"ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ આઈ એમ ટોકિંગ ટુ માય ડેડ . ગીવ મી સ્પેસ એન્ડ પ્લીઝ લીવ ફ્રોમ હિઅર ."- આંખો થઇ શકે એટલી મોટી કરીને , ફેસ પર ગુસ્સા નો લાલ રંગ થોપી ને, અવાજ ની પીચ એકદમ હાઈ કરીને મેં કહ્યું , ખખડાવ્યા એમને।।।
એમને એટલે - નામ શું ખબર ? લાસ્ટ 20 મીનીટસ થી હું ડેડ સાથે વાત કરવા એમની રાહ જોઉં છું અને આ અજનબી ક્યારનો મને સ્ટેર કરી રહ્યો છે, જાણું છું હું।
જો બીજી કોઈ જગા એ , બીજા કોઈ પ્રસંગે આ ગુસ્તાખી કોઈએ કરી હોત , તો સુરતી શ્લોક કે એક ટાઈટ સ્લેપ થી જ જવાબ આપ્યો હોત!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"પપ્પા , કેટલું મોડું કર્યું તમે ? "- કદાચ ગુસ્સા નો પારો ઉપર જ હતો। પણ હવે પપ્પા આવી ગયા એટલે - હું ને મારા પ્રોબ્લેમ્સ બધું સોર્ટ થઇ જશે!
"મોડું કર્યું ? મને તો એમ કે તું કમ્પ્લેન કરવા આવી છે કે પપ્પા કેમ આટલી ઉતાવળ કરી? "- પપ્પા હસી રહ્યા, પેલી જલારામબાપા ની મૂર્તિ જેમ મંદ મંદ હસે છે ને તેમ જ!
"હા એ કમ્પ્લેન તો આખી જિંદગી ની જ છે ! છેલ્લા 3 વર્ષ થી કરું છું , પણ તમે ક્યાં સાંભળો છો! આજે પણ આમ દાદાગીરી કરીને નાં બોલાવ્યા હોત તો ...." - કમ્પ્લેન પર કમ્પ્લેન કરતી હું , પાપા સાથેની કીમતી ક્ષણો વેડફી રહી છું એ સમઝાય એ પહેલા તો........
"એ પણ છે જ તો! પણ સમય નો અભાવ બેટા તને જ રહ્યો છે , પહેલા પણ અને અત્યારે પણ! જોને હું બીમાર હતો ત્યારે પણ તેં વેકેશન માં આવીશ નાં વાયદા કર્યા , અને તારા એ વાયદા તું પુરા કરે એ પહેલા મારી સફર શરુ થઇ ગઈ! અને મેં તો તને ત્યારે પણ કમ્લેન નથી જ કરી કે બેટા તું સહેજ જ લેઈટ થઇ ગઈ .... હું બસ જોઈ રહ્યો એ ખુલ્લા દરવાજા સામે , તું આવી પણ ખરી પણ .... "- હું અને પપ્પા જોઈ રહ્યા એકબીજાની સામે ...... આંસુ , શબ્દો અને ફરિયાદો પણ ક્યારેક કેટલા મીઠા લાગે છે !
"ચલ હવે આમ મોઢું ના ચઢાવ ... તારા જ મોઢું ચઢાવના ગુણ હીર માં પણ આવ્યા છે ! " - પપ્પા માથા માં હાથ ફેરવી મારા આંસુ ઓ ને નીચી નજરે ટોકી રહ્યા , એમની ગેર હાજરી માં અગણિત વાર મારી આંખો ને ભીની કરવા ...
"પપ્પા , તમે પણ? બધા જ મને આમ જ કહે છે , કે હીર માં મારા જ ગુણો આવ્યા છે ...પણ મને દિલ થી એવી ઈચ્છા છે કે હીર મારા જેવી બિલકુલ નાં જ થાય! "- પાપા ના ખભે માથું નાખી ને હું જાણે 8-10 વર્ષ ની વેલવેટ નું ઘૂંટણ સુધી નું ફ્રોક પહેરતી, કારણ વગર ચપ ચપ કરતી, ગોલુ મોલુ, ભૂમિકા બની ગઈ!
"પપ્પા , ક્યાં ચાલ્યા ?" - પપ્પા જાણે સાચેજ ગુસ્સે થઇ ગયા હોય એમ, મારી જ સ્ટાઈલ માં છણકો કરી ઉભા થયા ...
"તારે આવી વાતો કરવી હોય તો મારે વાત નથી કરવી ... "- મારી સામે જોયા વગર જ બોલ્યા પપ્પા ... ખબર ને એમને કે મારી સામે જોઇલે, તો ગુસ્સો કરવાની એમની તાકાત જ નથી!
"મેં એવું કઈ તો નથી જ કીધું ને! " - હું રીવાઈન્ડ કરી રહી , મારા ને મારા શબ્દો ને , વાક્યો ને .... અને વિચારી રહી - કાશ આમ વીતેલી ક્ષણો - ગમતી પળો પણ રીવાઈન્ડ કરી ને ફરી જીવી શકાતી હોત ... તો ...
" મારી સામે એમ બોલવાની તારી હિંમત જ કેમ થઇ કે- હીર ને મારે મારા જેવી નથી જ થવા દેવી ... તું જે છે , તને એ બનાવામાં મેં મારી જિંદગી , સપના અને સંવેદનાઓ સીંચ્યા છે ... તું આમ કહીને મારી માવજત અને પરવરીશ પર સવાલ કરે છે! "- પપ્પા મારા હાથ ને એમના હાથ માં લઇ , હાલ માં જ ભાખરી કરતા દાઝી ગઈ હતી ત્યાં પસવારી રહ્યા!
કદાચ ઘણા બધા ઘા માત્ર ને માત્ર પપ્પા ને જ દેખાય છે , છુપાવાના લાખ પ્રયત્નો પછી પણ!
"પપ્પા , મેં તમારા પેરેન્ટિંગ પર નહિ મારા પોતાના હોવાપણા પર સવાલ કર્યો છે! તમને આખી જિંદગી મારા પર ગર્વ રહ્યો છે ! પણ કદાચ દરેક પિતાને પોતાની દીકરી કે દીકરા માટે હોઈજ શકે એવી સાહજિક ફીલિંગ છે એ પપ્પા ... "- આંખો નીચી કરી ને બોલાયેલા દરેક શબ્દો મારા દ્વારા બોલાયેલા "બીજા કોઈકના " જ શબ્દો છે - એવું પપ્પા ક્યાં નથી જાણતા!
"સારું એમ રાખ ... હવે વાત કર કે હીર ને તારે તારા જેવી નહિ જ તો-કેવી બનાવવી છે ? " - પપ્પા જાણે મારો ઈન્ટરવ્યું લેતા હોય એમ પૂછી રહ્યા ...
"પપ્પા , મારી હીર ને એકદમ સામાન્ય છોકરી જેવી બનાવવી છે। જે ઢીંગલીઓ થી જ રમે .. જે એના ઘેર મેહમાન આવે તો હોમવર્ક કરવાનું બાજુ પર મૂકી ને પાણી નો ગ્લાસ ભરવા જાય .. જે સ્ટડીઝ, પ્રોજેક્ટ વર્ક ને સાયંસ કોમ્પીટીશન કરતા કિચન, કુકરી શો અને રેસેપી કોમ્પીટીશન માં રસ વધુ લે ...
જે ઘરમાં બેસી વિવિધ સાહિત્યિક બુક્સ વાંચવામાં સમય નાં વેડફે અને ઘરના ઓટલે બેસી કિચન પોલીટીક્સ , સોસાયટી સમાચાર અને ફેશન-બ્યુટી ટીપ્સ ને એન્જોય કરી શકે .. જે પોતાનું દિમાગ માત્ર ને માત્ર પિતા, પતિ કે ઘરવાળા ની મરજી અને ઈચ્છા જેટલું જ ચલાવે અને જે સપના જોતા પહેલા પણ પરિવાર ની પરમીશન અચૂક લે - એવી ... ઇન શોર્ટ સુંદર, સુશીલ સંસ્કારી , ઘર રખ્ખું આદર્શ ભારતીય નારી ! " - એક એક શબ્દ બોલતા સરી પડેલો એક એક આંસુ , એ એક એક એચીવમેન્ટ હતી જે મેં રાત-દિવસ મહેનત અને ઉજાગરા કરીને મેળવ્યા હતા- અને જેના માટે પપ્પા ને આજીવન ગર્વ રહ્યું ...
વહી ગયું સઘળું ... શબ્દો બની ને , આંસુ માં ..
"હા હા હા ..." - પપ્પા અણધાર્યું અટ્ટહાસ્ય કરીને બોલ્યા - " તું જેમ કહે છે એમ તો હીર ક્યારેય નાં જ બની શકે .. .તે કોઈ દિવસ ગુલાબ ના છોડમાં ધતુરા ના ફૂલ જોયા છે ? હીર જે બીબા માં પોષાઈ છે -જન્મતા પહેલા અને પછી પણ , એ બીબા ની અસર અને આકાર તો તું કેમ છોડાવીશ ? અને સાચેજ તારા દિલ ને પૂછ - શું સાચે તને તારા ઉછેર કે તારા તું જે છે એવી હોવા પર એટલો સંકોચ છે ? નાં જ હોઈ શકે, હું જાણું છું તને! આ માત્ર તારી જગ્દોજહેદ છે , તારા માં રહેલા એ "જુદા-નોખા " અસ્તિત્વ નો સરખા અને સ્વજનો નાં અસ્વીકાર સામે અને તને ગમતીએ સહેજ "જુદી દિશાઓ " માં જતી તને રોકવા , અને ઘેંટાઢાળ માં તને દોરવા ખેંચેલી સીમાઓ સામે! " પપ્પા નો બોલાયેલો એક એક શબ્દ જાણે બરફ બનીને એ બળતરા અને આક્રોશ ને ઠારી રહ્યો જે એમના જવા પછી જ કદાચ મારા પર હાવી થઇ શક્યો છે!
"જવા પછી ..... ? " - કેટલાક શબ્દો વિચારવાથી પણ થાક લાગે, ભાર લાગે!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
" બેન , તમારી તબિયત તો ઠીક છે ને ? તમારી સાથે કોઈ છે , કોઈને બોલાવું ? " - હજુ થોડી વાર પહેલા મેં જેને ડરાવી અને ખખડાવી ને ભગાવ્યો હતો એ જ ચોકીદાર એકદમ માયાળુ અવાજે કહી રહ્યો ... કદાચ એ પણ સમઝી ગયો કે ...
" ના, હું ઠીક છું . હા, હવે ઠીક છું કદાચ ... અને મારી સાથે કોઈ નથી હવે ... જે હતા એમને અહી જ તો ... " - મારા શબ્દો માં વર્તાતી સ્વસ્થતા કે મારા ચહેરા પર દેખાતી શાંતિ કદાચ એ ચોકીદાર ને મુંઝાવી ગઈ ...
બહાર નીકળતા - "વડી-વાડી સ્મશાન ગૃહ " - નામ વાંચી ને હું અનાયાસે હસી પડી।
કોણ જાણે હવે વાર ક્યા શોધીશ તમને પપ્પા .....
કોણ જાણે ક્યા સુધી આ -શોધવું , મળવું અને ફરી ખોવાઈ જવું ....
Comments
"શોધવું , મળવું અને ફરી ખોવાઈ જવું ...."
It was grt...
"શોધવું , મળવું અને ફરી ખોવાઈ જવું ...."
It was grt...