લાઈફ સફારી, પેજ ૩, વુમન ગાર્ડિયન, ગુજરાત ગાર્ડિયન ન્યુઝ પેપર |
"મૈ કભી બતલાતા નહિ, પર અંધેરેસે ડરતા હું મેં માં... તુજે સબ હે પતા... હે નાં માં... તુજે સબ હે પતા, મેરી માં...” – મોબાઈલમાં મધર્સડે સ્પેશિયલ સોન્ગ્સનું લીસ્ટ પ્લે કરીને હું મુડ બનાવવા મથી રહી છું- આવનાર મધર્સડે માટે સ્પેશિયલ આર્ટીકલ લખવા. મધર્સડે દર વર્ષે આવે છે અને આખા વિશ્વમાં ઉજવાય છે. મધર્સડે પર કદાચ ઢગલો પુસ્તકો અને અગણિત આર્ટીકલ્સ લખાયા હશે. એમાં હું નવું શું લખવાની? મારી શી વિસાત- માં કે મધર્સડે પર કઈ જુદું કે કોઈએ ન કહ્યું હોય એવું કઈ કહું કે લખું? – વિચાર માત્રથી હસવું આવ્યું. અને મેં જાતે જ મારી જાતને જવાબ આપ્યો - હું એક માં છું, એજ સૌથી મોટી લાયકાત અને વિસાત છે. મધર્સડે પર હું કઈ નવું લખીશ કે કહીશ નહિ! હું માત્ર શબ્દો દ્વારા મારી જાતને-એક માં ને જ વાચા આપીશ!
“માં” એટલે? – કોઈ પુસ્તકિયા વ્યાખ્યા નથી આપવી મારે.. મારી જ આસ-પાસ નજર
કરી મેં.. અને મને દેખાઈ - બા,માં, મમ્મી, આઈ, મોમ, મધર... કેટ-કેટલા જુદા જુદા રૂપ “માં”નાં - પહેરવેશ, સંસ્કૃતિ, સમાજ કે ભાષાને કારણે. છતાં એક અસીમ અને
સચોટ સામ્ય – “મમતા”..
***
“મોમ, મારા લેપ્પીને કોણે ટચ કર્યું? મેં કેટલી વાર નાં પાડી છે કે
મારી ગેરહાજરીમાં મારા રૂમમાં નૈ જવાનું! મેં કેટલીક જરૂરી ફાઈલ્સ ડાઉનલોડ કરવા
મુકેલી. તે સ્વીચ બંધ કરી અને મારી બધી મહેનત પાણીમાં.. મોમ, તું સાંભળે છે?
દુનિયા કયાની ક્યા નીકળી ગઈ અને તું આ સાવરણી અને કિચનની માયામાંથી કોણ જાણે
ક્યારે મુક્ત થઈશ? લાઈફમાં કુકિંગ અને ક્લીનીંગ સિવાય કરવા માટે ઘણું બધું છે મોમ!
ટેકનોલોજી કેટલી ડેવેલોપ થઇ ગઈ છે, પણ તારે કઈ શીખવું જ નથી! મોમ, યુ નો વોટ? કાલે
હું મધર્સડે પર સ્પીચ આપવાનો છુ મારી કોલેજમાં.. હું એમાં વીમેન-પાવરને હાઈ-લાઈટ
કરવાનો છુ -સ્ત્રીઓ આજે છેક ચાંદ સુધી પહોંચી છે! અરે, દરેક ફિલ્ડમાં, દરેક
કંપનીમાં ટોચ પર આજે સ્ત્રીઓ છે! વિશ્વના વિકાસમાં સ્ત્રીઓનો ફાળો અગ્રીમ છે! તે
સુનીતા વિલિયમ્સનું નામ સાંભળ્યું છે? ફરગેટ ઇટ- તને શું ખબર? તું તો બસ આ સાવરણી
અને તાબેથાવાળી દુનિયામાં જ ખુશ છે.” – સુપુત્ર એક હાથમાં મોબાઈલ અને બીજા હાથમાં લેપ્પી લઈને આંગણામાં
પ્રગટ થયો અને મોમને ગ્લોબલ જ્ઞાન આપી રહ્યો.
સવાર સવારમાં વાસી
કચરો વાળી ઘરને સ્વચ્છ રાખવાની આદતવશ એ સુપુત્રની મોમ આંગણું સ્વચ્છ કરી રહી હતી.
કેટલાય વર્ષોથી અજવાળું થાય એ પહેલા ઉઠી જવું, બધા જાગે એ પહેલા-આંગણું અને આખું
ઘર સ્વચ્છ-સુઘડ કરી દેવું, પરિવાર માટે સ્વાસ્થ્યવર્ધક – રુચિકર અને સ્વાદિષ્ટ
ભોજન બનાવવું, સામાજિક પ્રસંગોમાં અને લાગણીના વ્યહવારમાં પણ અગ્રેસર રહેવું –
કેટલું બધું સચોટ, સમયસર અને આયોજનબદ્ધ રીતે કરી શકે છે એની મોમ..
વિશ્વના વિકાસમાં
સ્ત્રીઓનો અગ્રીમ ફાળો કદાચ સુ-શિક્ષિત સુપુત્રને પુસ્તકોમાં કે ઇન્ટરનેટપર
વાંચીને સમ્ઝાયો હશે.. પણ પોતાના અને પોતાના કુટુંબના વિકાસમાં પોતાની માંનો ફાળો અને
બલિદાન કદાચ એને ક્યારેય નહિ સમઝાય- કેમકે મમતા અને પ્રેમના પ્રદાનનાં રીપોર્ટ નથી હોતા અને પરિવારને
સમર્પિત કરેલા વર્ષોનાં હિસાબની બેલેન્સશીટ નથી હોતી..
હું અનિમેષ નજરે જોઈ
રહી પુત્ર અને પરિવારને સમર્પિત માંનો પ્રેમ.
***
“મીઠ્ઠી, આજે ફરી લંચ બોક્સ ઘરે ભૂલી નાં જતી! અને સ્કુલેથી આવીને
મેઇડને ઉપરનો ફ્લોર ક્લીનીંગ માટે ખોલી આપજે. અને હા, ટાઈમ પર હોમ વર્ક કરી લેજે.
પાપા ને કદાચ આજે મીટીંગ છે તો લેઈટ થશે- સાંજે હું તને ડાન્સ ક્લાસમાં લઇ જઈશ. અને
આજે સાંજે હું તારા સાયન્સ પ્રોજેક્ટનું મટીરીયલ લઇ આવીશ. આ વીકએન્ડમાં આપણે ફિનિશ
કરી દઈશું. આઈ એમ ગેટીંગ લેઈટ, કઈ કામ હોય તો કોલ કરજે. લવ યુ સ્વીટી પાઈ!” – એક્ટીવા સ્ટાર્ટ કરી, ઉતાવળમાં એક બીજા પ્રકારની મોમ પોતાની
સ્વીટહાર્ટ ડોટરને રોજીંદી સુચનાઓ આપી રહી.
“મોમ, ઇનફ- મને યાદ છે – ડુઝ અને ડોન્ટસ... અને આખી સોસાયટીમાં બધાને
હવે બાય હાર્ટ છે! પ્લીઝ ડોન્ટ વેસ્ટ યોર પ્રેશિયસ ટાઈમ! જાઓ તમારા વગર તમારી ઓફીસ
બંધ થઇ જશે! ”
– હજુ માંડ ટીન-એજમાં પ્રવેશેલી મીઠ્ઠી મોમ પર તીખા શબ્દો વરસાવી રહી.
“મીઠ્ઠી, યુ નો ઇટ. આજે કોન્ફરન્સ છે, મારે થોડું વહેલા જવું પડશે.
વ્હાય ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ - ડેડની જેમ જ મારે પણ ઓફીસ, કામ અને કમીટમેન્ટસ હોય!
ડેડ લેટ આવે કે જલ્દી જાય ત્યારે તો તું મોઢું નથી ચઢાવતી! નાવ બી અ ગુડ ગર્લ એન્ડ
સ્માઈલ!”- એક્ટીવા બંધ કરી, ઉતાવળ હોવા છતાં મોમ પોતાની લાડલીને સમઝાવી રહી,
લાડ લડાવી રહી.
“બધાના ડેડ ઓફિસે જાય- ઈટ્સ
નોટ બીગ ડીલ! પણ યુ આર મોમ – આઈ નીડ યુ એટ હોમ. હું જયારે સ્કુલે જવા નીકળું અને
જ્યારે સ્કુલેથી પાછી આવું, મને તું ઘરે જોઈએ! બધાની મોમ રોજ ગરમ નાસ્તો બનાવે,
લંચ અને ડીનરમાં પણ કઈ વેરાઈટી જ હોય. મને પણ એવી મોમ જોઈએ. સાયન્સ પ્રોજેક્ટ માટે
કે ડાન્સ ક્લાસમાં અને બીજે લાવવા લઇ જવા ડેડ છે! મને નોર્મલ મોમ જોઈએ છે- કિચન
અને કિડ્સ સાથે ટાઈમ સ્પેન્ડ કરે એવી.”- મીઠ્ઠી એક એક શબ્દ
વિચારીને બોલી રહી.
મીઠ્ઠીની મોમ ભીની
આંખે પોતાની હાર સ્વીકારી રહી- પોતાની જ પુત્રી દ્વારા ભેટ કરાયેલી હાર... નોર્મલ
નાં હોવાની હાર..
કદાચ એ એબ-નોર્મલ
મોમની સવાર- સવારે ચાર કે પાંચ વાગે પડી જાય છે. પરિવાર અને કેરીયરને બેલેન્સ
કરવાની લ્હાયમાં પોતાના સ્વાસ્થ્ય માટે ક્યારેય સમય નાં કાઢી શકનાર આ એબનોર્મલ
મોમ, વહેલી સવારે પરિવાર માટે ગરમ આરોગ્યપ્રદ નાસ્તો અને ફૂલ ડીશ સ્વાદિષ્ટ ભોજન
બનાવવાનું ક્યારેક જ ચુકે છે! કામવાળીબાઈ
રજા પર હોય ત્યારે આ એબનોર્મલ મોમ ડબલ શીફ્ટ કરે છે! રજાના દિવસે આ એબનોર્મલ મોમ
-પરિવાર સાથે ટાઈમ સ્પેન્ડ નાં કરી શકવાના ગીલ્ટફીલ નાં કારણે, આરામ કરવાની જગ્યાએ
કુકિંગ અને ક્લીનીંગમાં રચી પચી રહે છે-
જે કોઈ નોટીસ સુદ્ધાં કરતુ નથી! આ એબનોર્મલ મોમની સેલેરીની સાથે સમય પણ પરિવારમાટે
જ સમર્પિત થાય છે- પરંતુ છતાં એ હારી જાય છે - નોર્મલ મોમ ના હોવાના કારણે!
ભીની આંખે હું જોઈ
રહી નોર્મલ રૂટીન, એક એબનોર્મલ મોમનું!
***
“મોમ, આ મધર્સડે શું હોય? મારા ટીચર કહેતા હતા કે કાલે મધર્સ ડે છે.”- મારી ટેણી એની નાની ઢીંગલી સાથે મમ્મી-મમ્મી રમતા મને પૂછી રહી.
“બેબુ, મધર્સડે એટલે એક દિવસ મોમને આઈ લવ યુ મોમ - યુ આર ધ બેસ્ટ મોમ
ઇન ધ વર્લ્ડ- માં તે માં, બીજા બધા વગડાનાં વા- એવું બધું સારું સારું કહીને મોમને
ખુશ કરી, પરાણે મહાન બનાવી- ભગવાનનું લેબલ લગાવી, બાકીનું આખું વર્ષ એની પાસે
બલિદાન, સમર્પણ અને વેઠ કરવવાની પરમીટ આપતો દિવસ!”- કડવાશ સાથે હું બોલી ગઈ.
***
મધર, મોમ, આઈ, માતા,
બા- ઇન શોર્ટ “માં” હોઉં એક ઈશ્વરીય અનુભૂતિ છે, છતાં માં ને ઈશ્વર બનાવી દેવું એ એની
સાથે થતો અન્યાય છે. માતાને ઈશ્વર સમક્ષ ગણીને કે ભગવાનનું બિરુદ આપીને આપણે એનો
મનુષ્ય હોવાનો, માનવસહજ ભૂલ કરવાનો, પોતાની ઈચ્છા મુજબ જીવવાનો કે સપના જોવાનો
અધિકાર પણ છીનવી લઈએ છે. અને મહાન કે ભગવાન બનાવીને એના પર લાદી દઈએ છે ફરજોનું લાંબુ
લીસ્ટ અને ત્યાગ - બલિદાનનું કમ્પ્લ્ઝ્ન!
આવો આ મધર્સડે પર
ઠાલા મધર્સડેનાં કાર્ડ, ફોર્વર્ડેડ એસ.એમ.એસ કે ફેસબુક નાં ફેક સ્ટેટ્સ અપડેટ
કરવાની જગ્યા એ આપીએ મોમ ને એક ભેટ- વ્યક્તિ સ્વાતંત્રની! “માં” હોવા છતાં એ પોતાની લાઈફ
ખુલીને-દિલથી જીવી શકે એવી મોકળાશ આપીએ મોમને! આઈ લાવ યુ મોમ કે યુ આર ધ બેસ્ટ મોમ
ઇન ધ વલ્ડ કહેવાની જગ્યાએ, ગુમાવેલા વર્ષો કે પરિવાર માટે તોડેલા સપનાઓમાંથી જે
શક્ય હોય એ મોમને પાછુ આપીએ!
આવો ઉજવીએ આ મધર્સડે
– માનવીયતાથી, માં ને ભગવાન નહિ હ્યુમન ગણીને!
Comments