાયદા પ્રમાણે એ પ્રતિબંધિત છે! માત્ર સ્ત્રી હોવાના કારણે જ પોતાના શરીર અને
આત્મા પર ઉઝરડા અને અત્યાચાર સહન નાં જ કરવા જોઈએ –એ સમઝણ અને સાહસ ક્ષણ દ્વારા ક્કેન્યાને
આવે છે.

ક્કેન્યા
ભણતર પૂરું કરીને પોતાના પ્રાંતમાં પાછી આવે છે, પોતાના લોકોને મળે છે અને પોતાને
મળેલી તક દ્વારા પોતાના લોકોનો વિકાસ કરવા મથે છે! ક્કેન્યા ફીમેલ જેનીટલ
મ્યુટીલેશનની વિધિમાંથી પસાર થતી લાખો છોકરીઓને બચાવવા ઈચ્છે છે, ભણતર દ્વારા એમને
નવી દિશા અને સપનાઓ ભેટ કરવા ઈચ્છે છે! અને ક્કેન્યા સપનું જુવે છે “ગર્લ્સ સ્કુલ”
શરુ કરવાનું! કે જેથી શરમ-સંકોચ વગર બાળકીઓ સલામત સ્થળે ભણી શકે! ક્કેન્યા પોતાની
ગર્લ્સ સ્કુલ સફળતાથી શરુ કરે છે! આ શાળામાં બાળકીઓ ભણે છે, સાચા-ખોટાની સમઝણ
મેળવે છે! અન્યાય સામે લડવાની હિંમત કેળવે છે અને પોતાની જિંદગી બહેતર બનવવા
રંગબેરંગી સપનાઓ જુવે છે! ક્કેન્યા એક શિક્ષણની-બદલાવની મશાલ બનીને સેંકડો શિક્ષણની
મશાલો પ્રગટાવી ચુકી છે!
***
અને
ત્રીજી વાત છે વેસ્ટ બેંગાલનાં પુરુલીયાની વતની એવી રેખા કાલિન્દીની!
કોણ
છે આ રેખા કાલિન્દી?
પ્રેસિડેન્ટ
પ્રતિભા પાટીલના હસ્તે “નેશનલ બ્રેવરી એવોર્ડ” રેખાને મળી ચુક્યો છે. વેસ્ટ બેંગાલની
પાંચમાં ધોરણના પાઠ્યપુસ્તકમાં પણ રેખાની બહાદુરીના બયાન છે! યુનિસેફ દ્વારા
સુધ્ધા રેખાની સાહસિકતાની સરાહના કરવામાં આવી છે.
એવી
શું બહાદુરી બતાવી છે આ રેખાએ?
સ્થાનિક
સમાજ-રીતી-રીવાજ પ્રમાણે ધોરણ દસમાં ભણતી નાનીસી રેખાના લગ્ન લેવામાં આવે છે.
સ્કુલમાં ભણતી રેખાનું સપનું ભણી-ગણીને ઉજ્જવળ કારકિર્દી બનાવવાનું છે! “બાળલગ્ન”
ગેરકાયદેસર છે-એમ જાણતી રેખા હિમ્મતપૂર્વક પોતાના પરિવાર અને સમાજની સામે પોતાના
લગ્નનો વિરોધ કરે છે! અડગ હિમ્મત રાખીને રેખા બાળલગ્નનો વિરોધ કરીને પોતાનું ભણતર
ચાલુ રાખે છે, પોતાના બાળપણની જાતેજ રક્ષા કરે છે! અને રેખાનો આ નિર્ણય અને સાહસિકતાનું
અનુસરણ પુરુલીયાની હજારો છોકરીઓ કરે છે! હજારો છોકરીઓ નાની ઉમરે લગ્નનો ઇનકાર
કરીને પોતાના ભણતરનો હક માંગે છે, કાયદાની ઢાલ વાપરે છે!
અને
એક રેખા શિક્ષણની ઢાલ વાપરીને બાદ-લગ્નના દુષણ સામે અગણિત બાળકીઓને બચાવે છે!
***
શિક્ષણ-એજ્યુકેશન-ભણતર
માત્ર માર્ક્સ-ગ્રેડ-સારી નોકરી માટે જ નહિ, પરંતુ પ્રગતિશીલ વિચારો અને સામાજિક
ઉન્નતી માટે પણ જરૂરી છે!
પાંચમી
સપ્ટેમ્બરે શિક્ષક દિનની બોદી-દેખાડા પુરતી ઉજવણી કરવાની જગ્યા- શિક્ષણનું ખરું
મહત્વ પોતાની જાતને ભણાવીને પોતાના જ શિક્ષક બનીએ તો ઘણું છે!
મલાલા,
ક્કેન્યા અને રેખા જેવા ઉદાહરણો શિક્ષણની ગરિમા અને મહત્વ સાચવે સમઝે છે – અને
આપણે?
Comments