***
રાતની
ખામોશી અને મેસ્મરાઈઝ કરે એવું મ્યુઝિક- દિલની ખુશીના કારણો નાના અને એકદમ સિમ્પલ
છે! આખા દિવસની દોડ-ધામ પછી પોતાની જાતને પેમ્પર કરવાની આ સ્પેશિયલ મુમેન્ટસમાં પણ
આજે તમે મહિનાના બજેટની રુક્ષ ગણતરી હાથમાં લઈને બેઠા છો! આમ જોવા જઈએ તો તમારી
અને પતિદેવની કમાણી સારી એવી છે પરંતુ બંને બાળકો મોટા થવાની સાથે એમની માંગણીઓ
અને એમના ભવિષ્યની ચિંતા પણ મોટી થતી જાય છે. દર મહિને તમે બચત કરવાના નુસ્ખાઓ
અપનાવવા મથો છો, ભોગે
પરિવારને સારી જીવનશૈલીની સાથે સુરક્ષિત અને સમૃદ્ધ ભવિષ્ય આપવા! અને એ પરિવાર
માટે કસર કરવામાં ધીમે ધીમે પરિવારના અણગમતા બનતા જાઓ છો. આજે જ ડીનર ટેબલ પર
નવી ફરમાઈશોનું બીલ તમે રીજેક્ટ દીધું એટલે પતિદેવ સહીત બંને બાળકો
વિપક્ષના સભ્યોની જેમ મોઢું ચઢાવીને બેસી ગયા. મોટેભાગે પરિવારની ફરમાઈશો
તમે મોડે મોડે પણ પૂરી થાય એ ધ્યાન રાખો જ છો પણ પ્લાનિંગની બહાર તો નહિ જ! અને
કદાચ એટલે જ આજે પતિદેવે પણ તમારા આ રુક્ષ અને રીજીડ ફાઈનાન્શિયલ પ્લાનિંગ સામે
નારાજગી દર્શાવી છે. તમે જાતને જ પૂછી ગયા કે- શું સાચે
તમે પરિવારની ઇચ્છાઓ અને સપનાઓને બચતની લ્હાયમાં હોમી રહ્યા છો? અને અચાનક તમારું ધ્યાન ક્યારના તમને કંપની આપી
રહેલી મ્યુઝીક ચેનલ પર અનાયાસે વાગી ગયેલા ગીતના શબ્દો પર જાય છે!
“અગર કહી
એક દુકાન હોતી, જહાં પે મિલતે હસીન સપને...
મેં
સારે સપને ખરીદ લાતા, તુમ્હારી
પલકોપે મેં સજતા...
મગર
ક્યાં કરું મેં કે યે જનતા હું.. સપને મિલતે નહિ એસે.. ખર્ચ તુમ પર કરું કેસે!
યે
જો થોડે સે હેં પૈસે .. ખર્ચ તુમ પર કરું કેસે...” – તમે આ નિર્દોષ શબ્દો અને એના દ્વારા વ્યક્ત
થયેલી નાજુક અને પ્રેમાળ લાગણીઓ પર ઓવારી ગયા. અને આ મહીને તમે એક નવો પ્રયોગ
કરવાનું નક્કી કર્યું - રૂપિયાની વેલ્યુ ખુશીઓમાં ઇવેલ્યુએટ કરવાનો!
***
સવાર
આજે એક હળવાશ સાથે ઉગી છે, કદાચ
બંધન વગર મુક્તિમાં જીવવાની ફિલ હશે! આંકડાઓમાં પરિવાર સાથે તમે પણ તો બંધાયેલા છો
જ ને!
સવારે
ચા અને નાશ્તા સાથે પરિવારને એમને ગમતી એક એવી ખ્વાહીશ-શોખ-ઈચ્છા પૂછો છો.
સૌથી
પહેલા તમારી મિસ. એટ્ટીટ્યુડ દીકરી પોતાની ફરમાઈશ રજુ કરે છે- મહિનામાં મીનીમમ એક
મુવી પરિવાર સાથે જોવાની.. મોટેભાગે આજકાલની મુવીસ સારી હોતી નથી અથવા પરિવાર સાથે
જોવા જેવી હોતી નથી એમ
તમે માની લીધું છે અને તેથી જ દીકરીની માંગણી કાયમ તમે નકારતા આવ્યા છો. આવતા
મહીને ચેનલ પર આવીજ જશે ત્યારે જોઈ લેજે, એમાં ત્રણ કલાક
બેસીને ટાઈમ પાસ કરવામાં પૈસા બગાડાય નહિ -
એ કાયમ તમારો પેટન્ટ ડાયલોગ રહ્યો છે!
ધીરેકથી
તમારો ગેજેટ ફ્રિક દીકરો એના નેચરથી એકદમ અલગ ફરમાઈશ રજુ કરે છે- ઘરના આંગણામાં એક નાનોસો
બગીચો બનાવવા મંથલી થોડું બજેટ ફાળવવાની. ગાર્ડનીંગ વિશેષ કાળજી અને માવજત માંગી
લે અને એ માટે ટાઈમ કોની પાસે છે? આતો પૈસા ખર્ચીને ઘરમાં
મચ્છર અને જીવાત ઘુસાડવાની વાત છે- એમ કહી તમે હમેશા દીકરાને આજ સુધી ચુપ કરાવ્યો
છે.
અને
છેલ્લે પતિદેવ એમની વર્ષો જૂની તમન્ના રજુ કરે છે- ઘરમાં નાનીસી લાઈબ્રેરી
બનાવવાની અને દર મહીને અલગથી બુક-બજેટ ફાળવવાની. તમે પોતે હાર્ડ-કોર રીડર છો પણ
લાઈબ્રેરીમાંથી મેમ્બરશીપ લઈને ઢગલો બુક્સ વાંચવા મળતી હોય તો ખોટા ખર્ચા કરીને
ઘરમાં ખૂણા ભરવાની શી જરૂર છે -એમ તમે કહેતા આવ્યા છો!
આજે
તમે બધાને એક મહિના માટે ગમતું કરવાની આઝાદી આપી છે એટલે અંદરથી કોઈક બોલી ઉઠ્યું
મેરા નંબર કબ આયેગા? તમને
માળીયે પડેલા બ્રશ અને કેનવાસ યાદ આવ્યા- જે તમે ટાઈમ
અને મની વેસ્ટ સમઝીને ઠેકાણે પાડી દીધા હતા.
ચા-નાશ્તાને
ન્યાય આપીને તમે ફરમાઈશો માટે જરૂરી ગોઠવણ કરવામાં ગૂંથાઈ જાઓ છો અને આ બદલાવની
સાથે વગર પૈસે મોટ્ટી મુસ્કાન બધાના ચહેરા પર જોઈ રહો છો..
***
આખું
અઠવાડિયું નક્કી કરેલી ઈચ્છા-પૂર્તિ અભિયાન પૂરું કરવામાં નીકળી જાય છે.
પતિદેવ
માટે એક નાનું સરખું બુક શેલ્ફ બેડરૂમની બાલ્કની પાસેના
કોર્નરમાં ગોઠવાઈ જાય છે. અને શેલ્ફમાં મુકવા તમે પતિદેવને સરપ્રાઈઝ ગીફ્ટ કરો છો- પી.એસ.આઈ લવ યુ- બુક. પતિદેવ એક હાથમાં બુક લઈને સહેજ બીજી
તરફ જોઈ જાય છે, કદાચ આંખોથી છલકેલી ખુશીની ભીનાશ છુપાવવા. અને પોતાના સ્વભાતથી વિરુદ્ધ બાળકોની સામે પતિદેવ તમને એક
ટાઈટ હગ આપે છે - ગીફ્ટ કે બુક શેલ્ફ માટે નહિ પરંતુ એમના સપના અને શોખને સમઝવા
કદાચ!
એક
બુક-શેલ્ફના આવવાથી જાણે બેડરૂમનો એ ખૂણો વધુ હુંફાળો થઇ ગયો હોય એમ લાગે છે.
આજ-કાલ ઘણી વાર થાકેલા હોવા છતાં,
મોડી રાત સુધી તમે અને પતિદેવ એ બુક-શેલ્ફ પાસે ગોષ્ઠી માંડો છો.
અને વર્ષો પહેલા કોલેજમાં કરતા એવીજ ચર્ચાઓ- પ્રિય
લેખકોની, ગમતા લખાણની, કવિતાના
અર્થ-વિસ્તારની - જાણે તમારા બીઝી શિડ્યુલમાં ખોરવાઈ
ગયેલા અને ટેક્ન ફોર ગ્રાન્ટેડ લેવાઈ ગયેલા પ્રેમને નવપલ્લિત કરી દે છે..
તમે
આંકવા મથો છો
આ સંવાદિતા, સંતોષ, પ્રેમ, સમઝણ અને ખુશીનું મુલ્ય - પણ તમારી માનસિક
ગણતરીઓ ખોટકાઈ જાય છે.
***
દીકરાના
ગાર્ડન માટે આગળના વરંડામાં નાનકડા ભાગમાંથી ટાઈલ્સ કઢાવી છે.. અને બીજું કઈ કરવું
જ નથી પડ્યું તમારે.. દીકરાને ખીલતા અને ઉગતા જોવા સિવાય.
કાયમ
લેપટોપ, ટેબ્લેટ
કે સ્માર્ટફોનમાં ખોવાયેલો રહેતો તમારો પ્રિન્સ ચાર્મિંગ ગાર્ડનીંગ કરતા વેશમાં કૈક
વધારે જ હેન્ડસમ લાગે છે! તમે ફાળવેલી નાની સરખી
રકમમાંથી તમારા દીકરાએ જાણે એની નાનીસી દુનિયા બનાવી છે- નાના છોડવાઓની. સવારે
જેને ઉઠાડવા તમારે ભારે કસરત કરવી પડતી હતી એ દીકરો તમે ઉઠો એ પહેલાતો બગીચામાં
એના મિત્રોને-એટલેકે પ્લાન્ટ્સને પાણી આપતો, ખાતર સીંચતો
જોવા મળે છે.. જાણે મશીનની નિર્જીવ દુનિયાથી મુક્ત થઈને પોતાની દુનિયામાં ખીલી
ઉઠ્યો હોય એમ!
જેના
ફોનમાં દર પાંચ મીનીટે આવતા એની ગર્લ ફ્રેન્ડસના કોલ્સ કે મેસેજ તમારું બી.પી. હાઈ કરતા હતા,
એ જ દીકરા અને એની નવી ગર્લ-ફ્રેન્ડસ એટલેકે એના પ્લાન્ટ્સ સાથે તમે
રોજ સાંજે ચા પીઓ છો- એ પણ ખુશીખુશી.
મોડી
રાત સુધી લાઉડ મ્યુઝીક સંભાળતો તમારો રોકસ્ટાર દીકરો હવે એના ગાર્ડનમાં રાતે
રોક-જાઝ-ક્લાસિકલ મ્યુઝીકની મહેફિલ જમાવે છે.. મ્યુઝીક થેરાપીથી પ્લાન્ટસના હેલ્થી
વિકાસ કરવા જતા તમારા દીકરાએ તમને અને તમારા શાંત-બોરિંગ ઘરને જરૂરથી લાઈવ કરી
દીધું છે.
એક
નાના સરખા ગાર્ડન અને ગણતરીના પ્લાન્ટ્સના કારણે તમારા દીકરામાં આવેલા આટલા બધા
પોઝીટીવ બદલાવો અને એના ચહેરા પર ખીલી ઉઠેલા તેજ-ખુશી અને ખુમારીની કેટલી કીમત
આંકી શકશો તમે?
***
આજે
સેટરડે નાઈટ છે, અરસા
પછી તમારું આખું કુટુંબ એક સાથે મુવી જોવા આવ્યું છે. તમારી દીકરીએ એડવાન્સ બુકિંગ
કરાવી દીધું છે.
તમારી
પઢાકુ દીકરીએ સિલેક્ટ કરેલું ક્લાસિકલ બોલીવુડ મુવી-હાઈવે તમને
એનો મુવી-પ્રેમ અને ટેસ્ટ બંને માટે પ્રાઉડ ફિલ કરાવે
છે. ત્રણ કલાક તમે અને આખો પરિવાર બધું જ ભૂલીને ઈમ્તિયાઝ અલીએ સર્જેલી દુનિયામાં
પહોંચી જાઓ છો. આઝાદીનો એક અલગ જ અર્થ આ મુવી તમને સમઝાવી જાય છે અને સાથે
સબ-કોન્શિયસ માઈન્ડમાં છપાઈ ઘણી બધી મુવી-મુમેન્ટસ. તમે થોડી થોડી વારે બાજુમાં
બેઠેલી તમારી દીકરીને જોઈ રહો છો, જાણે એ મૂવીનું એક કેરેક્ટ છે એટલી તન્મયતાથી એ મુવીને ત્રણ કલાકમાં જીવી
જાય છે. એક ફિલ્મ જોવા માત્રથી તમને સૌને મળેલી ઢગલો મઝાની સહિયારી પળો, દીકરીની એ ભાવભીની ચમકતી આંખો, સ્ક્રીન પર સીન બદલાતા સાથે જ બદલાતા એના
ઈમોશન્સ અને મુવી જોયા પછી કેટલાય દિવસો સુધી દીકરીએ
માણેલો એનો કેફ- દુનિયાની કઈ કરન્સીમાં એનો હિસાબ મળશે?
***
દીકરાના
ગાર્ડનની સામે જ ઓટલા પર આજકાલ વિકએન્ડમાં તમે કેનવાસ પર ઉતારો છો તમારા અંદરના
રંગો.. એક પત્ની, માં,
વહુ કે પ્રોફેશનલ વ્યક્તિના ભારથી દબાઈ ગયા હતા એ અગણિત રંગો અને
કલ્પનાઓ શનિ-રવિમાં તમારા
ભાવ-વિશ્વમાંથી રજા લઈને સફેદ કેનવાસને મેઘધનુશી બનાવી દે છે..
તમે
કદાચ પ્રોફેશનલસ જેવું સુંદર ચિત્ર નથી બનાવી શકતા પણ રંગો અને કેનવાસમાં તમે
જ્યારે પણ ખોવાઈ જાઓ છો ત્યારે એક અલગ સંતૃપ્તિ-પૂર્ણતા અને આનંદ અંદર બધેજ છવાઈ
જાય છે..
કાયમ
ખર્ચા અને બચતની ગણતરીમાં રહેતા
તમે આજકાલ 500 અને 1000ની નોટમાં પણ
કિમતની જગ્યાએ એના રંગો અને છાપ નોટીસ કરો છો..
જોબ, પરિવાર સાથે હવે તમે પોતાની
જાતને પણ પ્રાયોરીટી અને પ્રેમ આપો છો..
વર્ષોથી
ક્યાંક ખોવાયેલી પોતાની જાતને શોધી એની સાથે દિલો-જાન દોસ્તી કરાવનાર પેશન-હોબીને
તમે ખર્ચો ગણશો કે બચત?
***
લાઈફમાં
ફાઈનાન્શિયલ પ્લાનીંગ ખુબ જ જરૂરી છે.. પણ પ્રેમ, લાગણીઓ, સંતોષ, હુંફ, સ્મિત- એવી
જણસ છે જે કોઈ પ્લાનીંગથી કમાઈ શકાતી નથી!
યે
જવાની હેં દીવાની મુવીમાં ખુબ સચોટ કહ્યું છે – વક્ત રુકતા નહી, બીત જતા હેં.. ઓર
હમ ખર્ચ હો જાતે હેં!
આ
અનમોલ જીન્દગી આખે-આખી જો રૂપિયા કમાવવામાં જ ખર્ચી નાખીશું તો એને મન ભરીને જીવવા
અને ગમતું બધું જ કરવા- ઇચ્છાઓ-સપના-પેશન પુરા કરવા- શું ઉધારની જીન્દગી લઈશું?
Comments